જાળમાં ફસાયેલી એ માછલી જે આખેઆખા માણસને દરિયામાં ખેંચી ગઈ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, આંધ્ર પ્રદેશ, માછલી, સમુદ્ર,

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, હોર્ન્ડ કોનમ માછલી, ગુમ થયેલ માછીમાર યરૈયા
    • લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી માટે

આંધ્ર પ્રદેશના અનાકપલ્લે જિલ્લામાં એક ઘટના એવી બની છે કે માછલી પકડવા જાળ નાખનાર માછીમારને માછલી દરિયામાં ખેંચી ગઈ હતી.

ગુમ થયેલી વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરનાર અને ઘટનાના સાક્ષી એવા યેલ્લાજીએ બીબીસીને જણાવ્યું કે, "માછીમાર જાળમાં ફસાયેલ માછલીને બહાર ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, માછલી દરિયા તરફ જોર કરવા લાગી હતી."

2 જુલાઈના રોજ ચોડુપિલ્લી યરૈયા નામના માછીમાર પુડિમડાકા કાંઠાથી 25 કિમી દૂર માછીમારી માટે ગયા હતા, જ્યાં તેઓ ગુમ થઈ ગયા.

વાસુપલ્લી યેલ્લાજીએ બીબીસીને જણાવ્યું, "બુધવારે સવારે નવ વાગ્યે જ્યારે એ કાંઠા તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે એક હોર્ન્ડ કોનમ જાળમાં ફસાઈ ગઈ, પરંતુ આ જાળ માછલીને બહાર ખેંચી લાવે તેટલી મજબૂત નહોતી. તેથી યરૈયાએ તાત્કાલિક તેને બહાર ખેંચવા માટે વધુ એક જાળ પાણીમાં ફેંકી. જોકે હોર્ન્ડ કોનમ માછલીએ યરૈયાને જ બળપૂર્વક પાણીમાં ખેંચી લીધો. અત્યાર સુધી તેનો કોઈ પત્તો નથી મળ્યો."

દરિયામાં માછીમારી સમયે ખરેખર શું બન્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, આંધ્ર પ્રદેશ, માછલી, સમુદ્ર,

ઇમેજ સ્રોત, KISHOR

ઇમેજ કૅપ્શન, ચોડુપિલ્લી યરૈયા નામના માછીમાર પુડિમડાકા કાંઠાથી 25 કિમી દૂર માછીમારી માટે ગયા હતા, જ્યાં તેઓ ગુમ થઈ ગયા

ગત બીજી એપ્રિલ બુધવારે મોડી રાત્રે બે વાગ્યે અચ્યુતપુરમ મંડલના પુદિમાડાકા ગામના ચોડુપિલ્લી યરૈયા, ચોડુપિલ્લી કોરલયાહ, વાસુપલ્લી યેલ્લાજી અને ગનગલ્લા અપ્પલારાજુ માછીમારી માટે દરિયામાં જવા નીકળ્યા હતા. યરૈયા અને કોરલયાહ ભાઈ છે.

તેઓ કાંઠાથી 25 કિમી દૂર માછીમારી કરી રહ્યા હતા. તેમણે સવારે નવ વાગ્યે સમુદ્રમાં નાખેલી જાળ બહાર કાઢતી વખતે તેમને જાળમાં કંઈક ફસાયું હોય એવો આભાસ થયો.

વાસુપલ્લી યેલ્લાજીએ બીબીસીને જણાવ્યું, "પરત ફરતા પહેલાં અમારી જાળમાં 200 કિગ્રા વજનની માછલી પકડાઈ. જાળ વધુ મજબૂત નહોતી, તેથી યરૈયાએ તાત્કાલિક એક દોરડાનો ઉપયોગ કરીને માછલીને ઉપર લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ માછલી યરૈયાને પોતાની તાકતને બળે પાણીમાં ખેંચી ગઈ. યરૈયા અમારી આંખ સામે જ પાણીમાં ગયો. અમે અડધો કલાક સુધી તેને શોધ્યો, પરંતુ એ ક્યાંય ન મળ્યો."

યરૈયાના ભાઈ કોરલૈયાએ કહ્યું, "મારો ભાઈ મારી આંખની સામે પાણીમાં ખેંચાઈ ગયો. મને ખબર નથી કે શું થયું."

યેલ્લાજીએ કહ્યું, "યરૈયાના નાના ભાઈ કોરલૈયા તેનો ભાઈ તેમની આંખ સામે ગાયબ થઈ ગયા એ જોઈને ચકિત હતો. અમે ત્યાં ન રોકાઈ શક્યા. વધુમાં હોર્ન્ડ કોનમ માછલી ઘણી વાર બોટ પર રહેલા લોકો માટે પણ જોખમરૂપ સાબિત થઈ શકે છે. તેથી અમે ત્યાંથી પાછા ફર્યા. પાછા આવતાં જ અમે ગામલોકોને આ વાતની સૂચના આપી. બીજા લોકોએ પણ ત્યાં શોધખોળ કરી, અમે સાંજ સુધી તેને શોધતા રહ્યા, પરંતુ કોઈ લાભ ન થયો."

દરિયામાં માછીમારની શોધખોળ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, આંધ્ર પ્રદેશ, માછલી, સમુદ્ર,

ઇમેજ સ્રોત, KISHOR

પુડિમડાકાના કાંઠે માછીમારો યરૈયાને શોધી રહ્યા છે. કેટલાક લોકો કિનારાની આસપાસ હોડીમાં શોધી રહ્યા છે.

આસપાસનાં ગામના માછીમારોએ યરૈયાના ઘરે પણ તપાસ કરી. તેઓ પણ યરૈયાને શોધવામાં મદદ કરી રહ્યા છે.

કોરલૈયાનાં માતા કોડાંદામ્માએ આંખમાં આંસુ સાથે કહ્યું, "મારો દીકરો પરિવારનો આધાર હતો. કોરલય્યા સૌથી નાનો છે. આ સિવાય મારે બે દીકરી પણ છે. હું તેમને કઈ રીતે પાળીશ?"

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, આંધ્ર પ્રદેશ, માછલી, સમુદ્ર,

ઇમેજ સ્રોત, KISHOR

ઇમેજ કૅપ્શન, ગુમ થયેલા માછીમારનો પરિવાર

પુડિમડાકાના પૂર્વ સરપંચ અને માછીમાર ઍસોસિયેશનના પ્રમુખ બાબુ નાયડુએ કહ્યું, "અમે પોલીસ અને કોસ્ટ ગાર્ડને જાણ કરી છે. ત્રણ વર્ષ પહેલાં પુડિમડાકાની નિકટના ગામ મુથ્યલાઅમ્માપાલેમના માછીમાર કોમ્મુ કોનમના હુમલાની ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. "

પુડિમડાકા મરિન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જી પૈદીરાજુએ કહ્યું, "યરૈયા માટે કોસ્ટ ગાર્ડ શોધ અભિયાન ચલાવી રહ્યું છે. જોકે, હજુ સુધી એ મળ્યો નથી."

ત્રણ વર્ષ પહેલાં શું થયું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, આંધ્ર પ્રદેશ, માછલી, સમુદ્ર,

ઇમેજ સ્રોત, KISHOR

ઇમેજ કૅપ્શન, આસપાસના ગામલોકો પણ ગુમ થયેલા માછીમારને શોધી રહ્યા છે

ફેબ્રુઆરી, 2022માં મુથ્યલાઅમ્માપાલેમના જોગન્ના કોમ્મુ કોનમ માછલીના હુમલામાં મૃત્યુ પામ્યા હોવાની ઘટના નોંધાઈ હતી.

જોગન્ના સાથે માછીમારી માટે ગયેલા ગંગન્નાએ કહ્યું, "જાળમાં ફસાયેલી કોન્નમ માછલી ખૂબ વજનદાર હતી. અમે ઘણા પ્રયાસ કર્યા પણ એ બહાર ન આવી. તેથી અમે નીચે ગયા અને તેને બહાર ધકેલવાનો પ્રયાસ કરવા લાગ્યા. જોગન્ના પહેલાં નીચે ગયો. અચાનક જ માછલીએ તેના પર જોરદાર હુમલો કર્યો. બરાબર એ જ સમયે જોગન્ના પડી ગયા અને અમે અમારા હાથમાંથી દોરડાં છોડી દીધાં. અમે તાત્કાલિક નીચે ગયા અને જોગન્નાને ઉપર લાવ્યા, પરંતુ એ મરી ચૂક્યો હતો."

