ગુજરાત : માછીમારોને માછલી પકડવાનું છોડીને મજૂરી કરવાનો વારો કેમ આવ્યો?

પૂરતાં પ્રમાણમાં માછલીઓ ન મળવાનાં કારણે સપનાબેન માછી પાંચ કરતા વધુ વર્ષથી મજૂર તરીકે કામ કરી રહ્યાં છે માછીમાર, મજૂર માછલી રોજગારી પ્રદૂષણ ક્લાઇમેટ ચેન્જ જળવાયુ પરિવર્તન આબોહવા પરિવર્તન પર્યાવરણ પાણી

ઇમેજ સ્રોત, Getty Images/BBC

ઇમેજ કૅપ્શન, ભરૂચ જિલ્લામાં માછીમારો માટે જળવાયુ પરિવર્તન એક બહુ મોટી સમસ્યા બન્યું છે.
    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમે લોકો માછીમારી કરીને ગુજરાન ચલાવતાં હતાં, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી નદીમાં અને દરિયામાં માછલીઓ નહીં મળતાં અમને નુકસાન થતું હતું. ખોટ વધતાં અમે માછીમારી છોડીને બીજું કામ કરીએ છીએ. અહીં માછીમારી જેવું કશું રહ્યું નથી."

છેલ્લાં પાંચ વર્ષ કરતાં પણ વધુ સમયથી મજૂરી કામ કરતાં સપનાબહેન માછીના પોતાની સ્થિતિ જણાવતાં કંઈક આ વાત કહે છે.

તેમનું કહેવું છે કે પહેલાં ભરૂચ શહેરમાં માછલીઓ વેચીને સારું કમાઈ લેતાં હતાં, પરંતુ સમય જતાં તેમની સ્થિતિ બદલાઈ ગઈ અને હવે તેઓ બાંધકામ ક્ષેત્રે મજૂરી કરે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "માછીમારી કરીને અમે સધ્ધર થયાં અને સારા એવા પૈસા પણ કમાયાં, પણ પછી માછલીઓ ન મળવાનાં કારણે અમે દેવામાં ઊતરી ગયાં. હવે નાનાં-મોટાં કામ કરીને જીવનનિર્વાહ ચલાવીએ છીએ. હવે સ્થિતિ એવી છે કે અમારાં સંતાનોને સમૂહલગ્નમાં પરણાવવાં પડે છે."

કંઈક આવી જ હાલત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખી ગામનાં સીમા રાઠોડની છે.

તેઓ પોતાના પતિ દ્વારા દરિયામાંથી પકડીને લવાયેલી બુમલા (બૉમ્બે ડક) અને ઝીંગા માછલી વેચે છે, પરંતુ હવે કામ ઘણું ઘટી ગયું છે. પહેલાં તેઓ દરરોજ ચારથી પાંચ કિલો બુમલા અને ઝીંગા સૂકવતાં હતાં, જે હવે આ જથ્થો ઘટીને એકથી બે કિલો પર આવી ગયો છે.

ઘરની પાછળ તેમણે ચારેય માછલીઓ સૂકવવા માટે દોરીઓ બાંધી છે. ખાલી દોરી તરફ ઇશારો કરતાં તેઓ કહે છે કે, "પહેલાં આ બધી દોરીઓમાં માછલીઓ સૂકવતાં હતાં, પરંતુ હવે તમે જોઈ શકો છો કે માછલીઓ જ નથી. દર વર્ષે માછલીઓ ઘટી રહી છે."

"હું પહેલાં દરરોજ 600થી 700 રૂપિયા અને ક્યારેક 1,000 રૂપિયા પણ કમાઈ લેતી હતી, પણ હવે માછલીઓ નથી મળતી. માછલીઓની ગુણવત્તા અને તેની સાઇઝ પણ પહેલાં જેવી નથી રહી."

'દરિયામાં માછલીઓ જ નથી'

પૂરતાં પ્રમાણમાં માછલીઓ ન મળવાનાં કારણે સપનાબેન માછી પાંચ કરતા વધુ વર્ષથી મજૂર તરીકે કામ કરી રહ્યાં છે માછીમાર, મજૂર માછલી રોજગારી પ્રદૂષણ ક્લાઇમેટ ચેન્જ જળવાયુ પરિવર્તન આબોહવા પરિવર્તન પર્યાવરણ પાણી

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, લખી ગામમાં રહેતાં સીમા રાઠોડ હવે માછલી વેચીને ગુજરાન ચલાવી શકતાં નથી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાણકારોનો અભિપ્રાય છે કે ભરૂચ જિલ્લામાં માછીમારો માટે જળવાયુ પરિવર્તન એક બહુ મોટી સમસ્યા બન્યું છે.

સરદાર સરોવર ડૅમથી શરૂ થઈને દરિયા સુધી માછીમારો માટે એક વિશાળ વિસ્તાર છે, પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી અહીં માછલીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

વાગરા તાલુકાના લખી ગામે રહેતા રમેશ માછી વર્ષો સધી માછીમારી કરતા હતા, પરંતુ હવે તેઓ માછીમારી છોડીને ગામમાં કરિયાણાની દુકાન ચલાવી રહ્યા છે.

નોંધનીય છે કે વાગરા તાલુકો ઝીંગા માટે જાણીતો છે.

રમેશભાઈ અનુસાર તેમને મળતી માછલીઓના પ્રમાણમાં હવે ઘટાડો આવ્યો છે.

બીબીસી ગજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "અમે પહેલાં માત્ર માછીમારી કરીને ચલાવી લેતા હતા, પણ માછલીઓ જ નહીં રહેતાં મેં આ કામ શરૂ કર્યું છે. વર્ષો સુધી માછીમારી કર્યા બાદ બીજું કામ ઉપાડવું પડ્યું છે. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો."

તેઓ વધુમાં જણાવે છે કે પહેલાં માછલી વેચીને ગુજરાન ચલાવતાં સ્થાનિક મહિલાઓ પૈકી ઘણાંએ સ્થાનિક કંપનીમાં નોકરી કરવાનું શરૂ કરી દીધું છે.

"આ મહિલાઓ કંપનીઓમાં નાની-મોટી નોકરી કરે છે, જેમાં રોજના 350થી 450 રૂપિયા પગાર મળે છે."

પૂરતાં પ્રમાણમાં માછલીઓ ન મળવાનાં કારણે સપનાબેન માછી પાંચ કરતા વધુ વર્ષથી મજૂર તરીકે કામ કરી રહ્યાં છે માછીમાર, મજૂર માછલી રોજગારી પ્રદૂષણ ક્લાઇમેટ ચેન્જ જળવાયુ પરિવર્તન આબોહવા પરિવર્તન પર્યાવરણ પાણી

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, પૂરતાં પ્રમાણમાં માછલીઓ ન મળવાનાં કારણે સપનાબહેન માછી પાંચ કરતાં વધુ વર્ષથી મજૂર તરીકે કામ કરી રહ્યાં છે

ભરૂચ શહેરમાં જ બમ્બાગેટ પાસે મજૂરીકામ કરતાં અનુ માછી કહે છે કે, "હવે માત્ર ચોમાસા દરમિયાન થોડી ઘણી માછલી જોવાં મળે છે, બાકીના આઠ મહિના અમારી પાસે મજૂરી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. જો મને માછલી વેચવાની તક મળે તો હું ફરીથી એ જ કામ કરવા માગું છું, કારણકે તે અમારો અસલ વ્યવસાય છે."

તો ભરૂચ શહેરના ડક્કામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. જ્યારે બીબીસી ગુજરાતીની ટીમ અહીં પહોંચી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ફિશિંગ બોટ બિનઉપયોગી હાલતમાં પડેલી જોવા મળી હતી.

અહીં સુરેશ માછીએ અમને જણાવ્યું કે આ બોટો અહીં જ રહેશે અને દરિયામાં માછીમારી કરવા માટે નહીં જાય.

પણ કેમ? આના જવાબમાં તેઓ કહે છે કે, "માછીમારી કરો તો ખર્ચ પણ નીકળતો નથી અને એટલા માટે ઘણા યુવાનો હવે આ ધંધો છોડીને અલગ-અલગ નોકરી કરી રહ્યા છે. નોકરીમાં એક ચોક્કસ આવક હોય છે, જ્યારે આમાં આવું કશું હોતું નથી. એક બોટમાં ચારથી પાંચ લોકો માછીમારી કરવા જાય છે, ત્યારે બધો ખર્ચ કાઢતાં કંઈ બચતું નથી, કારણકે માછલીઓ જ નથી."

પણ નદીમાં અને દરિયામાં માછલીઓ કેમ ઘટી રહી છે?

જળવાયુ પરિવર્તન માટે કામ કરતાં મિરલ ઢીમ્મર બીબીસી સાથેની વાતચીતમાં ઉપરના પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે, "પાછલાં કેટલાંક વર્ષોથી નર્મદા નદી અને દરિયાના પાણીના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે માછલીઓ ઈંડાં નથી મૂકી રહી અથવા મૂકે તો પણ એ નષ્ટ થઈ જતાં હોય છે. આ માત્ર અહીં જ નહીં, પરંતુ ગુજરાતમાં બધે જોવા મળી રહ્યું છે. પર્યાવરણમાં થતા ફેરફારનો સૌથી વધુ ભોગ માછીમારો બની રહ્યા છે."

"નદી અને દરિયાના પાણીનું તાપમાન દર વર્ષે વધી રહ્યું છે. એક દાયકામાં સરેરાશ એકથી દોઢ ડિગ્રી તાપમાન વધ્યું હોવાનું ચોક્કસપણે કહી શકાય. તાપમાન વધે એટલે માછલીઓ પર તેની સીધી અસર થાય છે. આવી સ્થિતિમાં માછલી તેનો વિસ્તાર પણ બદલી નાખે છે."

તેઓ વધુમાં કહે છે કે દરિયામાં રહેલાં ફિશિંગ સ્પૉટ પણ ઘટી રહ્યાં છે અને માછીમારોને દરિયામાં વધુ અંદર સુધી જવું પડે છે, પરંતુ ત્યાં પણ માછલીઓ નથી મળી રહી, જેના કારણે માછીમારીની પ્રવૃત્તિ પર એક સંકટ ઊભું થયું છે.

'માછલીની કેટલીક પ્રજાતિઓ વિલુપ્ત થઇ ગઈ છે'

સુરેશ માછીઅનુસાર નર્મદા અને દરિયામાં પહેલા 35થી વધુ પ્રજાતિની માછલીઓ મળી આવતી હતી, જેમાં હવે ઘટાડો થયો છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, સુરેશ માછી અનુસાર નર્મદા અને દરિયામાં પહેલાં 35થી વધુ પ્રજાતિની માછલીઓ મળી આવતી હતી, જેમાં હવે ઘટાડો થયો છે

જાણકારોની વાત માનીએ તો અગાઉ નર્મદા નદીથી દરિયા સુધીના પ્રવાહમાં જાતભાતની પુષ્કળ માછલીઓ મળી આવતી. સ્થાનિક માછીમારો માટે આ માછલીઓ દૈનિક ભોજનનો એક ભાગ હતી, જેમાંથી હવે કેટલીક જોવા મળતી નથી.

સુરેશ માછી કહે છે, "નર્મદા અને દરિયામાં પહેલાં 35થી વધુ પ્રજાતિની માછલીઓ મળી આવતી હતી. કેટલીક માછલીઓ માત્ર આ વિસ્તારમાં જ જોવા મળતી હતી. આ વિસ્તારની 50 ટકાથી વધુ માછલીઓ હવે જોવા મળતી નથી."

"તાપમાનમાં થઈ રહેલા વધારાના કારણે જેબ્તા, દેગર, કાથા, ચીવલ, ગોઠિયા, રામણ, ચોલા, બોઈ, સીંગારી, કાકડ જેવી માછલીઓ નથી જોવા મળતી. બૉમ્બે ડક અને અન્ય સ્થાનિક પ્રજાતિની માછલીઓ જે સારા એવાં પ્રમાણમાં થતી હતી, તે હવે ઓછી થઈ રહી છે. આ માછલીઓ અમારા દૈનિક ભોજનનો એક ભાગ હતી."

એમ. જયકુમારે ગજરાતના કૉસ્ટલ અને મરીન ઇકૉલૉજી વિભાગમાં વરિષ્ઠ સંશોધક તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. તેમણે દરિયાઈ જીવસૃષ્ટિ પર લાંબા સમય સુધી સંશોધન કર્યું છે.

બીબીસી ગજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "જળવાયુ પરિવર્તનનાં કારણે માછલીઓમાં ફેરફારો આવી રહ્યા છે અને કેટલીક માછલીઓની પ્રકૃતિ પણ બદલાઈ ગઈ છે. જળવાયુ પરિવર્તનની સૌથી વધુ અસર માછલીઓની પ્રજનનશક્તિ પર પડે છે. દરિયામાં તાપમાનમાં ફેરફારના કારણે માછલીઓ પ્રજનન કરી શકતી નથી, જેની સીધી અસર તેમની વસતી પર પડે છે."

"તાપમાનમાં વધારાના કારણે પરવાળાના ખડકોને નુકસાન થયું છે, અન્ય પરિવર્તનો થયાં છે. જેના કારણે માછલીઓ સ્થાંળતર પણ કરી રહી છે."

શું આ એક કાયમી સમસ્યા બની ગઈ છે?

તેના જવાબમાં તેઓ કહે છે કે, "જળવાયુ પરિવર્તન અને તેની અસરો હવે સતત દેખાતી રહેશે. તાપમાનના ફેરફારના કારણે કેટલીક માછલીઓ નહીં રહે અને જે માછલીઓ રહેશે તેનાં લક્ષણો બદલાઈ જશે."

"હાલનાં વર્ષોમાં વ્હેલ અને ડૉલ્ફિન કાંઠે તણાઈ હોય તેવી ઘટનાઓ સમગ્ર વિશ્વમાં જોવા મળી છે. તેની પાછળ પણ મહદ્અંશે મરીન હીટવેવ જવાબદાર છે. ગરમી વધવાને કારણે માછલીઓનાં ચેતાતંત્ર પર અસર થાય છે અને તેમનું વર્તન બદલાઈ જાય છે."

તેઓ વધુ સમજાવતાં કહે છે કે બૉમ્બે ડક અરબી સમદ્રના પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાસ કરીને ઈંડાં મૂકતી હોય છે, પણ જળવાયુ પરિવર્તનને કારણે તે ઓછો પ્રવાસ કરે છે. આવું હવે સામાન્ય થઈ જશે.

ગુજરાત માછીમાર ઍસોસિયેશનના સભ્ય હરીશ ટંડેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ગુજરાતના દરિયાકાંઠે જોવા મળતી કેટલીક માછલીઓ જેમ કે ગોલર, મોદાર, બામતા, પાવલા, બગા, નરસીંગા, વામ અને ખાગા હવે મળતી નથી. આ માછલીઓ વિલુપ્ત થવાના આરે છે અથવા થઈ ગઈ છે. જે પ્રકારે પર્યાવરણમાં ફેરફાર આવી રહ્યા છે તે જોતાં ભવિષ્યમાં વધુ માછલીઓ જોવા નહીં મળે."

'નદી અને દરિયાનું તાપમાન સતત વધી રહ્યું છે'

ભરૂચ શહેરના ડક્કામાં મોટી સંખ્યામાં ફિશીંગ બોટ બિનઉપયોગી હાલતમાં જોવા મળી હતી

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, ભરૂચ શહેરના ડક્કામાં મોટી સંખ્યામાં ફિશિંગ બોટ બિનઉપયોગી હાલતમાં પડેલી જોવા મળી હતી

જળવાયુ પરિવર્તનના કારણે દરિયાઈ સપાટીનું તાપમાન સતત વધી રહ્યું છે. તેની સાથોસાથ મરીન હીટવેવની ઘટનાઓ પણ વધી રહી છે.

ક્લામેટ ચેન્જ ઇમ્પૅક્ટ ઑન કોસ્ટલ ફિશરીઝ ઍન્ડ ઍક્વાકલ્ચર ઇન સાઉથ એશિયા રિપોર્ટમાં સંશોધક શિબ શંકર ગીરી લખે છે કે દરિયાઈ સપાટીના તાપમાન વધારાની સૌથી વધુ અસર ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળી છે.

દેશના અન્ય દરિયાઈ વિસ્તારોની સરખામણીમાં પશ્ચિમ ભારતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ સપાટીના તાપમાનમાં વધુ પરિવર્તન આવ્યાં છે. તાપમાન વધવાના કારણે કેટલીક માછલીઓ સ્થાનિક સ્તરે વિલુપ્ત થઈ રહી છે, જ્યારે કેટલીક પ્રજાતિઓ બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. 14 ટકા દરિયાઈ જીવોને તેની સીધી અસર થઈ રહી છે.

'મરીન હીટવેવ ઇન અરેબિયન સી' સંશોધન અનુસાર અરબી સમદ્રમાં મરીન હીટવેવની સંખ્યામાં અને તેની અવધિમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. સાથે સાથે મરીન હીટવેવ હવે સામાન્ય ઘટના બની ગઈ છે.

માછીમારીનાં મુખ્ય ક્ષેત્રોમાંથી એક હોવાના કારણે અરબી સમુદ્ર આર્થિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

મરીન હીટવેવના કારણે સ્થાનિક દરિયાઈ જીવસૃષ્ટિ, પ્રજાતિઓના સ્થળાંતર અને સંબંધિત મત્સ્યોદ્યોગ આધારિત અર્થતંત્ર પર નોંધપાત્ર અસર થઈ રહી છે.

વાર્ષિક ધોરણે હીટવેવની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. પાછલી એક સદીમાં દરિયાઈ સપાટીનું તાપમાન 1.2 ડિગ્રીથી લઈને 1.4 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. સપાટીનું તાપમાન કેટલીક વાર 28 ડિગ્રીથી વધીને 31 અથવા 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

છેલ્લા ચાર દાયકામાં સાલ 2010થી 2016 વચ્ચે સૌથી લાંબા હીટવેવના દિવસો નોંધાયા છે, જેની પાછળ અલ નીનો પણ એક મુખ્ય કારણ છે.

જયકુમાર કહે છે કે, "છેલ્લાં 15 વર્ષમાં દરિયાનું તાપમાન સરેરાશ એક ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે અને આવનારાં પાંચ વર્ષમાં વધુ અડધો ડિગ્રીનો વધારો થશે. હવે આ ક્રમ ચાલતો રહેશે. આવનારા સમયમાં કેટલીક નવી પ્રજાતિની માછલી પણ જોવા મળી શકે છે. માછલીઓમાં ક્રૉસ-બ્રીડિંગ જેવી બાબતો પણ જોવા મળી શકે છે."

શું કહે છે આંકડા?

રમેશ માછી વર્ષો સધી માછીમારી કરતા હતા પરંતુ હવે તેઓ માછીમારી છોડીને ગામમાં કરિયાણાની દુકાન ચલાવી રહ્યા છે

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, રમેશ માછી વર્ષો સુધી માછીમારી કરતા હતા પરંતુ હવે તેઓ માછીમારી છોડીને ગામમાં કરિયાણાની દુકાન ચલાવી રહ્યા છે.

'ભારત સરકારના ફિશરીઝ પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયના ડેટા પ્રમાણે સાલ 2021-22માં મીઠા પાણીના વિસ્તારોમાં થતી માછીમારીમાં ઘણી પ્રજાતિની માછલીઓ જોવા મળી નહોતી.

નોંધનીય બાબત એ છે કે વર્ષ દરમિયાન 0.73 લાખ ટન બૉમ્બે ડક માછલીનું ઉત્પાદન થયું હતું.

રિપોર્ટ અનુસાર હિલ્સા, કાળી પાપલેટ, સિલ્વર પાપલેટ, કરચલો અને ઝીંગા માછલીઓ મીઠા પાણીના વિસ્તારોમાં બહુ જૂજ જોવા મળતાં હતાં. ગુજરાતથી થતી નિકાસમાં પણ કેટલીક માછલીઓ સામેલ નહોતી.

આ બધા આંકડાઓની વચ્ચે માછીમારીમાં દેશમાં પ્રથમ પાંચ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતમાં પાંચ લાખ 58 હજાર 691 માછીમારો નોંધાયલા છે.

રાજ્યના ફિશરીઝ વિભાગ અનુસાર 2021-22માં ગજરાતમાં છ લાખ 88 હજાર ટન દરિયાઈ માછલીનું ઉત્પાદન થયું હતું. પરંતુ માછીમારી માટે દરેક સુવિધા હોવા છતાં રાજ્યના માછીમારો માછલીઓ ન હોવાના કારણે નુકસાન ભોગવી રહ્યા છે.

ગુજરાત માછીમાર ઍસોસિયેશનના સભ્ય હરીશ ટંડેલ કહે છે કે, "ગરમી વધવાને કારણે માછલીઓ પકડવા માટે દરિયામાં ઊંડે સુધી જવું પડે છે. પહેલાં છ નૉટિકલ માઇલ જઈએ તો માછલીઓ મળી જતી હતી, પંરતુ હવે 12 અથવા 13 નૉટિકલ માઇલ જઈએ તો પણ થોડી-ઘણી જ માછલીઓ મળે છે. જેના કારણે ખર્ચ ઘણો વધી ગયો છે. ઉપરાંત માછલીઓના ભાવ મળતા નથી."

ભાવ ન મળવાનાં કારણો વિશે જણાવતાં તેઓ કહે છે કે, "માછલીઓની ગુણવત્તામાં ઘટાડો આવ્યો છે, જેમ કે, લંબાઈ અને વજન. નાની માછલીઓ અથવા ઓછા જથ્થામાં મળતી માછલીઓના સારા ભાવ મળતા નથી. સ્થાનિક માછલીઓ જેમ કે બૉમ્બે ડકના ભાવ મોટા ભાગે સ્થિર હોય છે જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે."

મિરલ ઢીમ્મર કહે છે કે, "જો આમ જ ચાલતું રહેશે તો એ દિવસ દૂર નથી જ્યારે માછીમારી ઉદ્યોગ ખતમ થઈ જશે અને માછીમારી કરતાં લોકો નાની-મોટી નોકરી કરવાં મજબૂર બનશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન