You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅન્સરનું પ્રમાણ યુવાનોમાં કેમ વધી રહ્યું છે? કેવાં લક્ષણોને નજરઅંદાજ ન કરવાં?
- લેેખક, લુઇસ બારુચો
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
જ્યારે લુઈસા ટોસ્કાનોને ખબર પડી કે તેમને સ્તન કૅન્સર છે, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયાં.
બ્રાઝિલમાં રહેતાં 38 વર્ષીય અને બે બાળકોની માતા લુઈસા કહે છે, "આ સંપૂર્ણપણે અણધાર્યું હતું."
"હું યુવાન, સ્વસ્થ અને જોખમરહિત ફિટ હતી - મારી સાથે આમ નહોતું થવું જોઈતું, હું આ માની શકતી નથી. મને કૅન્સર વાસ્તવિકતાથી ખૂબ દૂર લાગતું હતું."
માર્ચ 2024માં લુઈસાને સ્ટેજ થ્રી કૅન્સર હોવાનું નિદાન થયું. જેનો અર્થ એ થયો કે આ રોગ હવે ખૂબ આગળ વધી ગયો છે.
તેમણે સાડા ચાર મહિનાથી વધુ સમય સુધી કિમોથૅરપી લીધી. ત્યાર બાદ તેમના સ્તનનો એક ભાગ દૂર કરવા માટે સર્જરી કરવામાં આવી, અને પછી ફરીથી રેડિયોથૅરપી લીધી. લુઈસાએ ઑગસ્ટમાં તેમની સારવાર પૂર્ણ કરી, પરંતુ કૅન્સર ફરી ન થાય તે માટે હજુ પણ તેમને દવા લેવાની જરૂર છે.
લુઈસા એ દિવસોને યાદ કરતા કહે છે, "કિમોથૅરપી એ એક આક્રમક પ્રકારની સારવાર હતી પરંતુ મારું શરીર તેની સામે સારી રીતે ટકી ગયું."
"આનું શ્રેય હું સતત સક્રિય રહેવાની મારી ટેવને આપું છું."
"સદભાગ્યે, મારે મારા આખા સ્તનને સર્જરી કરી કાઢવા પડ્યા નહીં. સૌથી ખરાબ સમય તો મારા વાળ ખરવાનો હતો. આ બધું ખૂબ જ ઝડપથી અને તીવ્રતાથી થયું. જ્યારે હું અરિસામાં જોતી ત્યારે મને ડર લાગતો હતો અને તેની અસર મારાં બાળકો પર પણ થતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ માત્ર એક લુઈસાની વાત નથી પરંતુ એક વધતા જતા વૈશ્વિક વલણનું પ્રતીક છે. યુવાન પુખ્ત વયના લોકોમાં કૅન્સર થવાનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણી વાર આ રોગનો પારિવારિક ઇતિહાસ વિના તેમને થઈ રહ્યો છે.
જૈવિક, પર્યાવરણીય અને જીવનશૈલીનાં પરિબળોને કારણે વૃદ્ધ લોકોમાં કૅન્સર વધુ સામાન્ય છે; ઉદાહરણ તરીકે વૃદ્ધત્વ કોષ વિભાજનમાં વધારો કરે છે. જેના કારણે પરિવર્તનનું નિર્માણ થાય છે અને કૅન્સરનું જોખમ વધે છે.
તેથી ઑન્કૉલૉજિસ્ટ્સ ઓછી વયના લોકોમાં કૅન્સરના પ્રારંભિક નિદાનને વારસાગત કે આનુવંશિક પરિબળો સાથે જોડે છે. જેમ કે સ્તન કૅન્સરમાં એ BRCA1 અને BRCA2 પરિવર્તન સાથે તેને જોડે છે.
જોકે, લુઈસાની જેમ વધુ દર્દીઓ આનુવંશિક વલણના કોઈ સ્પષ્ટ સંકેતો આપી રહ્યા નથી.
BMJ ઑન્કૉલૉજીમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1990 અને 2019 દરમિયાન વિશ્વભરમાં 50 વર્ષથી ઓછી ઉંમરના પુખ્ત વયના લોકોમાં કૅન્સરનો 79%નો વધારો થયો છે.
આ જ જૂથમાં કૅન્સરથી થતા મૃત્યુમાં 28%નો વધારો થયો છે. અભ્યાસમાં 204 દેશો અને 29 પ્રકારના કૅન્સરના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
તેવી જ રીતે ધ લેન્સેટ પબ્લિક હેલ્થના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે યુ.એસ.માં પેઢી દર પેઢી 17 પ્રકારનાં કૅન્સરના દરમાં સતત વધારો થયો છે. ખાસ કરીને 1965 અને 1996ની વચ્ચે જન્મેલા લોકોમાં.
અમેરિકન કૅન્સર સોસાયટી (ACS)ના એક નવા અહેવાલમાં જણાવાયું છે કે 50 વર્ષથી ઓછી ઉંમરની શ્વેત સ્ત્રીઓમાં સ્તન કૅન્સરના દરમાં વાર્ષિક 1.4%નો વધારો થયો છે. જે 2012 અને 2021ની વચ્ચે 50 અને તેથી વધુ ઉંમરના લોકોમાં 0.7%નો જ હતો.
BMJ ઑન્કૉલૉજી રિપોર્ટ અનુસાર, અન્ય કૅન્સર, જેમ કે નેસોફેરિંજલ, પેટ અને કોલોરેક્ટલ કૅન્સરની સંખ્યા પણ યુવાન વયના લોકોમાં વધી રહી છે.
સંશોધકો કારણો ઓળખવા માટે ભારે જહેમત કરી રહ્યા છે, જ્યારે ધ લેન્સેટનો અભ્યાસ ચેતવણી આપે છે કે સતત કૅન્સરમાં થતી સતત વૃદ્ધિ અનેક દાયકા દરમિયાન કૅન્સરની સારવાર અને નિવારણની દિશામાં થયેલી પ્રગતિને ઉલટાવી શકે છે.
અત્યાર સુધી BMJ ઑન્કૉલૉજી અને લેન્સેટના અહેવાલો અનુસાર, આહારનાં પરિબળો - જેમ કે લાલ માંસ અને સોડિયમનું પ્રમાણ વધુ અને ફળો અને દૂધનું પ્રમાણ ઓછું - દારૂનું સેવન અને તમાકુનો ઉપયોગ એ આની પાછળ રહેલાં મુખ્ય કારણો છે.
સ્થૂળતા, બળતરા અને હોર્મોનલ ડિસરેગ્યુલેશન પણ કૅન્સરનાં જોખમ સાથે જોડાયેલું છે, એમ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન કહે છે.
લેન્સેટના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે યુ.એસ.માં યુવાનોમાં વધતા 17 કૅન્સરમાંથી 10 સ્થૂળતા સંબંધિત છે. જેમાં કિડની, અંડાશય, લિવર, સ્વાદુપિંડ અને પિત્તાશયનાં કૅન્સરનો સમાવેશ થાય છે.
વૈજ્ઞાનિકો અન્ય સંભવિત કારણોની પણ શોધ કરી રહ્યા છે. કેટલાકે દલીલ કરી છે કે પ્રકાશ ફેંકતાં ઉપકરણો અથવા સ્ટ્રીટ લાઇટમાંથી આવતો કૃત્રિમ પ્રકાશ મનુષ્યની જૈવિક ઘડિયાળમાં વિક્ષેપ ઊભો કરી શકે છે. જે સ્તન, કૉલોન, અંડાશય અને પ્રોસ્ટેટ જેવાં કૅન્સર માટે જોખમ વધારે છે.
અન્ય અભ્યાસોએ સૂચવ્યું છે કે રાત્રે પ્રકાશના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી મેલાટોનિનનું સ્તર પણ ઘટી શકે છે. જે પણ કૅન્સર થવાનું શંકાસ્પદ કારણ છે.
જૂન 2023માં ન્યૂઝીલૅન્ડમાં કોલોરેક્ટલ સર્જન ફ્રૅન્ક ફ્રિઝેલે આંતરડાના કૅન્સરમાં માઇક્રોપ્લાસ્ટિક્સની ભૂમિકા પર સંશોધન હાથ ધરવા આહ્વાન કર્યું હતું અને સૂચવ્યું હતું કે તેઓ સુરક્ષાત્મક કૉલોનિક બલગમને નુકસાન પહોંચાડે છે, "કૉન્ડોમમાં પિનહોલ નાખવા" જેવા રક્ષણાત્મક કૉલોનિક મ્યુકસ સ્તરને નુકસાન પહોંચાડે છે જે કૉન્ડોમમાં ટાંકણી મારવા બરાબર છે.
અન્ય સંશોધકોએ દલીલ કરી છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ઍડિટિવ્સ, જેમ કે ઇમલ્સિફાયર અને કલરન્ટ્સ આંતરડામાં બળતરા અને ડીએનએ નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકન ઍસોસિયેશન ફૉર કૅન્સર રિસર્ચ અનુસાર આંતરડામાં આવતા આવા વિક્ષેપો ફક્ત કોલોરેક્ટલ કૅન્સર સાથે જ નહીં પરંતુ સ્તન અને બ્લડ કૅન્સર સાથે પણ જોડાયેલા છે.
કેટલાક સંશોધકો કહે છે કે 2000થી વૈશ્વિક સ્તરે અંદાજે ઍન્ટિબાયૉટિકનાં ઉપયોગમાં 45% વધારો થયો છે. ખાસ કરીને નાનાં બાળકોમાં આ વધેલો ઉપયોગ પણ આ રોગ ફેલાવવા પાછળ જવાબદાર હોઈ શકે છે. કારણ કે આ દવાઓ પણ આંતરડાના માઇક્રૉબાયોમમાં વિક્ષેપ ઊભો કરે છે.
2019ના અહેવાલમાં ઇટાલિયન વૈજ્ઞાનિકોના એક જૂથે સૂચવ્યું હતું કે આ ફેફસાંનાં કૅન્સર, લિમ્ફૉમા, સ્વાદુપિંડનું કૅન્સર અને રેનલ સેલ કાર્સિનોમા સાથે જોડાયેલું છે.
સ્કૉટલૅન્ડની ઍડિનબરા યુનિવર્સિટીમાં કૉલૉપ્રોક્ટૉલૉજીના પ્રોફેસર અને BMJ ઑન્કૉલૉજી રિપોર્ટના સહ-લેખક માલ્કમ ડનલોપ નોંધે છે કે, પેઢી દર પેઢી ઊંચાઈમાં થતો વધારો પણ કૅન્સરના દરમાં વધારો કરવામાં ભૂમિકા ભજવી શકે છે.
"સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં માનવીની ઊંચાઈ વધી રહી છે અને ઊંચાઈ અને ઘણાં કૅન્સર વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જેમાં કૉલૉન કૅન્સરનો પણ સમાવેશ થાય છે."
વિશ્વના અગ્રણી કૅન્સર જિનેટિક્સ નિષ્ણાતોમાંના એક ડૉ. ડનલોપ માને છે કે પ્રારંભિક શરૂઆતના કૅન્સર એક કારણને લીધે નહીં પરંતુ બદલે બહુવિધ પરિબળોથી ઉદ્ભવે છે. પરંતુ તેને ઓળખવા મુશ્કેલ છે.
ડૉ. ડનલોપ નોંધે છે, "મોટાં ભાગનાં જોખમી પરિબળોનું ક્યારેય યોગ્ય રીતે વિવિધ ટ્રાયલમાં પરીક્ષણ કરવામાં આવ્યું નથી."
તેઓ એમ પણ કહે છે કે કૅન્સર માટે યુવાન વસ્તીનું પરીક્ષણ પણ મુશ્કેલ છે.
યુએસ નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ (NCI) અનુસાર 80% કૅન્સરના કેસોનું 55 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં નિદાન થાય છે.
જોકે આ પરિસ્થિતિએ યુનિયન ફૉર ઇન્ટરનૅશનલ કૅન્સર કંટ્રોલ (UICC) જેવી મોટી સંસ્થાઓને પ્રારંભિક કૅન્સર વિશે જાગૃતિ લાવવા માટે પ્રેરિત કરી છે જેથી યુવાન દર્દીઓમાં આ લક્ષણોની અવગણના ન કરે.
બ્રાઝિલિયન સોસાયટી ઑફ ક્લિનિકલ ઑન્કૉલૉજીના ડિરેક્ટર ડૉ. ઍલેક્ઝાન્ડ્રે જેકોમના કહેવા પ્રમાણે મોડેથી થતું નિદાન દર્દીને બચાવી લેવાની શક્યતાઓને જોખમમાં મૂકે છે.
ડૉ. જેકોમ કહે છે, "જો 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ મળત્યાગ કરવામાં મુશ્કેલી, થાક અને પેટનું ફૂલવું અનુભવે છે તો તેમણે આ લક્ષણોને ગંભીરતાથી લેવા જોઈએ અને ડૉક્ટરોએ તેમની સંપૂર્ણ તપાસની ભલામણ કરવી જોઈએ."
"જોકે, 30 વર્ષની ઉંમરની વ્યક્તિ જે સક્રિય છે અને કૉલોરેક્ટલ કૅન્સરની લાક્ષણિક પ્રોફાઇલ સાથે મેળ ખાતી નથી, તો આ લક્ષણોને સામાન્ય દુખાવા તરીકે નકારી શકાય છે."
તેઓ કહે છે, "આ એવા લોકો છે જે જીવનના મુખ્ય તબક્કામાં હોય છે. તેઓ પરિવાર માંડે છે. તેમની પાસે જીવવા માટેનાં બધાં કારણ હોય છે. કૅન્સરનું નિદાન તેમને અને તેમના પ્રિયજનોને આંચકો આપે છે."
પરંતુ ડૉ. જેકોમ નોંધે છે કે, વહેલું નિદાન થાય ત્યારે યુવા વયસ્ક દર્દીઓ ઘણી વાર આક્રમક સારવારને વધુ સારી રીતે સહન કરી જાય છે. જેનાથી તેમના સ્વસ્થ થવાની શક્યતામાં પણ વધારો થાય છે.
ડૉ. ડનલોપ વહેલાં શરૂ થતા કૅન્સરના લાંબા ગાળાનાં પરિણામો વિશે પણ ચિંતા વ્યક્ત કરે છે.
તેઓ ચેતવણી આપતા કહે છે, "આવાં કૅન્સરથી પ્રભાવિત યુવાન વ્યક્તિઓના માથે વૃદ્ધાવસ્થામાં પણ આ જોખમ તોળાતું હોય છે."
કૅન્સરની સારવાર લીધા પછી લુઈસા કહે છે, "મારા માટે સૌથી મોટો પાઠ એ હતો કે મુશ્કેલ અને આનંદકારક બંને દિવસોને સમાન રીતે સ્વીકારવાનું શીખવું. જ્યારે મારો ખરાબ સમય ચાલતો હતો ત્યારે મેં તેને પસાર થવા દીધો. જ્યારે હું નિડર અને મજબૂત બની તે ક્ષણોને મેં પ્રેમ કર્યો. આ બધો સમય પસાર પસાર થઈ જશે."
અન્ય લોકો માટે તેમની સલાહ છે: " એક દિવસમાં એક વાર બધું કરો. શરીરને સાંભળો કેટલાક દિવસો સુધી. અને તમારાથી બનતું બધું જ કરો. આરામ કરો. કૅન્સરને કલંક તરીકે જોવામાં આવે છે, તે ઓછાયો છે, એ તમારી ઓળખ નથી ઘડતો. સૌથી મુશ્કેલ સમયમાં પણ જીવન, વિકાસ અને અર્થ હોય જ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન