પાડોશી દેશો ભારતથી કેમ દૂર થઈ રહ્યા છે, શું છે કારણો

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, શુભજ્યોતિ ઘોષ
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા, દિલ્હી
નરેન્દ્ર મોદીએ લગભગ દસ વર્ષ પહેલાં પ્રથમ વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તેમણે તમામ પાડોશી દેશોની સરકારો અથવા રાષ્ટ્રના પ્રમુખોને શપથવિધીમાં સામેલ થવાનું આમંત્રણ આપીને સૌને ચોંકાવી દીધા હતા.
પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મોદી સરકારે પ્રથમ દિવસથી જ કહ્યું હતું કે ભારતની વિદેશ નીતિમાં પાડોશી દેશોને વધારે મહત્ત્વ મળશે.
આ નીતિને ઔપચારિક રૂપે “નેબરહુડ ફર્સ્ટ” એટલે કે “સૌથી પહેલા પાડોશી” એવું નામ આપવામાં આવ્યું હતું. દિલ્હીમાં સરકારના મંત્રી અથવા નીતિ ઘડનારા લોકો છેલ્લા એક દાયકાથી કહે છે કે આ જ નીતિ નરેન્દ્ર મોદી સરકારની વિદેશ નીતિનો મૂળ આધાર છે.
“નેબરહુડ ફર્સ્ટ” નીતિની મૂળ વાત એ છે કે ભારત ભુગોળની દૃષ્ટીએ દૂર આવેલા દેશોની (તે પછી અમેરિકા હોય કે નાઇજીરિયા) તુલનામાં દક્ષિણ એશિયાના પાડોશી દેશો (શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર) સાથે સંબંધોને વધારે મહત્ત્વ આપશે અને તેમનાં હિતોને પ્રાથમિકતા આપશે.
જોકે, વાત કરવી અલગ વાત છે, પરંતુ શું હકીકતમાં નરેન્દ્ર મોદીના કામકાજમાં તેની ઝલક જોવા મળે છે?
દિલ્હી (કેન્દ્ર સરકાર) એક તરફ પશ્ચિમના દેશોને વધારે મહત્ત્વ આપે છે અને બીજી તરફ ચીનની લઈને પણ સતત વિચારે છે.
દૂર થતા પાડોશી દેશો

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન તરીકે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીનું નેપાળ (ઑગસ્ટ 2014), શ્રીલંકા (માર્ચ 2015) અને બાંગ્લાદેશ (જુન 2016)માં જે પ્રકારે સ્વાગત થયું અને સામાન્ય લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, તે પ્રકારની તસવીરો ફરીથી એ જ દેશોમાં ન જોવાં મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાન સાથેના સંબંધોમાં પણ સુધારાનાં કોઈ લક્ષણો નજરે ન ચડ્યાં.
નેબરહુડ ફર્સ્ટ નીતિના એક દાયકા પછી જોવા મળે છે કે શ્રીલંકામાં ભારે આર્થિક સંકટ દરમિયાન ભારતે તેની મદદ કરી હતી. જોકે, શ્રીલંકાએ ભારતની નારાજગીને નજરઅંદાજ કરીને ચીનના 'જાસૂસી જહાજ'ને પોતાના બંદર પર લંગારવાની પરવાનગી આપી.
નેપાળમાં નવા સંવિધાનને લાગુ કરતી વખતે ભારતના મૌન સમર્થનથી ચાલેલા “આર્થિક નાકાબંધી”ના કાર્યક્રમની વિરુદ્ધ નેપાળના લોકો ભારત વિરોધી પ્રદર્શનમાં જોડાયા હતા.
નેપાળમાં હાલ સત્તા સંભાળનાર કે.પી. શર્મા ઓલીને પણ કટ્ટર ભારત વિરોધી માનવામાં આવે છે.
માલદીવમાં પણ ગયા વર્ષે થયેલી ચૂંટણીમાં ભારત-સમર્થક સરકારને હઠાવીને મહમદ મુઇજ્જૂ રાષ્ટ્રપતિ બન્યા. તેમણે રાષ્ટ્રપતિ બનવાની સાથે જ પોતાના દેશમાંથી ભારતીય સેનાને હઠાવવાની માંગણી કરી હતી.
તેમની પાર્ટીએ ચલાવેલા “ઇન્ડિયા આઉટ” અભિયાનને પણ સમર્થન મળ્યું અને રાષ્ટ્રપતિ મુઇજ્જૂ કોઇપણ પ્રકારના ખચકાટ વગર ચીનતરફી વલણ અપનાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભુતાન વ્યૂહાત્મક, આર્થિક અને વિદેશનીતિ જેવી તમામ બાબતોમાં ભારત પર આધાર રાખે છે. જોકે, ભુતાને પણ પોતાના દમ પર ચીન સાથે બૉર્ડર પર વાતચીત શરૂ કરી દીધી છે.
ભુતાને ચીનના રાજદ્વારી સંબંધ સ્થાપિત કરવાના પ્રસ્તાવને સીધો ફગાવી દીધો નથી.
અફધાનિસ્તાન અને મ્યાનમારની સત્તાધારી સરકાર સાથે ભારતના સંબંધ સારા છે તેમ પણ ન કહી શકાય.
ભારતના રાજદ્વારી સંબંધો તાલિબાન સાથે સંપૂર્ણપણે સ્થાપિત થયા નથી.
આ બંને દેશોમાં (અફધાનિસ્તાન અને મ્યાનમાર) ભારતે કરેલા સેંકડો કરોડોનાં રોકણો પણ અનિશ્ચિતતાનાં વમળોમાં ફસાઈ ગયાં છે.
આ યાદીમાં નવુ નામ બાંગ્લાદેશનું છે. બાંગ્લાદેશમાં ભારતના એક નજીકના મિત્રએ છેલ્લા દોઢ દાયકા સુધી સત્તામાં રહ્યા પછી રાતોરાત સત્તા છોડવી પડી હતી.
ત્યારબાદ બાંગ્લાદેશની સત્તામાં કેટલીક એવી તાકતો જોડાઈ, જેમને ભારતના મિત્ર ન કહી શકાય.
આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી લગભગ સાડા ત્રણ વર્ષ પહેલાં બાંગ્લાદેશ પ્રવાસે ગયા ત્યારે તેમની સામે વિરોધ પ્રદર્શન અને હિંસાની ઘટનાઓ ચરમ પર હતી.
ઘણા નિરીક્ષકો એ વાત માને છે કે બાંગ્લાદેશમાં હાલમાં થયેલાં અનામત વિરોધી આંદોલનોમાં પણ પ્રબળ ભારત વિરોધી ભાવના સામેલ હતી.
શું ભારતની વિદેશનીતિમાં કેટલીક ગંભીર ખામીઓ છે જેને કારણે એક પછી એક પાડોશી દેશમાં ભારત વિરોધી ભાવના માથું ઊંચકી રહી છે?
કે પછી દક્ષિણ એશિયાના ભૌગોલીક રાજકારણનું માળખું જ એવું છે કે ભારતનું આ ભાગ્ય પહેલેથી જ નક્કી હતું?
આ સવાલનો જવાબ મેળવવા માટે બીબીસીએ ભારત અને ભારતની બહાર આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર, પ્રોફેસર, પૂર્વ રાજદૂતો અને વ્યૂહાત્મક રણનીતી જેવા વિષયોના જાણકારો સાથે વાત કરી.
આ રિપોર્ટમાં આ તમામ જાણકારોની ટિપ્પણીને સામેલ કરવામાં આવી છે.
ભારતીય વિદેશનીતિમાં ટૂંકાગાળાના હિતોને પ્રાથમિકતા

ડૉ. ઇરફાન નૂરૂદીન અમેરિકાના વૉશિંગ્ટનસ્થિત જૉર્જટાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ફૉરેન સર્વિસમાં ભારતીય રાજનીતિ વિષયના પ્રોફેસર છે. તેઓ આર્થિક વિકાસ, ગ્લોબલાઇઝેશન, લોકશાહી, લોકશાહીકરણ અને નાગરિક સંઘર્ષ જેવા વિષયો પર સંશોધન કરે છે.
તેમણે કહ્યું, “હું પહેલા જ કહેવા માંગુ છું કે દક્ષિણ એશિયા વિશ્વનો સૌથી ઓછો સંકલિત વિસ્તાર છે. અહીં એક દેશથી બીજા દેશની યાત્રા અને આંતરરાષ્ટ્રીય બૉર્ડર સંબંધો જેટલા કડક અને જટિલ છે તેટલા વિશ્વના બીજા કોઈ વિસ્તારમાં નથી.”
પ્રોફેસર ઇરફાન નુરુદ્દીનનું વિશ્લેષણ :
વાણિજયની વાત કરૂ તો સબ-સહારા વિસ્તારના ગરીબ આફ્રિકાના દેશો વચ્ચે પણ જે પ્રમાણે આંતર-ક્ષેત્રીય વેપાર થાય છે તેની સરખામણીએ દક્ષિણ એશિયાના દેશો વચ્ચે વેપારનું પ્રમાણ ઓછું છે.
જોકે, આ વિસ્તારમાં આવેલા દેશોમાં બે અબજ એટલે કે 200 કરોડ જેટલા લોકો રહે છે. આ વિસ્તાર વિશ્વનો એક મુખ્ય આર્થિક સત્તાનું કેન્દ્ર બની શક્યો હોત.
આ કારણે કોઈને આ વાત સમજવા માટે રૉકેટવિજ્ઞાનની જરૂર નથી કે ક્ષેત્રના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી દેશો વચ્ચે સંબંધ સરળ અને સ્વભાવિક ન હોય શકે.
ભારતની વિદેશનીતિનું વિશ્લેષણ કરવાથી જાણકારી મળે છે કે ભારત માલદીવ, શ્રીલંકા કે નેપાળ જેવા પાડોશી દેશો સાથે કોઈ લાંબાગાળાના સંબંધ સ્થાપિત કરવાના ઇરાદા સાથે કોઈ બહુપરિમાણીય નીતિ સાથે આગળ વધ્યો નથી.
આ પ્રકારના મામલાઓમાં હંમેશા ટૂંકાગાળાનાં હિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ કારણે જ તેણે એક સંકુચિત અને એકપરિમાણીય નીતિ બનાવી છે.
ભારતની વર્તમાન સરકાર પોતાની “હિંદુ ઓળખાણ”ને પોતાની વિદેશ નીતિના મુખ્ય સ્તંભ તરીકે સ્થાપિત કરવા માંગે છે. જોકે, બાંગ્લાદેશ જેવા મુસ્લિમ બહુમતીવાળા દેશોમાં આ નીતિની હંમેશા ખરાબ અસર થઈ છે.
નરેન્દ્ર મોદી સરકારે લાગુ કરેલા નાગરિકતાના કાયદાનો મૂળ ઉદ્દેશ્ય ભારતને હિંદુઓના છેલ્લા આશ્રયસ્થાન તરીકે રજુ કરવાનો હતો.
ભારતના નેતા અને મંત્રીઓ ગેરકાયદેસર મુસ્લિમ ઘૂસણખોરો માટે સતત “બાંગ્લાદેશી” શબ્દનો ઉપયોગ કરતા આવ્યા છે. બીજી તરફ તેઓ બાંગ્લાદેશ સાથે સંબંધો મજબૂત બન્યાં છે તેવા દાવાઓ પણ કરે છે.
જોકે, આ બંને વાતોમાં અત્યંત વિરોધાભાસ છે જેને વધારે દિવસો સુધી દબાવી રાખવો શક્ય નથી.
નૂરૂદ્દીને કહ્યું, “આપણે જોયું છે કે છેલ્લા એક દાયકા દરમિયાન ભારતના પાડોશી દેશોની સરકાર તો ભારત પ્રત્યે મૈત્રીપૂર્ણ વલણ અપનાવે છે, પરંતુ આ દેશોના સામાન્ય લોકોની ભારત વિરોધી ભાવના પ્રબળ બની રહી છે.”
બાંગ્લાદેશ ઉપરાંત નેપાળ અને માલદીવમાં પણ આ વાત જોવા મળી હતી.
જોકે, લોકશાહી અને સ્થિરતાને કારણે ભારતે ક્યારેય આ દેશમાં લોકોની નારાજગીને દૂર કરવાનો પ્રયત્ન ન કર્યો.
આ બદલે ભારતે માની લીધું કે આ દેશોની સરકાર સાથે સારા સંબંધો રાખવાથી ભારતનાં હિતો સુરક્ષિત રહેશે.
આ પાછળનું કારણ પણ સ્પષ્ટ છે, જેનો ઉલ્લેખ હું પહેલાં કરી ચૂક્યો છું.
ભારત પોતાના પાડોશી દેશોમાં હંમેશા ટૂકાગાળાંનાં હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધ્યો છે. ભારતે લાંબાગાળાના હિતો વિશે ક્યારેય વિચાર કર્યો નથી.
