You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મનમોહનસિંહનું નિધન: મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલે શ્રદ્ધાંજલિ આપતા શું લખ્યું?
ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા.
છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમને મોડી રાત્રે સારવાર માટે દિલ્હીસ્થિત એઇમ્સ હૉસ્પિટલ દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
એઇમ્સના મીડિયા સેલે મનમોહનસિંહના નિધનની જાણકારી આપી છે.
આ અંગે એઇમ્સ હૉસ્પિટલે પ્રેસનોટમાં લખ્યું "ઊંડા શોક સાથે અમે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનની જાણ કરીએ છીએ. ઉંમરને લગતી તબીબી સ્થિતિ માટે તેમની સારવાર કરાઈ રહી હતી. 26 ડિસેમ્બરે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને ભાનમાં લાવવાના ઘરે તાત્કાલિક સારવાર કરાઈ હતી. તેમને રાત્રે આઠ વાગીને છ મિનિટે નવી દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો છતાં તેમને બચાવી ન શકાયા. રાત્રે 09 વાગ્યા અને 51 મિનિટે તેમને મૃત જાહેર કરાયા."
મનમોહનસિંહ બે વાર દેશના વડા પ્રધાન રહી ચૂક્યા છે. તેઓ 2004થી 2014 સુધી દેશના વડા પ્રધાન રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમેત દેશના અનેક દિગ્ગજોએ ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી છે.
તેમણે લખ્યું કે "ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓ પૈકી એક ડૉ. મનમોહનસિંહજીના નિધન પર શોક મનાવે છે. સાધારણ પરિવારમાંથી આવીને તેઓ એક વિખ્યાત અર્થશાસ્ત્રી બન્યા. તેમણે નાણામંત્રી સહિત જુદાંજુદાં સરકારી પદો પર કામ કર્યું અને વર્ષો સુધી આપણી આર્થિક નીતિઓ પર એક મજબૂત છાપ છોડી. સંસદમાં પણ તેમની કામગીરી સમજદારીપૂર્ણ હતી. આપણા વડા પ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને બહેતર બનાવવા માટે વ્યાપક પ્રયાસો કર્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે "મનમોહનસિંહજીએ અપાર શાણપણ અને નિષ્ઠાપૂર્વક ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમની વિનમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી.
શ્રીમતી કોર અને પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંથી લાખો લોકો જેઓ તેમના પ્રશંસક હતા, તેઓ તેમને ગૌરવભેર યાદ કરશે."
કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે, "રાજકારણમાં બહુ ઓછા લોકોને એવું સન્માન મળે છે જે સરદાર મનમોહનસિંહને મળ્યું હતું." તેમની પ્રામાણિકતા હંમેશાં આપણા માટે પ્રેરણા બની રહેશે. જે લોકો આ દેશને સાચા અર્થમાં પ્રેમ કરે છે તેમાં તેઓ હંમેશાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. તેમણે પોતાના વિરોધીઓ દ્વારા અન્યાયી અને વ્યક્તિગત હુમલાઓનો સામનો કરીને પણ દેશની સેવા કરવાની પ્રતિબદ્ધતા જાળવી રાખી હતી. તેઓ સાચા અર્થમાં સમાનતામાં માનતા હતા, વિદ્વાન હતા, પ્રબળ ઇચ્છા ધરાવતા અને હિંમતવાન હતા. રાજકારણની મુશ્કેલ દુનિયામાં તેઓ એક અનોખું ગરિમામય અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા."
મનમોહનસિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગાહ ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ થયો હતો.
મનમોહનસિંહ નાના હતા ત્યારે તેમનાં માતાનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે મનમોહનસિંહની ઉંમર માત્ર થોડા મહિનાઓ જ હતી.
તેમના પિતા કાયમ કામના કારણે બહાર રહેતા હતા. પછી તેઓ તેમના કાકાને ત્યાં રહેવા જતા રહ્યા. તેમના દાદીએ તેમની સારી સારસંભાળ લીધી હતી. ડૉ.મનમોહનસિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારુએ તેમના પુસ્તક 'ધી ઍક્સિડૅન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'માં તેનો ઉલ્લેખ કર્યો છે.
તેમના પૈતૃક ઘરે કોઈ શાળા કે પ્રાથમિક આરોગ્યકેન્દ્ર ન હતું. મનમોહનસિંહને ઉર્દૂ માધ્યમની શાળામાં ભણવા જવા માટે દરરોજ અનેક માઇલ ચાલીને જવું પડ્યું હતું. ગામમાં વીજળી ન પહોંચી ત્યાં સુધી મનમોહનસિંહ રાતે તેલના દીવા નીચે ભણતા હતા. તેઓ બાળપણથી જ સતત ભણતા હતા અને શાંત સ્વભાવના મનમોહનસિંહ ખૂબ હોંશિયાર હતા.
વરિષ્ઠ પત્રકાર માનિની ચેટરજીએ બીબીસીને જણાવ્યું હતું કે "1947ના ભાગલા પછી મનમોહનસિંહ તેમના પરિવાર સાથે પાકિસ્તાનથી ભારત આવ્યા. અહીં આવ્યા પછી તેઓ સૌપ્રથમ હલ્દવાની(ઉત્તરાખંડ)માં શરણાર્થી શિબિરમાં રોકાયા. ભાગલાને કારણે તેઓ પાકિસ્તાનમાં બૉર્ડની પરીક્ષામાં હાજર રહ્યા ન હતા. તેથી, ભારત આવ્યા પછી તેમણે બૉર્ડની પરીક્ષા આપી હતી. તેઓ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ પંજાબ યુનિવર્સિટી પણ ગયા હતા."
ડૉ. મનમોહનસિંહ કેન્દ્રીય નાણામંત્રી બન્યા ત્યાર પછી ચેટરજીએ કહ્યું કે એક વિસ્તૃત ઇન્ટરવ્યૂમાં તેમણે બાળપણની યાદ તાજા કરી હતી.
ભારત આવ્યા બાદ પણ મનમોહનસિંહની ઘરની પરિસ્થિતિઓ ખરાબ હતી. શરણાર્થી-શિબિરમાં પહોંચ્યા પછી તેઓ અમૃતસર, હોંશિયારપુર, પટિયાલા અને ચંદીગઢમાં પણ રહ્યા હતા.
ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી. જોકે, પંજાબ યુનિવર્સિટીમાં તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ અર્થશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે કૅમ્બ્રિજ યુનિવર્સિટી અને ઑક્સફર્ડ યુનિવર્સિટી ગયા હતા. તેની પાછળ એક ખૂબ અગત્યનું કારણ હતું. તેમને સ્કૉલરશિપ મળી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન