You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત-રાજસ્થાનનાં ભારત-પાકિસ્તાન સરહદ નજીકનાં ગામડાંની કેવી છે પરિસ્થિતિ?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બનાસકાંઠા/બાડમેર
બનાસકાંઠાના રાધાનેસડા, માવસરી જેવાં બૉર્ડરનાં ગામો હોય કે પછી રાજસ્થાનના બાડમેરનું લાલપુર ગામ હોય, આ ગામોમાં હાલમાં એક સમાન વાત દેખાય છે – લોકોને ડર છે કે બૉર્ડરનાં ગામો હોવાને કારણે ક્યાંક તેમનાં ઘર પર કોઈ મિસાઇલ તો નહીં આવી પડે ને? અમુક લોકો બેફિકર છે, તો ઘણા લોકોએ પોતાનું ગામ છોડીને જતા રહ્યા છે.
એક પછી એક બધાં જ ઘરો બંધ હાલતમાં, ઘરનો સામાન પ્લાસ્ટિકથી બાંધેલી હાલતમાં, દરેક ઘર પર તાળું, ઘરની બહાર ત્રણ ત્રણ દિવસથી સૂકવવા માટે મૂકેલાં કપડાં, બેસહારા રખડતાં ગાય અને બકરી જેવાં પશુઓ, અને સુનસાન રસ્તાઓ – આ દૃશ્ય છે બાડમેર જિલ્લાના લાલપુર ગામનાં.
ગામ ખાલી થઈ ગયું, ઘર બંધ પડ્યાં છે
આ ગામ બાદ એક બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની એક ચોકી આવે છે, ત્યાર બાદ રણ અને તેની પછી ભારત-પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય બૉર્ડર છે. ભારતની જમીની સરહદનું આ છેલ્લું ગામ છે. 6-7 મેની અડધી રાત્રે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનનાં નવ અલગ-અલગ ઠેકાણાં પર ઍર સ્ટ્રાઇક કરી ત્યાર બાદથી જ આ ગામના લોકો પોતાનો સામાન, ઘરવખરી લઈને જતા રહ્યા છે. ઢોરને છોડી મૂક્યાં, હાથમાં જે સામાન આવ્યો તે સામાન ઉપાડ્યો અને આસપાસ રહેતા તેમના સંબંધીઓને ત્યા જતા રહ્યા છે.
બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે આ ગામમાં પહોંચી તો વાત કરવા માટે પણ કોઈ માણસ હાજર ન હતા.
માત્ર બે પરિવારો જ હાલમાં અહીં રહી રહ્યા છે, જેમાં દેનારામનો પરિવાર સામેલ છે. તેમના પરિવારજનો વાત કરતા કહે છે કે, "અમને પણ બીક તો લાગી રહી છે, પરંતુ અમે આ બધું છોડીને ક્યાં જઈએ. અમે હાલમાં ગામમાં બચી રહેલાં ઢોર ઢાકરનું ધ્યાન રાખી રહ્યા છીએ, તેમને પાણી આપી રહ્યા છીએ."
આ ગામમાં રિક્ષા ડ્રાઇવિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવતા મન્સારામએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "મોટાભાગના લોકો હાલમાં ગુજરાત અને રાજસ્થાનનાં બીજાં ભાગોમાં પોતાના સંબંધીઓને ઘરે જતા રહ્યા છે. અમારા કોઈ એવા સંબંધી નથી એટલે અમે અહીં જ રહી ગયા છીએ. અમને બીક તો લાગી રહી છે, પરંતુ શું કરી શકાય? અમે ક્યાં જઈએ, કંઈ ખબર પડતી નથી."
લાલપુર ગામનાં આશરે 100 મકાનોમાં મોટાભાગનાં મકાનો બંધ છે. જે હાજર છે તેઓ ડરી રહ્યાં છે. રેખાબહેનનો જન્મ આ જ ગામમાં થયો હતો. તેમના ઘરની બિલ્કુલ સામેથી આંતરરાષ્ટ્રીય સરહદ પસાર થાય છે.
તેઓ ઇશારો કરીને અમને બતાવે છે કે, જુઓ પેલું ઝાડ દેખાય છે, તેની પેલી બાજુ બૉર્ડર આવેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "ઘર છોડીને ક્યાં જવું? જે થાય તે અહીં જ થશે. અમને ખૂબ બીક લાગી રહી છે. આખું ગામ પણ ખાલી છે, પરંતુ અમારે અહીં રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી."
રેખાબહેનના ઘરમાં પાંચ સભ્યો છે, અમુક બકરીઓ છે. તેઓ બકરીઓ લઈને ક્યાંય ન જઈ શકે, માટે તેઓ અહીં જ રહી રહ્યાં છે.
