જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવો શું અશ્લીલતા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંદીપ રૉય
- પદ, કોલકાતા
આધુનિક ભારતમાં આકર્ષક, વાતાનુકૂલિત યાત્રાનું પ્રતીક બની ગયેલી મેટ્રો રેલ પ્રણાલી જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવાનું નવું સ્થળ બની ચૂકી હોવાની ચર્ચા થઈ રહી છે.
આ ચર્ચા પાછળ નક્કર કારણ પણ જવાબદાર છે.
અમુક દિવસ પહેલાં એક યુવાન યુગલ મેટ્રો ટ્રેનમાં ચુંબન કરતું જોવા મળ્યું હતું. તેમનો વીડિયો વાઇરલ થતાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.
આ વીડિયો દિલ્હી મેટ્રોમાં લેવાયો હતો.
વીડિયોમાં એક મહિલા પુરુષના ખોળામાં બેસેલી હોય તેવું દેખાય છે અને તેઓ બંને ચુંબન કરતાં જોવા મળે છે. વીડિયો વાઇરલ થતાં દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને (DMRC) પ્રવાસીઓને આ પ્રકારની વાંધાજનક વર્તણૂક અંગે તાત્કાલિક રિપોર્ટ કરવા જણાવ્યું છે.
આ પ્રકારની ઘટનાઓનું મૉનિટરિંગ કરવા માટે દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને ફ્લાઇંગ સ્ક્વૉડ વધારવાની જાહેરાત કરી છે.
વીડિયો અને તેની ઓનલાઈન થયેલી ટીકાઓ બાદ સોશિયલ મીડિયા પર નૈતિક ધારાધોરણો અને સાર્વજનિક સ્થળે અશ્લીલતા પર ખૂબ ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે.
પરંતુ ‘વાંધાજનક વર્તણૂક’ ની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શકાય એમ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદાહરણ તરીકે, ‘એક યુવાન યુગલ સાથે યાત્રા કરી રહ્યું છે અને મહિલાએ પોતાનું માથું પુરુષના ખભે ટેકવ્યું છે.’ ડીએમઆરસીના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર આવેલા આ પ્રકારના પ્રતિભાવો કે ફરિયાદોમાં એટલો દમ દેખાતો નથી.

ઇમેજ સ્રોત, Getty Images
આ સાથે જ કોઈ પણ વ્યક્તિ એ વાતનો સ્વીકાર પણ ન કરી શકે કે ટ્રેનનો ડબ્બો એ હસ્તમૈથુન કરવા માટેની જગ્યા છે. ગત મહિને આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં એક યુવક મેટ્રોમાં હસ્તમૈથુન કરી રહ્યો હતો. દિલ્હી મહિલા આયોગ તરફથી આ બાબતે કડક ચેતવણી પણ આપવામાં આવી હતી.
મોટા ભાગના લોકો એ વાત સાથે સહમત થશે કે હસ્તમૈથુન એ જાહેર સ્થળોએ સ્વીકાર્ય નથી, પરંતુ હજુ પણ ભેટવું, ચુંબન કરવું, હાથ પકડવા વગેરે જેવી ક્રિયાઓ અને ચોક્કસ જાતીય ક્રિયાઓ વચ્ચે લક્ષ્મણરેખા દોરવી અઘરી છે. જ્યારે આ પ્રકારની ક્રિયાઓ જાહેર સ્થળોએ થાય ત્યારે તેને વ્યાખ્યાયિત કરવું વધુ અઘરું બને છે.
2018માં કોલકાતામાં એક યુગલને જાહેરમાં એકબીજાને ભેટવા બદલ લોકોએ ફટકાર્યા હતા. એ બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ખૂબ ચર્ચા થઈ હતી અને અનેક લોકોએ એવું કહ્યું હતું કે આ પ્રકારે યુવાન યુગલોને નૈતિક આચરણો શીખવવાં ન જોઈએ.
2019માં આ જ પ્રકારે દિલ્હીના એક મેટ્રો સ્ટેશન પર જાતીય સંબંધો બાંધી રહેલા યુગલનો વીડિયો એક પૉર્નસાઇટ પર જોવા મળ્યો હતો.

‘પબ્લિક ડિસ્પ્લે ઑફ અફેક્શન’

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
‘પબ્લિક ડિસ્પ્લે ઑફ અફેકશન’ એટલે કે પીડીએ એક એવો વિષય છે જેનો ભારતમાં ખૂબ લાંબો અને જટિલ ઇતિહાસ રહ્યો છે. જે દેશે વિશ્વને કામસૂત્ર આપ્યું એ જ દેશમાં લોકો હવે ટીવી કે સિનેમાના પડદા પર દર્શાવતાં ચુંબનનાં દૃશ્યો સામે ગુસ્સો કે વિરોધ વ્યક્ત કરે છે.
1981માં જ્યારે પ્રિન્સ ચાર્લ્સે ભારતમાં એક ફિલ્મ સેટની મુલાકાત લીધી હતી ત્યારે તેમનું સ્વાગત અભિનેત્રી પદ્મિની દ્વારા ફૂલોના હાર અને ગાલ પર એક ચુંબન દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે પછી આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે આ કોઈ મોટી વાત ન હતી.
પરંતુ 2007માં એક એઇડ્સ માટેના જાગૃતિ કાર્યક્રમમાં હોલીવૂડ સુપરસ્ટાર રિચાર્ડ ગેરેએ બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને આ જ પ્રકારે ગાલ પર ચુંબન કર્યું ત્યારે કેટલાક લોકોએ તેમના પર ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવાના આરોપ લગાવ્યા હતા.
જોકે તેમણે એવું કહ્યું હતું કે, “હું એ પ્રકારનો સંદેશ આપવા માંગતો હતો કે ચુંબન કરવું એ સુરક્ષિત છે.” જોકે શિલ્પા શેટ્ટી પર જાહેરમાં આ પ્રકારના વાંધાજનક કૃત્ય માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે 2022માં તેમને કોર્ટમાંથી તમામ પ્રકારના આરોપોમાંથી મુક્તિ મળી ત્યારે કોર્ટે કહ્યું હતું કે એવું લાગે છે કે તેઓ ગેરેએ કરેલા ‘કથિત કૃત્યનો ભોગ’ બન્યાં છે.
પરંતુ પાછલાં કેટલાંક વર્ષોમાં ભારતીય સિનેમા અને વેબ સિરીઝમાં ચુંબનનાં દૃશ્યો અને અત્યંત નિકટતા દર્શાવતાં દૃશ્યો સામાન્ય બની ગયાં છે.

એકાંતની શોધમાં યુવાનો

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ ભારત જેવા અતિશય વસતી ધરાવતા દેશમાં કે જ્યાં યુવાનો હજુ પોતાના પરિવાર સાથે રહે છે ત્યાં એકાંત કે પ્રાઇવસી હજુ પણ મોટી સમસ્યા છે.
યુગલો એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા હજુ પણ બગીચા, પાર્ક અને પ્રાચીન સ્મારકો જેવી જગ્યાઓનો આશરો શોધે છે.
કોલકાતામાં ક્વીન વિક્ટોરિયાની માર્બલથી બનેલી ભવ્ય પ્રતિમાની આસપાસ આવેલ બગીચો પરંપરાગત રીતે જ યુગલોની પસંદગીની જગ્યા રહી છે. સાંજ પડ્યા પછી અહીં પોલીસ ઝાડીઓની પાછળ બેઠેલાં યુગલોને ભગાડે છે.
પરંતુ જે યુગલો પોતાની અંગત પળો વિતાવવા કોઈ પ્રાઇવેટ સ્થળોએ જાય છે ત્યાં તેમને અલગ પ્રકારની મુશ્કેલીઓ નડે છે. દેશની ઘણી હોટલો રૂમ આપતાં પહેલાં તેમનાં લગ્નનું પ્રમાણપત્ર માંગે છે.
જોકે, સમલૈંગિક યુગલોને હોટલમાં રૂમ બુક કરતી વખતે આ પ્રકારની સમસ્યાઓ નડતી નથી. પુરુષો એકબીજાનો હાથ પકડીને ચાલે અથવા તો એકબીજાના ખભે હાથ મૂકીને ચાલે એ ભારતીય સમાજમાં હંમેશાં સ્વીકાર્ય રહ્યું છે, જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં તેને સામાન્ય ગણવામાં આવતું નથી. ‘પબ્લિક ડિસ્પ્લે ઑફ અફૅક્શન’ પુરુષ અને સ્ત્રીના સંદર્ભમાં હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે.
આઇપીસીની કલમ 294 પ્રમાણે કોઈ વ્યક્તિ જાહેરમાં અશ્લીલ હરકતો કરે, અશ્લીલ ગીતો વગાડે જેનાથી અન્ય કોઈ વ્યક્તિને હેરાનગતિ થતી હોય તો તેમને સજા થઈ શકે છે.

અશ્લીલતાની વ્યાખ્યા શું?

ઇમેજ સ્રોત, BBC Sport
પરંતુ સમસ્યા અંતે અશ્લીલતાની વ્યાખ્યામાં જ રહેલી છે.
બ્રિટિશ ઇન્ડિયા અને સ્વતંત્ર ભારત બંનેમાં મહાન ઉર્દૂ લેખક સઆદત હસન મંટો પર અશ્લીલતા ફેલાવવા માટે છ વખત આરોપ મૂકવામાં આવ્યા હતા. 2017માં અભિનેતા મિલિન્દ સોમણનો દરિયાકિનારે નગ્ન દોડતો ફોટો વાઇરલ થયો હતો. આ ફોટો તેમણે પોતાના 55મા જન્મદિવસે મૂક્યો હતો. આ માટે તેમના પર આઇપીસીની કલમ 294 હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.
સેલિબ્રિટીઓના કેસો તો જલદીથી નજરે ચડી જતા હોય છે પરંતુ જાહેરમાં પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવી એ મુદ્દો હંમેશાં યુવા પેઢી માટે લડાઈનું મેદાન બની રહે છે. વસતીનો જે ભાગ આ પ્રકારની અભિવ્યક્તિનો વિરોધી રહ્યો છે તેની સામે હંમેશાં યુવાન યુગલો પોતાની સ્વતંત્રતા માટે પ્રયત્નો કરતાં રહે છે.
વૅલેન્ટાઇન-ડે પર આ પ્રકારનાં નૈતિક ધારાધોરણો સામે વિરોધ કરવા માટે આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓએ ‘સૅલિબ્રેટિંગ લવ’ નામે એક વિશેષ આયોજન કર્યું હતું.
કોર્ટના અમુક ચુકાદાઓ એવું કહે છે કે જાહેરમાં ચુંબન કરવું એ અશ્લીલતા ધરાવતું કૃત્ય નથી. 2008માં એક પરિણીત યુગલના કેસને લડતી વખતે વકીલે એવી દલીલ કરી હતી કે ચુંબન કરવું એ ત્યારે જ અશ્લીલ કૃત્ય જાહેર થઈ શકે જ્યારે તેમાં ચરિત્રહનન થતું હોય અથવા તો તેનાથી લોકોને હેરાનગતિ થતી હોય.
પરંતુ ફરીથી કાયદાકીય રીતે આ મુદ્દામાં લક્ષ્મણરેખા દોરવી એ ખરેખર અઘરું કામ છે. ‘એન્થોલોજી સેક્સ ઍન્ડ ધી સુપ્રીમ કૉર્ટ’ માં વકીલ સૌરભ કિરપાલ કહે છે, “કાયદો એ સમાજ દ્વારા બનાવવામાં આવે છે અને એ જ કાયદો બદલવામાં મુખ્ય પ્રશ્ન એ નડે છે કે એ કાયદો આ સમાજમાંથી જ કેટલાક લોકોએ મળીને બનાવ્યો હોય છે.”
આ વાત ફરીથી દિલ્લી મેટ્રોની એ ચર્ચા તરફ દોરી જાય છે જ્યાં કોઈ એક વ્યક્તિનું જાહેરમાં પ્રેમનું પ્રદર્શન કરવું એ બીજા માટે અશ્લીલ ઘટના હોઈ શકે છે.














