You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા પહેલવાનોના જાતીય ઉત્પીડનના આરોપો વિશે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે શું કહ્યું?
- મહિલા કુસ્તી ખેલાડીઓએ મહાસંઘના પ્રમુખ પર જાતીય ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા છે
- રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ બૃજ ભૂષણસિંહે આરોપોને નકારી કાઢ્યા છે
- દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે બૃજ ભૂષણસિંહની તત્કાળ ધરપકડ કરવાની માગણી કરી હતી
- દિલ્હીના જંતરમંતર પર બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત અન્ય ઘણા ખેલાડી ધરણાં પર બેઠાં છે
ભારતનાં ઘણાં ટોચનાં કુસ્તીબાજો સતત બીજા દિવસે પણ દિલ્હીના જંતર-મંતર પર વિરોધપ્રદર્શન પર બેઠાં છે.
બુધવારથી ધરણાં પર બેઠેલાં ખેલાડીઓએ રેસલિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ બૃજ ભૂષણ શરણ સિંહ પર જાતીય શોષણના આરોપ લગાવ્યા છે.
બીજી તરફ બૃજ ભૂષણ શરણ સિંહે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે તેમના તાજેતરના ઇન્ટરવ્યૂમાં ખેલાડીઓને જ ઘેર્યા હતા.
આ દરમિયાન ગુરૂવારે ભાજપનાં નેતા અને કુસ્તીબાજ બબીતા ફોગાટ પણ પ્રદર્શનસ્થળ પર પહોંચ્યાં હતાં.
બજરંગ પૂનિયા અનુસાર, તેઓ સરકારનો સંદેશ લઈને આવ્યાં હતાં.
બજરંગ પૂનિયાએ જણાવ્યું હતું કે, “બબીતા ફોગાટ સરકાર વતી મધ્યસ્થી બનીને આવ્યાં છે. અમે તેમની સાથે વાત કરીશું. જો અમે દેશ માટે લડી શકતાં હોઈએ, તો અમે અમારા અધિકારો માટે પણ લડી શકીએ છીએ.”
બબીતા ફોગાટે કહ્યું છે કે, તેમણે ખેલાડીઓને આશ્વાસન આપ્યું છે કે સરકાર તેમની સાથે છે.
પ્રદર્શન પર બેઠેલાં ખેલાડીઓમાં બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સિવાય ઘણાં કુસ્તીબાજો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુસ્તીની વૈશ્વિક ખેલ સંસ્થા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે (UWW) બીબીસી હિન્દીને જણાવ્યું છે કે, “તેઓને ભારતીય ખેલાડીઓ દ્વારા રેસલિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયા સામે કરવામાં આવેલા આરોપો અંગે "ગંભીર ચિંતા" સાથે જાણ થઈ હતી.
વૃંદા કરાતને કુસ્તીબાજોએ સ્ટેજ પર કેમ ન આવવાં દીધાં?
જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોને સમર્થન આપવા આવેલા સીપીએમનાં નેતા વૃંદા કરાતને ત્યાં હાજર ખેલાડીઓ અને તેમના સમર્થકોએ મંચ પર ચઢવા દીધાં ન હતાં.
કરાત જ્યારે મંચ પર પહોંચ્યાં, ત્યારે કુસ્તીબાજ બજરંગ પૂનિયા ભાષણ આપી રહ્યા હતા.
સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા શૅર કરવામાં આવેલા વીડિયોમાં પૂનિયાને એમ કહેતા સાંભળી શકાય છે, “મેડમ માઇક કોઈને નહીં મળે... મહેરબાની કરીને તમે નીચે આવી જાઓ... મહેરબાની કરીને તેને રાજકીય મુદ્દો ન બનાવો... તમને વિનંતી છે, તમે નીચે આવી જાવ, આ ખેલાડીઓનાં ધરણાં છે.”
રેસલિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ પર ગંભીર આરોપો લગાવ્યા બાદ ગુરૂવારે પણ કુસ્તીબાજોનું વિરોધપ્રદર્શન ચાલુ છે.
આ દરમિયાન કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ મોટો દાવો કર્યો છે કે, રેસલિંગ ફૅડરેશનના પ્રમુખ બૃજ ભૂષણ શરણસિંહ વિદેશમાં ભાગી શકે છે.
દિલ્હીના જંતર-મંતર પર વિરોધપ્રદર્શન કરી રહેલા બજરંગ પૂનિયાએ પણ કહ્યું કે આ કોઈ એક ખેલાડીની લડાઈ નથી.
'ભારતીય કુસ્તી ફેડરેશનને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે'
કૉંગ્રેસ સાસંદ જયરામ રમેશે એક ટ્વીટમાં લખ્યું છે કે, “કુલદીપ સેંગર, ચિન્મયાનંદ, બાપ-દીકરા વિનોદ આર્ય-પુલકિત આર્ય...અને હવે આ નવો મુદ્દો! દીકરીઓ પર અત્યારચાર કરનારા ભાજપના નેતાઓની યાદી અંતહિન છે. શું ‘બેટી બચાવો’ દીકરીઓને ભાજપ નેતાઓથી બચાવવાની ચેતવણી હતી! વડા પ્રધાનજી, જવાબ આપો.”
“વડા પ્રધાનજી, દીકરીઓ પર અત્યાચાર કરનારા તમામ ભાજપના જ કેમ હોય છે? ગઈકાલે તમે કહ્યું કે, દેશમાં રમત માટે સારો માહોલ બન્યો છે. શું આ જ છે ‘સારો માહોલ’ જેમાં દેશનું નામ રોશન કરનારી દીકરીઓ પણ સુરક્ષિત નથી?”
આ અગાઉ કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે, “આ ખેલાડીઓને સાંભળવા જોઈએ અને આરોપોની તપાસ બાદ કાર્યવાહી થવી જોઈએ.”
તેઓએ ટ્વિટર પર લખ્યું છે કે, “તેમણે ટ્વિટર પર લખ્યું- અમારા ખેલાડીઓ દેશનું ગૌરવ છે. તેઓ વિશ્વ સ્તરે તેમના પ્રદર્શન દ્વારા દેશનું ગૌરવ વધારે છે. ખેલાડીઓએ કુસ્તી ફેડરેશન અને તેના પ્રમુખ પર શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ખેલાડીઓનો અવાજ સાંભળવો જોઈએ. આરોપોની તપાસ કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ.”
કૉંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું છે કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ફેડરેશન કુસ્તીબાજોનો અવાજ સાંભળી રહ્યું નથી અને તેઓએ વિરોધ કરવો પડી રહ્યો છે.”
હુડ્ડાએ કહ્યું કે, “હું ભારત સરકાર પાસે માંગ કરું છું કે ભારતીય કુસ્તી ફેડરેશનને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. આ સાથે સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થવી જોઈએ.”
વિરોધપ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોમાંથી એક વિનેશ ફોગાટે પણ બુધવારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન બૃજ ભૂષણ શરણસિંહ પર છોકરીઓ સાથે જાતીય શોષણ સહિત ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા.
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) શું કહે છે?
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીના કોચ પ્રવીણ દહિયાએ કહ્યું છે કે, “જાતીય ઉત્પીડનના આરોપો ખૂબ ગંભીર છે અને કોઈ પણ કારણ વગર કોઈ આવી વાત નથી કરતું.”
તેઓએ કહ્યું છે કે, “કુસ્તીબાજો એ ઇચ્છે છે કે નિષ્પક્ષ તપાસ બાદ હકીકત સામે આવે.”
આ દરમિયાન રમત મંત્રાલયે આ મામલે ભારતીય કુસ્તી ફેડરેશન પાસે સ્પષ્ટતા માગી છે.
રમત મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાને આગામી 72 કલાકમાં આરોપોનો જવાબ આપવા કહ્યું છે.
રાજસ્થાન રાજ્ય રમતગમત પરિષદના અધ્યક્ષ અને કૉંગ્રેસના ધારાસભ્ય કૃષ્ણા પૂનિયા કુસ્તીબાજોના સમર્થનમાં જયપુરમાં ધરણા પર બેઠા હતા. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુસ્તીબાજોને ન્યાય આપવા અપીલ કરી છે.
કુસ્તીની વૈશ્વિક ખેલ સંસ્થા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે (UWW) બીબીસીને જણાવ્યું છે કે, “તેઓને ભારતીય ખેલાડીઓ દ્વારા રેસલિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયા સામે કરવામાં આવેલા આરોપો અંગે "ગંભીર ચિંતા" સાથે જાણ થઈ હતી.
યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના ડાયરેક્ટર ઑફ કૉમ્યુનિકેશન્સ ગૉર્ડન ટેમ્પલમેને એક ઇમેઇલમાં બીબીસીને જણાવ્યું હતું કે, UWW આ બાબતની તપાસ કર્યા પછી જરૂર પડે જરૂરી પગલાં લેશે.
ટેમ્પલમૅને બીબીસીને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, "યૂડબ્લ્યૂડબ્લ્યૂ મીડિયામાં થયેલાં આ ગંભીર આરોપો વિશે ખૂબ જ ચિંતા વ્યક્ત કરે છે. અમે આ મામલાને ઝીણવટપૂર્વક તપાસીશું અને તપાસના પરિણામોને અનુરૂપ કોઈ પણ જરૂરી પગલાં લઈશું."
રેસલિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયા સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત સંસ્થા UWW ના 176 સભ્યોમાંથી એક છે.
UWW આંતરરાષ્ટ્રીય સ્તરે ઑલિમ્પિક અને કૉમનવેલ્થ ગેમ્સ જેવી ટુર્નામેન્ટ વગેરેમાં કુસ્તીની દેખરેખ રાખે છે. બૉડી તેમના નિયમોના ભંગ બદલ સભ્યો અથવા રમતવીરોને મંજૂરી આપી શકે છે અથવા ગેરલાયક ઠેરવી શકે છે.