ગોપાલ ઈટાલિયા 'આપ'માં ગુજરાત બહાર : રાષ્ટ્રીય સંગઠનમાં પદોન્નતિ કે પતન?

ઇમેજ સ્રોત, Facebook / Gopal Italiya / Isudan Gadhvi
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર રહેલા ઈસુદાન ગઢવીને ગુજરાત આપના પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 12.92 ટકા મત શૅર મળ્યો હતો.
આ સાથે જ પાર્ટીએ પાંચ બેઠકો સાથે ગુજરાતમાં ખાતું પણ ખોલાવ્યું હતું. જોકે, અગાઉ પાર્ટીના નેતાઓએ કરેલા ‘સરકાર બનાવાના દાવા પોકળ સાબિત થયા હતા.’
વિધાનસભાની ચૂંટણી સમયે પ્રદેશાધ્યક્ષ રહેલા ગોપાલ ઈટાલિયાને પાર્ટીના સંગઠનમાં તાજેતરમાં થયેલા બદલાવ બાદ રાષ્ટ્રીય ટીમમાં જગ્યા આપીને નેશનલ જૉઇન્ટ સેક્રેટરી અને સાથે મહારાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના પ્રભારી બનાવાયા છે.
એટલે કે જે હોદ્દો પહેલા ઈસુદાન ગઢવીનો હતો તે હોદ્દો ઈટાલિયાને મળ્યો છે અને જે હોદ્દો ઈટાલિયાનો હતો તે હોદ્દો હવે ઈસુદાન ગઢવીને મળ્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ આપના પ્રદેશ માળખામાં મોટા ફેરફારની સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી.
જોકે જાણકારો કહે છે કે જે પ્રકારે સંગઠનમાં ફેરફાર થયા છે તે જોતાં લાગે છે કે પાર્ટીએ હાર માટે ગોપાલ ઈટાલિયાને જવાબદાર ઠેરવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે આમ આદમી પાર્ટી આ વાતને રદિયો આપે છે.

ગોપાલ ઈટાલિયાને હઠાવી ઈસુદાનને કેમ આપના ગુજરાત પ્રદેશપ્રમુખ બનાવાયા?
- ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભાની ચૂંટણી બાદ પ્રદેશમાળખામાં ફેરફારોની જાહેરાત કરી છે
- ફેરફારોમાં ચૂંટણી દરમિયાન ગુજરાતના પ્રદેશપ્રમુખ રહેલા આપના નેતા ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવાની ઘોષણા કરાઈ
- તેમના સ્થાને આ પદ ખંભાળિયાથી વિધાનસભાની ચૂંટણી હારી ગયેલ આપના ઉમેદવાર અને મુખ્ય મંત્રીના ચહેરા ઈસુદાન ગઢવીને અપાયું છે
- રાજકીય વિશ્લેષકો આ ફેરફારોને ‘ગોપાલ ઈટાલિયાનો અપકર્ષ’ (પતન) ગણાવી રહ્યા છે
- પરંતુ કેટલાક જાણકારોનું માનવું છે કે આગામી સમયમાં આ બદલાવોની ‘અસર ચોક્કસ જોવા મળી શકે છે’
- શું આ બદલાવો થકી ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પગ વધુ મજબૂત કરવામાં સફળ થશે?

ગોપાલ ઈટાલિયાને હઠાવવાનું કારણ શું?

ઇમેજ સ્રોત, Gopal Italia/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષકો કહે છે કે જ્યારે કોઈ નેતાને પ્રદેશાધ્યક્ષ પરથી રાષ્ટ્રીય ટીમમાં મોકલી દેવામાં આવે ત્યારે સમજી જવું જોઈએ કે ‘તે નેતાની પાંખ કપાઈ ગઈ છે.’
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, “ગોપાલ ઈટાલિયા દિલ્હીમાં જઈને શું કરવાના હતા કે પછી મહારાષ્ટ્રમાં જઈને શું કરવાના હતા? આ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે હાર થઈ તેમાં નિષ્ફળતાની જવાબદારી ગોપાલ ઈટાલિયાના માથે નાખી દેવામાં આવી હોય તેવું પ્રતીત થાય છે.”
જોકે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દરેક પક્ષોમાં ફેરફારો નિરંતર થતા જ રહે છે.
ગોપાલ ઈટાલિયા બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહે છે કે, “બધી અફવાઓ છે અને ખોટી અટકળો ચાલી રહી છે. દરેક પાર્ટી ચૂંટણી જીતવા માટે જ કામ કરે છે. આ પ્રકારના ફેરફારો ગમે ત્યારે થઈ શકે છે.”
તો ઈસુદાન ગઢવી પણ ગોપાલ ઈટાલિયાનો પડતી થઈ હોવાની વાતને રદિયો આપે છે.
ઈસુદાન ગઢવીએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “કોઈને હઠાવવાનો પ્રશ્ન જ નથી. જવાબદારી બદલાઈ છે. અમે બંને જે પ્રકારે પહેલાં કામ કરતા હતા તે જ પ્રકારે હવે પણ સાથે મળીને જ કામ કરવાના છીએ.”

ઈસુદાન ગઢવીને પ્રદેશાધ્યક્ષ બનાવવાનું કારણ શું?

ઇમેજ સ્રોત, Getty Images
આ સમગ્ર મામલામાં સવાલ એ પણ છે કે ગોપાલ ઈટાલિયાને હઠાવીને ઈસુદાન ગઢવીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાનું કારણ શું?
જાણકારો કહે છે કે હાલમાં ગુજરાતમાં આપ પાર્ટીમાં સૌથી જાણીતો ચહેરો ઈસુદાન ગઢવીનો છે તેથી તેમને પ્રમુખ બનાવાયા છે.
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે, “આમ આદમી પાર્ટી પાસે કોઈ વિકલ્પ નથી. હાલમાં થયેલી હાર બાદ પાર્ટીમાં નવો જુસ્સો આવે તે જરૂરી છે અને તેને માટે ઈસુદાન ગઢવી સિવાય અન્ય કોઈ લોકપ્રિય ચહેરો તેમની પાસે નથી.”
ઈસુદાન ગઢવી કહે છે કે, “પહેલાં હું રાષ્ટ્રીય નેતા હતો ત્યારે મારી જે ભૂમિકા રાજ્યમાં હતી તે જ પ્રકારની ભૂમિકા ગોપાલ ઈટાલિયાની રાજ્યમાં રહેશે.” ઈસુદાન ગઢવી ઉમેરે છે કે, “પાર્ટી તેમનો ઉપયોગ મહારાષ્ટ્રમાં પણ કરવા માગે છે તેથી તેમને ત્યાંના પણ પ્રભારી બનાવાયા છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જોકે ગોપાલ ઈટાલિયાએ જ્યારે ઈસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ બનાવાયા ત્યારે ટ્વીટ કરીને તેમને શુભેચ્છા આપતા લખ્યું હતું કે, “એક સાધારણ યુવાનને પહેલાં પ્રદેશાધ્યક્ષ અને હવે રાષ્ટ્રીય જવાબદારી સાથે મહારાષ્ટ્ર રાજ્યનો પ્રભાર સોંપવામાં આવ્યો છે તે બદલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ગુજરાતમાં આપના પ્રભારી સંદીપ પાઠકનો આભાર માન્યો હતો.
જોકે જાણકારોની નજરમાં આવ્યું છે કે આ ટ્વીટમાં તેમણે ગુજરાતમાં નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ કે કાર્યકારી પ્રમુખો પ્રત્યે ‘આભાર વ્યક્ત નહોતો કર્યો.’
રાજકીય પ્રવાહોના જાણકારોના મત પ્રમાણે ગોપાલ ઈટાલિયાનાં ‘કેટલાંક વિવાદિત નિવેદનો પાર્ટી માટે માથાનો દુખાવો બન્યા હતા’ જેને કારણે પાર્ટીએ વારંવાર સ્પષ્ટતા કરવી પડતી હતી તેથી કદાચ ‘તેમને પક્ષપ્રમુખપદેથી હઠાવાયા હોઈ શકે.’
સુરતના વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાએ બીબીસીની ગુજરાત સાથેની વાતમાં કહ્યું હતું કે, “ઈસુદાનનું ગામડામાં પ્રભુત્વ વધારે છે. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતો અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે છે તેથી તેમનો ફાયદો મેળવવા માટે તેમને પ્રદેશાધ્યક્ષ બનાવાયા છે.”

સુરત ઝોન માટે અલગથી કાર્યકારી અધ્યક્ષ બનાવવાનું કારણ શું?

ઇમેજ સ્રોત, ALPESH KATHIRIA FACEBOOK
આપે ગુજરાતમાં પ્રદેશાધ્યક્ષ બદલવાની સાથે કુલ છ કાર્યકારી અધ્યક્ષો નીમ્યા છે.
હવે આટલા બધા કાર્યકારી અધ્યક્ષો નીમવા પાછળ પણ આપ સામે સવાલો ઊઠી રહ્યા છે.
જોકે આ મામલે આપના રાષ્ટ્રીય સહ મંત્રી ગોપાલ ઈટાલિયા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “પાર્ટીનો ઉદ્દેશ કાર્યક્ષમ નેતાઓની શક્તિઓનો ઉપયોગ કરવાનો છે.”
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે, “પાર્ટીમાં નેતાઓને રાજી રાખવાની નીતિ દેખાય છે. જે તે વિસ્તારના નેતાઓને લાગે કે તેમને પાર્ટીમાં મહત્ત્વનું પદ મળ્યું છે. પાર્ટીમાં નેતૃત્વની નવી ભાવના કેળવાય અને જવાબદારી પણ વધે તેવા હેતુથી આટલા બધા કાર્યકારી અધ્યક્ષો નિમાયા છે.”
જગદીશ આચાર્ય આ વાતને આગળ વધારતાં કહે છે કે, “સત્તા વગર સંગઠન ચલાવવું આપ માટે મુશ્કેલ છે કારણ કે હતાશ નેતાઓ અને કાર્યકરો પછી અન્ય પક્ષ તરફ ફંટાય છે.”
બીજી તરફ ઈસુદાન ગઢવી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં કહે છે કે, “અમારે હવે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષનું માળખું નવેસરથી ઊભું કરવાનું છે. અમારે અમારી ત્રુટીઓને દૂર કરવાની છે.”

શું સુરતમાં અલ્પેશ કથીરિયાને જવાબદારી સોંપીને ‘ગોપાલ ઈટાલિયાની પાંખ કાપી લેવાઈ છે?’
હવે બીજો સવાલ એ પણ છે કે આમ આદમી પાર્ટીએ સુરત ઝોન માટે પણ અલગથી કાર્યકારી અધ્યક્ષ તરીકે અલ્પેશ કથીરિયાની નિયુક્તિ શા માટે કરવી પડી?
ગુજરાતના રાજકીય પ્રવાહોના જાણકારો કહે છે તેનો સીધો અર્થ એ થાય છે કે ‘ગોપાલ ઈટાલિયાની સુરતમાંથી પણ પાંખ કાપી નાખવામાં આવી છે.’
સુરતના વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા બીબીસી ગુજરાતીના કાર્યક્રમ ‘ગુજરાતની વાત’માં જણાવ્યું હતું કે, “સુરતમાં આપને અપેક્ષા હતી તેવું પ્રદર્શન નહોતું જોવા મળ્યું તે પણ એક કારણ હોઈ શકે છે.”
નરેશ વરિયા કહે છે કે, “ગોપાલ ઈટાલિયાની હવે ગુજરાતમાં કોઈ ભૂમિકા દેખાતી નથી ભલે પછી નેતાઓ કોઈ પણ કારણ આપતા હોય. જો અલ્પેશની વાત કરવામાં આવે તો તે એક પાટીદાર ચહેરો છે અને સુરતમાં અલ્પેશ કથીરિયાને સાચવવા માટે તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.”
જગદીશ આચાર્ય કહે છે કે, “સુરતમાં આપને ઘણી આશા હતી. ગોપાલ ઈટાલિયા આપ માટે પાટીદારના સૌથી મોટા ચહેરા હતા. પણ સુરતમાં પાર્ટીનું પ્રદર્શન ધાર્યા મુજબનું નથી રહ્યું. ખુદ ગોપાલ ઈટાલિયા કતારગામ વિસ્તારમાંથી ચૂંટણી હાર્યા. અલ્પેશ કથીરિયા અને મનોજ સોરઠિયા પણ ચૂંટણી હારી ગયા.”
તેઓ ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શન વિશે વાત કરતાં કહે છે કે, “સુરત કે જ્યાં આપે મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો ત્યાંથી એક પણ બેઠક આવી નહીં. એટલે પાર્ટી ઇચ્છે છે કે નવો ચહેરો આવે અને તેના આધારે પાર્ટીમાં ફેરફાર કરાયા છે.”
જોકે અલ્પેશ કથીરિયા આ તર્કને ફગાવે છે. અલ્પેશ કથીરિયાએ સુરત ખાતેના બીબીસી સહયોગી ધર્મેશ અમીન સાથેની વાતચીતમાં કહ્યું કે, “ચૂંટણી બાદ દરેક પાર્ટીનાં સંગઠનોમાં ફેરફાર થતા હોય છે. ગત ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા જેવા અનેક નેતા-કાર્યકર્તાઓએ મહેનત કરી છે.”
અલ્પેશ કથીરિયા કહે છે કે, “અમે અનુભવીએ છીએ કે પાર્ટીનું માળખું બૂથ લેવલ સુધી પહોંચ્યું નથી. એ અમારી ત્રુટી હતી. આવનારા દિવસોમાં અમે તે સુધારવાનો પ્રયત્ન કરીશું.”
તો ગોપાલ ઈટાલિયા પણ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “કાર્યક્ષમ નેતાઓના યોગદાનનો પાર્ટીને ફાયદો મળે તેથી તેમની શક્તિનો ઉપયોગ કર્યો છે અને આટલા કાર્યકારી અધ્યક્ષો બનાવાયા છે.”

આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયો બદલાવ?

ઇમેજ સ્રોત, AAP
ગુજરાતના રાજકારણના જાણકારો આગામી લોકસભાની ચૂંટણી અને તાજેતરમાં આપના માળખામાં થયેલ બદલાવ સાથે આંતરસંબંધ ન હોવાની વાત જણાવે છે.
રાજકીય વિશ્લેષકો અનુસાર, “લોકસભાની ચૂંટણીમાં આપ ભાજપ સામે સ્પર્ધામાં નથી. કદાચ કૉંગ્રેસના વોટ કાપી શકે પણ તે લોકસભામાં સારું પ્રદર્શન કરી શકે તેવી કોઈ શક્યતા નથી.”
જગદીશ આચાર્ય બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “લોકસભાની આગામી ચૂંટણીમાં આપને કોઈ ફાયદો થાય તેવું હાલ દેખાતું નથી. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનો ચોક્કસ ફાયદો થઈ શકે છે. કારણકે જે નેતાઓને કાર્યકારી અધ્યક્ષો બનાવાયા છે તે તેમના વિસ્તારમાં સારી એવી પકડ ધરાવે છે. અને તેમને ફાયદો આપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે.”
તો ઈસુદાન ગઢવી પણ કહે છે કે તેમની પાર્ટી આવનારી તમામ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીનું નવું માળખું ઊભું કરી રહી છે.

“આપના ધારાસભ્યો ક્યાંક અન્ય પક્ષમાં નહીં જતા રહે તે સુનિશ્ચિત કરવાની કવાયત”

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે આપના ચૂંટાયેલા પાંચ ધારાસભ્યો પૈકી કેટલાક ભાજપમાં જોડાવાના હોવાની અટકળો તેજ બની હતી.
તેથી રાજકીય બાબતોના જાણકારો કહે છે કે ‘નેતાઓને અન્ય પાર્ટીમાં જતા રોકવા માટે પણ તે પૈકીના કેટલાક નેતાઓને પદની લહાણી કરાવામાં આવી છે.’
રાજકીય વિશ્લેષકોના મતે ‘દક્ષિણ ગુજરાતમાં કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પછી ચૈતર વસાવા આદિવાસીઓ માટે સામે આવતા ચહેરા છે’ તેથી તેમને દક્ષિણ ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.
ઉપરાંત જયમલ વાળા એ સૌરાષ્ટ્રમાં જાણીતું નામ છે તેથી ‘આ ક્ષેત્રમાં પ્રભુત્વ સ્થાપવા માટે તેમને પણ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.’
તે જ પ્રકારે અલ્પેશ કથીરિયાને સુરતમાં આપનો પાયો વધુ મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
તો કચ્છમાં કૈલાશ ગઢવીને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.
મધ્ય ગુજરાતમાં ડૉ. રમેશ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવીને ‘તેમની શક્તિનો ઉપયોગ કરવાનું આપે મન બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે.’

શું કહે છે ભાજપ અને કૉંગ્રેસ?
આમ આદમી પાર્ટીના માળખામાં તાજેતરમાં થયેલ બદલાવો અંગે પોતાનો મત વ્યક્ત કરતાં ભાજપના પ્રતિનિધિ કહે છે કે આ ‘પાર્ટીનો આંતરીક મામલો છે’ પણ જે પ્રકારે ‘વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર થઈ તે જોતાં તેમણે પ્રદેશનું માળખું બદલવાની જરૂર પડી હોય તેવું લાગે છે.’
ભાજપના પ્રવક્તા ડૉ. જગદીશ પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “સુરતમાં આપે જે ફેરફાર કર્યો છે તેનાથી પાર્ટી વધુ નબળી બનશે. ગોપાલ ઈટાલિયાની પાંખ તો પહેલાંથી જ કપાયેલી હતી. ભાજપને આપ શું કરે છે તેનાથી કોઈ ફરક નથી પડતો. આ તેમની પાર્ટીનો આંતરિક મામલો છે.”
તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે પણ તેની હાર માટે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીને જવાબદાર ગણાવી હતી.
ખુદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કબૂલ્યું હતું કે ગુજરાતમાં તેમની ‘પાર્ટીની હાર આપને કારણે થઈ હતી.’
પણ જ્યારે હવે ગોપાલ ઈટાલિયાને હઠાવીને આપે ઈસુદાન ગઢવીને પ્રદેશપ્રમુખ બનાવાયા છે ત્યારે કૉંગ્રેસ કહે છે કે ‘તેનાથી ગુજરાતમાં કોઈ ફરક પડવાનો નથી.’
કૉંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહે છે કે, “ગોપાલ ઈટાલિયા પહેલાં કહેતા હતા કે તેઓ પાટીદાર હોવાને કારણે ભાજપ તેમને હેરાન કરે છે તો હવે આ જ સવાલ હવે તેમણે આમ આદમી પાર્ટીના મોવડીમંડળને પૂછવો જોઈએ. બાકી આ આપના ડૂબતા જહાજના કપ્તાન તરીકે ઈસુદાન ગઢવી આવે કે અન્ય કોઈ ગુજરાતમાં તેનાથી કોઈ ફરક પડવાનો નથી.”

આપનું વિધાનસભાની ચૂંટણીમાં કેવું રહ્યું પ્રદર્શન?

ઇમેજ સ્રોત, GOPAL ITALIA/FB
ગુજરાતમાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણી અગાઉ આપના નેતાઓ સરકાર બનાવવાની વાતો કરતા હતા પરંતુ તેમને માત્ર પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
આપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી, આપના તત્કાલીન અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠક પરથી અને પાટીદાર આંદોલનના એક સમયે હાર્દિક પટેલના સાથી રહેલા અલ્પેશ કથીરિયા વરાછા બેઠક પરથી હારી ગયા હતા.
જે પાંચ બેઠકો પર આપના ઉમેદવારની જીત થઈ તેમાં જામજોધપુર, વિસાવદર, ગારિયાધાર, બોટાદ અને ડેડિયાપાડા સામેલ હતી.
વિસાવદરથી આપના ભૂપેન્દ્ર ભાયાણી, ગારિયાધાર બેઠક પરથી પના સુધીર વાઘાણી, ડેડિયાપાડાથી આપના ચૈતર વસાવા, બોટાદથી ઉમેશ મકવાણા અને જામજોધપુરથી આપના હેમંત આહીર જીત્યા હતા.
આ ચૂંટણીમાં આપનો વોટશૅર 12.92 ટકા રહ્યો જ્યારે કે 35 બેઠકો એવી હતી જ્યાં આપના ઉમેદવારો બીજા સ્થાને રહ્યા હતા.

















