You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍર કંડિશનર ફાટ્યું અને આખું ઘર બળી ગયું... AC કેમ ફાટે છે અને ફાટતાં કઈ રીતે અટકાવવું?
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા સૅન્ટ ઝેવિયર્સ સ્કૂલની નજીક સ્થિત આત્રેય ઑર્કિડ રેસિડન્શિયલ બિલ્ડિંગના ડિ-બ્લૉકના ચોથા અને પાંચમા માળે આગ ફાટી નીકળી હતી. આ આગથી બચવા માટે એક મહિલા ચોથા માળેથી કૂદી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.
ફાયર બ્રિગેડનું કહેવું હતું કે આ આગ લાગવાનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિકલ ફૉલ્ટ હોવાનું મનાય છે, જેને કારણે ફ્લેટની બહાર રહેલું આઉટડોર એસી યુનિટમાં વિસ્ફોટ થયો હતો અને તેને કારણે આગ લાગી હતી.
અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "સોસાયટીમાં આગ લાગવાની ઘટના અંગે અમને માહિતી મળી હતી. અમને માહિતી હતી કે 20 કરતાં વધારે લોકોને હૉસ્પિટલમાં લાવવામાં આવશે. જો કે આ ઘટનામાં ત્રણ મહિલા દર્દીઓને લાવવામાં આવી હતી."
"જેમાંથી એક મહિલાની સ્થિતિ ક્રિટિકલ હતી. જેમનું મૃત્યુ થયું છે. દાઝી જવાની ઈજાવાડા કોઈ ન હતા. ત્રણેય દર્દીઓને કુદકો મારવાને કારણે ઈજાઓ પહોંચી હતી."
ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ભીષણ ગરમીને કારણે ઘરમાં લાગેલાં ઍર કંડિશનર (AC) ફાટવાના કેટલાક કેસો આ પહેલા સામે આવ્યા હતા.
આ દુર્ઘટનાઓ પછી ACના સુરક્ષિત ઉપયોગ અને દુર્ઘટનાની સ્થિતિમાં બચાવ વિશે ચર્ચા શરૂ થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે ગુરુવારે ઉત્તરપ્રદેશના નોઇડાની એક હાઉસિંગ સોસાયટીમાં લાગેલી આગનું કારણ ACનું કમ્પ્રેસર ફાટવું હતું.
આ વિસ્ફોટ પછી દિવસભર મીડિયામાં એક બહુમાળી ઇમારતના આ ફ્લૅટમાં લાગેલી આગના કંપાવનારાં દૃશ્યો ચાલતાં રહ્યાં. અતિશય મહેનત બાદ આ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વખતે નોઇડા ફાયરબ્રિગેડના અધિકારી પ્રદીપકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક દિવસોમાં 10થી 12 AC ફાટવાની ઘટનાની અમને માહિતી મળી છે. આ ઘટનાઓ રહેણાક અને બિઝનેસ ટાવર્સમાં બની છે."
ગુજરાતના દ્વારકામાં પણ એક ઘરમાં ACમાં બ્લાસ્ટ થવાને કારણે પરિવારના ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ પહેલાં 27મેના રોજ મુંબઈના બોરીવલી વેસ્ટના એક ફ્લૅટમાં પણ આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો. નોઇડામાં બનેલી આ ઘટનાની જેમ ત્યાં પણ આગને કારણે આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું.
હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલી વીકે ન્યૂરોકેર હૉસ્પિટલમાં પણ કેટલાક દિવસ પહેલાં જ ACનું કમ્પ્રેસર ફાટવાને કારણે આગ લાગી હતી.
પરંતુ AC ફાટવાના કેસ કેમ વધી રહ્યા છે? તમે તમારા ACને બ્લાસ્ટ થવાથી કઈ રીતે બચાવી શકો? આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ.
શું આ દુર્ઘટનાઓનું કારણ વધતું તાપમાન છે?
ઘર અને ઑફિસોમાં લાગેલાં ACમાં બ્લાસ્ટ થવો અને વધતા તાપમાન વચ્ચે સંબંધ છે.
પરંતુ તેનું વિજ્ઞાન કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે અમે આઈઆઈટી બીએચયુના મિકેનિકલ વિભાગના પ્રોફેસર ઝહર સરકાર સાથે વાત કરી હતી.
પ્રોફેસર સરકારે બીબીસી સંવાદદાતા અરશદ મિસાલને જણાવ્યું હતું કે કૂલિંગ માટે ઍમ્બિઍન્સ (કમ્પ્રેસરની આસપાસ)નું તાપમાન, કન્ડેન્સરના તાપમાન કરતાં અંદાજે 10 ડિગ્રી જેટલું ઓછું હોવું જોઈએ.
પ્રોફેસર ઝહરે બીબીસીને આગળ જણાવ્યું હતું, "ભારતમાં સરેરાશ ACના કન્ડેન્સરનું તાપમાન 50 ડિગ્રી સુધી હોય છે. જ્યારે ઍમ્બિઍન્સનું તાપમાન કન્ડેન્સરના તાપમાનથી વધી જાય છે ત્યારે AC કામ કરતું બંધ થઈ જાય છે. એ પરિસ્થિતિમાં ACના કન્ડેન્સર પર પ્રેશર વધી જાય છે. તેના કારણે કન્ડેન્સરના ફાટવાની સંભાવના વધી જાય છે."
અન્ય કયા કારણોને લીધે AC ફાટી શકે છે?
વધુ તાપમાન સિવાય અન્ય કેટલાંક કારણો પણ છે જેના કારણે AC ફાટી શકે છે.
ગેસ લીકેજ: જાણકારો કહે છે કે કન્ડેન્સરમાંથી ગૅસ લીક થવાને કારણે પણ આવી દુર્ઘટના થઈ શકે છે. ઓછો ગૅસ હોય તો કન્ડેન્સર પર દબાણ વધારે પડે છે, જેના કારણે તે વધારે ગરમ થાય છે. તેનાથી આગ લાગવાની સંભાવના વધી જાય છે.
ખરાબ કૉઈલ: ACના કૂલિંગમાં કન્ડેન્સર કૉઈલ મુખ્ય ભૂમિકા ભજવે છે. તે હવામાંથી ગરમીને બહાર કાઢે છે. જ્યારે કૉઈલ ગંદકીને કારણે જામ થઈ જાય છે ત્યારે ગૅસને પસાર થવામાં મુશ્કેલી પડે છે. તેના કારણે કન્ડેન્સર વધારે ગરમ થઈ જાય છે અને આગ લાગવાનો ખતરો વધી જાય છે.
વૉલ્ટેજમાં ઉતાર-ચઢાવ: સતત વૉલ્ટેજના ઉતાર-ચઢાવથી પણ કમ્પ્રેસરના પર્ફૉર્મન્સ પર અસર પડે છે. એ પણ અકસ્માતનું કારણ બની શકે છે.
ACને ફાટવાથી કેવી રીતે બચાવી શકાય?
- વધુ ગરમી પડી રહી હોવાથી ACના કમ્પ્રેસરને છાંયડામાં રાખવું જોઈએ. કમ્પ્રેસર અને કન્ડેન્સર યુનિટની આસાપાસ સારું વેન્ટિલેશન હોવું જોઈએ. એટલે કે ત્યાં હવાની સારી અવરજવર હોવી જોઈએ જેથી કરીને યુનિટ વધારે ગરમ ન થાય.
- નિયમિતપણે ACની સર્વિસ કરાવવી જોઈએ જેથી કોઈ પણ સમસ્યાને સમયસર ઠીક કરી શકાય.
- ઍર ફિલ્ટર અને કૂલિંગ કૉઇલ્સની સફાઈ નિયમિત કરવી જોઈએ. તેનાથી કમ્પ્રેસર પર વધુ દબાણ ન આવે અને તે સારી રીતે કામ કરશે.
- સમયાંતરે કૂલિંગ ફેનમાં પણ કોઈ સમસ્યા છે કે નહીં તે ચેક કરતા રહેવું જોઈએ.
AC ખરીદતાં પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જાણકારો કહે છે કે એવાં AC કે જેના કન્ડેન્સર તાંબાના હોય છે એ ઍલ્યુમિનિયમ કન્ડેન્સરવાળા AC કરતાં વધુ મોંઘાં હોય છે. પરંતુ તાંબાવાળું કન્ડેન્સર વધુ સારું કહેવાય છે.
તાંબુ પાણી કે હવાના ભેજ સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી એટલે કે તે ક્ષારને કારણે ખરાબ થતું નથી. તેથી તે વધુ મજબૂત કહેવાય છે.
તેની 'લૉ સ્પેસિફિક હીટ પ્રોપર્ટી'ને કારણે તાંબુ જલદીથી ગરમ થતું નથી અને કૂલિંગ પણ ઝડપથી થાય છે.
જાણકારો ઘણી વાર ઍલ્યુમિનિયમ ધાતુવાળા AC કરતાં તાંબાવાળા ACને પ્રાધાન્ય આપે છે.