ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે? ક્યાં પડશે સતત વરસાદ?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને વાવણીલાયક વરસાદ થયો છે.

રાજ્યમાં સોમવારે 100થી વધારે તાલુકામાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ થયો હતો.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સોમવારે વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોઠવાયો વરસાદ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં આવનારા ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધશે અને આવનારા દિવસોમાં પણ વરસાદનો દોર ચાલું રહે તેવી શક્યતા છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવનારા સાત દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે અને ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે?

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે?

ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

થોડાક દિવસો પહેલાં ચોમાસું નબળું હતું. જોકે, હાલમાં સમુદ્રનું ચોમાસું પશ્ચિમ ભારતમાં ખૂબ જ મજબૂત છે. આ કારણે દરિયાકાંઠાનાં રાજ્યો જેવાં કે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત ચોમાસું મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં પણ આગળ વધશે.

ગુજરાતમાં ચોમાસું ગઈકાલે નવસારીથી આગળ વધીને વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અને રાજપીપળા સુધી આગળ વધ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં વરસાદની ઍન્ટ્રી થઈ ગઈ છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, ચોમાસું આવનારા બે-ત્રણ દિવસમાં આગળ વધશે. આ કારણે આવનાર પાંચથી સાત દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે.

2 જુલાઈ સુધીમાં ચોમાસું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ગુજરાતના ક્યાં-કયાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે?

ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં ચોમાસાની વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં આજે વડોદરા, પંચમહાલ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરાના દેસાર તાલુકામાં લગભગ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પંચમહાલના કલોલમાં લગભગ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જોકે, સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબીમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ મંગળવારે ખૂબ જ ઓછી છે, પરંતુ આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતનાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.

જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં આવનારા બે-ત્રણ દિવસોમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં કોઈ સ્થળો પર ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે.

ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરાના ઘણા બધા વિસ્તારોમાં આવતા બે-ત્રણ દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદામાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં આવનારા ચાર-પાંચ દિવસમાં સતત વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.

જોકે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવનાર એક-બે દિવસોમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટે તેવી શક્યતા છે. ત્યારબાદ 29 જૂનથી સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદ મજબૂત બનશે અને લગભગ 5 જુલાઈ સુધી સારો વરસાદ થવાની શક્યતા છે.

આમ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવનારા સાત-આઠ દિવસોમાં વાવણી કરી શકાય તેવો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આવતા અઠવાડિયામાં સતત વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ 30 જૂન બાદ વરસાદ વધવાની આગાહી છે.