એવી લેબોરેટરી જે મધમાખીનો ઉપયોગ કરીને ક્લાઇમેટ ચેન્જ અંગે સંશોધન કરે છે

    • લેેખક, ડેઈઝી સ્ટીફન્સ અને જોન ક્યુથિલ
    • પદ, બીબીસી ન્યૂઝ

આપણી આબોહવા કેવી રીતે બદલાઈ રહી છે તે જાણવા માટે એક પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકો મધમાખીઓનો ઉપયોગ કરી રહ્યા છે.

ઑક્સફર્ડમાં વૉલિંગફોર્ડ ખાતે યુકે સેન્ટર ફૉર ઇકોલૉજી ઍન્ડ હાઇડ્રોલૉજી (યુકેસીઈએચ)ના વૈજ્ઞાનિકો દક્ષિણમાં મધપૂળા નજીક છોડની પ્રજાતિઓની હાજરી જાણવા માટે મધમાં રહેલા પરાગ ડીએનએનો ઉપયોગ કરે છે.

તેમાંથી તેઓ પર્યાવરણીય પરિસ્થિતિઓનું અનુમાન કરી શકે છે અને પરિસ્થિતિઓ કેવી રીતે બદલાઈ રહી છે તેના પર નજર રાખી શકે છે.

ઇકોલૉજિકલ ઍન્ટોમોલૉજિસ્ટ ડૉ. બેન વુડકોકે જણાવ્યું હતું કે મધમાખીઓ એ અમારા માટે "મહત્ત્વનું સંસાધન" છે, જે વૈજ્ઞાનિકોને પ્રમાણમાં ઓછા ખર્ચે મોટા પાયે ફેરફારોને ટ્રેક કરવાની સુવિધા આપે છે.

આ સંશોધન નેશનલ હની મૉનિટરિંગ સ્કીમના ભાગરૂપે કરવામાં આવે છે, જે 2018માં શરૂ થઈ હતી.

સમગ્ર દેશમાં મધમાખીનો ઉછેર કરનારાઓ સાથે કામ કરીને આ પ્રોજેક્ટે લાંબા ગાળાની પેટર્ન અને વલણ પર નજર રાખવા માટે મધનું એક આર્કાઇવ બનાવ્યું છે.

"મધમાખીઓ અમારા રિમોટ સૅમ્પલર્સ જેવી છે"

મૉલેક્યુલર માઇક્રોબાયલ ઇકોલૉજિસ્ટ ડૉ. લિન્ડસે ન્યુબોલ્ડે જણાવ્યું હતું કે મધમાખીઓ "અદ્ભુત" છે.

તેમણે કહ્યું, "મધમાખીઓ અમારા રિમોટ સૅમ્પલર્સ જેવી છે."

"મધમાખીઓ બહાર જાય છે, આસપાસના વાતાવરણને જાણે છે, તેઓ જાય છે અને વાસ્તવમાં તમામ છોડને શોધે છે... પછી તેઓ તેને મધપૂડામાં પાછી લાવે છે અને તેમાંથી મધ બનાવે છે."

ત્યારબાદ પરાગરજ માટે મધનું વિશ્લેષણ કરવામાં આવે છે. જેથી વૈજ્ઞાનિકોને મધપૂડાની આસપાસ હાજર છોડની પ્રજાતિઓનું ચિત્ર બનાવવામાં મદદ મળે છે, જે પર્યાવરણીય પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે.

મધમાખીઓના ઉપયોગથી શું જાણવા મળ્યું

ડૉ. વુડકોકે જણાવ્યું હતું કે આ રીતે મધમાખીઓના ઉપયોગથી ખરેખર શું ચાલી રહ્યું છે તેનું વ્યાપક ચિત્ર તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને મદદ મળી છે. મધમાખીઓ વગર આ કામ "અત્યંત ખર્ચાળ" સાબિત થયું હોત.

તેમણે કહ્યું, "અમને હજારોની સંખ્યામાં નમૂના મળે છે."

"તે અમારી વચ્ચેની ભાગીદારી છે. તેમાં એક તરફ અમે વૈજ્ઞાનિકો છીએ જે તમામ વિશ્લેષણ કરી શકે છે અને બીજી તરફ મધમાખી ઉછેરનારાઓ છે."

તેમણે કહ્યું કે આબોહવા "મોટા પાયા પર" કેવી રીતે બદલાઈ રહી છે તે સમજવું તેના સંચાલન માટે ખૂબ મહત્ત્વનું છે.

તેઓ કહે છે, "તે એક પ્રકારે લાંબા ગાળાની દેખરેખ જેવું છે."

"તે સમસ્યાઓ વિશે તમારા માટે એક પ્રારંભિક ચેતવણી છે, જે તમને... પરિવર્તન લાગુ કરવાનો સમય આપે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.