You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છ વર્ષની ઉંમરે દેશ છોડી 11 વર્ષની લાંબી સફર બાદ યુરોપ કેવી રીતે પહોંચ્યો આ યુવાન?
- લેેખક, સ્ટેફન વેસેલિનોવિક, સેલિન ગિરિટ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
રાષ્ટ્રપતિ અસદ સામેના બળવાને કારણે સીરિયામાં રોજેરોજ અથડામણો થતી હતી ત્યારે છ વર્ષના ખલીલે સીરિયા છોડ્યું હતું. તેમણે યુરોપ તરફની એક દાયકાથી વધુ લાંબી યાત્રા શરૂ કરી હતી.
તેમણે સાત દેશો પાર કર્યા હતા અને ત્રણ દેશને પાર કરવાના પ્રયાસ 15થી વધુ વખત કર્યા હતા. તેમણે પગપાળા, દરિયા અને નદીઓમાં કરેલો પ્રવાસ ખતરનાક તથા હિંમતભર્યો હતો.
ખલીલે સીરિયા છોડ્યું ત્યારે તે માત્ર છ વર્ષના હતા. સીરિયામાં રોજ અથડામણો થતી હતી અને આંતરવિગ્રહ તેની ચરમસીમા પર હતો. ખલીલ તેમના ટૅક્સીચાલક પિતા, માતા અને બે નાની બહેનો સાથે પશ્ચિમ સીરિયાના હોમ્સ પ્રાંતમાં રહેતા હતા.
સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સમાં 15 લાખ લોકોની વસ્તી હતી અને તેના રહેવાસીઓએ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને ઊથલાવવાનો કૉલ 2011ની શરૂઆતમાં સ્વીકાર્યો ત્યાર પછી તે બળવાની મુખ્ય યુદ્ધભૂમિ બન્યું હતું.
ખલીલ યાદ કરે છે, "મારું ગામ બે પહાડોની વચ્ચે હતું અને દરરોજ રાતે અથડામણ થતી હતી."
"સૈનિકો અને બળવાખોરો એકમેક પર ગોળીબાર કરતા હતા ત્યારે બંદૂકના નાળચામાંથી મને આગ અને પ્રકાશ દેખાતો હતો. હું બહુ ડરી ગયો હતો."
2015ના અંતમાં બળવાખોરોએ તેમના નિયંત્રણ હેઠળનું હોમ્સ છોડી દીધું હતું. હવે તે સરકારના નિયંત્રણ હેઠળ હતું.
બળવા દરમિયાન હજારો લોકોને ‘આતંકવાદ વિરોધી કાયદા’ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ગુનાહિત ઠેરવવામાં આવ્યું હતું. અટકાયતમાં લેવાયેલા લોકોમાં ખલીલના પિતાનો પણ સમાવેશ થતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખલીલ કહે છે, "સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યાં સુધીમાં અમારા પરિવારે બહુ બધું સહન કરવું પડ્યું હતું. તેથી અમે સીરિયા છોડવાનું નક્કી કર્યું હતું."
આ રીતે એક શરર્ણાથી છોકરા તરીકે ખલીલની એક દાયકાથી વધુ લાંબી સફર શરૂ થઈ હતી.
લેબનોનમાં પહેલો મુકામ
સીરિયામાં સંઘર્ષની શરૂઆતથી 1.20 કરોડ લોકો વિસ્થાપિત થયા છે. 60 લાખથી વધુ લોકો દેશ છોડી ચૂક્યા છે.
સીરિયાના અંદાજે 15 લાખ નાગરિકો પાડોશી દેશ લેબનોનમાં રહે છે. કુલ 52 લાખથી વધુની અંદાજિત વસ્તી સાથે લેબનોન વિશ્વમાં શરણાર્થીઓનું સૌથી વધુ પ્રમાણ ધરાવતો દેશ છે.
ખલીલના પરિવારનો પહેલો મુકામ પણ લેબનોન જ હતું. તેઓ લગભગ એક વર્ષ સુધી પરિવારના એક દોસ્તના ઘરે રોકાયા હતા. આખરે તેમણે ત્યાંથી રવાના થવાનું નક્કી કર્યું હતું, કારણ કે ત્યાં તેમનું કોઈ ભવિષ્ય નથી, એવું તેઓ માનતા હતા.
