You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'રોજનું એક ગ્લાસ દૂધ આંતરડાના કૅન્સરનું જોખમ ઘટાડે છે'
- લેેખક, ફિલિપા રોક્સબી
- પદ, હેલ્થ રિપોર્ટર
યુકેના એક મોટા અભ્યાસમાં પુરાવા મળ્યા છે કે જે લોકોનાં આહારમાં વધુ કેલ્શિયમ - એટલે કે દિવસમાં એક ગ્લાસ દૂધ જેટલું - હોય તેવા લોકોને આંતરડાના કૅન્સરનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે.
સંશોધકોએ 16 વર્ષથી વધુ ઉંમરની પાંચ લાખથી વધુ મહિલાઓના આહારનું વિશ્લેષણ કર્યું અને તેમને જાણવા મળ્યું કે ઘેરા પાંદડાવાળા લીલા શાકભાજી, બ્રેડ અને ડેરી સિવાયના દૂધમાં કે જેમાં કેલ્શિયમ હોય તે પણ રક્ષણ આપે છે.
તેમને એવા પુરાવા પણ મળ્યા કે વધુ પડતું આલ્કોહૉલ (શરાબ) અને પ્રોસેસ્ડ માંસનું સેવન કરવાથી વિપરીત અસર થાય છે. આમ કરવાથી રોગનું જોખમ વધે છે.
કૅન્સર ચૅરિટી કહે છે કે સ્વસ્થ સંતુલિત આહાર, માપનું વજન અને ધૂમ્રપાન બંધ જેવા પગલા આંતરડાના કૅન્સરનું જોખમ ઘટાડવાના શ્રેષ્ઠ રસ્તો છે.
અસર કેટલી મોટી છે?
તાજેતરની જ એક નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે ડેરી ઉત્પાદનો કોલોરેક્ટલ (આંતરડા) કૅન્સરનું જોખમ "કદાચ" ઘટાડે છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને કૅન્સર રિસર્ચ યુકેના આ અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે જોખમનો ઘટાડો ડેરી અથવા નોન-ડેરી ખોરાકમાંથી મળતા કેલ્શિયમને કારણે છે.
- ખોરાકમાં દરરોજ 300 મિલિગ્રામ વધારાનું કેલ્શિયમ અથવા તો દૂધનો એક મોટો ગ્લાસ તમારા જોખમમાં 17% ઘટાડો કરે છે
ઓક્સફર્ડના મુખ્ય સંશોધક ડૉ. કેરેન પેપિયરે જણાવ્યું, "આ સંશોધન આંતરડાના કૅન્સરના વિકાસમાં ડેરી ઉત્પાદનોની સંભવિત રક્ષણાત્મક ભૂમિકા પર પ્રકાશ પાડે છે. જે મોટાભાગે કેલ્શિયમને આભારી છે,"
કઠોળ, ફળ, આખા અનાજ, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર અને વિટામિન-સી પણ કૅન્સરનું જોખમ ઘટાડે છે. પરંતુ થોડું જ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાથી જ જાણીતું છે કે દારૂની જેમ જ વધુ પડતા પ્રોસેસ્ડ માંસ અને લાલ માંસના સેવનથી આંતરડાના કૅન્સરનું જોખમ વધે છે.
આ આખી કડીને જોડતા વધુ પુરાવા અભ્યાસ પૂરા પાડે છે:
- દરરોજ એક વધારાનો મોટો ગ્લાસ વાઇન અથવા 0.7 ઔંસ (20 ગ્રામ) આલ્કોહૉલ પીવાથી તમારા જોખમમાં 15% વધારો થાય છે
- દરરોજ 1 ઔંસ વધુ લાલ અને પ્રોસેસ્ડ માંસ કે માંસનો ટુકડો ખાવાથી તમારા જોખમમાં 8% વધારો થાય છે
આ ટકાવારીઓનો સચોટ અર્થ શું છે તે નક્કી કરવું મુશ્કેલ છે કારણ કે દરેક વ્યક્તિના આંતરડાના કૅન્સરનું જોખમ તેમની જીવનશૈલી, આહાર, ટેવો અને આનુવંશિકતાના આધારે જુદું-જુદું હોય છે.
કેલ્શિયમ હાડકાંને અને તમારા દાંતને મજબૂત રાખનારું એક મહત્ત્વપૂર્ણ ખનિજ છે. પરંતુ હવે એવા પુરાવા મળી રહ્યા છે કે તે કેટલાક કૅન્સર સામે પણ રક્ષણ આપે છે.
દૂધ, દહીં અને ચીઝમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. યુકેના આહારમાં ડેરી ઉત્પાદનો તેના મુખ્ય સ્રોતોમાંનો એક છે.