બીબીસીએ ત્રણ વર્ષ પહેલાં આ ઘટના પણ રિપોર્ટ કરી હતી.

શું હોર્ન્ડ કોનમ માછલી ખતરનાક હોય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, આંધ્ર પ્રદેશ, માછલી, સમુદ્ર,

ઇમેજ સ્રોત, KISHOR

ઇમેજ કૅપ્શન, હોર્ન્ડ કોનમ માછલીને ચપ્પુ જેવું ધારદાર શિંગડું હોય છે

ઘણા માછીમારો કહે છે કે હોર્ન્ડ કોનમ માછલીને ચપ્પુ જેવું ધારદાર શિંગડું હોય છે, અને હુમલો કરવો એ આ માછલીનો ગુણ છે.

માછીમાર રામના બાબુએ કહ્યું, "જ્યારે અમે કોમ્મુ કોનમ માછલીને પકડીએ છીએ ત્યારે અમે ઉજવણી કરીએ છીએ, પરંતુ જો એ હુમલો કરે તો જીવ પણ લઈ શકે છે. કોમ્મુ કોનમ માછલી મૃત્યુ નીપજાવી શકે છે."

રામના બાબુએ કહ્યું, "જાળમાં આ મોટી માછલીઓ સરળતાથી નથી પકડાતી. જો પકડાઈ જાય તો પણ એ અમુક વાર જાળ તોડીને ભાગી જાય છે. એ ખૂબ વજનદાર હોય છે તેથી અમે જાળને ઉપર ખેંચી શકતા નથી. જ્યારે અમે તેને ઉપર લાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તે ખૂબ તાકતથી છૂટવાનો પ્રયાસ કરે છે. અમુક વાર અમારી શક્તિ ઓછી પડે છે અને અમે સમુદ્રમાં પડી જઈએ છીએ."

દરિયાકાંઠેથી 15 કિમી દૂર કોમ્મુ કોનમ માછલી મળી આવે છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, આંધ્ર પ્રદેશ, માછલી, સમુદ્ર,

ઇમેજ સ્રોત, KISHOR

ઇમેજ કૅપ્શન, આ માછલીનું વજન 20 કિગ્રાથી 250 કિગ્રા સુધી હોઈ શકે છે

એયુ ઝૂલૉજી ડિપાર્ટમેન્ટનાં પ્રોફેસર મંજુલતાએ કહ્યું કે જોખમની સાથોસાથ આ માછલીની માગ પણ ઝાઝી છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "તેનું વજન 20 કિગ્રાથી 250 કિગ્રા સુધી હોઈ શકે છે. વધુમાં આ માછલી જૂથમાં આગળ વધે છે. તેથી એક જ વારમાં વધુ સંખ્યામાં એ જાળમાં ફસાઈ શકે છે. જો તેમને જોખમ અનુભવાય તો આ માછલી અન્ય માછલી કે માણસ પર હુમલો કરી શકે છે."

વિશાખાપટ્ટનમના એક હોડી માલિક દનૈયાએ બીબીસીને કહ્યું, "ટ્યૂના માછલીની માર્કેટમાં ખૂબ માગ છે, એ બાદ આવે છે હોર્ન્ડ ટ્યૂના. તેની મોટા પાયે નિકાસ પણ થાય છે. ઘણી વાર મોટી સંખ્યામાં આ માછલીઓ જાળમાં ફસાઈ જાય છે. બાદમાં અમે નિકાસ કરનારને આ માછલી વેચી દઈએ છીએ. તેઓ માછલીના કદને આધારે તેને જાળમાંથી કાઢ્યા વગર જ ખરીદી લે છે. તેની એટલી બધી માગ છે."

પ્રોફેસર મંજુલતાએ કહ્યું, "દરિયાકાંઠેથી 15 કિમીના અંતરે આ હોર્ન્ડ કોનમ માછલી મળી આવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન