પાકિસ્તાનના અહમદિયા મુસલમાનો જીવ બચાવીને નેપાળ ભાગ્યાં પણ છતાં કેમ ડરી રહ્યાં છે?

ઇમેજ સ્રોત, BBC/SHARAD KC
- લેેખક, શરદ કેસી
- પદ, બીબીસી ન્યૂઝ, નેપાળ
અનવરહુસૈન પાકિસ્તાનના કરાચીની મંજૂર કૉલોનીમાં રહેતા હતા. તેઓ જ્યારે સવારે તેમનાં બાળકોને શાળાએ મૂકવા માટે જતા હતા તો પહેલાં ચારેકોર જોઈ લેતા હતા કે તેમને અથવા તેમનાં બાળકોના જીવને કોઈ ખતરો છે કે નહીં.
તેઓ કહે છે, “હું મારી મોટરસાઇકલ શરૂ કર્યા પહેલાં ચારેબાજુ જોઈ લેતો હતો કે ત્યાં કોઈ હથિયારબંધ માણસ હાજર તો નથી ને.”
પરંતુ પાકિસ્તાન છોડતાં જ તેમનો ડર પણ ખતમ થઈ ચૂક્યો છે. હવે તેઓ છેલ્લાં 11 વર્ષથી નેપાળની રાજધાની કાઠમંડુમાં રહે છે.
અનવરહુસૈન અહમદિયા મુસલમાન છે પરંતુ પાકિસ્તાનમાં અહમદિયાને ગેરમુસ્લિમ ગણવામાં આવે છે.
પાકિસ્તાનમાં અહમદિયા મુસલમાનો પર ઘણીવાર હુમલાઓ થતા રહે છે.
અનવરહુસૈન કહે છે કે કરાચી સ્થિત તેમની કૉલોનીમાં 14થી 15 લોકોની હત્યા અહમદિયા હોવાને કારણે કરી દેવામાં આવી હતી. જેઓ બચ્યાં છે તેઓ ડરમાં જીવી રહ્યાં છે.
અલ્લાહને ફરિયાદ

અનવરહુસૈન માત્ર એકલા અહમદિયા નાગરિક નથી કે જેમણે પોતાનો દેશ છોડીને હિંદુ બહુમતીવાળા દેશ નેપાળ જવાનો નિર્ણય કર્યો હોય.
અંદાજે 188 પાકિસ્તાની શરણાર્થીઓ કાઠમંડુમાં રહે છે અને તેમાંથી મોટાભાગના અહમદિયા મુસલમાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનના અનેક અહમદિયા મુસલમાનો તો કાઠમંડુમાં ગેરકાયદે રહે છે.
11 વર્ષ પહેલાં પાકિસ્તાન છોડ્યાં બાદ અનવરહુસૈનને નેપાળમાં હવે જીવનું જોખમ નથી પરંતુ પોતાની માતૃભૂમિ છોડીને જવું પડ્યું તેના ઝખમોથી તેઓ આજ સુધી બહાર આવી શક્યા નથી. તેમના તમામ સંબંધીઓ પાકિસ્તાનમાં જ રહે છે.
અનવરહુસૈન કહે છે, “મારાં બીમાર માતા છેલ્લાં કેટલાંક વર્ષોથી કહી રહ્યાં હતાં કે મને મળવું એ તેમના જીવનની છેલ્લી ઇચ્છા છે પરંતુ એ ઇચ્છા અધૂરી રહી ગઈ.”
તેઓ કહે છે કે, તેમની ધાર્મિક આસ્થા અનુસાર ખુદાને ફરિયાદ કરવી એ ગુનો ગણાય છે પરંતુ તેમને અલ્લાહથી ફરિયાદ છે.
પોતાના લોકોથી અલગ થવાનું દર્દ

ઇમેજ સ્રોત, BBC/SHARAD KC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કાઠમંડુના ચક્રપથમાં એક ઇબાદતગાહ છે. એક યુવાન ત્યાં રાહ જોઈ રહ્યો છે કે તેને ક્યારે પોતાની વાત રજૂ કરવાનો મોકો મળશે.
