You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હજુ આ વિસ્તારોમાં પડશે વરસાદ, પવનની ઝડપ કેટલી રહેશે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે.
વરસાદની સાથે ખૂબ ઝડપથી ફૂંકાતો પવન અને તીવ્ર ગાજવીજ પણ જોવા મળી રહ્યાં છે, કેટલી જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાયો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી પણ કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે અને વિવિધ વિસ્તારોમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ યથાવત રહે તેવી સંભાવના છે.
આ ઉપરાંત પવનની ગતિમાં હવે ઘટાડો થવાની શક્યતા છે પરંતુ વરસાદ આવે તેની સાથે કેટલાક વિસ્તારોમાં હજી પણ ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં મે મહિનામાં પડી રહેલી ભારે ગરમીની વચ્ચે વરસાદ થતાં રાજ્યના તમામ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં નીચું ગયું છે.
ગુજરાતમાં હજી કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 અને 10 મેના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.
જોકે, હવે ઉત્તરોત્તર વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ ગયું છે અને આગામી દિવસોમાં પણ વરસાદનું જોર ઘટશે, એટલે કે ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ પડવાનીની શક્યતા ખૂબ ઓછી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને મહેસાણામાં 9 અને 10 મેના રોજ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, સુરત, ભરૂચ, વલસાડ, દીવ, દમણ, ભાવનગર અને અમરેલીમાં મધ્યમ અને કોઈ સ્થળોએ તેના કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો છુટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હજી આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. જોકે, કેટલાક વિસ્તારોમાં સવારે તડકો નીકળશે અને સાંજ પડતા કે રાત સુધીમાં વરસાદ થાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે?
ગુજરાતમાં આજથી વરસાદનું જોર અને તેનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે પરંતુ રાજ્યમાં વરસાદ સાવ બંધ થશે નહીં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ચાર-પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 13 મે સુધી છુટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.
હાલ 9 અને 10 તારીખ બાદ વરસાદનું જોર ખૂબ ઓછું થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે. જોકે, રાજ્યના થોડા વિસ્તારો એવા હશે જેમાં 13 મે સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
10 મેથી વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જશે અને તેના આગળના 48 કલાકોમાં વરસાદ ખૂબ ઓછો થઈ જશે. 11 અને 12 મેના રોજ વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે અને માત્ર થોડા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાય એવી શક્યતા છે.
13 મેથી ગુજરાતમાં વરસાદ સાવ ઓછો થઈ જશે અને 14 મે આવતા સુધીમાં રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ બંધ થઈ જાય તેવી શક્યતા છે.
વરસાદ બંધ થયા બાદ રાજ્યમાં ગરમી વધવાની શક્યતા છે પરંતુ ગરમી ખૂબ જ નહીં વધે, અરબી સમુદ્ર પરથી આવતા પવનો ગુજરાતમાં ગરમીને વધતી અટકાવી રાખશે.
ગુજરાતમાં હાલ કમોસમી વરસાદની ચોમાસા પર કોઈ અસર થશે?
ગુજરાતમાં હાલ પડી રહેલો કમોસમી વરસાદ ભારત પર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની સાથે દેશના વિવિધ વિસ્તારો પર બનેલી સિસ્ટમોના કારણે થયો છે.
હાલ મે મહિનામાં ઉનાળાની વચ્ચે થયેલા વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થયો છે અને આ વરસાદને કારણે બાગાયતી અને ઉનાળુ પાકોને નુકસાન થયું છે.
હાલનો કમોસમી વરસાદ લગભગ બંધ થયા બાદ ગુજરાતમાં ચોમાસું બેસવાને એકાદ મહિના જેટલો જ સમયગાળો રહેલો છે. આ વરસાદ મે મહિનો અડધો પૂરો થતાં પહેલાં બંધ થઈ જશે.
કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યારે ભારતમાં ચોમાસું બેસે એવું કહેવામાં આવે છે, કેરળમાં ચોમાસાની શરૂઆત 1 જૂનની આસપાસ થતી હોય છે. જ્યારે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે.
હાલના કમોસમી વરસાદની અત્યારની સ્થિતિ પ્રમાણે આગામી ચોમાસા પર કોઈ અસર થવાની શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું આગળ વધી રહ્યું છે અને 13 મેની આસપાસ ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશી જશે. એટલે કે નિકોબારના ટાપુઓ અને દક્ષિણ બંગાળની ખાડીમાં ચોમાસું આવી જશે.
હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે આગળ વધી રહ્યું છે, જો કોઈ પરિવર્તન ન થાય તો 13 મેના રોજ ભારતના દરિયામાં ચોમાસું આવી જશે. એટલે હાલના આ કમોસમી વરસાદની આગામી ચોમાસા પર કોઈ અસર નહીં થાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન