IPS અધિકારીની 'આત્મહત્યા'નો કેસ : હરિયાણાના ડીજીપીને રજા પર ઉતારી દેવાયા

હરિયાણાના આઈપીએસ અધિકારી વાય પૂરનકુમારની કથિત આત્મહત્યાના કેસમાં હરિયાણા સરકારે રાજ્યના પોલીસવડા શત્રુજિત કપૂરને રજા પર ઉતારી દીધા છે. પૂરનકુમારના પરિવારે ડીજીપી શત્રુજિત કપૂર પર હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે, સોમવારે મોડી રાતે થયેલી કાર્યવાહીમાં ડીજીપી 1990ની બેચના આઈપીએસ અધિકારી કપૂરને રજા પર ઉતારી દેવાયા હતા. તેમના સ્થાને ઓમ પ્રકાશ સિંહને હરિયાણા ડીજીપીનો અધિક પ્રભાર સોંપવામાં આવ્યો છે.

આ પહેલાં રોહતકના એસપી નરેન્દ્ર બિજરનિયાને તેમના પદ પરથી હઠાવી દેવામાં આવ્યા હતા અને તેમને કોઈ પ્રભાર સોંપવામાં આવ્યો ન હતો.

હરિયાણાના મુખ્ય મંત્રીના સલાહકાર રાજીવ જેટલીએ મીડિયાને જણાવ્યું કે "ડીજીપીને સરકારે રજા પર મોકલી દીધા છે."

આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.

મંગળવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. એ પછી રાહુલ ગાંધીએ કહ્યું, 'પરિવાર સીધી અને સાદી વાત કહી રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે અમને સન્માન જોઈએ છે. તમે અમારા પતિનો અનાદર કર્યો. એમની કારકિર્દી ખતમ કરી નાખવાનો પ્રયાસ કર્યો. તેમણે આત્મહત્યા કરી. હવે મૃત્યુ બાદ તેમને સન્માન આપો.''

"આ એક પરિવારના સન્માનની વાત નથી. સમગ્ર દેશના દલિત ભાઈ-બહેનનાં સન્માનની વાત છે."

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈનીને સંબોધતા તત્કાળ ન્યાય તોળવાની માગ કરી હતી.

આઇપીએસ કુમારે મૃત્યુ પહેલાં આઠ પાનાની એક ફાઇનલ નોટ લખી હોવાનું કહેવામાં આવે છે જેમાં આઠ વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓ પર આરોપ મૂક્યા છે, જેમાં કપૂર અને બિજરનિયા સામેલ છે.

વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જાતિ આધારિત ભેદભાવ રાખવામાં આવતો હતો અને માનસિક ત્રાસ અપાતો હતો તેવો આરોપ લગાવવામાં આવ્યો છે.

આઇપીએસ અધિકારીનાં પત્ની આઇએએસ ઑફિસર અમનીતકુમારે પોતાના પતિને આત્મહત્યા માટે પ્રેરવા બદલ કપૂર અને બિજરનિયાના નામ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવે તેવી માગણી કરી હતી.

હરિયાણા સરકાર દ્વારા આ કેસમાં તપાસ કરવા માટે છ સભ્યોની એસઆઇટીનું ગઠન કર્યું છે, જેની અધ્યક્ષતા ચંદીગઢના આઇજી પુષ્પેન્દ્રકુમાર કરશે.

આઇપીએસ અધિકારીનાં પત્નીએ શું ફરિયાદ કરી?

આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારી વાય પૂરનકુમારનો મૃતદેહ મંગળવારે ચંદીગઢમાં સેક્ટર-11 પર તેમના નિવાસસ્થાને મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેમણે આત્મહત્યા કરી હોવાનું જણાઈ આવ્યું હતું અને એ દિશામાં તપાસ ચાલી રહી છે.

મૃતકનાં પત્ની અમનીત પી કુમાર સિનિયર આઇએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી છે. તેમણે ચંદીગઢ પોલીસના એસએસપી કંવરદીપકોરને પત્ર લખીને જણાવ્યું છે કે એફઆઇઆરમાં (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપૉર્ટ) 'એસસી/એસટીની હળવી કલમો લગાડવામાં આવી છે,' તેને સુધારવામાં આવે.

અમનીત પી કુમારે જે ફરિયાદ કરી છે, તેની એક નકલ બીબીસી પાસે છે.

ચંદીગઢ પોલીસે ગુરુવારે મોડી રાત્રે આત્મહત્યા માટે ઉશ્કેરણી તથા એસસી/એસટી ઍક્ટની અમુક કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી, જેને મૃત પોલીસ અધિકારીની "અંતિમ નોટ"ના આધારે તૈયાર કરવામાં આવી હતી.

અમનીત પી કુમારે તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિએ કથિત સ્યૂસાઇડ નોટમાં જે લોકોનો ઉલ્લેખ કર્યો છે, તેમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવે તથા તેમની ધરપકડ કરવામાં આવે.

તેમણે બુધવારે ચંદીગઢ પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી અને હરિયાણા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.

વાય પૂરનકુમાર કોણ હતા?

વાય પૂરનકુમાર મૂળ આંધ્ર પ્રદેશના હતા અને એન્જિનિયરિંગમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ વર્ષ 2001માં હરિયાણા કૅડરના આઇપીએસ અધિકારી બન્યા હતા.

તેમણે અંબાલા અને કુરુક્ષેત્રમાં એસપી (સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) તરીકે કામ કર્યું હતું એ પછી અંબાલા અને રોહત રેન્જના આઇજી (ઇન્સ્પેક્ટર જનરલ) તરીકે ફરજ બજાવી હતી.

તેમનાં પત્ની અમનીત પી કુમાર હરિયાણા સરકારમાં આઇએએસ અધિકારી છે અને વિદેશ સહયોગ વિભાગમાં કમિશનર અને સચીવપદે ફરજ બજાવે છે.

જ્યારે વાય પૂરનકુમારે કથિત આત્મહત્યા કરી ત્યારે તેમનાં પત્ની હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની સાથે જાપાનના પ્રવાસે ગયેલા પ્રતિનિધિમંડળમાં સામેલ હતાં.

અવઢવમાં હરિયાણા સરકાર

આ મામલે હરિયાણા સરકાર વિવાદમાં સપડાઈ ગઈ છે અને અવઢવમાં છે.

હરિયાણાના મુખ્ય મંત્રી સૈની ગુરુવારે જાપાનની યાત્રાએથી પરત ફર્યા હતા. એ પછી તેમણે ચંદીગઢમાં વાય પૂરનકુમારના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

મુખ્ય મંત્રી સૈનીએ લગભગ એક કલાક સુધી અમનીત પી કુમાર સાથે વાત કરી હતી, એ પછી સૈની મીડિયા સાથે વાત કર્યા વગર જ જતા રહ્યા હતા.

મુખ્ય મંત્રીએ ગુરુવારે એક પત્રકારપરિષદ બોલાવી હતી, પરંતુ તેને પાછળથી રદ કરી દેવામાં આવી હતી.

બીજી બાજુ, હરિયાણાના મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગીને મીડિયાએ વારંવાર સવાલ પૂછ્યા હતા, જેના જવાબમાં રસ્તોગીએ માત્ર એટલું કહ્યું, "વાય પૂરનકુમાર સક્ષમ અધિકારી હતા તથા આનાથી વધુ હું કશું ન કહી શકું."

મુખ્ય મંત્રી નાયબ સૈનીએ ગુરુવારે સાંજે હરિયાણાના ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) તથા આ કેસમાં આરોપી શત્રુજિતસિંહ કપૂરને પોતાના ઘરે બોલાવ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવી હતી.

દરમિયાન બીબીસીએ હરિયાણા ડીજીપીનો પક્ષ જાણવા માટે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે આ અંગે ડીજીપી જ્યારે પોતાનો પક્ષ રજૂ કરશે, ત્યારે માહિતી આપવામાં આવશે.

કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ દલિતોનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર નિશાન સાધ્યું

વાય પૂરનકુમારની કથિત આત્મહત્યા મામલે કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ દલિતોનો મુદ્દો ઉઠાવીને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું, "જાતીય ઉત્પીડનને કારણે પરેશાન થઈને હરિયાણાના આઇપીએસ અધિકારી વાય પૂરનકુમારની આત્મહત્યાથી આખો દેશ સ્તબ્ધ છે. દેશભરમાં જે રીતે દલિતો સામે અન્યાય, અત્યાચાર અને હિંસાનું ચક્ર ચાલી રહ્યું છે એ ભયાનક છે."

તેમણે રાયબરેલીમાં 'એક દલિત યુવાનની હત્યા' અને ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈ પરના હુમલાનો પણ ઉલ્લેખ કર્યો.

પ્રિયંકા ગાંધીએ કહ્યું, "પહેલા રાયબરેલીમાં હરિઓમ વાલ્મીકિની હત્યા, પછી મુખ્ય ન્યાયાધીશનું અપમાન અને હવે એક વરિષ્ઠ અધિકારીની આત્મહત્યા. આ સાબિત કરે છે કે ભાજપનું રાજ દલિતો માટે અભિશાપ બની ગયું છે."

"કોઈ સામાન્ય નાગરિક હોય કે ઊંચા હોદ્દા પર હોય, જો તે દલિત સમુદાયનો હોય તો અન્યાય અને અમાનવીયતા તેમનો પીછો છોડતી નથી. જો ઉચ્ચ પદો પર બેઠેલા દલિતોની આ સ્થિતિ હોય તો કલ્પના કરો કે સામાન્ય દલિત સમુદાય કઈ સ્થિતિમાં જીવી રહ્યો હશે."

ચંદીગઢ પોલીસની પ્રતિક્રિયા

ચંદીગઢ પોલીસે કહ્યું હતું, "સેક્ટર 11 પર પોલીસ સ્ટેશનમાં એક આઇપીએસ અધિકારીની આત્મહત્યાની તપાસ ચાલી રહી છે."

ચંદીગઢ પોલીસે તેની પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે ઘરના સીસીટીવી કૅમેરાની તપાસ કરવામાં આવી છે.

આ સિવાય જે રૂમમાં ઘટના ઘટી હતી, તેને સીલ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય સીએફએસએલની (સેન્ટ્રલ ફૉરેન્સિક લૅબોરેટરી) ટીમે ઘરમાંથી સ્યૂસાઇડ નોટ સિવાય કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણ જપ્ત કર્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન