You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1954ના કુંભમેળામાં થયેલી ભાગદોડમાં 800 લોકોનાં મૃત્યુ થયાં એ પછી નહેરુએ કેવું સૂચન કર્યું હતું?
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં ભાગદોડ થવાના કારણે ઓછામાં ઓછા 30 લોકોનાં મૃત્યુ થયાં છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે જ્યુડિશિયલ કમિશનની રચના કરી છે, જેણે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે.
મૌની અમાવસ્યાના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન માટે ત્રિવેણી સંગમ પર પહોંચ્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી.
મહાકુંભનગર મેળાક્ષેત્રના ડીઆઇજી વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે, મૃતકોમાંથી 25ની ઓળખ થઈ ચૂકી છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.
હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગરાજ અને નાસિકમાં વિશેષ પ્રસંગોએ કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.
લાંબા સમય સુધી ચાલતા કુંભમેળા દરમિયાન અમુક દિવસો ખાસ હોય છે. આ વિશેષ દિવસોમાં સ્નાન કરવા આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા કરોડોમાં પહોંચી જતી હોય છે.
પ્રયાગરાજમાં મહાકુંભમેળા દરમિયાન શ્રદ્ધાળુઓ સંગમમાં જ સ્નાન કરવા ઇચ્છતા હોય છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમને ત્રિવેણી સંગમ નામથી ઓળખવામાં આવે છે. આમાંની સરસ્વતી એક અંતર્વાહિની નદી છે.
એવી માન્યતા છે કે, આ સંગમસ્થાનમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જોકે, કોઈ વખતે જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે તેને અનુરૂપ વ્યવસ્થા કરવાનું મુશ્કેલ બની જતું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુંભમેળા દરમિયાન પહેલાં પણ દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે.
અલ્હાબાદ કુંભમેળો 1954
ઈ.સ. 1954માં પ્રયાગરાજ (તત્કાલીન અલ્હાબાદ)માં કુંભમેળો આયોજિત કરવામાં આવ્યો હતો, જે સ્વતંત્રતા પછીનો પ્રથમ કુંભમેળો હતો.
આ કુંભમેળાના એક ભાગ તરીકે ત્રીજી ફેબ્રુઆરી 1954એ મૌની અમાવસ્યાના પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા.
કહેવાય છે કે, આ સમયે એક હાથીના કારણે નાસભાગ થઈ હતી.
આ નાસભાગમાં 800 કરતાં વધારે શ્રદ્ધાળુઓનાં મૃત્યુ થયાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.
કુંભમેળામાં થયેલી ભાગદોડ પછી, તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ રાજકીય નેતાઓ અને વીઆઇપી લોકોને કુંભમેળામાં ન જવાની સલાહ આપી હતી.
પ્રયાગરાજ ખાતેના કુંભમેળામાં અમૃત સ્નાન (અગાઉ શાહી સ્નાન) દરમિયાન વીઆઈપી તથા વીવીઆઈપી લોકોને ન આવવા માટે કહેવામાં આવ્યું હતું.
મૌની અમાવસ્યાની નાસભાગ બાદ વીઆઈપી સહિતના વાહનોની અવરજવર ઉપર વધારાના નિષેધ મૂકવામાં આવ્યા છે.
હરિદ્વાર કુંભમેળો 1986
ઈ.સ. 1986નો કુંભમેળો અવિભાજિત ઉત્તર પ્રદેશના હરિદ્વારમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ દ્વારા જાણવા મળે છે કે, ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી અન્ય ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓની સાથે 14 એપ્રિલ 1986એ હરિદ્વાર (હાલ ઉત્તરાખંડમાં) ગયા હતા.
તેમના આગમનના કારણે સામાન્ય શ્રદ્ધાળુઓને તટની નજીક જતા રોકવામાં આવ્યા હતા. તે કારણે લોકોની ભીડ વધી ગઈ હતી અને ભક્તોને નિયંત્રિત કરવાનું શક્ય નહોતું રહ્યું.
આ દુર્ઘટનામાં લગભગ 50 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આની પહેલાં ઈ.સ. 1927 અને ઈ.સ. 1950માં આયોજિત હરિદ્વાર કુંભમેળામાં પણ નાસભાગની ઘટનાઓ ઘટી હતી.
ઉજ્જૈન સિંહસ્થ કુંભમેળો 1992
1992માં ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભમેળો આયોજિત કરવામાં આવ્યો હતો. આ મેળા દરમિયાન થયેલી ભાગદોડમાં લગભગ 50 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
નાસિક કુંભમેળો 2003
ઈ.સ. 2003માં મહારાષ્ટ્રના નાસિકમાં કુંભમેળો આયોજિત કરવામાં આવ્યો હતો. 'દૈનિક જાગરણ'ના એક લેખમાં કહેવાયું છે કે, આ મેળામાં સાધુસંતોએ ચાંદીના સિક્કા વહેંચ્યા હતા.
ચાંદીના સિક્કા મેળવવા માટે ભક્તોની ભીડ ઊમટી પડી હતી. તેના કારણે ભાગદોડ થઈ હતી; જેમાં લગભગ 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા.
હરિદ્વાર કુંભમેળો 2010
ઈ.સ. 2010માં હરિદ્વારમાં કુંભમેળાનું આયોજન કરાયું હતું.
આ કુંભમેળા દરમિયાન અમૃતસ્નાન બાબતે ભક્તો અને સાધુસંતો વચ્ચે વિવાદ થયો હતો.
એ જ સમયે ત્યાં ભાગદોડ થઈ ગઈ. આ ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સરકારે મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયાની સહાય કરી હતી, જ્યારે વળતર તરીકે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી.
અલ્હાબાદ કુંભમેળો 2013
2013માં અલ્હાબાદ (હવે પ્રયાગરાજ)માં કુંભમેળો આયોજિત કરાયો હતો. સમાચાર સંસ્થા રૉઇટર્સના રિપોર્ટ અનુસાર, રેલવે સ્ટેશન પર ભાગદોડ થઈ હતી, જ્યાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી.
આ દુર્ઘટનામાં 36 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં 29 મહિલાઓ હતી
એ સ્પષ્ટ નથી કે નાસભાગ થવાનું કારણ શું હતું? જોકે, કેટલાક લોકોએ કહ્યું હતું કે, પોલીસે જ્યારે શ્રદ્ધાળુઓને નિયંત્રિત કરવાની કોશિશ કરી હતી, ત્યારે આ નાસભાગ થઈ હતી.
તેમાંના એક વ્યક્તિએ જણાવ્યું કે, ફૂટ ઓવરબ્રિજ પર ભાગદોડ થઈ હતી અને શ્રદ્ધાળુઓ એની ઉપરથી નીચે પડ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન