ગુજરાતમાં ફરીથી વધશે વરસાદનું જોર, કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આાગાહી?

ગુજરાતમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં આવેલા વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થયો છે અને તડકો નીકળી રહ્યો છે.

હાલ ઘણા વિસ્તારોમાં ખૂબ વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ છે પરંતુ વધારે વરસાદ થયો નથી. હવે આ વિસ્તારોમાં વરસાદની ફરી રાહ જોવાઈ રહી છે.

8 જુલાઈના રોજ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ઉપરાંત કોકણ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે.

ગુજરાત પર આ પહેલાં જ્યારે સિસ્ટમો બનેલી હતી ત્યારે વરસાદ પડ્યો હતો પરંતુ હવે સિસ્ટમ ન હોવાથી વરસાદ ઓછો થયો છે.

ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધશે?

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે એટલે કે ગુજરાતમાં વરસાદ સાવ બંધ થાય તેવી સ્થિતિ સર્જાશે નહીં.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 8 અને 9 જુલાઈના રોજ વરસાદનું જોર વધશે અને તે બાદ ફરી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે.

8 અને 9 તારીખના રોજ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધે તેવી શક્યતા છે.

ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે, પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા ઓછી છે.

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસો પહેલાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો પરંતુ હવે અહીં વરસાદનું પ્રમાણ ઘટી જશે અને આગામી પાંચ દિવસ સુધી વધારે વરસાદ થવાની શક્યતા નથી.

ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને આગામી બે દિવસ સુધી અહીં કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે.

વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 8 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ ઉપરાંત ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એકાદ-બે દિવસ સુધી વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે.

આ સિવાયના જિલ્લાઓમાં હાલ વરસાદની વધારે શક્યતા દેખાતી નથી પરંતુ છુટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે?

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 8 અને 9 જુલાઈના રોજ વરસાદનું જોર વધશે અને તે બાદ ફરીથી વરસાદનું જોર ઘટવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં વાવણી બાદ હવે પાકને ફરીથી વરસાદની જરૂરિયાત ઊભી થવાની છે, ત્યારે જ રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે.

હવામાનનાં વિવિધ મૉડલો અને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદ જેવી શક્યતા ખૂબ ઓછી છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 15 જૂન સુધી વધારે વરસાદ પડે તેવી સંભાવના ઓછી છે, જે બાદ જો સ્થિતિમાં કોઈ ફેરફાર ના થાય તો રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. 8 જુલાઈ સુધીમાં સરેરાશ કરતાં સૌથી વધારે વરસાદની ઘટ આણંદ જિલ્લામાં 54 ટકા, દાહોદ જિલ્લામાં 50 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 42 ટકા છે.