તેઓ કાયદેસર રીતે પ્લેન દ્વારા તુર્કી ગયા હતા.
આંતરવિગ્રહ શરૂ થયો ત્યારથી તુર્કીએ સીરિયાના નાગરિકો માટે ઓપન ડોર નીતિ અપનાવી હતી અને 36 લાખથી વધુ રજિસ્ટર્ડ સીરિયન શરણાર્થીઓને આશરો આપ્યો છે.
એ વિશ્વમાં શરણાર્થીઓની સૌથી મોટી સંખ્યા ધરાવતો દેશ છે.
ખલીલ અને તેનો પરિવાર તુર્કીના સૌથી મોટા શહેર ઈસ્તાંબુલમાં સ્થાયી થયો હતો. આ શહેરની કુલ 1.6 કરોડ લોકોની વસ્તીમાં પાંચ લાખથી વધુ સીરિયનો વસે છે.
ખલીલ અને તેનો પરિવાર ત્યાં ચાર વર્ષ રહ્યા હતા, પરંતુ સ્થાનિકો અને શરણાર્થીઓ વચ્ચે વધતા તણાવને કારણે સમાજમાં ભળવાનું તેમને મુશ્કેલ જણાયું હતું.
ખલીલ કહે છે, "ઇસ્તાંબુલમાં બાળકો મારી પાસે આવતા હતા અને પૂછતા હતા કે તમે સીરિયા પાછા કેમ નથી જતા. મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મેં વિચાર્યું કે હું એ બાબતે રડ્યા કરીશ તો કશું બદલાવાનું નથી. મારે જીવનમાં આગળ વધવું હતું."
તુર્કીએ સીરિયાના લોકોને બળજબરીથી તેમના દેશમાં પાછા ધકેલતું હોવાના અહેવાલ 2019ના મધ્યમાં આવવા લાગ્યા હતા. તુર્કીએની સરકારે એ સમયે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.
સમાન પરિસ્થિતિ સર્જાવાના ડરથી ખલીલના પરિવારે આગળ વધવાનું નક્કી કર્યું હતું. તેઓ એજીયમ સમુદ્ર પાર કરીને ગ્રીસ તરફનો પ્રવાસ શરૂ કરવા દક્ષિણ-પશ્ચિમ તટીય શહેર બોડ્રમ ગયા હતા.
તેમના ત્રણ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા હતા. ચોથી વખતે લગભગ 50 લોકોને લઈ જતી એક બોટ પર દ્વારા કોસ નામના ગ્રીક ટાપુ પર પગ મૂકવામાં ખલીલ અને તેમનો પરિવાર સફળ થયો હતો.
ખલીલ કહે છે, "સપનું જોતા હોઈએ તેવું લાગતું હતું. અમે ખુશ અને સલામત હતા તથા એ માટે ભગવાનના આભારી હતા. જીતી ગયા હોઈએ એવું લાગતું હતું. હવે અમારા ભવિષ્યનું નિર્માણ કરી શકીશું."
‘દીકરા, તને ખાતરી છે?’
જોકે, એ સપનું લાંબુ ચાલ્યું ન હતું. સ્થળાંતરકર્તાઓ તથા શરણાર્થીઓને ગ્રીકના જળપ્રદેશમાંથી તુર્કીએ તરફ હાંકી કાઢવાની ઘટનાઓ 2020માં નોંધાઈ હતી.
આશ્રય ઇચ્છતા લોકો સાથે ખરાબ વર્તન કરવા બદલ માનવાધિકાર સંગઠનોએ સરકારની ટીકા કરી હતી. ગ્રીક સત્તાવાળાઓએ સ્થળાંતરકર્તાઓ સાથે દુર્વ્યવહારનો ત્યારે ઇનકાર કર્યો હતો.
ઇબ્રાહિમને ડર હતો કે તેમનો વારો પણ આવશે. ખલીલે સૂચવ્યું હતું કે તે પરિવારથી છૂટા પડી જાય અને એકલા યુરોપની મુસાફરી કરે.
"શરૂઆતમાં મારા પિતાએ ના પાડી હતી, પરંતુ થોડો વિચાર કર્યા પછી તેમણે મને પૂછ્યું હતું, દીકરા, તને ખાતરી છે? મેં કહ્યું- હા. તેમણે કહ્યું - ઠીક છે. તારે જલદી રવાના થવાનું છે. તૈયાર થઈ જા."
પોતાના પરિવારને પાછળ છોડીને ખલીલ ઑક્ટોબર, 2020માં 13 વર્ષની વયે અન્ય શરણાર્થીઓના જૂથ સાથે અલ્બેનિયા જવા નીકળ્યા હતા.
તેઓ પહાડો ઉપર અને નદીઓની પેલે પાર 165થી વધુ કિલોમીટર ચાલ્યા. ખાવા માટે થોડી ટુના માછલી અને ઊર્જા માટે ચૉકલેટ્સ સિવાય બીજું કશું તેમની પાસે ન હતું.
પ્રવાસ દરમિયાન પોતાની પાસે પાણીનો પુરવઠો અને સ્લીપિંગ બેગ્સ પૂરતા પ્રમાણમાં હોય તે આ જૂથે સુનિશ્ચિત કર્યું હતું. તેમણે તેમના આકરા પ્રવાસનું તેમના ફોન પર ફિલ્મિંગ કર્યું હતું અને ઉત્સાહ જાળવી રાખવા માટે મજાકમસ્તી કરતા રહ્યા હતા. ગંતવ્યસ્થાને પહોંચ્યા પછી એ સ્મૃતિને તેઓ તેમના પરિવાર સાથે શેર કરવાના હતા.
બે સપ્તાહનો પ્રવાસ કરીને તેઓ કોસોવોની રાજધાની પ્રિસ્ટિનામાં આવી પહોંચ્યા હતા. તેઓ આગળ વધવા કટિબદ્ધ હતા. તેમણે ટૂંક સમયમાં પાડોશી સર્બિયા તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું.
ખલીલ નવેમ્બર, 2020માં સર્બિયાની રાજધાની બેલગ્રેડ પહોંચ્યા હતા. પોતાના મોબાઇલ ફોનના કેમેરા મારફત ફિલ્મિંગ કરતાં કહ્યું હતું, "હું અતિશય થાકી ગયો છું." આ તેમના વર્ચ્યુઅલ પોસ્ટકાર્ડ્ઝ પૈકીનું એક હતું અને તે ટૂંક સમયમાં તેમના પરિવારને મોકલવાનું હતું.
બહુવિધ પ્રયાસો
ખલીલ સર્બિયાથી પશ્ચિમમાં ઑસ્ટ્રિયા અથવા નેધરલૅન્ડ્સ જવા ઇચ્છતા હતા.
તેમણે યુરોપિયન યુનિયનની સરહદ પાર કરવાના અનેક પ્રયાસ કર્યા હતા. 11 વખત હંગેરીમાં, ત્રણ વખત ક્રોએશિયામાં અને એકવાર રોમાનિયામાં. એ બધા પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.
ચાર મહિના કોશિશ કર્યા પછી, આત્યંતિક હવામાનમાં લાંબા સમય સુધી ચાલતા રહેવાને કારણે ખલીલને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાઈ હતી. તેથી તે આગળ પ્રવાસ કરી શક્યા ન હતા. આખરે હાર માનીને તેમણે બેલગ્રેડમાં સ્થાયી થવું પડ્યું હતું.
યુરોપિયન યુનિયનના દેશોમાં પહોંચવા માટે 2015થી વિશ્વભરના આશરે દસ લાખથી વધુ સ્થળાંતરકર્તાઓ તથા શરણાર્થીઓએ કથિત બાલ્કન રૂટ અપનાવ્યો હોવાનો અંદાજ છે.
યુરોપિયન કાઉન્સિલ ઑન રેફ્યુજીસ ઍન્ડ ઍક્સાઇલ્સ (ઈસીઆરસી)ના જણાવ્યા મુજબ, આરોગ્ય સંબંધી જોખમો સાથે અમાનવીય પરિસ્થિતિમાં રહેતા એ પૈકીના હજારો લોકો દર વર્ષે દાણચોરો અથવા સલામતી તથા સરહદી દળો દ્વારા પુશબેક, હિંસા અને સતામણીનો સામનો કરે છે.
ખલીલ હવે 17 વર્ષનો યુવાન છે. તે બીબીસી ન્યૂઝ સર્બિયાને કહે છે, "બેલગ્રેડ મારું શહેર હોય એવું લાગતું નથી, પરંતુ હું અહીં ખૂબ જ ખુશ છું."
સર્બિયાની આ રાજધાની છેલ્લાં ત્રણ વર્ષથી ખલીલનું નવું ઘર છે. અહીં તેમણે શાળામાં અભ્યાસ શરૂ કર્યો છે. અંગ્રેજી અને સર્બિયન શીખ્યા છે તથા ઘણા મિત્રો બનાવ્યા છે.
સર્બિયામાં બાળ-શરણાર્થીઓને મદદ કરતી એક બિન-સરકારી સંસ્થા જેસુઈટ રેફ્યુજી સર્વિસ (જેઆરએસ)ના એક સાધારણ આશ્રયસ્થાને દેખાડતાં ખલીલ કહે છે, "આ મારો ઓરડો છે અને મારા ડ્રૉઇંગ્સ છે. મને ફ્રી ટાઇમમાં ચિત્રો દોરવાનું ગમે છે."
દીવાલ પર પિન કરેલા એક ડ્રૉઇંગમાં તેમનાં માતાના નામનો પ્રથમ અક્ષર હૃદયના આકારમાં ઢળેલો દેખાય છે. બીજું ડ્રૉઇંગ દેવદૂત જેવી પાંખોવાળી, સમુદ્ર પરથી આકાશ તરફ ઊડતી એક છોકરીનું હતું.
ખલીલ કહે છે, "છોકરી એકલી છે અને આ ચિત્ર દોરતી વખતે હું એકલતા અનુભવતો હતો."
"ગ્રીસ, આલ્બેનિયા, કોસોવો વગેરેમાં જે બન્યું તેનાથી હું ખૂબ થાકી ગયો હતો. હું અહીં આવ્યો અને ભગવાનની કૃપાથી મને થોડો આરામ મળ્યો છે. મને લાગે છે કે મારું જીવન હવે પર્ફેક્ટ છે. હું ઊંઘી શકું છું. સ્કૂલે જઈ શકું છું."
અંતિમ પ્રકરણઃ પરિવારનું પુનર્મિલન
ખલીલ સર્બિયામાં હતા ત્યારે તેમના પિતા અને બે બહેનો ગ્રીસમાં હતામ. તેમનાં મમ્મી નેધરલેન્ડ્સ પહોંચવામાં અને શરણાર્થીનો દરજ્જો મેળવવામાં સફળ થયાં હતાં.
સપ્ટેમ્બર, 2023માં આ પરિવાર ફરી એકઠા થવા માટે લાયક બન્યો હતો અને થોડા સમયમાં ખલીલ તેમની સાથે નેધરલેન્ડ્સ આવી પહોંચ્યા હતા. તેમણે લગભગ ચાર વર્ષથી તેમના પ્રિયજનોને નિહાળ્યા ન હતા. હવે ખલીલના પરિવારને આશ્રય આપવામાં આવ્યો છે.
આવતા વર્ષે કૉલેજમાં જઈને કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગનો અભ્યાસ કરવાની ખલીલની ઇચ્છા છે.
ખલીલ કહે છે, "હું નવા મિત્રો બનાવવા અને મારા પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા ઈચ્છું છું. યુદ્ધોથી દૂર રહેવા માંગુ છું."
"જીવનમાં મને થયેલા અનુભવોએ મને જાતમાં વિશ્વાસ રાખવાનું અને હું જે ઇચ્છું તે પ્રાપ્ત કરવા મજબૂત બનવાનું શીખવ્યું છે."