ગુજરાત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારોનો વિજય શું સૂચવે છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 2025માં જ્યાં એક તરફ ભાજપ પક્ષ ગુજરાતમાં નવી ઊર્જા અને જોશ સાથે વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે.

બીજી બાજુ, ગુજરાતની હાલની ચૂંટણીમાં માત્ર કૉંગ્રેસનો દેખાવ જ તેના માટે ચિંતાનો વિષય નથી, પરંતુ તેના કોર વોટર ગ્રૂપમાં ગાબડું પણ આગામી ચૂંટણીઓ માટે પક્ષ માટે ચિંતાનો વિષય છે.

હાલમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 100થી વધુ મુસ્લિમ ઉમેદવારો ભાજપના મૅન્ડેટથી કે સમર્થનથી ચૂંટણી લડ્યા હતા, જેમાં 80થી વધુ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે અને 20 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

મુસ્લિમ ઉમેદવારોની હારજીત

ઇલેક્શન કમિશનના ડેટા પ્રમાણે, અમરેલી જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી કુલ નવ મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મૅન્ડેટ આપવામાં આવ્યો હતો, જેમાંથી સાતનો વિજય થયો છે.

આવી જ રીતે જૂનાગઢની જેતપુર, નવાગઢ, જસદણ, ઉપલેટા નગરપાલિકા તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં 16 મુસ્લિમ ઉમેદવારોએ ભાજપના નેજા હેઠળ ચૂંટણી લડી હતી, જેમાંથી 13નો વિજય થયો છે.

આ રીતે રાજ્યભરમાં અલગ-અલગ નગરપાલિકાઓમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારોનો વિજય થયો છે અથવા તો ભાજપના સમર્થનથી જીત્યા છે.

વર્ષ 2018ની સ્થિતિ પ્રમાણે, કુલ નગરપાલિકાઓની ચૂંટણીઓમાં કૉંગ્રેસ પાસે 133 કાઉન્સિલર હતા, જે વર્ષ 2025માં ઘટીને 109 થઈ ગયા છે. જે કૉંગ્રેસેના નેતૃત્વ માટે ચિંતાજનક ચિત્ર ઊભું કરે છે.

ભાજપનો ડર કે સ્વીકાર?

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કદીર પીરઝાદાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "લોકોને એટલા ડરાવીને રાખ્યા છે કે ન છૂટકે લોકો હવે ભાજપને સરન્ડર થઈ ગયા છે. આ વિશે ગુજરાત કૉંગ્રેસના નેતાઓ પાર્ટીના સિનિયર નેતા મુકુલ વાસનિક સાથે ચર્ચા કરશે."

ભાજપનું માનવું છે કે કૉંગ્રેસની તૃષ્ટિકરણની રાજનીતિનો અંત આવ્યો છે. ગુજરાત ભાજપના માઇનૉરિટી મોરચાના વડા મોહસિન લોખંડવાલા કહે છે :

"મુસ્લિમ નેતાગીરી માને છે કે કૉંગ્રેસની મુસ્લિમો માટેની તૃષ્ટિકરણની રાજનીતિનો અંત આવ્યો છે. મુસ્લિમ સમાજ જાગૃત થઈને ભાજપને પોતાના શહેર અને વિસ્તારના વિકાસ માટે મત આપી રહ્યા છે."

વર્ષ 2025નાં ચૂંટણી પરિણામો ઉપર નજર કરીએ તો જાફરાબાદમાં (અમરેલી) બે, ભચાઉમાં (કચ્છ) ત્રણ, હાલોલમાં (પંચમહાલ) ચાર, કાલોલમાં (પંચમહાલ) એક અને કાલાવાડમાં (જામનગર) ભાજપના ત્રણ મુસ્લિમ ઉમેદવાર બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા.

સામાન્યતઃ મુસ્લિમ ઉમેદવારો અપક્ષ ચૂંટાઈ આવતા અને પછી ભાજપને ટેકો જાહેર કરી દેતા, પરંતુ આ વખતે ભાજપે અલગ વ્યૂહરચના અપનાવી હતી.

મોહસિન લોખંડવાલા જણાવે છે, "આ વખતે અમે દરેક (મુસ્લિમ) આગેવાનને મળ્યા અને તેમને સમજાવ્યા કે આપણે આ વખતે પાર્ટીના ચિહ્ન ઉપર જ ચૂંટણી લડવાની છે. અમે તેવું કર્યું તેનું આ પરિણામ છે."

લોખંડવાલા કહે છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ સત્તા પર હોય, તો તેને જ વોટ આપવો જોઈએ, કારણ કે એ પક્ષ જ લોકોના કામ કરી શકે. બાકીના પક્ષ પાસે સત્તા નથી, એટલે તે કામ કરી શકે નહીં.

લોખંડવાલા ઉમેરે છે, "ગુજરાતમાં લોકોનો વિકાસ સરકારી યોજનાઓના સારા અમલીકરણને કારણે છે. લોકોએ નક્કી કરી લીધું છે કે સત્તાધારી પક્ષ સાથે જ રહેવાનું."

લોખંડવાલા માને છે કે આયુષ્માન ભારત કાર્ડ અને મુદ્રા જેવી યોજનાઓને કારણે લોકોમાં ખૂબ સારો સંદેશ ગયો છે અને ભાજપને મત આપવા માટે લોકોને વધારે સમજાવવાની જરૂર નથી પડતી. મોદી સરકારના 'સબકા સાથ, સબકા વિકાસ'ના નારાને મુસ્લિમ સમાજના લોકો સારી રીતે સમજી શક્યા છે.

ભાજપના વિજેતા ઉમેદવારોશું માને છે?

ભાજપની ટિકિટ ઉપર પ્રાંતિજથી ચૂંટણી જીતેલા રશીદ સુમરા વર્ષ 2014માં ભાજપમાં જોડાયા હતા અને વર્ષ 2020માં શહેર ભાજપના લઘુ મોરચાના વડા પણ બન્યા. સુમરાના કહેવા પ્રમાણે, ભાજપ વગર વિકાસનાં કામો થતાં ન હોવાથી તેમણે વર્ષ 2014માં જ ભાજપ સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું.

રશીદ સુમરા આ વખતે પહેલી વખત ચૂંટણી લડ્યા અને જીત્યા છે. તેઓ કહે છે, "દરેક સમાજના લોકોને કોઈપણ જાતના ભેદભાવ વગર સરકારી યોજનાઓનો લાભ મળી રહે છે. અમારા વિસ્તારના ઘણા લોકોને પી.એમ. આવાસ યોજના હેઠળ ઘર મળ્યા છે. તેમાં કોઈ કોમવાદ નથી આવતો."

"દવા માટે આયુષ્માન ભારતની સગવડ કરી આપી છે એટલે લોકો ખૂબ ખુશ છે."

સુમરાનું માનવું છે કે કૉંગ્રેસના સમયમાં મુસ્લિમોનાં કામો થતાં ન હતાં અને માત્ર વોટબૅન્ક તરીકે તેમનો ઉપયોગ થતો.

અહેસાન નક્વી વર્ષોથી ભાજપ સાથે કાર્યકર્તા તરીકે જોડાયેલા છે.

તેઓ ગીર-સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકાની ચૂંટણી જીતી આવ્યા છે. તેઓ કહે છે કે મુસ્લિમ સમાજના વિસ્તારોમાં પણ ભાજપ સારું કામ કરી દેખાડે છે, જેથી લોકો તેને પસંદ કરતા થયા છે.

કોડીનારમાંથી ચૂંટણી જીતનારા તથા મેમણ સમાજના વડા રફીક કચ્છીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "અમારા વિસ્તારના ધારાસભ્ય અમારા માટે ખૂબ સારુ કામ કરે છે. તેમના માટે અમે વર્ષોથી કામ કરી રહ્યા છીએ."

રફીક કચ્છી કહે છે કે વર્ષ 2002નાx કોમી રમખાણો બાદ માત્ર કોડીનારમાં જ તાજિયા નીકળ્યા હતા, આમ અહીંનો મુસલમાન સુરક્ષિત છે જ.

કૉંગ્રેસની ગઈકાલ અને આવતીકાલ

તાજેતરનાં ચૂંટણી પરિણામો વિશે બીબીસી ગુજરાતીએ અનેક લોકો સાથે વાત કરી, જેમાં કૉંગ્રેસના નેતાઓનો પણ સમાવેશ થતો હતો.

એક નેતાએ કહ્યું, "કૉંગ્રેસે ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે, કારણ કે અન્ય મતદાતાઓને તે પહેલાંથી જ ગુમાવી ચૂકી છે. હવે, દલિત, આદિવાસી અને મુસ્લિમ મતદારોને પણ ગુમાવી રહી છે, કારણ કે તેના નેતા લોકોની સમસ્યા સાથે રસ્તા ઉપર ઉતરતા જોવા નથી મળતા."

જોકે કૉંગ્રેસના નેતાઓનો એક વર્ગ માને છે કે મુસ્લિમો મરજીથી નહીં, પરંતુ દબાણને વશને થઈને ભાજપને મત આપી રહ્યા છે.

કૉંગ્રેસના નેતા કદીર પીરઝાદાના કહેવા પ્રમાણે, "આ શિફ્ટ માત્ર ડરને કારણે થયો છે. જો ભાજપને વોટ નહીં આપીએ તો તે વિસ્તારનાં કામ નહીં થાય. માટે લોકો હેરાન થઈને ન છૂટકે ભાજપને વોટ આપી રહ્યા છે, પણ તે વધુ સમય નહીં ચાલે."

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના પ્રચંડ જુવાળની વચ્ચે ચૂંટાઈ આવેલા એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય અને કૉંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી. તેમણે જણાવ્યું :

"ઘણાં સમયથી કૉંગ્રેસ સત્તામાં નથી. બીજી બાજુ, ઘણાં વિસ્તારોમાં ભાજપના ધારાસભ્ય છે, એટલે અલગ માહોલ બની ગયો હતો, જેના કારણે મુસ્લિમ મતદારો પેલી તરફ ગયા છે."

કૉંગ્રેસના પ્રવક્તા હીરેન બૅન્કરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "ભાજપ કોમવાદમાં માનતી પાર્ટી છે. જે લોકો ચૂંટાઈ આવ્યા છે, તેમને કોઈપણ પ્રકારની ભાગીદારી નહીં મળે. તેમાંથી કોઈ મોટો હોદ્દો નહીં લઈ શકે."

"મુસ્લિમ તો છોડો, ભાજપ જૈન, બૌદ્ધ કે ખ્રિસ્તીને પણ ભાગીદારી નહીં આપે."

જોકે, ભાજપના જે મુસ્લિમ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે તેમણે કૉંગ્રેસના આ આરોપો ફગાવી દીધા છે.

શું કહે છે રાજકીય નિષ્ણાતો?

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2025ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મુસ્લિમ મતદાતાઓનું ભાજપ તરફ વળવું એ સામાન્ય ઘટના છે અને તેનાથી કોઈ મોટો ફેર નહીં પડે.

રાજકીય વિશ્લેષક અને પ્રોફેસર બળદેવ આગજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "પહેલાં તો આપણે એ ન ભૂલવું જોઈએ કે આ સ્થાનિક ચૂંટણીઓ છે. અહીં લોકો ચહેરો જોઈને મત આપતા હોય છે, પક્ષને નહીં."

"આ ચૂંટણીઓમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપની જીત થઈ છે, તે સાચી વાત છે, પરંતુ લાંબાગાળે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પર તેની અસર પડશે તેમ લાગતું નથી, કારણ કે જીત પાર્ટી કરતાં ઉમેદવારની વધારે છે."

રાજકીય વિશ્લેષક દિલીપ પટેલના કહેવા પ્રમાણે, "મુસ્લિમ વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ વધ્યું હોવાનું તાજેતરનાં ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યું છે. તેમાં પણ અમુક જગ્યાએ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે."

"ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પણ કોઈ પણ કિંમતે જીતવાની વ્યૂહરચના અપનાવી હતી. જેનું પરિણામ જોવા મળી રહ્યું છે. આ માટે તેણે મુસ્લિમ ઉમેદવારોને પણ ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. અગાઉ પણ પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાં કોઈ નવી વાત નથી."

જોકે, નિષ્ણાતો કૉંગ્રેસના એ આરોપો સાથે સહમત નથી કે ભાજપે ડરાવીને મુસ્લિમ ઉમેદવારોને પોતાની તરફે કર્યા છે.

દિલીપ પટેલ માને છે કે જો ઉમેદવારોને ડરાવવામાં આવ્યા હોત તો અનેક સ્થળોએ ચૂંટણીઓ યોજાઈ છે, એવું બન્યું ન હોત. ભાજપના કેટલાક મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને ચૂંટણી જીત્યા પણ છે, એ વાત પણ ધ્યાને લેવી ઘટે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.