તે સોયા અને ચોખાના પીણાં, સફેદ બ્રેડ, બદામ, બીજ અને ફળો જેવા કે સૂકા અંજીર તૈયાર સારડીનમાં પણ હોય છે અને તે લેક્ટોઝ-મુક્ત દૂધમાં પણ છે.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કેલ્શિયમ આંતરડાના કૅન્સર સામે રક્ષણ આપી શકે છે "કારણ કે તે કોલોનમાં પિત્ત એસિડ અને ફ્રી ફેટી એસિડ સાથે જોડાઈ શકે છે. જે તેની સંભવિત કાર્સિનોજેનિક અસરોને ઘટાડે છે".
યુકેમાં દર વર્ષે આંતરડાના કૅન્સરના લગભગ 44,000 કેસ જોવા મળે છે. યુકેમાં તે સૌથી વધારકે થતા કૅન્સરમાં ચોથા નંબરે છે.
જોકે મોટાભાગના કેસ વૃદ્ધ લોકોમાં જોવા મળે છે, પરંતુ હવે 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં પણ આ કૅન્સરનો દર વધી રહ્યો છે. જોકે,તેનું કોઈ સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી.
નિષ્ણાતો કહે છે કે ખરાબ આહાર અને સ્થૂળતા આ કારણોમાં શામેલ હોય શકે.
- તમારી આંતરડાની આદતોમાં ફેરફાર થવો જેમ કે મળ ઢીલો થવો. વધુ વખત મળત્યાગ અથવા કબજિયાત
- તમારા મળદ્વારથી રક્તસ્ત્રાવ અથવા તમારા મળમાં લોહી
- વજનમાં ઘટાડો
- થાક અને શ્વાસ લેવામાં તકલીફ
જો આવા લક્ષણો દેખાય તો ડૉક્ટર સાથે વાત કરો.
આ એક નિરીક્ષણ અભ્યાસ હતો. તેના કોઈ ટ્રાયલ સાથેનો અભ્યાસ નથી. તેથી સ્પષ્ટપણે સાબિત કરી શકતું નથી કે કેલ્શિયમ અથવા અન્ય કોઈપણ ખાદ્ય ઉત્પાદન કૅન્સર સામે રક્ષણ આપે છે.
જોકે સંશોધકો કહે છે કે આ અભ્યાસ "આજ સુધીના આહાર અને આંતરડાના કૅન્સર પરનો સૌથી મોટો" છે. જે તેમને વિશ્વાસ આપે છે કે તેઓ સાચા રસ્તે છે. આ તારણો અગાઉના અભ્યાસોના નિષ્કર્ષો સાથે પણ સુસંગત છે.
અભ્યાસમાં શામેલ બાર હજારથી વધુ મહિલાઓને આંતરડાનું કૅન્સર થયું હતું અને રોગ પાછળની સંભવિત કડીઓનું મૂલ્યાંકન કરવા માટે તેમના આહારમાં શામેલ લગભગ 100 જેટલા ખાદ્યપદાર્થોનાં પોષકતત્વોની તપાસ કરવામાં આવી હતી.
યુનિવર્સિટી ઑફ લીડ્સના પોષણ નિષ્ણાત પ્રોફેસર જેનેટ કેડે જણાવ્યું હતું કે આ પેપર "મહત્ત્વપૂર્ણ પુરાવા પૂરા પાડે છે જે દર્શાવે છે કે એકંદર આહાર કોલોરેક્ટલ કૅન્સરના જોખમને પ્રભાવિત કરી શકે છે".
લંડન સ્કૂલ ઑફ હાઇજિન ઍન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર ઍન્ડ્રુ પ્રેન્ટિસ આ અભ્યાસના પરિણામોના પ્રમાણે કદાચ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ રક્ષણાત્મક હોઈ શકે. જોકે તેઓ કહે છે કે હજુ વઘુ તપાસની જરૂર છે.
કિંગ્સ કૉલેજ લંડનના પ્રોફેસર ટોમ સેન્ડર્સ સરળતાથી સમજાવે છે, "સલામત મર્યાદાથી (દર અઠવાડિયે 14 યુનિટથી વધુ) વધારે દારૂનું સેવન કરવાથી સ્ત્રીઓમાં કોલોરેક્ટલ કૅન્સરનું જોખમ વધે છે. પરંતુ દિવસમાં એક જામ ગાયનું દૂધ પીવાથી તે તેની સામે રક્ષણ પણ આપે છે".
ચૅરિટી બોવેલ કૅન્સર યુકેના ડૉ. લિસા વાઇલ્ડ કહે છે, "દર 12 મિનિટે કોઈને આંતરડાના કૅન્સરનું નિદાન થાય છે. સ્વસ્થ જીવનશૈલી દ્વારા અડધા ઉપરના આંતરડાના કૅન્સરને અટકાવી શકાય એમ હોય છે."
તેમણે ઉમેર્યું, "જો તમે દૂધ ન પીતા હોવ તો પણ તમે બીજી રીતે કેલ્શિયમ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે બ્રોકોલી અથવા ટોફુમાંથી અને તમે તમારા આંતરડાના કૅન્સરનું જોખમ ઘટાડી શકો છો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન