વિદેશમાં એમડીએચ અને ઍવરેસ્ટના મસાલામાં કૅન્સર થાય તેવા પદાર્થ મળવાનો મામલો શું છે?

હૉંગકૉંગના ફૂડ સેફ્ટી વિભાગે ભારતીય કંપની એમડીએચ અને ઍવરેસ્ટના કેટલાક પૅકેટબંધ મસાલાઓમાં કીટનાશક ઍથિલીન ઑક્સાઇડ મળ્યું હોવાનો દાવો કર્યો છે અને લોકોને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

તેમજ તેના ખરીદ-વેચાણ પર પણ રોક લગાવાનું કહેવાયું છે. સિંગાપુરમાં પણ ઍૅવરેસ્ટના ફિશ કરી મસાલાને બજારમાંથી પરત લેવાનો નિર્દેશ આપ્યો છે.

હૉંગકૉંગના ફૂડ સેફ્ટી વિભાગ સેન્ટર ફૉર ફૂડ સેફ્ટીને એમડીએચના મદ્રાસ કરી પાઉડર, સાંભર મસાલા મિક્સ્ડ પાઉડર અને કરી પાઉડર મિક્સ્ડ મસાલામાં કીટનાશક ઍૅથિલીન ઑક્સાઇડ મળ્યું છે અને લોકોને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

ફૂડ સેફ્ટી વિભાગ સેન્ટર ફૉર ફૂડ સેફ્ટીએ તેના વેચાણ પર રોક લગાવવાનું કારણ જણાવતા કહ્યું કે કૅન્સર પર રિસર્ચ કરનારી એજન્સીએ ઍથિલીન ઑક્સાઇડને ગ્રૂપ 1 કાર્સિનોજેનમાં રાખ્યું છે.

કાર્સિનોજેન એવો પદાર્થ હોય છે જેમાં કૅન્સર હોવાનો ખતરો હોય છે.

સિંગાપુરમાં ઍવરેસ્ટ ફિશ કરી મસાલા પર રોક

ફૂડ સેફ્ટી વિભાગે ખાદ્ય પદાર્થોમાં કીટનાશક અવશેષ નિયમો (કૅપ. 132સીએમ)નો હવાલો આપીને કહ્યું કે તેની હાજરીવાળું ભોજન ત્યારે જ વેચી શકાય જ્યારે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક કે ખતરારૂપ ન હોય.

હૉંગકૉંગના સેન્ટર ફૉર ફૂડ સેફ્ટીએ ત્રણ રિટેલ દુકાનોમાંથી મસાલાનાં નમૂના લીધા હતા.

સેન્ટર ફૉર ફૂડ સેફ્ટીના પ્રવક્તા અનુસાર, હૉંગકૉંગમાં ખાદ્ય પદાર્થોમાં ઍથિલીન ઑક્સાઇડ જેવા કીટનાશકનો ઉપયોગ કરનાર પર વધુમાં વધુ 50 હજાર ડૉલરનો દંડ થઈ શકે છે.

ગુનો સાબિત થતા દંડની સાથે છ મહિનાની જેલ પણ થઈ શકે છે.

દરમિયાન સિંગાપુરે દેશની ફૂડ એજન્સી તરફથી ઍથિલીન ઑક્સાઇડ મળતા ઍૅવરેસ્ટના ફિશ કરી મસાલાને બજારમાંથી પાછો લેવાનો નિર્દેશ આપ્યો છે.

દેશમાં આ મસાલાની આયાતકાર મુથૈયા ઍન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડને કહેવાયું કે તે આ પ્રોડક્ટને બજારમાંથી પાછી લઈ લે.

સિંગાપુરની ફૂડ એજન્સીએ કહ્યું કે ગ્રાહકો ઍૅવરેસ્ટના ફિશ કરી મસાલાનો ઉપયોગ ન કરે.

સિંગાપુરની ફૂડ એજન્સીએ પોતાના નિર્ણયના સમર્થનમાં હૉંગકૉંગના ફૂડ સેફ્ટી વિભાગ તરફથી જારી કરેલા એ નિર્દેશનો હવાલો આપ્યો છે, જેમાં એમડીએચના ત્રણ મસાલા અને ઍવરેસ્ટના ફિશ કરી મસાલામાં કૅન્સર પેદા કરે તેવાં તત્ત્વ હોવાની વાત કરી હતી.

ઍવરેસ્ટે શું કહ્યું?

સિંગાપુરની ફૂડ એજન્સીએ કહ્યું કે ઍથિલીન ઑક્સાઇડની ઓછી માત્રાથી કોઈ તત્કાળ જોખમનો ખતરો નથી, પરંતુ લાંબા સમય સુધીના ઉપયોગથી આ રીતના કેમિકલથી સ્વાસ્થ્યને ખતરો થઈ શકે છે.

ન્યૂઝ વેબસાઇટ વિઑનને આપેલા જવાબમાં ઍવરેસ્ટે કહ્યું કે તે પચાસ વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે.

ઍૅવરેસ્ટે કહ્યું, "અમારી બધી પ્રોડક્ટની ઝીણવટભરી તપાસ બાદ તૈયાર થાય છે અને ઍક્સપોર્ટ કરાય છે. અમે સાફસફાઈ અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડનું સખત પાલન કરીએ છીએ. અમારી પ્રોડક્ટ્સ પર ઇન્ડિયન સ્પાઇસ બોર્ડ અને એફએસએસએઆઈ સમેત બધી એજન્સીઓએ મહોર મારી છે."

ઍવરેસ્ટે કહ્યું, "દરેક ઍક્સપોર્ટ પહેલાં અમારી પ્રોડક્ટ સ્પાઇસ બોર્ડ ઑફ ઇન્ડિયાની તપાસમાંથી પસાર થાય છે. હાલમાં અમે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. અમારી ક્વૉલિટી કંટ્રોલ ટીમ આ મામલાની પૂરી તપાસ કરશે."

ઍથિલીન ઑક્સાઇડ શું છે?

ઍથિલીન ઑક્સાઇડ એક રંગહીન અને જ્વલનશીલ ગૅસ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે કૃષિ, હેલ્થકેર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં કીટનાશક, સ્ટરલેન્ટના ફ્યુમિગેન્ટ બનાવવામાં થાય છે.

મસાલાઓ અને અન્ય સૂકા ખાદ્ય પદાર્થોમાં માઇક્રોબિયલ પ્રદૂષણ ખતમ કરવા અને કીડા પર કાબૂ કરવા માટે ઍથિલીન ઑક્સાઇડનો ઉપયોગ કરાય છે.

બૅક્ટેરિયા, ફૂગ અને કીડાથી ખાદ્ય પદાર્થોને સુરક્ષિત રાખવા માટે ઍથિલીન ઑક્સાઇડનો ઉપયોગ થાય છે.

જોકે તેને અનેક સ્વાસ્થ્ય સંગઠનોએ કાર્સિનોજેનના વર્ગમાં રાખ્યું છે. કાર્સિનોજેન કૅન્સરનું જોખમ પેદા કરી શકે છે.

ઍથિલીન ઑક્સાઇડના જોખમને જોતા અનેક દેશોના ખાદ્ય નિયામકોએ ખાદ્ય પદાર્થોમાં તેના ઉપયોગના કડક નિયમો બનાવ્યા છે. આ દેશોમાં ઍૅથિલીન ઑક્સાઇડની માત્રા નિર્ધારિત કરવાના સખત કાયદા છે.

મસાલાઓ પર અમેરિકામાં પણ સવાલ

ભારતીય મસાલાઓના વિદેશી નિયમનમાં ફસવાના અગાઉ પણ મામલા આવેલા છે. 2023માં અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઑથૉરિટીએ ઍવરેસ્ટના સાંભર મસાલા અને ગરમ મસાલાને બજારમાંથી પરત લેવાનો નિર્દેશ આપ્યો હતો.

આ મસાલા સાલ્મોનેલા પૉઝિટિવ જાણવા મળ્યા હતા. તેનાથી બૅક્ટેરિયાથી ડાયરિયા, પેટમાં દુખાવો, ચક્કર કે ઊલટી થઈ શકે છે.

તાજેતરમાં બેબી ફૂડ વેચનારી કંપની નેસ્લેના એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં મોજૂદ પ્રોડક્ટોમાં વધુ માત્રામાં સુગર જોવા મળી હતી.

આ પ્રોડક્ટોમાં વિશ્વની સૌથી મોટી બેબી સિરિયલ બ્રાન્ડ સેરેલેક પણ સામેલ છે. શિશુઓને સુગર આપવાની સલાહ અપાતી નથી.

આ રિપોર્ટ સ્વિસ સંગઠન પબ્લિકનો હતો. આ રિપોર્ટ ઇન્ટરનેશનલ બેબી ફૂડ ઍક્શન નેટવર્ક સાથે મળીને કરાયો હતો.

બેલ્જિયમની એક લૅબમાં આ પ્રોડક્ટની તપાસ બાદ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.