સિતાંશુ કોટક : ભારતીય ટીમના બેટિંગ કોચ બનેલા ગુજરાતી ખેલાડી જે સૌરાષ્ટ્રની ટીમના સંકટમોચક રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. જેને ક્રિકેટમાં ટ્રાન્ઝિશન તબક્કો કહીએ છીએ તે પરિવર્તનમાંથી ભારતીય ટીમ હાલમાં પસાર થઈ રહી છે તેમ કહી શકાય.
જોકે ટીમ મેનજમેન્ટ આ માનવા કદાચ ખચકાટ અનુભવશે કેમ કે ભારતીય ક્રિકેટનું માળખું એટલું મજબૂત છે અને દેશના ડૉમેસ્ટિક ક્રિકેટનું માળખું પણ એટલું સશક્ત છે કે આવી કોઈ કમી આવે તે અગાઉ જે તે ખેલાડીની જગ્યા ભરાઈ જતી હોય છે. તેમ છતાં ટીમમાં બદલાવનો સમય આવી ગયો છે તેનો ઇનકાર કરી શકાય તેમ નથી.
એવામાં ન્યૂઝીલૅન્ડ સામે ઘરઆંગણે અને ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટીમના પ્રદર્શનથી જે હાલત થઈ છે તે સાનુકૂળ તો નથી જ અને કદાચ તેથી જ ટીમના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર કરવો જરૂરી બની ગયો હતો.
આ સંજોગોમાં સૌરાષ્ટ્રના સિતાંશુ કોટકને ભારતીય ટીમના બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે.
વર્ષોથી એમ કહેવાતું આવ્યું છે કે સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ કે હાલના સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્માને કયો કોચ બેટિંગ શીખવી શકે. પણ અલગ રીતે વિચારવાની જરૂર છે.
ઉપર ઉલ્લેખ કર્યો તે તમામ ખ્યાતનામ બેટ્સમેન હતા અથવા તો છે. પરંતુ દરેક ક્રિકેટરની કારકિર્દીમાં એવા તબક્કા આવતા હોય છે જ્યારે તેમને તેમની ટેકનિક સમજાવવાનો સમય આવે છે, ક્યારેક તેમની ટેકનિકમાં ફેરફાર કરવાનો સમય આવે છે.
સિતાંશુ કોટક કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણી વાર એવું બને છે જ્યારે ક્રિકેટરને ખુદને પોતાની ભૂલ સમજાતી ન હોય પરંતુ પેવેલિયનમાં તેની દરેક બોલની રમતને બારીકાઈથી જોઈ તેની સમીક્ષા કરીને જે તે ખેલાડીને સમજાવવામાં આવે તો ઘણો ફરક પડી જતો હોય છે.
હાલનું ઉદાહરણ લઈએ તો વિરાટ કોહલીને ઑફ સ્ટમ્પની બહારના બૉલને કેવી રીતે છોડી દેવો અથવા તો તે પ્રકારના બૉલને રમવા માટે બીજા કયા વિકલ્પ હોય તે સમજાવવાની જરૂર છે પણ આ બારીકાઈથી નિરીક્ષણ કરનારી વ્યક્તિ (કોચ) પણ એટલો જ મહારથ હોવો જોઈએ અને આ લક્ષણ સિતાંશુ કોટકમાં મૂળભૂત રીતે જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય ટીમ હવે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ રમશે અને ત્યાર બાદ અત્યંત મહત્ત્વની એવી આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભાગ લેશે.
થોડું આગળ વિચારીએ તો રોહિત શર્માની ટીમને જૂનમાં ઇંગ્લૅન્ડનો કપરો પ્રવાસ પણ કરવાનો છે. આ સમયે ટીમ સાથે સિતાંશુ કોટક હોય તો ઘણો ફરક પડી જશે, કેમ કે તે આ પ્રકારના માહોલથી છેલ્લા ચારેક દાયકાથી પરિચિત છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી વિક્રમ રાઠોર ટીમના બેટિંગ કોચ હતા અને ખાસ કરીને તેમણે રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડ સાથે સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી. આ વર્ષોમાં ભારતીય ટીમ બે વાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પણ પહોંચ્યું હતું. હવે ટીમના ચીફ કોચ તરીકે ગૌતમ ગંભીરના આગમન સાથે તેમણે કોટકને બેટિંગ કોચ બનાવવાની માગણી કરી હતી.
ઑસ્ટ્રેલિયામાં અભિષેક નાયર બેટિંગ કોચ હતો. જોકે નાયરની સમગ્ર કારકિર્દી પર નજર કરીએ તો તે એક સારો બેટિંગ કોચ બની શકે તે અંગે પ્રારંભથી જ શંકા સેવાતી હતી.
સિતાંશુ કોટક ક્યારેય ભારત માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યા નથી પરંતુ ડૉમેસ્ટિક ક્રિકેટને તેઓ લિજેન્ડ છે. એક બેટ્સમેન તરીકે તેઓ હંમેશાં સૌરાષ્ટ્રની ટીમના સંકટમોચક રહ્યા છે અને આ જ કામગીરી તેઓ ભારતીય ટીમ માટે કર્ણધાર બનીને કરી શકે છે.
1972ની 19મી ઑક્ટોબરે રાજકોટમાં જન્મેલા એટલે કે હાલમાં બાવન વર્ષની વય ધરાવતા કોટકે સૌરાષ્ટ્રની ટીમને સર્વશ્રેષ્ઠ બનાવવામાં ઘણી મહેનત કરી હતી અને તમામ ફૉર્મેટમાં મળીને દસ હજારથી વધારે રન ફટકાર્યા હતા.
સૌરાષ્ટ્રની ટીમ અને સિતાંશુ કોટક

ઇમેજ સ્રોત, Getty Images
સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમની ગણતરી હાલમાં ભારતની સર્વશ્રેષ્ઠ ટીમમાં થઈ રહી છે. એટલે નહીં કે તેણે રણજી ટ્રૉફી ટાઇટલ જીત્યું છે પરંતુ તેની પાસે એકથી વધારે પ્રતિભાશાળી ક્રિકેટર છે. તેમાંના કેટલાક તો ભારત માટે રમી રહ્યા છે તો કેટલાક આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ, રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડી હવે કોઈ ઓળખના મોહતાજ રહ્યા નથી.
પરંતુ હજી એકાદ દાયકા અગાઉની વાત કરીએ તો પૂજારા કે જાડેજા સિવાયના સૌરાષ્ટ્રના ખેલાડીઓની ખાસ ગણતરી થતી ન હતી. એવામાં એક ખેલાડી એવા હતા જેનાથી તમામ હરીફ ટીમ ડરતી હતી કે અકળાતી રહેતી હતી અને તે હતા સિતાંશુ કોટક.
લગભગ દાયકા અગાઉ સૌરાષ્ટ્રને કોઈ ખાસ ગણતરીમાં લેતું ન હતું અને એ વખતે ટીમનો કોઈ તારણહાર બની રહ્યું હોય તો તે કોટક હતો. આ ડાબેરી ખેલાડીએ એવી ઘણી બધી ઇનિંગ્સ રમી હતી જેમાં તેણે સૌરાષ્ટ્રને વિજય ન અપાવ્યો હોય તો કમસે કમ ટીમ માટે મૅચ બચાવી હોય.
સૌરાષ્ટ્રની ટીમ 1990 પછીના બે દાયકા સુધી તમામ હરીફ સામે ઝીંક ઝીલી શકી હોય તો તેમાં સિતાંશુ કોટકનું યોગદાન સિંહફાળા સમાન રહ્યું હતું આ ડાબોડી બેટ્સમેનથી હરીફો અકળાતા હતા કારણ એ કે કોટકની વિકેટ લેવી એટલે હરીફ બોલર માટે ઍવરેસ્ટ સર કરવા જેવી બાબત મનાતી હતી.
મુંબઈગરાઓ ડાબોડી બેટ્સમેનને ખડ્ડુસ કહે છે જ્યારે આ જ શબ્દ કોઈ ચીટકું બેટ્સમેન હોય અથવા તો વિકેટ આપવા સામે જડની માફક પિચ પર ચોંટી રહેતો હોય તેને ગુજરાતીઓ ખડ્ડુસ કહે છે. આમ કોટક આ ખડ્ડુસની યાદીમાં આવતું મોખરાનું નામ હતું.
લગભગ અઢી દાયકાના ક્રિકેટના અનુભવ બાદ સિતાંશુ કોટકે કોચિંગમાં ઝંપલાવ્યું છે. આજે તેઓ નૅશનલ ક્રિકેટ એકૅડેમીના મહત્ત્વના કોચની યાદીમાં સામેલ છે.
નિવૃત્તિ બાદ સૌરાષ્ટ્રની ટીમને કોચિંગ આપનારા સિતાંશુ કોટકે એક વાર સૌરાષ્ટ્રની હરીફ ટીમને કોચિંગ આપેલું છે.
સૌરાષ્ટ્રની ટીમ 2020માં પહેલી વાર રણજી ચૅમ્પિયન બની ત્યાર બાદ ઇરાની કપમાં રેસ્ટ ઑફ ઇન્ડિયા સામે રમતી હતી ત્યારે રેસ્ટની ટીમના કોચ તરીકે કોટકે ફરજ બજાવી હતી.
આઈપીએલમાં ગુજરાત લાયન્સ ટીમને 2017માં કોચિંગ આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images
સિતાંશુ કોટકની ગણતરી આજે ભારતના પ્રતિભાશાળી કોચમાં થાય છે અને સૌરાષ્ટ્રની હાલની રણજી ચૅમ્પિયન ટીમમાં એવા ઘણા ખેલાડી છે જેણે કાં તો કોટક પાસે તાલીમ લીધી છે અથવા તો એક જુનિયર તરીકે કોટકની સાથે રમીને ક્રિકેટના પાઠ શીખ્યા છે.
આમ બેટિંગ કોચિંગ કોટક માટે નવી બાબત નથી. બીજું કે ભારતીય ટીમ કે આ પ્રકારનાં મોટાં નામો સાથે અગાઉ પણ તેમણે કામગીરી અદા કરેલી છે. જેમ કે 2023માં ભારતીય ટીમ આયર્લૅન્ડના પ્રવાસે ગઈ ત્યારે પણ ચીફ કોચ તરીકે કોટકની વરણી થઈ હતી.
આ ટીમના કૅપ્ટન જસપ્રિત બુમરાહ હતો. એ જ ટીમમાં એવા ખેલાડીઓ હતા જેની સાથે આગામી દિવસોમાં કોટકને કામ કરવાનું છે જેવા કે યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દૂબે, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ અને પ્રસિદ્ધ ક્રિષ્ણા.
આ તમામ ખેલાડીઓ ભારતનું ભાવિ છે અને ખાસ તો ઇંગ્લૅન્ડ સામેની ટી20 અને વન-ડે સિરીઝમાં તેમાંના મોટા ભાગના રમવાના છે.
આયર્લૅન્ડના પ્રવાસ વખતે દ્રવિડ કે લક્ષ્મણ ઉપલબ્ધ ન હતા અને કોટકની આ તક આપવામાં આવી. પરિણામ એ આવ્યું કે ભારતે સિરીઝની બંને મૅચ જીતી લીધી.
કોચિંગના અનુભવની જ વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ધુરંધર કોટક ક્યારેય આઈપીએલમાં રમ્યા નથી પરંતુ તેમણે આઈપીએલની ગુજરાત લાયન્સની ટીમને 2017માં કોચિંગ આપ્યું હતું. આ ટીમ બે સિઝન રમી હતી અને એ વખતે કોટકની આસિસ્ટન્ટ કોચ બનાવવામાં આવ્યા હતા.
સિતાંશુ કોટક છેલ્લા ઘણા સમયથી બીસીસીઆઈની નૅશનલ ક્રિકેટ એકૅડેમી (એનસીએ)માં કોચ તરીકે ફરજ બજાવે છે તેથી તેમને ભારતીય ક્રિકેટના માળખા અંગે સારી જાણકારી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












