ઍડમ ગિલક્રિસ્ટ વિકેટકીપરની ભૂમિકામાં ક્યા અને કેવા બદલાવ લાવ્યા હતા?

ગિલક્રિસ્ટની પ્રવાહમય ક્ષમતાએ ઓસ્ટ્રેલિયન ટીમની સ્લીપ ફિલ્ડિંગને પણ મજબૂત કરી હતી ક્રિકેટ ભારત ઑસ્ટ્રેલિયા ગિલક્રિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગિલક્રિસ્ટની પ્રવાહમય ક્ષમતાએ ઑસ્ટ્રેલિયન ટીમની સ્લીપ ફિલ્ડિંગને પણ મજબૂત કરી હતી
    • લેેખક, પ્રદીપ ક્રિષ્ના
    • પદ, બીબીસી તામિલ

"અગાઉ વિકેટકીપરની વાત કરીએ ત્યારે દિમાગમાં મહેન્દ્રસિંહ ધોની અને માર્ક બાઉચરના નામ આવતાં હતાં."

આ વાક્ય તામિલનાડુના ક્રિકેટર બાબા ઇન્દ્રજીતે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ઍડમ ગિલક્રિસ્ટ વિશે વાત કરતાં કહ્યું હતું.

14 નવેમ્બરે ગિલક્રિસ્ટનો જન્મદિવસ હોય છે. તેઓ 1996થી 2008 સુધી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના અગ્રણી સભ્ય હતા.

અમે સેન્ટર ઑફ ઍક્સલન્સ(અગાઉની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી)નાં કોચ તથા અનુભવી વિકેટકીપર્સ આરતી જયશંકરને અને બાબા ઇન્દ્રજીત સાથે ઍડમ ગિલક્રિસ્ટ બાબતે વાત કરી હતી.

ગિલક્રિસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ પાછળ રહીને 905 શિકાર ઝડપ્યા હતા.

'એક રક્ષક'

ગિલક્રિસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ પાછળ રહીને 905 શિકાર ઝડપ્યા હતા ગિલક્રિસ્ટની પ્રવાહમય ક્ષમતાએ ઓસ્ટ્રેલિયન ટીમની સ્લીપ ફિલ્ડિંગને પણ મજબૂત કરી હતી ક્રિકેટ ભારત ઑસ્ટ્રેલિયા ગિલક્રિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગિલક્રિસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટ પાછળ રહીને 905 શિકાર ઝડપ્યા હતા

બાબા ઇન્દ્રજીતે ગિલક્રિસ્ટ જેવાં વિકેટકીપિંગ ગ્લોવ્ઝ ખરીદવાનો વિચાર કર્યો હતો.

તેમણે ગિલક્રિસ્ટને બહુ સ્ટાઇલિશ અને ટૅકનિકલી ઉત્કૃષ્ટ વિકેટકીપર ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું, "ગિલક્રિસ્ટ એક સંપૂર્ણ વિકેટકીપર છે. તેઓ સ્ટમ્પની પાસે ઊભા હોય ત્યારે અને ફાસ્ટ બૉલર્સ બૉલિંગ કરતા હોય ત્યારે પણ સારું પ્રદર્શન કરતા હોય છે. વાસ્તવમાં ફાસ્ટ બૉલર્સ બૉલિંગ કરતા હોય ત્યારે પણ તેઓ સ્ટમ્પની નજીક ઊભા રહીને બૉલ પકડે છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"શેન વૉર્નના ઝડપી સ્પિનને પકડવાનું આસાન નથી, પણ ગિલક્રિસ્ટે તે બખૂબી કરી દેખાડ્યું હતું. તેઓ બૉલ પકડવા માટે લાંબો કૂદકો મારી શકે છે અને ગ્લાઈડ પણ કરી શકે છે."

આરતી શંકરને જણાવ્યું હતું કે ગિલક્રિસ્ટની પ્રવાહમય ક્ષમતાએ ઑસ્ટ્રેલિયન ટીમની સ્લીપ ફિલ્ડિંગને પણ મજબૂત કરી હતી.

આ સંદર્ભે વાત કરતાં તેમણે કહ્યું હતું, "ગિલક્રિસ્ટનો પાવર જમ્પ તેમની એક મોટી શક્તિ છે. એ તેમને બહુ આગળ લઈ જવામાં મદદ કરે છે. તેમણે એક રીતે ટીમના સ્લીપ યુનિટને મજબૂત કર્યું છે."

સામાન્ય રીતે સ્લીપ યુનિટ મજબૂત હોય ત્યારે વિકેટકીપર પ્રભાવશાળી હોય છે. તેનાથી સ્લીપ ફિલ્ડર્સને થોડા પાછળ, થોડા દૂર રહેવાની સુવિધા મળે છે. દાખલા તરીકે, પહેલી સ્લીપ પર ઊભેલો ફિલ્ડર "દોઢ સ્લીપ" (પહેલી તથા બીજી સ્લીપની વચ્ચે)માં ઊભો રહી શકે છે.

તેમણે કહ્યું હતું, "આ રીતે ઊભા રહેવાથી તેને કૅચ પડકવા માટે થોડો વધારે સમય મળી રહે છે. તેથી સ્લીપ યુનિટ એકંદરે બહેતર પ્રદર્શન કરે છે."

આરતીના જણાવ્યાં મુજબ, ઑસ્ટ્રેલિયન ટીમમાં ગિલક્રિસ્ટ જેવા મહાન વિકેટકીપર અને કેટલાક ઉત્તમ ફિલ્ડર્સને કારણે તેમનું સ્લીપ યુનિટ કાયમ જોખમ બની રહેતું હતું.

ગિલક્રિસ્ટનો દૈનિક ટ્રેનિંગ પ્રોગ્રામ પણ તેમને મદદગાર હતો, એમ જણાવતાં આરતીએ કહ્યું હતું, "મૅચ પહેલાં અમે કેટલાક ઝડપી કૅચ પકડતાં હતાં, પરંતુ ગિલક્રિસ્ટનું એવું નથી. તેઓ કેટલાક આસાન કૅચ ઝડપવા ઇચ્છતા હોય છે. તેમના પગ અને હાથ સારી રીતે કાર્યરત હોય છે. બૉલ તેમનાં ગ્લોવ્ઝમાં આસાનીથી સમાઈ જાય છે. આ બધી નાની-નાની વાતો છે, પરંતુ ગિલક્રિસ્ટે આ બધીને પોતાની આદત બનાવી લીધી હતી."

ગિલક્રિસ્ટે ટેસ્ટ, વન-ડે અને ટી20 એમ ત્રણેય ફૉર્મેટમાં કુલ 905 શિકાર ઝડપ્યા છે. સ્ટમ્પ્સ પાછળ સૌથી વધુ શિકાર ઝડપનારાઓની યાદીમાં તેઓ માર્ક બાઉચર પછી બીજા ક્રમે છે. તેમણે પ્રતિ મૅચ સરેરાશ 1.865 શિકાર ઝડપ્યા છે.

પોતાની બેટિંગથી વિકેટકીપર્સ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો

વનડેમાં 9619 નોંધાવનાર ગિલક્રિસ્ટનો સ્ટ્રાઈક રેટ 96.94નો છે. ટેસ્ટ મેચમાં પણ તેમનો સ્ટ્રાઈક રેટ 81.95નો છે ગિલક્રિસ્ટની પ્રવાહમય ક્ષમતાએ ઓસ્ટ્રેલિયન ટીમની સ્લીપ ફિલ્ડિંગને પણ મજબૂત કરી હતી ક્રિકેટ ભારત ઑસ્ટ્રેલિયા ગિલક્રિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વન-ડેમાં 9619 નોંધાવનાર ગિલક્રિસ્ટનો સ્ટ્રાઇક રેટ 96.94નો છે. ટેસ્ટમૅચમાં પણ તેમનો સ્ટ્રાઇક રેટ 81.95નો છે

ગિલક્રિસ્ટે વિકેટકીપર્સની ભૂમિકાને નવેસરથી પરિભાષિત કરી હતી, એમ જણાવતા ઇન્દ્રજીતે કહ્યું હતું, "એ સમયે વિકેટકીપર્સનું કામ માત્ર કીપિંગ કરવાનું હતું. બેટિંગમાં વિકેટકીપર્સ પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવતી ન હતી, પરંતુ ગિલક્રિસ્ટે તેને નવો આયામ આપ્યો હતો."

ઇન્દ્રજીતના કહેવા મુજબ, "ગિલક્રિસ્ટના જમાનામાં ટી20 મૅચો ન હતી. તેઓ વન-ડે રમ્યા હતા. તેમની વિસ્ફોટક બેટિંગ જોવા જેવી હતી. તેઓ મેથ્યુ હેડન જેવા બૅટ્સમૅનો ન હતા, પરંતુ બૉલને આસાનીથી બાઉન્ડ્રી બહાર મોકલી શકતા હતા."

તેઓ માત્ર બૅટ્સમૅન અને વિકેટકીપર તરીકે જ ક્રિકેટ રમી શકતા હતા, એમ જણાવતા ઇન્દ્રજીતે ઉમેર્યું હતું, "ઑસ્ટ્રેલિયન ટીમની વાત થાય ત્યારે ગિલક્રિસ્ટ આક્રમક ખેલાડી તરીકે યાદ આવે. એમ છતાં બધા તેમને પસંદ કરે છે. તેમનામાં એક શાંત આક્રમકતા છે. તેઓ બેટિંગમાં આક્રમકતા દેખાડે છે, પરંતુ તેમનો સ્વભાવ એવો નથી."

આરતીએ જણાવ્યું હતું કે વિકેટકીપર પણ પોતાની આક્રમક ગેઇમ વડે બેટિંગમાં યોગદાન આપી શકે, એવું શ્રીલંકાના રોમેશ કાલુવિથરનાએ સૌપ્રથમ કહ્યું હતું અને ગિલક્રિસ્ટે તમામ ફૉર્મેટમાં તેનું અનુસરણ કર્યું હતું.

આરતીએ કહ્યું હતું, "વિકેટકીપર્સ કટિંગ અને સ્વીપ શોટ લગાવવામાં નિષ્ણાત હોવાનું કહેવામાં આવે છે, પરંતુ ગિલક્રિસ્ટે તેમની પાવર હિટીંગ વડે એ માન્યતાને બદલી નાખી હતી. આપણે નિશ્ચિત રીતે કહી શકીએ કે તેઓ વન-ડેને નવા સ્તર પર લઈ ગયા. મેં પણ તેમની માફક આક્રમક રમવાના બહુ પ્રયાસ કર્યા, પરંતુ એવું કરી શકી નહીં."

ગિલક્રિસ્ટની પ્રવાહમય ક્ષમતાએ ઓસ્ટ્રેલિયન ટીમની સ્લીપ ફિલ્ડિંગને પણ મજબૂત કરી હતી ક્રિકેટ ભારત ઑસ્ટ્રેલિયા ગિલક્રિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગિલક્રિસ્ટને એક એવા ઑલરાઉન્ડર ગણાવી શકાય જેમણે તેમને સોંપવામાં આવેલી દરેક ભૂમિકામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આરતી પ્રમાણે, ગિલક્રિસ્ટને એક એવા ઑલરાઉન્ડર ગણાવી શકાય જેમણે તેમને સોંપવામાં આવેલી દરેક ભૂમિકામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

વન-ડેમાં 9619 નોંધાવનાર ગિલક્રિસ્ટનો સ્ટ્રાઇક રેટ 96.94નો છે. ટેસ્ટમૅચમાં પણ તેમનો સ્ટ્રાઇક રેટ 81.95નો છે.