તેમની જેમ જ વદળીબહેન પણ હજી સુધી ગામમાં છે. તેમના પરિવારમાં નાનાં બાળકો હોવાથી તેઓ હજી સુધી ગામ છોડી નથી રહ્યાં.
તેઓ કહે છે, "અમે હજી સરકારના કોઈ ઇશારોની રાહ જોઈ રહ્યાં છીએ. જો તે કહેશે તો અમે જતા રહીશું. બાકી તો અહીં જ રહીશું."
કેવી પરિસ્થિતિ છે ગુજરાતનાં ગામડાંની?
લાલપુર ગામથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલું છે બીકેડી ગામ. આ ગામમાં રહેતા ભગોડારામના ખેતરમાંથી ભારત તરફ આતંરરાષ્ટ્રીય બૉર્ડરના સંકેત આપતી ફેન્સિંગ પસાર થાય છે.
આ ફેન્સિંગથી થોડે દૂર બૉર્ડરનો પિલર આવેલો છે. તેઓ કહે છે કે, "રાતથી જ અમે તમામ લોકો ઘર છોડીને બહાર આવી ગયા છે, અમે હાલમાં માવસરી ગામમાં રહી રહ્યા છે. સરકારી તંત્રે અમને કહ્યું કે અમારે જગ્યા ખાલી કરી દેવી જોઈએ, એટલે હુમલા પછી તુરંત જ અમે તમામ લોકો ગુજરાતમાં આવી ગયા છીએ.''
તેઓ વધુમાં કહે છે કે, "ખેતરમાં ફેન્સિંગ હોવાથી અમે પાકિસ્તાનથી સૌથી નજીક છીએ. સૌથી પહેલો ખતરો અમારી ઉપર છે, તો અમારે તો સૌથી પહેલાં ખસી જવું પડે."
બીકેડી ગામથી આશરે 50 કિલોમીટર દૂર આવેલું છે બનાસકાંઠાનું માવસરી ગામ. આ ગામમાં બુધવારે અડધી રાત સુધી લોકો અને તંત્ર વચ્ચે મિટિંગ ચાલી હતી. ભારતની ઍર સ્ટ્રાઇક બાદ, આ ગામના લોકોને ખાસ સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું હતું.
આ ગામના એક આગેવાન નરપતભાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "અમે તંત્રને દરેક રીતે સહકાર આપી રહ્યા છીએ. બૉર્ડર તરફનાં ગામોને ખાસ સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. અંધારપટ કરવાની ખાસ તાલીમ આપવામાં આવી છે. અમારા રસ્તા પરની સોલાર લાઇટને પણ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. આ માટેની તમામ મિટિંગ સતત ચાલી છે."
બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, "સરકારી તંત્ર પોતાની રીતે ખૂબ સારી રીતે લોકો સુધી પહોંચી રહ્યું છે. લોકોને કંઈ પણ મદદ જોઈએ તો તે માટે અમારું સંગઠન પણ ખડેપગે મોજૂદ છે. તેની સાથે સાથે છેલ્લું ગામ સરકાર અને વિપક્ષ બન્ને સાથે મળીને કામ કરી રહી છે."
ગુજરાતમાં ભારતીય જમીન સીમાનું છેલ્લું ગામ એટલે રાધાનેસડા. વાવ તાલુકાના આ ગામમાં હજી સુધી ઘણાં ઘરોમાં ઇલેક્ટ્રિસિટી કનેક્શન પહોંચ્યું નથી. આ ગામમાં રહેતા પ્રકાશ ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "બીક લાગી રહી છે, પરંતુ અમને અમારી મિલિટરી ઉપર ભરોસે છે, અમને ખબર છે તેઓ અમારી રક્ષા કરશે, માટે અમે એક રીતે બેફિકર પણ છીએ."
રાધાનેસડા ગામમાં BSFની એક ચોકી આવેલી છે, અને તેની પેલી બાજુ આવેલું છે વિશાળ રણ અને તેની બીજી બાજુ આવેલી એક આંતરરાષ્ટ્રીય બૉર્ડર.
આ ગામના એક આગેવાન કહે છે કે, "ગામના તમામ લોકો હાલમાં બીકમાં છે. અમે સરકારથી આશા રાખીએ છીએ કે તે આવી પરિસ્થિતિમાં લોકોને તમામ પ્રકારની સહાયતા આપે, જો સ્થળાંતર થાય તો તે માટેની તમામ સવલતો પણ સરકાર અમને આપે તેવી અમારી અપેક્ષા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન