You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધાનેરા : 'વર્ષો જૂની માતા છે', વિધિ કરાવવા માટે 35 લાખ મૂક્યા, પૈસા લઈ ભૂવા છૂ થઈ ગયા
બનાસકાંઠાના ધાનેરામાં પટેલ પરિવાર સાથે કેટલાક કહેવાતા ભૂવાઓએ લાખો રૂપિયાની કથિત ‘છેતરપિંડી’ કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
ફરિયાદ અનુસાર આરોપી ભૂવાઓએ પીડિત પરિવાર સાથે ‘પરિવારમાં દીકરો થાય તે માટે તાંત્રિક વિધિ કરવા’નું કહી પૈસા પડાવ્યાનો આરોપ કરાયો છે.
આ મામલે ધાનેરા પોલીસમથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસને અપાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી ગણેશભાઈ મફભાઈ પટેલે પોતાના પરિવાર પાસેથી ‘તાંત્રિક વિધિ’ના નામે 35 લાખ રૂપિયા પડાવાયા હોવાનો આરોપ કર્યો છે.
આ ‘કૃત્ય’માં થરાદ-ધાનેરાના શંકરભાઈ કાળાભાઈ રબારી, મશરૂભાઈ બેચરભાઈ રબારી, નેબાભાઈ હીરાભાઈ રબારી, મફભાઈ માનાભાઈ રબારી, પ્રગાભાઈ રબારી અને સોમાભાઈ રબારીના નામના કહેવાતા ભૂવાઓ સામેલ હોવાનો આરોપ છે.
ઘટના અંગેનો વીડિયો વાઇરલ થતાં તેમજ ફરિયાદ બાદ મામલો સમાચારોમાં છવાયો હતો, સમગ્ર મામલાની તપાસ કરી તેની વિગતો જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયત્ન કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
ધાનેરા ગામના પીડિત પટેલ પરિવારનાં પશુનાં મોત થઈ રહ્યાં હતાં. તેમજ પરિવારમાં એક પુત્રના ઘરે ‘દીકરો થતો નહોતો.’
આરોપ છે કે ધાનેરા અને થરાદના પાંચ ભૂવાઓએ ભેગા મળીને ધાનેરાના ગોલા ગામના રમેશભાઈ પટેલ સહિત તેમના ભાઈઓને ઉપરોક્ત તમામ ‘સમસ્યાઓ’ દૂર કરવાની લાલચ આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરોપી ભૂવાઓએ આ હેતુ માટે એક કરોડ રૂપિયાનો ખર્ચ થવાની વાત કરી હોવાનો તેમજ પીડિત પરિવાર સાથે 35 લાખ રૂપિયાની ‘છેતરપિંડી’ કરી હોવાનો આરોપ કરાઈ રહ્યો છે.
પીડિત બંને ભાઈઓ સાથે થયેલ કથિત છેતરપિંડી અંગેનો વીડિયો પોલીસને અપાયો છે, જે અંગે તપાસ કરાઈ રહી છે.
‘ભૂવાઓએ વિધિના નામે પૈસા પડાવ્યા’
પીડિતના મામા મફાભાઈ વાગડાએ આ સમગ્ર મામલાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, “વિધિના નામે પૈસા પડાવી લેવાની આ ઘટના મારી બહેનના ઘરે બની છે. જેમાં ઘરમાં દીકરો થવાની વિધિ કરવાના નામે તેમને ભૂવાઓએ અંધશ્રદ્ધામાં ફસાવ્યા છે.”
“મારા ભાણેજને ચાર દીકરીઓ છે, એક પણ દીકરો નથી, ભૂવાઓએ ભાણેજના ઘરે 82 વર્ષ જૂની માતા હોઈ દીકરો નહીં થવાની વાત જણાવી આ કૃત્ય કર્યું છે. આ અગાઉ પણ કોરોનાના સમયગાળામાં તેમને ત્યાં ગાય મરી ગઈ હતી જે મામલો પણ ભૂવાઓએ આ બાબત સાથે જોડી અને બંનેના નામે પૈસા પડાવી લીધા હતા.”
તેઓ આ સમગ્ર ઘટનાની વિગતો જણાવતાં આગળ કહે છે કે, "ભૂવાઓએ આ કામ માટે એક કરોડ રૂપિયાની માગ કરી હતી, મારી બહેનના પરિવારજનોએ પહેલાં 51 લાખ, સોનું, ચાંદી અને 35 લાખ રોકડ લાવી આપ્યા.”
“આ બધી રકમો પાટ પર મૂકવાનું ભૂવાઓએ સૂચન કર્યું હતું, વિધિ બાદ તમામ ભૂવા રોકડ રકમ લઈને જતા રહ્યા હતા.”
મફાભાઈનો આરોપ છે કે આ સમગ્ર મામલાને પોલીસ સુધી લઈ જવાના કારણે તેમને આરોપી ભૂવાઓ તરફથી ધમકી મળી રહી છે.
તેઓ કહે છે કે, “ફરિયાદ બાદ અમને ધમકી મળી રહી છે કે જો અમે ફરિયાદ પરત નહીં ખેંચીએ તો અમારું તાંત્રિક વિધિ થકી નિપજાવી દેવાશે.”
આ ઘટનાને લઈને સામે આવેલા વીડિયોમાં કહેવાતા ભૂવા ધૂણી રહ્યા છે, તેમજ પાટ પર 500-500 રૂપિયાની નોટના બંડલ પડેલા પણ દેખાઈ રહ્યા છે.
વીડિયોમાં રોકડ રકમ સાથે સોના-ચાંદીના દાગીના અને ચોખા-કંકુ પણ જોવા મળી રહ્યાં છે.
મફાભાઈ આરોપી ભૂવાઓની ઓળખ આપતાં કહે છે કે, “આ ઘટનાને ધાનેરા-થરાદના પાંચ ભૂવાઓએ અંજામ આપ્યો છે. જે મામલે અમે પોલીસમથકે અરજી પણ કરી છે.”
‘વર્ષો જૂની માતા છે, વિધિ કરાવી પડશે’
આ વિસ્તારના સામાજિક આગેવાન નવાભાઈ પટેલે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, “ગોલાના પીડિત પરિવાર સાથે માતા વાળવાના નામે રોકડ લઈ જવાની આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.”
તેમણે આગળ કહ્યું હતું કે પરિવાર પર આ ઘટનાને લઈને માનસિક દબાણ છે અને તેઓ ભૂવાઓ વિરુદ્ધ નિવેદન આપતાં ‘ગભરાઈ રહ્યા છે.’
“આ સમગ્ર ઘટનાને લઈને સમાજના આગેવાનો દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી માગ કરાઈ રહી છે.”
આ સમગ્ર મામલે વિગતો આપતાં ઇનચાર્જ ડીવાયએસપી કૌશલ ઓઝાએ જણાવ્યું હતું :
સ્થાનિક પોલીસ જણાવ્યું હતું કે ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે અપાયેલ અરજી અનુસાર આરોપી ભૂવાઓએ એક ‘પરિવારની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી રૂપિયા પડાવી લીધા હોવાની અરજી મળી છે, જે અંગે તપાસ કરાઈ રહી છે.’
પોલીસે આ ફરિયાદને અનુલક્ષીને આવી ઘટનાઓ ફરી વાર બનતા અટકે તે હેતુસર ‘લેભાગુ’ઓથી દૂર રહેવાની અપીલ પણ કરી છે.