ગિલક્રિસ્ટે વિકેટકીપર્સની બેટિંગ ક્ષમતા વિશેની ધારણાને કેવી રીતે બદલી નાખી હતી તેની વાત શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન અને અગ્રણી વિકેટકીપર કુમાર સંગકારાએ એક વખત કરી હતી.

ઈએસપીએનક્રિકઇન્ફો પોર્ટલ સાથે થોડાં વર્ષ પહેલાં વાત કરતાં સંગકારાએ કહ્યું હતું, "ગિલક્રિસ્ટનો મારા પર જ નહીં, પસંદગીકર્તાઓ પર પણ પ્રભાવ પડ્યો હતો. તેમણે એવું વાતાવરણ સર્જ્યું હતું કે વિકેટકીપર બેટિંગમાં યોગદાન ન આપે તો ટીમમાં તેના સ્થાન પર જોખમ સર્જાતું હતું. આ રીતે તેમણે બધાને પોતપોતાનું કૌશલ્ય વિકસાવવાનો પડકાર ફેંક્યો હતો. અનેક નિષ્ણાતો ગિલક્રિસ્ટને પસંદ નથી કરતા, કારણ કે તેમણે એ ભૂમિકાનો અંત લાવ્યો હતો, પરંતુ ધોની અને અન્ય લોકોએ જે પરિવર્તન કર્યું એ માટે હું તેનો ઋણી છું."

આશ્ચર્યજનક ગિલક્રિસ્ટ

ગિલક્રિસ્ટે વિકેટકીપર્સની બેટિંગ ક્ષમતા વિશેની ધારણાને બદલી નાખી હતી ગિલક્રિસ્ટની પ્રવાહમય ક્ષમતાએ ઓસ્ટ્રેલિયન ટીમની સ્લીપ ફિલ્ડિંગને પણ મજબૂત કરી હતી ક્રિકેટ ભારત ઑસ્ટ્રેલિયા ગિલક્રિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગિલક્રિસ્ટે વિકેટકીપર્સની બેટિંગ ક્ષમતા વિશેની ધારણાને બદલી નાખી હતી

આરતીએ કહ્યું હતું, "હું ગિલક્રિસ્ટ બાબતે વિચારું છું ત્યારે મને એ ઘટના આવે છે, જેમાં વર્લ્ડકપની મૅચમાં અમ્પાયરે નોટ આઉટ આપ્યા છતાં તેઓ મેદાનની બહાર ચાલ્યા ગયા હતા."

2003ની વર્લ્ડકપની સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામસામે હતાં. અરવિંદ ડી-સિલ્વાના બૉલને ગિલક્રિસ્ટે સ્વીપ કર્યો હતો, જેને શ્રીલંકાના વિકેટકીપર સંગકારાએ ઝડપી લીધો હતો અને અપીલ કરી હતી, પરંતુ અમ્પાયર રૂડી કોર્ટોઇસે તેમને આઉટ જાહેર કર્યા ન હતા.

શ્રીલંકન ખેલાડીઓ આઘાતમાં હતા ત્યારે ગિલક્રિસ્ટ પેવેલિયન તરફ ચાલવા લાગ્યા હતા.

"હું એમ નથી કહેતી કે તેઓ બહુ પ્રમાણિક હતા. એ વખતે તેમને જે યોગ્ય લાગ્યું એ તેમણે કર્યું. વ્યક્તિના સાચા ગુણ આવી ક્ષણોમાં જ બહાર આવતા હોય છે," એમ આરતીએ કહ્યું હતું.

આરતીએ ઉમેર્યુ હતું, "એ પરિસ્થિતિમાં કોઈ આસાનીથી આવું કરે નહીં, પરંતુ તેમણે વિશ્વના સૌથી મોટા મંચ પર પોતાની ઓળખ દેખાડવાનું સાહસ કર્યું હતું, જે મને બહુ ગમ્યું હતું."

