વડા પ્રધાન મોદીના હાથે નવા સંસદભવનનું ઉદ્ઘાટન, જૂના સંસદભવનનું શું થશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર સવારે નવી દિલ્હીમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.

તેમણે 7.30 વાગ્યે નવા સંસદભવનમાં પ્રવેશ ક્રયો હતો. અને પૂજા તથા હવન સાથે આ કાર્યક્રમ શરૂ થયો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ‘રાજદંડ’ એટલે કે સેંગોલની નવી સંસદમાં સ્થાપના કરી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલા આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી સાથે હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મંત્રોચ્ચાર વચ્ચે અનેક સાધુસંતોએ પણ હાજરી આપી હતી. નરેન્દ્ર મોદીએ નિર્માણકાર્યમાં લાગેલા શ્રમવીરોનું સન્માન કર્યું હતું.

નવા સંસદભવનના ઉદ્ધાટનની પૂર્વસંધ્યાએ મંત્રોચ્ચાર વચ્ચે સેંગોલને વડા પ્રધાન મોદીને સોંપવામાં આવ્યું હતું.

કૉંગ્રેસ સહિત 19 વિપક્ષે નવી સંસદના ઉદ્ઘાટન સમારોહને બૉયકૉટ કરવાનો નિર્ણય લીધો છે.

તેમનું કહેવું છે કે તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હાથે થવું જોઈએ.

નવા સંસદભવન અંગે થઈ રહેલા રાજકારણથી અલગ અન્ય કેટલાક એવા સવાલ પણ છે જેના જવાબ લોકો સોશિયલ મીડિયાથી માંડીને ગૂગલ સુધી શોધી રહ્યા છે.

નવી સંસદ કેવી દેખાશે, આખરે તેની જરૂર શું હતી, તે કોણે બનાવી ને હવે જૂની સંસદને તોડી પડાશે કે કેમ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના નવા ભવનના ઉદ્ઘાટનના અવસર પર કહ્યું કે,"આજનો દિવસ બધા દેશવાસીઓ માટે અવિસ્મરણીય છે. સંસદનું નવું ભવન આપણને ગર્વ અને આશાથી ભરી દે તેવું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ દિવ્ય અને ભવ્ય ઇમારત જન-જનના સશક્તિકરણની સાથે, રાષ્ટ્રની સમૃદ્ધિ અને સામર્થ્યની ને નવી ગતિ અને શક્તિ પ્રદાન કરશે."

બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાને ટ્વીટ કરીને નવા સંસદભવનના ઉદ્ઘાટન પર ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યું કે, ''આપણા બંધારણને ટકાવી રાથવા, આ મહાન દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરનાર દરેક વ્યક્તિની વિવિધતાની સુરક્ષા કરવાવાળા લોકો માટે બનેલું આ સંસદભવન કેટલું શાનદાર છે. ''

''નવા ભારત માટે નવું સંસદભવન...ભારતના ગૌરવના સદીયો જૂના સપના સાથે. જય હિન્દ! #MyParliamentMyPride"

નવા સંસદભવનના ઉદ્ઘાટનસમારોહનો વિપક્ષીદળોએ વિરોધ કર્યો છે.

રાષ્ટ્રીય જનતા દળે આ સમારોહનો બહિષ્કાર કરતાં એક ટ્વીટમાં નવા સંસદભવન અને તાબૂતની તસવીર પોસ્ટ કરીને લખ્યું 'આ શું છે?'

ભાજપે આની પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે 'દેશની જનતા તમને (આરજેડી) લોકતંત્રના નવા મંદિરમાં આવવાનો મોકો નહીં આપે.'

ત્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું કે, "સંસદ લોકોનો અવાજ છે! વડા પ્રધાન સંસદભવનના ઉદ્ઘાટનને રાજ્યાભિષેક સમજી રહ્યા છે."

નવી સંસદની જરૂર કેમ પડી?

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદભવનનું નિર્માણ કરાયું છે. આ સમગ્ર પ્રોજેક્ટ પર 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.

રાજપથ નજીકના બંને તરફના વિસ્તારને સેન્ટ્રલ વિસ્ટા કહેવામાં આવે છે જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ પાસેનો પ્રિન્સેસ પાર્કનો વિસ્તાર પણ સામેલ છે.

સેન્ટ્રલ વિસ્ટા અંતર્ગત રાષ્ટ્રપતિ ભવન, સંસદ, નૉર્થ બ્લૉક, સાઉથ બ્લૉક, ઉપરાષ્ટ્રપતિ આવાસ પણ સામેલ છે.

સંસદભવન લગભગ 100 વર્ષ જૂનું છે. કેન્દ્ર સરકાર પ્રમાણે હાલના સંસદભવનમાં સાંસદો માટેની બેઠકવ્યવસ્થા પૂરતા પ્રમાણમાં નથી.

બેઠકોની અછત – હાલ લોકસભામાં બેઠકોની સંખ્યા 545 છે. 1971ની વસતીગણતરી આધારે કરાયેલ પરિસીમન પર આધારિત આ બેઠકોની સંખ્યામાં કોઈ ફેરફાર નથી કરાયો.

બેઠકોની સંખ્યા બાબતે આ સ્થિરતા 2026 સુધી લાગુ રહેશે. પરંતુ એ બાદ આ બેઠકોમાં વધારો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં જે નવા સાંસદો ચૂંટાઈ આવશે તેમના માટે પર્યાપ્ત બેઠકવ્યવસ્થા નહીં હોય.

માળખું – સરકાર પ્રમાણે સ્વતંત્રતા પહેલાં જ્યારે સંસદભવનનું નિર્માણ કરાઈ રહ્યું હતું ત્યારે સીવર લાઇનો, ઍર કન્ડિશનિંગ, અગ્નિશમન, સીસીટીવી, ઑડિયો-વીડિયો સિસ્ટમ જેવી વસ્તુઓ લગાવવા મામલે ધ્યાન નહોતું રખાયું.

બદલાતા સમયની સાથે સંસદભવનમાં આ બધી સુવિધાઓ સામેલ કરાઈ પરંતુ આનાથી ભવનમાં લીલ જામવા જેવી ફરિયાદો ઊભી થઈ અને આગ લાગવાનો ખતરો વધી ગયો.

સુરક્ષા – લગભગ 100 વર્ષ પહેલાં જ્યારે સંસદભવનનું નિર્માણ થયું હતું, એ સમયે દિલ્હી ભૂકંપીય ક્ષેત્ર – 2માં સામેલ હતું પરંતુ હવે તે ચારમાં પહોંચી ગયું છે.

કર્મચારી માટે જગ્યાનો અભાવ – સાંસદો સિવાય સંસદમાં સેંકડોની સંખ્યામાં કર્મચારીઓ પણ કામ કરે છે. સતત વધતા દબાણને કારણે સંસદભવનમાં ઘણી ભીડ થઈ ગઈ છે.

કેટલી અલગ છે નવી સંસદ?

સંસદમાં લોકસભાભવનને રાષ્ટ્રીય પક્ષી મોર અને રાજ્યસભાને રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર ડિઝાઇન કરાયું છે.

જૂની લોકસભાની મહત્તમ બેઠકક્ષમતા 552 વ્યક્તિની છે. નવા લોકસભા ભવનમાં તેની સંખ્યા 888 છે.

જૂના રાજ્યસભા ભવનમાં 250 સભ્યો બેસી શકે છે. ત્યારે નવા રાજ્યસભા હૉલની ક્ષમતા વધારીને 384 કરી દેવાઈ છે.

નવા સંસદભવનની સંયુક્ત બેઠક દરમિયાન ત્યાં 1,272 સભ્યો બેસી શકશે.

આ સિવાય નવા સંસદભવનમાં નવું શું હશે?

અધિકારીઓ અનુસાર નવા ભવનમાં તમામ સાંસદો માટે અલગ ઑફિસ હશે જેમાં આધુનિક ડિજિટલ સુવિધાઓ હશે જેથી ‘પેપરલેસ ઑફિસ’ના લક્ષ્યની દિશામાં આગળ વધી શકાય.

નવી ઇમારતમાં એક ભવ્ય કૉન્સ્ટિટ્યૂશન હૉલ કે બંધારણ હૉલ હશે જેમાં ભારતના લોકશાહીના વારસાને રજૂ કરાશે. ત્યાં ભારતના બંધારણની મૂળ કૉપી પણ મુકાશે.

સાથે જ ત્યાં સાંસદો બેસી શકે એ માટે મોટો હૉલ, એક લાઇબ્રેરી, સમિતિઓ માટે નવા ઓરડા, ભોજન કક્ષ અને પાર્કિંગ માટે ઘણી જગ્યા હશે.

આ સમગ્ર પ્રોજેક્ટનું નિર્માણ ક્ષેત્ર 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. હાલના સંસદભવન કરતાં નવા સંસદભવનનું ક્ષેત્રફળ 17 હજાર વર્ગ મીટર વધુ છે.

જૂની સંસદનું શું થશે?

જૂના સંસદભવનની ડિઝાઇન બ્રિટિશ વાસ્તુકાર સર એડવિન લુટિયંન્સ અને હર્બર્ટ બેકરે ‘કાઉન્સિલ હાઉસ’ તરીકે તૈયાર કરી હતી. આ ઇમારત બનવામાં છ (1921-1927) વર્ષનો સમય લાગ્યો હતો. એ સમયે આ ભવનમાં બ્રિટિશ સરકારની વિધાન પરિષદ કામ કરતી હતી.

એ સમયે આ ભવનના નિર્માણમાં 83 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમજ આજના સમયે નવા ભવનના નિર્માણ પાછળ 862 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.

ભારત સ્વતંત્ર થયું એ બાદ ‘કાઉન્સિલ હાઉસ’ને સંસદભવન સ્વરૂપે સ્વીકારાયું.

અધિકારીઓ અનુસાર હાલના સંસદભવનનો ઉપયોગ સંસદીય આયોજનો માટે કરાશે.

નવું સંસદભવન કોણ બનાવી રહ્યું છે?

નવી ઇમારત બનાવવાનું ટૅન્ડર ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડને મળ્યું છે. સપ્ટેમ્બર 2020માં 861.90 કરોડ રૂપિયાની બોલી લગાવીને તેમણે આ કૉન્ટ્રેક્ટ હાંસલ કર્યો હતો.

નવું સંસદભવન એ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે.

આ પ્રોજેક્ટની બ્લુ પ્રિન્ટ ગુજરાત સ્થિત એક આર્કિટેક્ચર ફર્મ એચસીપી ડિઝાઇન્સે તૈયાર કરી છે.

સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (સીપીડબ્લ્યૂડી)એ સંસદ, કૉમન કેન્દ્રીય સચિવાલય અને સેન્ટ્રલ વિસ્ટાના ડેવલપમૅન્ટ માટે કન્સલ્ટન્સીનું કામ એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ ઍન્ડ મૅનેજમૅન્ટને ગત ઑક્ટોબર, 2019માં સોંપ્યું હતું.

સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારના માસ્ટર પ્લાનના ડેવલપમૅન્ટ અને નવી જરૂરિયાતો પ્રમાણે બિલ્ડિંગોની ડિઝાઇન બનાવવાના કામમાં આ કંપની સામેલ રહી છે.

આ સિવાય કન્સલ્ટન્ટની નિયુક્ત માટેનું ટૅન્ડર સીપીડબ્લ્યૂડીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં બહાર પાડ્યું હતું. કન્સલ્ટન્સી માટે 229.75 કરોડ રૂપિયાનો ખર્ચ નિર્ધારિત કરાયો હતો. આ બોલીમાં એચસીપી ડિઝાઇનને જીત હાંસલ થઈ હતી.

એચસીપી ડિઝાઇન પાસે ગુજરાતના ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા અને રાજ્ય સચિવાલય, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમૅન્ટ, મુંબઈ પૉર્ટ કૉમ્પલેક્સ, વારાણસીમાં મંદિર કૉમ્પલેક્સના રિડેવલપમૅન્ટ, આઇઆઇએમ અમદાવાદના નવા કૅમ્પસના ડેવલપમૅન્ટ જવાં કામોનો અનુભવ છે.