યુકેમાં રાજ્યાશ્રય માગનારાઓ ઉપર 'બેઘર' થવાનું જોખમ કેમ તોળાઈ રહ્યું છે?

યુકેના ગૃહ વિભાગનું કહેવું છે કે દેશમાં આશરો માગી રહેલા 'સિંગલ પુખ્ત પુરુષ' જો હોટલો સિવાય 'યોગ્ય વૈકલ્પિક રહેણાંકવ્યવસ્થા'માં જવાનો ઇન્કાર કરશે, તો તેઓ ઘરવિહોણા બની જાય તેવી શક્યતા છે.

આશરો માગનારાઓને ઘર આપવા માટે સરકાર કાયદાકીય રીતે બંધાયેલી છે. ત્યારે સરકારનું કહેવું છે કે તેની "પ્રવાસ કરવામાં નિષ્ફળ" રહેનાર માટેની માર્ગદર્શિકાને કારણે "વ્યવસ્થા સાથે રમત કરનારા લોકોએ પરિણામ ભોગવવા પડશે."

ગૃહવિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દર અઠવાડિયે સેંકડો માઇગ્રન્ટ્સ હોટલોમાંથી અન્ય પ્રકારનાં રહેણાંકસ્થળોએ ટ્રાન્સફર થવાનો ઇન્કાર કરી રહ્યા છે.

સરકાર ઉપર દબાણ છે કે આશરો માગનારા લોકોના રહેવા માટે હોટલોનો ઉપયોગ ઘટાડવામાં આવે. ઇપિંગમાં એક હોટલમાં રાજ્યાશ્રય માંગનારાઓને રાખવામાં આવ્યા હતા. જ્યાં ગત અઠવાડિયે શ્રેણીબદ્ધ દેખાવો થયા હતા.

યુકે સરકારના અનેક મંત્રીઓ અગાઉ કહી ચૂક્યા છે કે વર્ષ 2029 સુધીમાં તેઓ રાજ્યાશ્રય માગનારાઓ માટે હોટલનો ઉપયોગ બંધ કરવા ઇચ્છે છે અને આ લોકોને સસ્તા પ્રકારની અન્ય વ્યવસ્થાઓમાં ખસેડવા ઇચ્છે છે.

વર્ષ 2020થી યુકેમાં હોટલોમાં રહેતા અને આશ્રય માગનારાઓની સંખ્યા સતત વધી રહી છે. માર્ચ-2025ની સ્થિતિ પ્રમાણે, અસાઇલમ માગનારા 32 હજાર 345 લોકો હોટલમાં રહે છે. વર્ષ 2023માં આ આંકડો 50 હજારને પાર કરી ગયો હતો.

ગૃહ વિભાગ દ્વારા કેસવર્કર્સ તથા અસાઇલમ માટે રહેણાક સુવિધા પૂરી પાડનારાઓને જણાવવામાં આવ્યું કે આશરો માગી રહેલા કેટલાક લોકો "યોગ્ય રહેણાક વ્યવસ્થા માટે નથી જઈ રહ્યા." જેની માઠી અસર "રાજ્યાશ્રય માગી રહેલા લોકોને મદદ કરવા માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થા પર પડે છે."

નવા નિયમ મુજબ, જે લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવશે, તેમને ઓછામાં ઓછા પાંચ દિવસ અગાઉ લેખિતમાં નોટિસ આપવામાં આવશે.

જે લોકો અન્યત્ર જવાની સૂચનાને વારંવાર અવગણશે, તેમને વર્તમાન રહેણાકસ્થળેથી બળજબરીપૂર્વક હઠાવી દેવામાં આવશે. જરૂર પડ્યે તેમને મળતી આર્થિકમદદ પણ પાછી ખેંચી લેવામાં આવશે.

શા માટે અપાય છે સહાય?

યુકેમાં રહેવા માટે આશરો માગનારા લોકોની અરજી ઉપર સરકાર વિચારણા કરી રહી હોય, ત્યારે સામાન્ય રીતે તેમને કામ કરવાની મંજૂરી આપવામાં નથી આવતી.

આથી, ખાવા-પીવા, કપડાં તથા જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ ખરીદી શકે તે માટે દરેક વ્યક્તિને દર અઠવાડિયે સામાન્યત: 49 પાઉન્ડ (રૂ. પાંચ હજાર 700) જેટલી રકમ આપવામાં આવે છે.

અગાઉની કન્ઝર્વેટિવ સરકારે કેટલાક આશ્રય માગનારાઓ માટે બીબી સ્ટૉકહોમ નામના બાર્જ ઉપર રહેણાક વ્યવસ્થા કરી હતી. ત્યારે કેટલાક લોકોએ તેની ઉપર જવાનો ઇન્કાર કરી દીધો હતો.

ત્યારે પણ તત્કાલીન સરકારે આવું જ વલણ અપનાવ્યું હતું અને આર્થિક મદદ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

બૉર્ડર સિક્યૉરિટી બાબતના મંત્રી ડેમ એંગલા ઇગલના કહેવા પ્રમાણે, "સરકાર અસાઇલમ માંગનારાઓ માટેની રહેણાક વ્યવસ્થામાં સુધાર લાવવા માગે છે અને આ પગલું તેનું જ ઉદાહરણ છે."

"સાથે જ એવા લોકો સામે કાર્યવાહી થશે, જેઓ વ્યવસ્થાનો દુરુપયોગ કરે છે. યોગ્ય રીતે વ્યવસ્થા થઈ શકે અને કરદાતાના નાણાની બચત થાય, એ તેનો હેતુ છે."

ગૃહ વિભાગનાં પ્રવક્તા સંસદસભ્ય લિઝા સ્માર્ટના કહેવા પ્રમાણે, "રાજ્યાશ્રય માંગનારા લોકોને આશરો આપવા માટે હોટલોનો ઉપયોગ બંધ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય છે."

સાથે જ તેમણે ઉમેર્યું, "આ ખૂબ જ મોટાપાયાની સમસ્યા છે. તેને દક્ષતાપૂર્વક પહોંચી વળવા માટે સરકારે જે જોખમી દરિયાઈમાર્ગેથી તેઓ આવે છે, તેમને અટકાવવા પ્રયાસ કરવા જોઈએ. આના માટે અન્ય દેશો સાથે સહકાર સાધવો જોઈએ."

"આ સિવાય રાજ્યાશ્રય માગનારાઓના કામ કરવા ઉપરનો પ્રતિબંધ હઠાવી લેવો જોઈએ, જેથી કરીને તેમના નિભાવખર્ચ માટે રકમ ચૂકવવી ન પડે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન