એક એવું રાજ્ય જ્યાં કોઈ અનામત લાગુ નથી

અનામત

ઇમેજ સ્રોત, CG KHABAR

    • લેેખક, આલોક પ્રકાશ પુતુલ
    • પદ, બીબીસી હિન્દી માટે, રાયપુરથી

ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો વચ્ચે અનામતના મુદ્દે છત્તીસગઢનું રાજકારણ ઉત્તરથી દક્ષિણ સુધી ગરમાયું છે.

અનામતના મુદ્દે આદિવાસી વિસ્તારોમાં દરરોજ દેખાવો થઈ રહ્યા છે. ક્યાંક ચક્કાજામ થઈ રહ્યો છે તો ક્યાંક ધરણા કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે.

મંગળવારે પણ સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ નેશનલ હાઈવે પર ઠેરઠેર ચક્કાજામ કરવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ તો રેલ વ્યવહારને રોકવાનો પણ પ્રયાસ થયો હતો.

વાસ્તવમાં છત્તીસગઢમાં અનામતને લઈને એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. દેશનું આ એકમાત્ર રાજ્ય છે જ્યાં છેલ્લા બે મહિનાથી જાહેર સેવાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતના નિયમો અને રોસ્ટર લાગુ કરવામાં આવ્યા નથી.

માહિતી અધિકાર કાયદા હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું છે કે હાઈકોર્ટે અનામતની વ્યવસ્થાને ગેરબંધારણીય જાહેર કર્યા બાદ રાજ્યમાં અનામત સંબંધિત નિયમો અને રોસ્ટર સક્રિય નથી.

ગ્રે લાઇન

આવી હાલત કેમ થઈ?

અનામત

ઇમેજ સ્રોત, CG KHABAR

રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલા સમગ્ર દેશમાં મહત્તમ 82 ટકા અનામત પ્રણાલી લાગુ કરી હતી. પરંતુ છત્તીસગઢ હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ પછી, આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ છત્તીસગઢ હાઈકોર્ટ દ્વારા પણ જૂની અનામત પ્રણાલીને 'ગેરબંધારણીય' ગણાવીને રદ કરવામાં આવી હતી.

અનામતનો અમલ ન થવાને કારણે એન્જિનિયરિંગ, પોલીટેકનિક, બી.ઍડ., હૉર્ટીકલ્ચર, એગ્રીકલ્ચર સહિતના અનેક કોર્સમાં કાઉન્સેલિંગ અને પ્રવેશની કામગીરી અટવાઈ પડી છે.

રાજ્યમાં એન્જિનિયરિંગ, પોલીટેકનિક, એમ.સી.એ. જેવા ટેકનિકલ કોર્સની 23 હજાર, બી.એડ.ની 14 હજાર બેઠકો, ડી.એલ.એડ.ની લગભગ 7 હજાર, કૃષિ અને બાગાયતની લગભગ 2500 બેઠકો છે.

સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની ભરતી અને તેના પરિણામો અટકાવી દેવામાં આવ્યાં છે. 12 હજાર શિક્ષકોની ભરતી સહિત અનેક જગ્યાઓનું નૉટિફિકેશન અટકાવી દેવામાં આવ્યું છે.

લગભગ એક હજાર ખાલી જગ્યાઓ માટે 6 નવેમ્બરે યોજાનારી સબ-ઇન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.

પટાવાળાની જગ્યા માટે 2.5 લાખ ઉમેદવારોની પરીક્ષાનું પરિણામ મોકૂફ રાખવામાં આવ્યું છે. ઘણી પ્રવેશ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.

અનામતને કારણે મેડિકલ કોર્સને લગતી પ્રવેશ પરીક્ષાઓનો મામલો કોર્ટમાં પહોંચી ગયો છે.

bbc line

આગળનો રસ્તો

અનામત

ઇમેજ સ્રોત, CG KHABAR

છત્તીસગઢના સોલિસિટર જનરલ સતીશ ચંદ્ર વર્માએ બીબીસીને કહ્યું, "છત્તીસગઢમાં અનામતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને મને આશા છે કે આવતા અઠવાડિયા દસ દિવસમાં આ મામલે સુનાવણી થશે."

એક તરફ આ સંકટનો સામનો કરવા માટે રાજ્ય સરકારે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં અનામતના મુદ્દે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે.

બીજી તરફ વિપક્ષ ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે રાજ્ય સરકારે વટહુકમ લાવીને અનામતનો અમલ કરવો જોઈએ.

જો કે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ આ સ્થિતિ માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણે છે.

bbc gujarati line

82% અનામતનો નિર્ણય

સીએમ ભુપેશ બધેલ

ઇમેજ સ્રોત, CG KHABAR

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળ દરમિયાન, રમણસિંહની સરકારે 18 જાન્યુઆરી, 2012ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું, જેમાં છત્તીસગઢની રચના પછી લાગુ આરક્ષણ અધિનિયમ 1994ની કલમ 4માંં સુધારો કર્યો અને આરક્ષણનો વ્યાપ 50 ટકાથી વધારીને 58 ટકા કર્યો.

રમણસિંહની સરકારે અનુસૂચિત જનજાતિ માટે 20 ટકા અનામત વધારીને 32 ટકા કરી અને અનુસૂચિત જાતિ માટે 16 ટકા અનામત ઘટાડીને 12 ટકા કરી.

અન્ય પછાત વર્ગોને આપવામાં આવેલ 14 ટકા અનામત યથાવત રાખવામાં આવી હતી.

કૉંગ્રેસના કેટલાક નેતાઓ અને અન્યોએ અનામતની આ વ્યવસ્થા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

આ પછી 2018માં આવેલી ભૂપેશ બઘેલની સરકારે 15 ઑગસ્ટ 2019ના રોજ નવી આરક્ષણ પ્રણાલી લાગુ કરવાની જાહેરાત કરી હતી.

આ નવી વ્યવસ્થામાં અનુસૂચિત જાતિનું અનામત 12 ટકાથી વધારીને 13 ટકા અને અન્ય પછાત વર્ગનું અનામત 14 ટકાથી વધારીને 27 ટકા કરવામાં આવ્યું છે.

આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને 10 ટકા આરક્ષણ ઉમેર્યા પછી, છત્તીસગઢમાં આરક્ષણની સીમા 82 ટકા સુધી પહોંચી ગઈ.

ભૂપેશ બઘેલની સરકારના આ નિર્ણયને હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે આ અનામત પ્રથા પર રોક લગાવી દીધી.

એટલે કે 2012માં રમણસિંહ સરકાર દ્વારા લાવવામાં આવેલી અનામત પ્રથા જ રાજ્યમાં અમલમાં રહી.

પરંતુ આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ છત્તીસગઢ હાઈકોર્ટે 2012ની આરક્ષણ પ્રણાલીને રદ્દ કરી દીધી, એમ કહીને કે રમણસિંહ સરકાર દ્વારા લાગુ કરાયેલી અનામત પ્રણાલી નક્કર આધાર વિના લાગુ કરવામાં આવી હતી અને 50 ટકા અનામતની મર્યાદા કરતાં વધુ અનામત આપવામાં આવી હતી.

બંધારણીય નિષ્ણાત અને છત્તીસગઢ હાઈકોર્ટના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ કનક તિવારી કહે છે કે અનુસૂચિત જાતિની અનામત ટકાવારી ઘટાડવા અને આદિવાસીઓની અનામત ટકાવારી વધારવા માટે કોઈ વ્યાજબી કારણ આપવામાં આવ્યું નથી.

આ ટેકનિકલ આધાર પર હાઈકોર્ટે અનામતને ફગાવી દીધી હતી.

કનક તિવારીએ બીબીસીને કહ્યું, “વાસ્તવમાં જ્યારે અનામતની ટકાવારી નક્કી કરવામાં આવે છે ત્યારે એક રોસ્ટર સિસ્ટમ બનાવવામાં આવે છે કે કોને પહેલું પદ મળશે, કોને બીજું મળશે, કોને ત્રીજું મળશે. વિવિધ વર્ગોમાં તેની વહેંચણી કરવામાં આવે છે. હાલમાં, આ ટકાવારી હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હોવાથી નવી ટકાવારી મુજબ તેનો અમલ કરી શકાતો નથી.

bbc gujarati line

અનામત પર રાજકારણ

અનામત

ઇમેજ સ્રોત, CG KHABAR

છત્તીસગઢમાં 2012થી લાગુ કરાયેલી અનામતની વ્યવસ્થા એવા સમયે રદ કરવામાં આવી છે જ્યારે રાજ્યની વિધાનસભાની ચૂંટણી આડે માત્ર એક વર્ષ બાકી છે.

આ સ્થિતિમાં સરકાર અને વિપક્ષ બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.

વિપક્ષી ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે કૉંગ્રેસ પાર્ટી શરૂઆતથી જ તેમની સરકાર દ્વારા લાગુ કરાયેલા અનામત નિયમોનો વિરોધ કરી રહી છે.

કૉંગ્રેસ આદિવાસીઓને 32% અનામત આપવાના પક્ષમાં નથી, તેથી જ કૉંગ્રેસના લોકોએ તેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

વિધાનસભામાં વિપક્ષના નેતા નારાયણ ચંદેલે બીબીસીને કહ્યું, "ભૂપેશ બઘેલની સરકારે હાઈકોર્ટમાં અનામતની તરફેણમાં દલીલો અને તથ્યો રજૂ જ ન કર્યા. એટલે જ 2012થી લાગુ કરાયેલી અનામત રદ કરી દેવામાં આવી હતી."

"હવે જ્યારે આરક્ષણ રદ થઈ ગયું છે, તો સરકાર આદિવાસીઓ માટે 32 ટકા અનામત માટે વટહુકમ કેમ નથી લાવતી? નિર્ણય સપ્ટેમ્બરમાં આવ્યો હતો. આટલા દિવસો સુધી શું કર્યું?"

ગ્રે લાઇન

આદિવાસી આરક્ષણનો વિરોધ કરનારને સરકારે શિરપાવ આપ્યો?

છત્તીસગઢમાં વિરોધ પ્રદર્શનની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

છત્તીસગઢના પૂર્વ મંત્રી અને ભાજપના આદિવાસી નેતા કેદાર કશ્યપે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે રમણસિંહ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા આદિવાસી આરક્ષણનો વિરોધ કરનારા નેતા કેપી ખાંડેને ભૂપેશ બઘેલની સરકારે અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બનાવ્યા.

બીજી તરફ ભૂપેશ બઘેલ સરકાર દ્વારા લાગુ કરાયેલી અનામત પ્રથા સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરનાર કુણાલ શુક્લાને પણ ભૂપેશ સરકારે રિસર્ચ બેન્ચના ચેરમેન બનાવ્યા હતા.

જો કે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અનામતના મુદ્દે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો ઉલ્લેખ કરી રહ્યા છે.

તેમનો આરોપ છે કે સત્તામાં હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની અનામત નીતિના સમર્થનમાં કોર્ટમાં જરૂરી દસ્તાવેજો જમા કર્યા ન હતા, તેથી અનામત રદ કરવામાં આવી.

પરંતુ પાર્ટીમાં જ અનામતના મુદ્દે તેમનો વિરોધ થઈ રહ્યો છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બસ્તરના આદિવાસી નેતા અરવિંદ નેતામ આ મુદ્દે પોતાની જ સરકાર સામે ઊભા છે.

કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક અરવિંદ નેતામ છત્તીસગઢના સર્વ આદિવાસી સમાજના સંરક્ષક પણ છે. અરવિંદ નેતામ સરકાર પર આદિવાસીઓ સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

અરવિંદ નેતામ કહે છે, “આ બે મહિનામાં આ સરકારે આદિવાસીઓના હિતોને બે મોટા આઘાત આપ્યા છે. પહેલું એ કે આદિવાસીઓને પંચાયત એક્સટેંશન ઈન શેડ્યૂલ એરિયા કાનુનમાં બનાવેલા નિયમોમાં આદિવાસીઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા અને બીજું એ કે રાજ્યમાં અનામત નાબૂદ કરવામાં આવી. એ પછી પણ સરકાર કહે છે કે તે આદિવાસીઓ સાથે ઊભી છે. આ એક ક્રૂર મજાક છે."

છત્તીસગઢમાં અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ અને વિધાનસભામાં શું થશે તેના પર સૌની નજર ટકેલી છે.

પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે છત્તીસગઢમાં અનામતની સીમા શું હશે?

શું ભૂપેશ બઘેલની સરકાર 2012માં લાગુ કરાયેલી ભાજપની રમણસિંહ સરકારની અનામત નીતિને વળગી રહેશે કે 2019માં તેમની સરકાર દ્વારા લાવવામાં આવેલી અનામત નીતિ માટે કોઈ રસ્તો કાઢશે?

bbc gujarati line
bbc gujarati line