ગિલક્રિસ્ટ વિશેની વધુ એક ગમતી વાત જણાવતાં આરતીએ કહ્યું હતું, "તેમણે ઑસ્ટ્રેલિયન ટીમમાં ઇયાન હિલીની ભૂમિકા ભજવી હતી. આટલા મોટા ખેલાડીનું સ્થાન લેવું આસાન હોતું નથી. ગિલક્રિસ્ટે એ કામ ચૂપચાપ અને કોઈ ધમાલ વિના કર્યું હતું. એ પણ મને ગમ્યું છે."

સચિન તેંદુલકર પર સવાલ ઉઠાવતા થયો હતો વિવાદ

ગિલક્રિસ્ટે તેમની આત્મકથા 'ટ્રુ કલર્સ'માં એવો ઉલ્લેખ કર્યો છે કે 2008માં "મંકી-ગેટ" કૌભાંડની તપાસ દરમિયાન સચિન તેંડૂલકર પર નિવેદન બદલ્યું હતું ગિલક્રિસ્ટની પ્રવાહમય ક્ષમતાએ ઓસ્ટ્રેલિયન ટીમની સ્લીપ ફિલ્ડિંગને પણ મજબૂત કરી હતી ક્રિકેટ ભારત ઑસ્ટ્રેલિયા ગિલક્રિસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગિલક્રિસ્ટે તેમની આત્મકથા 'ટ્રુ કલર્સ'માં એવો ઉલ્લેખ કર્યો છે કે 2008માં "મંકી-ગેટ" કૌભાંડની તપાસ દરમિયાન સચિન તેંદુલકરે નિવેદન બદલ્યું હતું

ગિલક્રિસ્ટને તેમના ચરિત્ર બાબતે વખાણવામાં આવે છે તેમ ક્યારેક તેઓ ટીકા અને વિવાદનો વિષય પણ બન્યા છે.

શ્રીલંકા સામેની સેમિફાઇનલમાં તેમનું બહાર રહેવું ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં બહુ વિવાદાસ્પદ બન્યું હતું. કેટલાક અગ્રણી ખેલાડીઓનું માનવું હતું કે કોઈ ખેલાડીનું બહાર હોવું એ વ્યક્તિગત નહીં, પરંતુ ટીમનો નિર્ણય હોવો જોઈએ. કેટલાકે એવી દલીલ કરી હતી કે આ ઘટનાથી એવી ખોટી છાપ સર્જાશે કે જે ખેલાડીઓ બહાર ન ગયા એ બેઇમાન હતા.

એવી જ રીતે સચિન તેંદુલકર અને મુથૈયા મુરલીધરન જેવા ખેલાડીઓ બાબતે ગિલક્રિસ્ટની આત્મકથામાં કરવામાં આવેલી કૉમેન્ટ્સની પણ જોરદાર ટીકા થઈ હતી.

ગિલક્રિસ્ટે તેમની આત્મકથા 'ટ્રુ કલર્સ'માં એવો ઉલ્લેખ કર્યો છે કે 2008માં "મંકી-ગેટ" કૌભાંડની તપાસ દરમિયાન સચિન તેંદુલકરે નિવેદન બદલ્યું હતું.

એ સિવાય સચિનની ખેલભાવના પર સવાલ ઉઠાવતાં ગિલક્રિસ્ટે જણાવ્યું છે કે મૅચ પછી ખેલાડીઓ હાથ મિલાવવા ગયા ત્યારે સચિન ત્યાં હાજર ન હતા.

આ વાતથી ભારતીય ક્રિકેટ પ્રશંસકોમાં જોરદાર હલચલ મચી ગઈ હતી.

ગિલક્રિસ્ટે તેમની આત્મકથામાં મુથૈયા મુરલીધરનની બૉલિંગની ટીકા પણ કરી છે. મુરલીધરનને ફરી બૉલિંગ કરવાની છૂટ મળે એટલે આઈસીસીએ નિયમો બદલ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન માર્વન અટાપટ્ટુએ એ સમયે કહ્યું હતું કે ગિલક્રિસ્ટ મહાન ખેલાડીઓની પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવીને પોતાની પ્રતિષ્ઠાને ઝાંખી પાડી રહ્યા છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)