કૅન્સર શરીરમાં કેવી રીતે ફેલાય છે, કેટલા પ્રકારનાં કૅન્સર હોય છે, જાણો બધું

    • લેેખક, ડૉ. દીપક નિકમ
    • પદ, ઑન્કૉલૉજિસ્ટ, બોમ્બે હૉસ્પિટલ

તારીખ 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કૅન્સર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસના અનુસંધાને મુંબઈના પ્રસિદ્ધ ઑન્કોલૉજિસ્ટ ડૉ. દિલીપ નિકમે કૅન્સર વિશે વિગતે વાત કરી હતી.

શરીરમાં અલગ-અલગ પ્રકારે કૅન્સરનો ચેપ લાગી શકે છે, તે વારસાગત હોય શકે છે, તે ખાવાપીવાની આદત સાથે જોડાયેલો હોય શકે છે અથવા તો ઘણી વખત તે કેવી રીતે લાગુ પડ્યો, તેના વિશે કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ કાઢી નથી શકાતો.

કૅન્સર અલગ-અલગ પ્રકારનાં હોય છે, એવી જ રીતે તેના અલગ-અલગ તબક્કા પણ હોય છે.

કૅન્સર શબ્દનો ઇતિહાસ હિપ્પોક્રેટ્સ સુધી પહોંચે છે.

કૅન્સર શબ્દ ક્યાંથી આવ્યો

કૅન્સરનું નામ સાંભળીને જ આપણા પેટમાં ફાળ પડે છે. ગુસ્સો, નિરાશા અને હતાશાની ભાવના કૅન્સરના રોગીઓને નહીં પણ એના સગા-સંબંધીઓ, ડૉકટરો અને સંશોધકોને પણ હેરાન કરી મુકે છે.

કૅન્સર શબ્દના ઇતિહાસ પર એક નજર નાખીએ તો એનો ઉલ્લેખ ગ્રીક અને રોમન પુસ્તકોમાં મળી આવે છે.

470 અને 370 ઇ.પૂ. વચ્ચે યૂનાની ચિકિત્સાના જનક મનાતા હિપ્પોક્રેટસ દ્વારા કૅન્સરનો ઉલ્લેખ કરતા પહેલીવાર 'કાર્સિનોસ' અથવા તો 'કાર્સિનોમા' શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.

ગ્રીક ભાષામાં કાર્કિનોસનો મતલબ કરચલો થાય છે. કેટલાય કૅન્સર રોગીઓની તપાસ કરતા એમને નિદાનમાં જણાંયું કે એમના શરીરમાં સખત ગાંઠો હતી.

કૅન્સર શરીરના એક ભાગથી બીજા ભાગો સુધી ફેલાતું જાય છે અને અંતિમ ચરણમાં તેનું દર્દ અસહ્યનીય હોય છે.

કૅન્સરની સરખામણી કરચલા સાથે કરવામાં આવી છે કારણકે કરચલાની કઠોર પીઠ અને તેના ડંખની પીડા પણ અસહ્યનીય હોય છે.

યૂનાની ચિકિત્સક ગૈલેને ઓન્કોસ શબ્દને પ્રચલિત કર્યો હતો. ગ્રીકમાં ઓન્કોસનો અર્થ સોજો થાય છે.

જોકે, રોમન ચિકિત્સક સેલ્સસે પહેલીવાર કૅન્સર શબ્દનો પ્રયોગ કર્યો હતો. કારણકે લેટિનમાં કરચલાને કૅન્સર કહેવામાં આવે છે. આ જ કારણે આ રોગ માટે કૅન્સર નામ પ્રચલિત બની ગયું. એ સમયે કૅન્સરનું નિદાન કરવું કઠીન હતું. કૅન્સરને એક રહસ્યમય અને અસાધ્ય રોગ માનવામાં આવી રહ્યો હતો.

કૅન્સર કઈ ત્રણ રીતે ફેલાઈ શકે છે?

સત્તરમી સદીમાં માઇક્રોસ્કોપની શોધ પછી કૅન્સર પર સંશોધન શરૂ થયું. કૅન્સર કોષોની તપાસ કરીને કોષીય ફેરફારોનો અભ્યાસ શરૂ થયો. ઓગણીસમી સદીમાં તબીબી ક્ષેત્રે પ્રગતિ થતાં કૅન્સરના બંધ રહસ્યો ઉઘડવા માંડ્યા.

શરીરમાં કૅન્સરની શરૂઆત કેવી રીતે શરૂ થાય છે? તે કેવી રીતે આગળ વધે છે? કૅન્સરનો પગપેસારો શરીરના અન્ય ભાગોમાં કેવી રીતે થાય છે? આ બધાનો ઉકેલ અત્યાર સુધીનું સૌથી મહત્વપૂર્ણ સંશોધન માનવામાં આવે છે. કારણ કે આ સંશોધનોએ કૅન્સર વિશેની બધી ગેરમાન્યતાઓનો છેદ ઉડાવી દીધો છે.

કૅન્સર વિશે શીખતા પહેલાં, આપણે શરીરરચના જાણવું જરૂરી છે. કારણ કે માનવ શરીર અબજો કોષોનું બનેલું છે, અને એની અંદરના વિવિધ સ્નાયુઓ ભેગા થઈને અંગો બનાવે છે.

નવા સામાન્ય કોષોનું નિર્માણ, એના નિર્ધારિત કાર્ય માટે ઉચિત રીતે એને વિકસીત કરવા અને કાર્ય પૂર્ણ થયા પછી જૂના કોષોને મારીને નવા કોષો બનાવવાની પ્રક્રિયા આપણા શરીરમાં ચાલી રહી છે પરંતુ આ પ્રક્રિયા અંગે આપણે અજાણ હોઈએ છીએ. કોષોમાં આ બધા જનીનો ખૂબ જ કડક રીતે નિયંત્રિત છે. તેથી જ આપણે સ્વસ્થ રહીએ છીએ.

ધારો કે, જો આ જનીનોમાં કાર્સિનોજેનના સંપર્ક, વાયરલ સંક્રમણ, આનુવંશિકતા વગેરેને કારણે પરિવર્તન થાય છે, તો ઉપરોક્ત નિયંત્રણ ખોવાઈ જાય છે અને કોષો અનિયંત્રિત રીતે વધે છે, જેના કારણે તેમના કદ અને પ્રકૃતિમાં ફેરફાર થાય છે, અને આ પ્રક્રિયાને કૅન્સર કહેવામાં આવે છે.

કૅન્સરના કોષો સામાન્ય કોષો કરતા ઓછા ઘન હોય છે, અને તેમની અનિયંત્રિત રીતે વૃદ્ધિ કરવાની ક્ષમતા વધે છે. કૅન્સર કોષો પોતાને પરિવર્તિત કરીને અમરત્વ પ્રાપ્ત કરે છે. આ કોષો શરીરની રોગપ્રતિકારક શક્તિથી બચીને શરીરના એક ભાગથી અન્ય ભાગે નુકસાન પહોંચાડે છે. તેથી, એને નાબૂદ કરવાં મુશ્કેલ છે.

જોકે એ બિલકુલ જરૂરી નથી કે શરીરમાં દરેક ગાંઠ કૅન્સરગ્રસ્ત જ હોય. ઘણા કિસ્સામાં એ થાઇરૉઇડ ગૉઇટર જેવી એક સરળ ગાંઠ પણ હોઈ શકે છે. સરળ ગાંઠનું પ્રમુખ લક્ષણ એ છે કે તે ક્યારેય એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાતી નથી, જ્યારે કૅન્સરગ્રસ્ત ગાંઠ શરીરમાં ગમે ત્યાં ફેલાઈ જાય છે.

કૅન્સર કઈ ત્રણ રીતે ફેલાઈ શકે છે?

સીધો ફેલાવો: કૅન્સરના કોષો સીધા આસપાસના કોષો અથવા અવયવો પર અસર કરે છે.

લસિકા ફેલાવો: કૅન્સર કોષો લસિકા ડ્રેનેજ સિસ્ટમમાં પ્રવેશ કરે છે અને લસિકા ગાંઠોમાં વૃદ્ધિ પામે છે.

હિમેટોલોજિકલ ફેલાવો: કૅન્સરના કોષો રક્ત વાહિનીઓ દ્વારા ફેફસાં, હાડકાં, યકૃત અથવા મગજમાં ફેલાય છે.

કૅન્સરના કેટલા પ્રકાર છે?

કૅન્સરનું વર્ગીકરણ બે મુખ્ય રીતે કરી શકાય છે, જે કોષના પ્રકાર અથવા અંગના પ્રકાર દ્વારા, તે કયા કોષમાં શરૂ થાય છે તેના આધારે થાય છે.

અંગના આધારે વર્ગીકરણ:

કૅન્સરનું નામ તે અંગના આધારે રાખવામાં આવે છે જ્યાંથી તે શરૂ થાય છે. ઉદાહરણ તરીકે, ફેફસાંનું કૅન્સર, સ્તન કૅન્સર, કોલોન કૅન્સર, વગેરે.

કોષના પ્રકારના આધારે વર્ગીકરણ

1. કાર્સિનોમા - આ એક ખૂબ જ સામાન્ય કૅન્સર છે જે ત્વચા અથવા અંગોના ઉપકલા કોષોમાં (ઉપકલા અથવા ઉપકલા પેશી એ કોશિકાઓનું પાતળું, સતત, રક્ષણાત્મક સ્તર છે) થાય છે. કાર્સિનોમાના પેટાપ્રકારોમાં એડેનોકાર્સિનોમા (ફેફસાં, સ્તન), બેઝલ સેલ કાર્સિનોમા (ત્વચા) અને ટ્રાન્ઝિશનલ (કિડની)નો સમાવેશ થાય છે.

2. સાર્કોમા - આ કૅન્સર શરીરના કનેક્ટિવ ટિશ્યુ અથવા સહાયક કોષોમાં થાય છે. જો કૅન્સર હાડકાના કોષોમાં શરૂ થાય છે, તો ઓસ્ટિઓસારકોમા, માયોસારકોમા, લિપોસારકોમા, કોન્ડ્રોસારકોમા અને એન્જીયોસારકોમા જેવા વિવિધ પ્રકારના કૅન્સર હોય છે.

૩. મેલાનોમા - આ કૅન્સર ત્વચામાં મેલાનોસાઇટ કોષોમાં થાય છે જે મેલાનિન ઉત્પન્ન કરે છે. કૅન્સરને એક એવો રોગ માનવામાં આવે છે જે શરીરમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.

4. બ્રેઇન ટ્યૂમર - ગ્લિઓબ્લાસ્ટોમા, એસ્ટ્રોસાયટોમા, મેડુલોબ્લાસ્ટોમા, વગેરે એવાં કૅન્સર છે જે મગજના વિવિધ કોષોમાંથી ઉદ્ભવે છે. K (Zn2 (oh)4)

બ્લડ કૅન્સરના ત્રણ મુખ્ય પ્રકાર

લ્યુકેમિયા: અસ્થિમજ્જામાં શ્વેત રક્તકણોનો વિકાસ અટકી જાય છે, જેના પરિણામે અપરિપક્વ કોષોનું ઉત્પાદન વધે છે જે રક્તવાહિનીઓ દ્વારા આખા શરીરમાં ફેલાય છે. આ રોગમાં, કોઈ ગાંઠ જોવા મળતી નથી.

લિમ્ફોમા: લિમ્ફોસાઇટ્સ લસિકા ગાંઠોમાં અનિયંત્રિત રીતે વધે છે, જેના કારણે લસિકા ગાંઠોમાં ગાંઠો બને છે.

મલ્ટીપલ માયલોમા: રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર અસ્થિમજ્જામાં પ્લાઝ્મા કોષોની અનિયંત્રિત વૃદ્ધિ, હાડકાંને નુકસાન પહોંચાડે છે.

કૅન્સર કે જેને એક સમયે હિપ્પોક્રેટ્સે કરચલા સાથે સરખામણી કરી હતી એ કૅન્સરની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આજે સારવાર થાય છે, વૈજ્ઞાનિક સંશોધન દ્વારા ક્યાં નુકસાન થયું છે તે જાણી શકાય છે.

કૅન્સરના સારવાર માટેની હાલની વૈજ્ઞાનિક પદ્ધતિ માનવજાતની પ્રગતિનો બોલતો પુરાવો છે. કૅન્સર જેવા ગંભીર રોગને નાબૂદ કરવા માટે પણ હાલમાં વિશ્વભરમાં સંશોધનો ચાલી રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.