માસિક પાછું ઠેલવાની દવાથી મહિલાઓને કઈ ગંભીર બીમારી થઈ શકે? એનાથી બચવા શું કરવું?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઈન્ટરનેટ પર મોટા પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ હોવા છતાં માસિક ધર્મ વિશેના ઘણા સવાલ અનુત્તર છે.

ઘણા લોકો આ વિશે મોકળાશથી વાત કરવા તૈયાર નથી હોતા. તેથી આ સંબંધી સમસ્યાઓ જેમની તેમ રહે છે.

અમે ગૂગલ પર માસિક ધર્મ વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવતા કેટલાક સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે.

1. માસિક ધર્મમાં કેટલું બ્લીડિંગ થતું હોય છે?

બ્લીડિંગ એટલે કે રક્તસ્ત્રાવ પણ મહિલાઓના માસિક ચક્રનો એક હિસ્સો છે.

બ્રિટિશ નેશનલ હૅલ્થ સર્વિસ(એનએસએસ)ના જણાવ્યા મુજબ, માસિક ધર્મ દરમિયાન સામાન્ય રીતે 30થી 72 મિલીલિટર એટલે કે પાંચથી 12 મોટા ચમચા ભરાય એટલો રક્તસ્ત્રાવ થતો હોય છે. કેટલીક મહિલાઓને વધારે રક્તસ્ત્રાવ થતો હોય તે શક્ય છે.

આ લોહી સામાન્ય રીતે ગુલાબી કે કાળા કે ઘેરા બદામી રંગનું હોય છે. વધારે બ્લીડિંગ થાય ત્યારે તે લાલ રંગનું પણ દેખાય છે.

2. માસિક ધર્મ ચક્ર કેટલા દિવસનું હોય છે?

સામાન્ય રીતે માસિક ચક્ર 28 દિવસમાં એક વાર શરૂ થતું હોય છે, પરંતુ કેટલીક મહિલાઓને 21થી 40 દિવસ સુધીમાં માસિક આવતું હોય છે.

ગ્રે લાઇન

3. બ્લીડિંગ આટલું હેવી શા માટે હોય છે અને તેનું નિરાકરણ શું છે?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

હેવી બ્લીડિંગ સાથેના માસિકને મેનોરેજિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનાં ઘણાં કારણો હોઈ શકે છે. માસિક દરમિયાન 80 મિલિલીટરથી વધારે રક્તસ્ત્રાવ થાય તો તેને મેનોરેજિયા કહેવામાં આવે છે. તેનું નિદાન કેટલાંક લક્ષણો મુજબ થઈ શકે છે.

મેનોરેજિયામાં મહિલાના યોનિમાર્ગમાંથી લોહીના ગઠ્ઠા નીકળે છે. તેણે દર કલાકે સૅનિટરી પેડ બદલવું પડે છે. પેટમાં થતી પીડા દવા લીધા બાદ પણ શમતી નથી. આ ઉપરાંત બીજાં લક્ષણો પણ હોય છે. તે ગર્ભાશય, ચયાપચયની પ્રક્રિયા અને હોર્મોનમાં પરિવર્તન સંબંધી સમસ્યા પણ તેનું કારણ હોઈ શકે છે.

હોર્મોનમાં ચડ-ઉતર અને ગર્ભાશયમાં ગાંઠ પણ આ સમસ્યાનું કારણ બની શકે છે.

એ ઉપરાંત લોહીમાં પ્લેટલેટ્સની કમી હોય તો પણ પિરિયડ્ઝ હેવી હોઈ શકે છે. રક્તને પાતળું કરવાની દવા લેવામાં આવે ત્યારે પણ આ સમસ્યા સર્જાઈ શકે છે.

મહિલાને કોઈ ઈન્ફેક્શન થયું હોય કે તે દવા લેતી હોય તો પણ વધારે રક્તસ્ત્રાવ થઈ શકે છે.

આ સમસ્યાના નિવારણ માટે ડૉક્ટર આયર્નથી ભરપૂર લીલા શાકભાજી અને બીટરૂટ ખાવાની સલાહ આપતા હોય છે. દિવસમાં 30થી 40 મિનિટ વ્યાયામ કરવાની સલાહ પણ આપવામાં આવે છે.

તમારા માટે કઈ દવા જરૂરી છે તે માત્ર ડૉક્ટર જ જણાવી શકે. તેઓ નિદાન કરે અને એ પછી લખી આપે તે દવાઓ જ લેવી જોઈએ.

4. માસિક કેટલા દિવસનું હોય છે?

માસિકનો સમયગાળો ત્રણથી આઠ દિવસ સુધીનો હોઈ શકે છે. મોટાભાગની મહિલાઓમાં તે સામાન્ય રીતે પાંચ દિવસ સુધી ચાલે છે અને પહેલા બે દિવસ વધારે બ્લીડિંગ થતું હોય છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

5. છોકરીઓમાં માસિક આવવાની શરૂઆત ક્યારથી થાય છે?

છોકરીઓમાં સામાન્ય રીતે 12 વર્ષની વયથી માસિક આવવાની શરૂઆત થતી હોય છે. કેટલીક છોકરીઓના કિસ્સામાં તે વહેલું શરૂ થતું હોય છે અને કેટલીકમાં મોડેથી શરૂ થતું હોય છે.

6. સ્ત્રીબીજ (ઓવમ) ક્યારે નીકળે છે?

માસિક ચક્ર વિશે માહિતી મેળવતી વખતે કેટલાક લોકો ગર્ભાવસ્થા સંબંધી સવાલો પણ પૂછતા હોય છે. મહિલા ગર્ભધારણ કરે છે ત્યારે મહિનો વાસ્તવમાં ક્યારે શરૂ થયો હતો એ જાણવામાં આવે છે.

સામાન્ય રીતે મહિલાઓમાં પિરિયડ્ઝ દરમિયાન સ્ત્રીબીજ એટલે કે ઓવમ ગર્ભાશયમાં જ રહી જતાં હોય છે. આ સ્ત્રીબીજ યોગ્ય સમયગાળાના 12થી 14 દિવસ પહેલાં નીકળવાની શક્યતા હોય છે.

એનએચએસની માહિતી મુજબ, સ્પર્મ સેલ્સ મહિલાના શરીરમાં લગભગ સાત દિવસ સુધી જીવંત રહે છે. એ પહેલાં તેનું મિલન શુક્રાણુ સાથે થાય તો ગર્ભાધાનની પ્રક્રિયા થાય છે.

તેનો અર્થ એ થયો કે પિરિયડ્ઝના બારથી 14 દિવસ પહેલાં ગર્ભાધાનની શક્યતા વધુ હોય છે. માસિક પછી તરત જ મહિલાને ગર્ભાધાન થવાની શક્યતા હોતી નથી.

લાઈન

7. પિરિયડ્ઝ દરમિયાન સેક્સ માણી શકાય?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

માસિક દરમિયાન સેક્સ કરવાને ભારતીય સમાજમાં અયોગ્ય ગણવામાં આવે છે, પરંતુ પશ્ચિમી દેશોમાં તેના વિશે ગહન અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે આવું કરવામાં કશું ખોટું નથી.

તે અભ્યાસમાં સામેલ થયેલા કુલ 500 લોકો પૈકીના 55 ટકાએ જણાવ્યું હતું કે માસિકના દિવસોમાં સેક્સ માણવું એક નવી જ અનુભૂતિ હોય છે. જોકે, બાકીના 45 ટકાને એવી કોઈ અનુભૂતિ થઈ ન હતી.

8. પિરિયડ્ઝ આવે તે માટે શું ખાવું જોઈએ?

આપણે જે ખાઈએ છીએ તેને માસિક ધર્મ સાથે ગાઢ સંબંધ છે. સંતુલિત આહાર વડે અનિયમિત માસિક ચક્ર પર નિયંત્રણ રાખી શકાય છે. જોકે, સમસ્યા વકરી ગઈ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

9. માસિક પાછું ઠેલવાની દવાની આડઅસર કેવી હોય છે?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

મહિલાઓ તહેવારો દરમિયાન ગર્ભનિરોધક ગોળીઓનું સેવન કરતી હોય છે. જોકે, નાસિકસ્થિત સહ્યાદ્રી હોસ્પિટલમાં સ્ત્રી રોગના નિષ્ણાત તરીકે કાર્યરત ડૉ. ગૌરી પિંપલકરનું કહેવું છે કે ડૉક્ટરો આવી ગોળી લેવાની સલાહ ક્યારેય આપતા નથી.

મહિલાઓની શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એમ બે પ્રકારના હોર્મોન હોય છે. માસિક ચક્ર તેના આધારે નિર્ધારિત થતું હોય છે. આવી ગોળીઓનું સેવન કરવાથી પિરિયડ્ઝમાં વિલંબ થાય છે. તેનો અર્થ એ થયો કે આવી ગોળીઓ હોર્મોનલ ચક્રને નુકસાન પહોંચાડે છે. તેની અનેક આડઅસર થાય છે.

ડૉ. ગૌરી પિંપલકરે કહ્યું હતું કે “તમે એ ગોળીનું સેવન વારંવાર કરો તો પક્ષધાતનું જોખમ સર્જાય છે. કેટલીક મહિલાઓ આવી ગોળીઓ માસિક પહેલાના 10થી 15 દિવસ દરમિયાન લેતી હોય છે, જે વધારે જોખમી છે.”

રેડ લાઇન
રેડ લાઇન