શાહિદ મકબૂલ નામના એ યુવાને કહ્યું કે, “મારી બહેનને કૅન્સર છે. અમે રાત્રે ઊંઘી શકતા નથી. મારા પરિવારના અનેક લોકો ડીપ્રેશનની દવા લે છે.”
આ વાત કરીને શાહિદ મકબૂલે કહ્યું કે તેઓ એક મિનિટમાં પાછા આવશે અને પછી ત્યાંથી ચાલ્યા જાય છે.
જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં હૉસ્પિટલની એક ફાઇલ હતી. આ ફાઇલને વાંચ્યા પછી અમે તેમની સાથે તેમના ઘરે ગયાં.
તેમના ઘરમાં વીજળી ન હતી. ત્યાં હાજર બીમાર વ્યક્તિનું નામ ફરીદા અહમદ હતું.
શાહિદ કહે છે કે તેમણે પાકિસ્તાનમાં તેમનું ઘર 2013ની રાત્રે છોડી દીધું હતું.
ફરીદા કહે છે, “મેં વિચાર્યું હતું કે અમે અહીં અમારો જીવ બચાવવા આવી રહ્યા છીએ પરંતુ અમે અહીં દરરોજ જાણે કે મરી રહ્યાં છીએ.”
ઘર ચલાવવા માટે ફરીદાનાં પતિ અસગર કાઠમંડુમાં મજૂરી કરે છે પરંતુ તેનાથી તેમનું ઘર ચાલી રહ્યું નથી.
તેઓ કહે છે, “અમારા ઘરે એક જ દિવસ ખાવાનું બને છે અને તે બે દિવસ સુધી અમે ચલાવીએ છીએ. અમે અનેક રાત્રિ ભૂખ્યા રહીને પસાર કરી પરંતુ કોઈને તેના વિશે કહ્યું નથી.”
રૂમના ફ્લૉર તરફ ઈશારો કરીને તેઓ કહે છે, “અમે અહીં શિયાળામાં સૂતા હતા. અમે અમારાં બાળકોને ઠંડીથી બચાવવા અમારી પાસે જે પણ કપડાં હતા તેનો ઉપયોગ કર્યો અને અમે પોતે પણ આખી રાત ધ્રૂજતાં ધ્રૂજતાં પસાર કરી."
ફરીદાએ થોડાં વર્ષો પહેલાં કૅન્સરથી છુટકારો મેળવવાં માટે સર્જરી કરાવી હતી, પરંતુ હવે ફરી એકવાર આ બીમારી તેમને પરેશાન કરી રહી છે.
ડૉક્ટરે તેમને ફરી એકવાર કીમોથેરેપી કરાવવાનું કહ્યું છે. ગભરાયેલાં ફરીદા કહે છે, "જો કીમોથેરેપી દરમિયાન મને કંઈક થશે, તો મારાં બાળકોની સંભાળ કોણ રાખશે?"
શરણાર્થી બાળકો કાઠમંડુમાં શાળાએ જાય છે અને તેમની ફી સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુએનએચસીઆર દ્વારા ચૂકવવામાં આવે છે.
ફરીદા કહે છે, “શાળા અહીંથી ઘણી દૂર છે. સવારે નેપાળી બાળકોને વાહનો લેવાં આવે છે ત્યારે મારાં નાનાં બાળકે પૂછ્યું કે આ વાહન તેને કેમ લઈ જતું નથી. હું તે કારનું ભાડું ચૂકવી શકતી નથી."
ફરીદાની પાસે બેઠેલી અન્ય એક મહિલા પોતાની સમસ્યાઓ વિશે ફરિયાદ કરતાં કહે છે, "જ્યારે અમારાં બાળકો નાની-નાની બાબતો માટે પૂછે છે, ત્યારે અમારે બહાનાંઓ કાઢવાં પડે છે."
ફરીદાની છેલ્લી ઇચ્છા

ફરીદા કહે છે, "હું મારાં બાળકોને એવી જગ્યાએ છોડવાં માંગુ છું જ્યાં મને વિશ્વાસ છે કે તેમનું ભવિષ્ય સુરક્ષિત છે."
તેમના માટે આ સુરક્ષિત સ્થળ કૅનેડા છે પરંતુ બે વખત કૅનેડાના વિઝા મળવા છતાં તેનો પરિવાર નેપાળથી કૅનેડા જઈ શક્યો નથી.
નેપાળના કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ તેના વિઝાથી વધુ સમય પસાર કરે છે તો તે દંડ ભર્યા વિના દેશ છોડી શકતો નથી. વિઝાની મુદત પૂરી થયા બાદ દરેક વ્યક્તિએ દરરોજ આઠ ડૉલરનો દંડ ભરવો પડે છે.
ફરીદાનો પરિવાર આ દંડ ભરી શક્યો ન હતો અને તેના કારણે તેમના કૅનેડાના વિઝા બંને વખત સમાપ્ત થઈ ગયા હતા.
નેપાળી અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુએનએચસીઆરએ તેમને 90 લોકોની યાદી મોકલી છે અને વિનંતી કરી છે કે સરકાર તેમના પર લાગેલા દંડને માફ કરે.
નેપાળી અધિકારીઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, BBC/SHARAD KC
નેપાળમાં ગત વર્ષે ઑક્ટોબરમાં થયેલી કૅબિનેટની એક બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે વિદેશી શરણાર્થીઓ પર લગાવવામાં આવેલા દંડને માફ કરી દેવામાં આવશે.
પરંતુ નેપાળ સરકાર માટે એક ખતરો એ પણ છે કે જો તેઓ આ દંડને સંપૂર્ણપણે નાબૂદ કરી દે તો તેમના દેશમાં શરણાર્થીઓની સંખ્યા વધી જશે.
કેટલાક અધિકારીઓનું કહેવું છે કે કેટલાક લોકો ખૂબ જ સક્રિય રીતે અન્ય દેશોમાંથી શરણાર્થીઓને નેપાળ મોકલી રહ્યા છે.
એક પોલીસ અધિકારીએ બીબીસી નેપાળીને જણાવ્યું કે થોડા સમય પહેલાં તેમણે એવા લોકોની ધરપકડ કરી હતી કે જે લોકોને છેતરતા હતા. આ લોકો એવો વાયદો કરતાં હતાં કે જો તેઓ થોડો સમય નેપાળમાં રહે તો તેમને કૅનેડા, અમેરિકા અથવા યુરોપ મોકલી શકાય છે.
આ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, નેપાળ સરકાર પણ આ બાબત પર બારીકાઈથી નજર રાખી રહી છે જેથી કરીને શરણાર્થીઓની આડમાં દેશમાં માનવતસ્કરી ન વધે.
નેપાળના ગૃહ મંત્રાલયના એક અધિકારીએ બીબીસી નેપાળીને કહ્યું, "એક હજાર લોકો પર લગાવવામાં આવેલ દંડને નાબૂદ કરવો એ સરકાર માટે કોઈ મોટી વાત નથી, પરંતુ ભવિષ્યમાં આ સમસ્યાનો અંત આવશે કે નહીં તેની કોઈ ખાતરી નથી."
નેપાળી ગૃહ મંત્રાલયના પ્રવક્તા પ્રસાદ ભટ્ટરાય કહે છે, "અમે ઇચ્છીએ છીએ કે અમારા દેશનો ઉપયોગ શરણાર્થીઓના ગંતવ્યસ્થાન તરીકે ન થવો જોઈએ."
પરંતુ એવા ઘણા શરણાર્થીઓ છે જેઓ કહે છે કે તેઓ અન્ય કોઈ દેશમાં જવા માટે નેપાળનો આધાર તરીકે ઉપયોગ કરી રહ્યા નથી.
એ જ રીતે, એક પાકિસ્તાની શરણાર્થી ખાલિદ નૂર કહે છે, “અમે અહીં જીવ બચાવવા આવ્યા છીએ પરંતુ અહીં પણ અમારી સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી. અમારાં બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ જશે.”
નેપાળનું ઈમિગ્રેશન વિભાગ વર્ષોથી વિદેશીઓને દેશમાંથી બહાર કાઢી રહ્યું છે. વિભાગના મહાનિર્દેશક કોશ્યરી નરુલાના જણાવ્યા અનુસાર, છેલ્લાં સાત વર્ષમાં લગભગ ત્રણ હજાર વિદેશીઓને દેશમાંથી પાછા મોકલવામાં આવ્યા છે.
યુએનએચસીઆરનું કહેવું છે કે નેપાળમાંથી દેશનિકાલ કરવામાં આવતા લોકોને તેમના જ દેશોમાં તેમના જીવન માટે જોખમ છે.
પાકિસ્તાનના લાહોરથી નેપાળ આવેલા મહમૂદ રાશિદે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેનો નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે વિદેશીઓને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
મહમૂદ રાશિદ 5 ઍપ્રિલ, 2004ના રોજ નેપાળ આવ્યા અને બીજા જ દિવસે તેમણે ત્યાં આશ્રય માટે અરજી કરી.
27 સપ્ટેમ્બર 2006ના રોજ, તેમની અરજી સ્વીકારવામાં આવી અને તેમને નેપાળમાં રહેવાની મંજૂરી આપવામાં આવી.
તેણે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં લખ્યું છે કે તેઓ તેમના બે ભાઈઓ સાથે નેપાળ આવ્યા હતા કારણ કે પાકિસ્તાનમાં સુન્ની મુસ્લિમો દ્વારા તેઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો.
તેમની અરજી પર નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માનવતાના આધાર પર અરજી કરનારા લોકોને પાકિસ્તાન પરત મોકલી શકાય નહીં.
બીબીસીએ નેપાળમાં આશ્રય લઈ રહેલા પાકિસ્તાની નાગરિકોના મુદ્દે ચર્ચા કરવા કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
પાકિસ્તાની શરણાર્થીઓની પસંદ નેપાળ કેમ?

ઇમેજ સ્રોત, BBC/SHARAD KC
પાકિસ્તાની શરણાર્થીઓનું કહેવું છે કે નેપાળ તેમના માટે આસાન પસંદગી એટલા માટે છે કારણ કે તેમને અહીં ‘વિઝા ઑન અરાઇવલ’ મળી જાય છે.
અગાઉ પાકિસ્તાનના અહમદિયા મુસ્લિમો ઘણીવાર શ્રીલંકાની મુલાકાત લેતા હતા પરંતુ ત્યાંની સરકારે 'વિઝા ઑન અરાઈવલ' આપવાનું બંધ કરી દીધું હતું.
નેપાળમાં અહમદિયા સમુદાયના નેતાઓનું કહેવું છે કે કાઠમંડુમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં તેમના સમુદાયના લોકોના અંતિમસંસ્કાર થઈ શકે.
સ્થાનિક નેતા સલીમ અહેમદનું કહેવું છે કે નેપાળમાં કુલ 10 થી 12 હજાર અહમદિયા મુસ્લિમો છે.
તેમનું કહેવું છે કે જો કોઈ અહમદિયા મુસ્લિમ કાઠમંડુમાં મૃત્યુ પામે છે, તો તેણે અંતિમ સંસ્કાર કરવા માટે 130 કિલોમીટર દૂર જવું પડે છે.
"સાત વર્ષ પહેલાં, જ્યારે એક પાકિસ્તાની અહમદિયા શરણાર્થીનું અવસાન થયું, ત્યારે અમારે તેના અંતિમ સંસ્કાર કરવા પારસા જિલ્લામાં જવું પડ્યું."
પાકિસ્તાની શરણાર્થી યામીન અહેમદનું કહેવું છે કે તેમનાં માતાનું 2016માં કાઠમંડુમાં અવસાન થયું હતું અને તેની ઈચ્છા મુજબ તેમના મૃતદેહને દફનાવવા માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો.
તેમનું કહેવું છે કે તેમની માતાના મૃતદેહને પાકિસ્તાન મોકલવામાં સાત દિવસનો સમય લાગ્યો હતો અને પાકિસ્તાની દૂતાવાસે તેને આ કામમાં મદદ કરી ન હતી.
નેપાળના કાયદા મુજબ ગેરકાયદેસર શરણાર્થીઓને દેશમાં કામ કરવાની મનાઈ છે પરંતુ ઘણીવાર લોકો છુપાઈને કામ કરે છે અને કેટલાક લોકો નેપાળી નાગરિકોના નામે પોતાનો ધંધો ચલાવી રહ્યા છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