ભારતે આ કારણે એક પછી એક તમામ દેશોમાં તેનું પરિણામ ભોગવવું પડ્યું.
આ કારણે દક્ષિણ એશિયાના નાના દેશો ભારતને એક ક્ષેત્રિય તાકાત તરીકે જુવે છે. આ તેમનો એક દૃષ્ટિકોણ પણ છે અને તેની પાછળનું કારણ પણ.
ભારત પોતાને એક ક્ષેત્રિય મહાશક્તિ તરીકે સ્થાપિત કરવા માંગે છે એ વાત સમજાય છે. જોકે, ભારતે પોતાના મહાશક્તિ તરીકે સ્થાપિત કરતી વખતે પાડોશી દેશો પ્રત્યે પોતાની કેટલીક જવાબદારીનું પણ પાલન કરવું પડશે. ત્યારબાદ એક બહુપરિમાણીય સંબંધ કાયમ થશે જે હાલમાં જોવા મળતો નથી.
ભારતની વિદેશનીતિની અસફળતા

ઇમેજ સ્રોત, SD Muni
ડૉક્ટર મુનિ દિલ્હીની જવાહરલાલ નહેરુ અને સિંગાપુર નેશનલ યુનિવર્સિટી સહિત વિશ્વની ઘણી શૈક્ષણિક સંસ્થામાં આંતરરાષ્ટ્રીય સંબંધ વિષયના પ્રોફેસર રહી ચૂક્યા છે. તેમણે દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતના વિશેષ દૂત તરીકે પણ કામ કર્યું છે. તેઓ દિલ્હીની થિંક ટૅન્ક આઈડીએસએ સાથે ફેલો તરીકે પણ જોડાયેલા છે.
ડૉ. મુનિનું વિશ્લેષણ :
નરેન્દ્ર મોદી સરકારે સત્તામાં આવ્યા પછી જે “નેબરહુડ ફર્સ્ટ” નીતિનું એલાન કર્યું હતું, તેની શરૂઆતમાં જ ખામી હતી.
હું કહીશ કે આ એલાન પહેલાં કોઈ ગંભીર વિચાર કરવામાં આવ્યો ન હતો. આ એક અચાનક લેવાયેલો નિર્ણય હતો.
મોદીના શપથગ્રહણ સમારંભ દરમિયાન સાર્ક દેશના તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, તેના થોડાક દિવસો પછી જ પાકિસ્તાનથી દિલ્હી આવનાર એક વેપારી પ્રતિનિધિમંડળને કાશ્મીરના હુર્રિયત નેતાઓ સાથે મુલાકાતની પરવાનગી આપી ન હતી.
જોકે, હુર્રિયતના નેતા આ બેઠક માટે પહેલાંથી જ દિલ્હી પહોંચીને રાહ જોઈ રહ્યા હતા.
તેમણે કહ્યું, “જો હુર્રિયતના નેતાઓને પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સાથે મુલાકાતની પરવાનગી આપવી જ નહોતી તો તેમને શ્રીનગરથી દિલ્હી આવવાની મંજૂરી આપવી જોઇતી ન હતી.”
ભારત જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરવા જ નથી ઇચ્છતું તો મોદી સરકારના શપથગ્રહણ સમારંભ માટે નવાઝ શરીફને પણ આમંત્રણ આપવાની જરૂર નહોતી.
હું એવાં ઘણાં ઉદાહરણો આપી શકું જેના થકી સ્પષ્ટપણે સમજી શકાય કે “નેબરહૂડ ફર્સ્ટ” નીતિનો ઉદ્દેશ્ય પાડોશી દેશોને મહત્ત્વ આપવાનો ન હતો.
સ્પષ્ટ શબ્દોમાં કહું તો તે “નેબરહુડ ફર્સ્ટ” નીતિ નહીં, પરંતુ “ઇન્ડિયા ફર્સ્ટ” નીતિ છે.
મારા મતે મોદીના શાસનકાળ દરમિયાન ભારતની વિદેશ નીતિ લાગુ કરવામાં બીજી બે ગંભીર ભૂલો કરી છે.
પ્રથમ છે ગુપ્તચર તંત્ર પર જરૂરથી વધારે નિર્ભરતા.
એ વાત બરોબર છે કે ગુપ્ત સૂચનાઓની જરૂર છે. જોકે, આપણે ગુપ્તચર વિભાગની નજરે કોઈ પાડોશી દેશને જોવાનો પ્રયત્ન કરીએ અને તે આધારે રણનીતિ બનાવીએ તો જે પરિણામ મળવા જોઇએ તે જ મળ્યા છે.
બીજી વાત એ છે કે મોદી સરકાર પહેલાં આપણે ક્યારેય જોયું નથી કે વિદેશ નીતિને લાગુ કરવામાં સત્તાધારી પાર્ટીને સામેલ કરવામાં આવી હોય.
મોદીના પ્રથમ અને બીજા શાસનકાળમાં વિદેશ મંત્રીનાં સ્થાને આરએસએસ નેતા રામ માધવ નિર્ણય કરતા હતા કે ભારત નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને કેટલીક હદે અને પાકિસ્તાન સાથે કઈ નીતિ પર આગળ વધી શકાશે.
પાડોશી દેશો સાથે ભારતની રણનીતિ નક્કી કરવાની જવાબદારી ભાજપ અને આરએસએસના આ નેતાઓને જ સોંપી દીધી.
આ વાત હવે તો સ્પષ્ટ છે કે તેનાં પરિણામો ભારતના હિતમાં નથી રહ્યાં.
બાંગ્લાદેશની હાલની પરિસ્થિતીની ચર્ચા કરીએ તો ભારતની વિદેશ નીતિની નિષ્ફળતાનાં ઘણાં કારણોને જવાબદાર ગણાવી શકાય.
ઉદાહરણ તરીકે ભારતે બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને સ્પષ્ટપણે એ વાતની યાદ ન અપાવી કે તેઓ યોગ્ય રસ્તે આગળ વધી રહ્યાં નથી અને સામાન્ય લોકોમાં તેમની વિરુદ્ધ નારાજગી વધી રહી છે.
હસીના જો ભારતના સારા મિત્ર હતાં તો આ વાત તેમને ગંભીરતાથી કહેવી જોઇતી હતી. જોકે, આવું ન થયું. આ ઉપરાંત ગુપ્તચર વિભાગની વિફળતા તો હતી જ.
બંગબંધુ શેખ મુજિબ હત્યાકાંડ પહેલાં પણ ઇંદિરા ગાંધીના રાજકીય સચિવ પી. એન. હક્સરે સુરક્ષાની દૃષ્ટિએ શેખ મુજિબને હેલીકૉપ્ટર થકી ત્યાંથી નીકળવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
એ વાત અલગ છે શેખ મુજિબ તૈયાર ન થયા. જોકે, ભારતને એ વાતની જાણકારી હતી કે તેમના જીવન પર ખતરો છે.
જોકે, શેખ હસીનાને સત્તા પર હટાવવાની શક્યતા છે એ વાતની ભારતને કોઈ ખબર જ નહોતી પડી.
હું તો કહું છે કે રાજકીયરૂપે શેખ હસીનાનું સમર્થન કરીને બારતે એક બ્લૅન્ક ચેક પર સહી કરી હતી. એ દાવ હવે ઊંધો પડી ગયો.
ચાર પાડોશી દેશોમાં ભારત વિરોધી સરકારો

ઇમેજ સ્રોત, SOUMEN ROY
સોમેન રૉય ઘણા દેશોના રાજદૂત રહી ચૂક્યા છે. મધ્ય પૂર્વ અને બાંગ્લાદેશ તેમની રિસર્ચના પ્રમુખ વિષયો છે.
તેમણે કહ્યું, “એક વાત સૌથી પહેલા સ્પષ્ટપણે કહેવાની જરૂર છે કે ભારતના પાડોશી દેશોમાં થઈ રહેલી ઘટનાઓને હું ભારતની વિદેશ નીતિ કે “નેબરહુડ ફર્સ્ટ”ની અસફળતા તરીકે નથી જોતો.”
સૌમેન રૉયનું વિશ્લેષણ :
દુનિયાના લગભગ બધા જ દેશો રાજકીય ઊથલપાથલના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. દક્ષિણ એશિયા પણ અપવાદ નથી.
નેપાળ, માલદીવ અને બાંગ્લાદેશમાં રાજકારણની તસવીર બદલાય છે અને સત્તામાં નાટકીય પરિવર્તન થાય છે તો તેના માટે તે દેશોની આંતરિક પરિસ્થિતિ જવાબદાર છે.
માની લઇએ કે તેમાંથી કેટલાક દેશોમાં કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી સત્તા પર રહી અને તેમની સામે સત્તા વિરોધી લહેર મજબૂત બની.
આ સ્થિતિમાં ભારત કે તેની વિદેશ નીતિ ઇચ્છે તો પણ કઈ ન કરી શકે. કારણ કે તે દેશ પોતાની રાજકીય દશા અને દિશાના આધારે જ આગળ વધશે.
તેમણે ઉમેર્યું, “તો શું એમ કહેવા માંગુ છું કે આ બધા જ પાડોશીઓ સાથે ભારતના સંબંધો ઠીક-ઠાક ચાલી રહ્યા છે?”
ના, આ વાત સત્ય નથી. આ સંબંધોમાં કેટલીક તિરાડો છે. આ તિરાડો ક્યારેક મોટી થાય છે અને એક ગંભીર સમસ્યા ઊભી કરે છે.
જોકે, ભારત સાથે આ દેશોનું ક્ષેત્રફળ, સૈન્ય, આર્થિક શક્તિ કે વૈશ્વિક પ્રભાવમાં ભારે અંતર હોવાને કારણે આ તિરાડો કાયમી રહેશે.
ભારત અને તેના પાડોશી દેશોએ આ હકીકત સાથે આગળ વધવું જોઇએ. સંબંધોમાં ઉતાર-ચડાવ તો આવશે જ.
કોઈ દેશમાં જો નાટકીય પરિવર્તન થાય છે તો તે દેશનો આંતરિક ઘટનાક્રમ બીજા કોઇપણ કારણની તુલનામાં મોટી ભૂમિકા ભજવે છે.
માની લો કે કાઠમાંડુ, કાબુલ, માલે અને ઢાકામાં એકીસાથે ચાર ભારત-વિરોધી સરકારો સત્તામાં છે તો આ વાતને હું એક સંયોગ જ માનીશ.
અલગ-અલગ દેશો સાથે ભારતના સંબંધમાં ઉતાર-ચડાવ આવતો રહેશે. હાલમાં ભારતના એક સાથે ત્રણથી ચાર દેશો સાથે દ્વિપક્ષિય સંબંધો પડકારજનક છે. જોકે, આવું થઈ શકે છે.
જોકે, હું એક વાત યાદ કરાવવા માંગુ છું કે ભારતના પાડોશી દેશોમાં (પાકિસ્તાનને છોડીને) કોઇપણ સરકાર સત્તામાં રહે પણ ભારત સાથે વાતચીતનો રસ્તો બંધ થયો નથી.
માલદીવની મુઇજ્જૂ સરકાર પણ ભારત પાસેથી મદદ માંગી ચુકી છે. દરેક સમયમાં નેપાળ સાથે સહયોગ કાયમ રહ્યો છે.
બાંગ્લાદેશમાં પણ કોઇપણ સત્તામાં આવે ભારત અને બાંગ્લાદેશે સંપર્ક અને સહયોગ બનાવીને જ આગળ વધવું પડશે. આ સિવાય બીજો કોઇ વિકલ્પ ન હોઈ શકે.
હું આ વ્યવહારિક સંબંધને કાયમ રાખવી તે દિલ્હીની સફળતા છે.
બાંગ્લાદેશના સંદર્ભમાં કેટલાક લોકો ભારતની ટિકા કરીને કહે છે કે ભારતે “બધા જ ઇંડા એક જ ટોકરીમાં” રાખી દીધાં હતાં.
જોકે,આ લોકોને મારો એક સવાલ છે કે શું બાંગ્લાદેશમાં ભારત માટે બીજી કોઈ ટોકરી હતી?
સ્પષ્ટ શબ્દોમાં કહું તો રાજકીય તાકતો ભૂતકાળ અને વર્તમાનમાં ભારત-વિરોધી ભાવનાઓ વાળી હતી અને તેમની સાથે સંબંધ રાખવા ભારત સરકાર માટે સંભવ ન હતા.
તમે આ વાતને નીતિની અસફળતા કહો કે બીજું કંઈ પણ આ જ હકીકત છે.

ઇમેજ સ્રોત, Getty Images
સંજય કે. ભારદ્વાજ દિલ્હીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં સૅન્ટર ફૉર સાઉથ એશિયન સ્ટડીઝ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. તેઓ તે સંસ્થાના ચૅરમૅન પણ રહી ચૂક્યા છે. તેઓ લાંબા સમયથી પાડોશી દેશો સાથે ભારતના સંબંધો પર રિસર્ચ કરી ચૂક્યા છે અને તેમણે બાંગ્લાદેશમાં પણ લાંબો સમય વિતાવ્યો છે.
સંજય કે. ભારદ્વાજનું વિશ્લેષણ :
ભારત એક ક્ષેત્રિય મહાશક્તિ છે અને ધીરે-ધીરે વૈશ્વિક શક્તિ બનવા માંગે છે.
ભારતના આ લક્ષ્ય સુધી પહોંચવામા પાડોશી દેશોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. આ પાછળ કારણ એ છે કે પોતાના ભૌગૌલિક વિસ્તારમાં પાડોશીઓની માન્યતા અને સન્માન ન મળે તે સ્થિતિમાં કોઈ પણ દેશ માટે આંતરરાષ્ટ્રીય સન્માન હાંસલ કરવું મુશ્કેલ છે.
ભારતની વિદેશનીતિમાં પણ આ વાત કહેવામાં આવી છે. ભારતની વિદેશનીતિમાં પાડોશી દેશોને મહત્ત્વ આપીને તેમનો ભરોસો હાંસલ કરવાની વાત કરવામાં આવી છે.
જે નેબરહુડ પૉલિસીની વાત કહેવામાં આવે છે તે કોઈ એકદમ નવી વાત નથી.
ત્રણ દાયકાઓ પહેલાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલે દક્ષિણ એશિયામાં ગુજરાલ ડૉક્ટરીનનું પાલન કરવાની વાત કરી હતી. આ ડૉક્ટરીનનો મૂળ સિદ્ધાંત બિન-પારસ્પરિકતા હતો. એટલે પાડોશી દેશે શું કર્યું ન કર્યુ એ વિચારવાને બદલે સંબંધોમાં સુધાર કરવા માટે એકતરફી પગલાંઓ લેવાં પડશે.
ત્યારબાદ મનમોહનસિંહના સમયમાં આ જ વાત અલગ રીતે કહેવામાં આવી. એ સમયે કહેવામાં આવ્યું કે પાડોશી દેશો સાથે ઉદારતા રાખવામાં આવે જેથી કરીને દ્વિપક્ષિય સંબંધો સુધરી શકે.
આ સંદર્ભે આ વાત યાદ કરાવવી જરૂરી છે કે બાંગ્લાદેશ સાથે ઐતિહાસીક જમીન સમજૂતી અથવા પ્રસ્તાવિત તીસ્તા સમજૂતીનો ડ્રાફ્ટ મનમોહન સરકારના કાર્યકાળ દરમિયાન જ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં તેને જ નેબરહુડ ફર્સ્ટ નામ આપવામાં આવ્યું. જોકે, પાડોશી દેશો સાથે સંબંધોનું મૂળ તત્વ તે જ છે.
ભારત સાથે એક મોટી સમસ્યા એ છે કે ચીનની જેમ પાડોશી દેશોમાં મોટાપાયે રોકાણ કરવા માટે દેશ આર્થિકરીતે સક્ષમ નથી.
ભારતના બધા જ પાડોશી દેશો એક વિકાશસીલ અર્થવ્યવસ્થા છે. આ દેશોની પોતાની આશાઓ અને વિકાસના એજન્ડા છે. આ એજન્ડાને પુરો કરવા માટે ચીને પોતાનો ખજાનો ખોલી દીધો છે. આ જ કારણ છે કે ભારતના પાડોશી દેશો સંસ્કૃતિક અને ભૌગોલિકરૂપે ભારતની ભલે નજીક હોય, પરંતુ આર્થિક જરૂરિયાતને કારણે આ દેશ ચીનના પ્રભાવમાં છે. આ મામલે ભારત ઇચ્છે તો પણ કંઈ ન કરી શકે.

ઇમેજ સ્રોત, JNU
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોતાના કાર્યકાળ દરમિયાન કહ્યું હતું કે અમે બધું જ બદલી શકીએ પરંતુ પાડોશી ન બદલી શકીએ. અમારે આ ભુગોળ સાથે જ ચાલવું પડશે.
આ વાત ભારતના પાડોશીઓના કેસમાં પણ સાચી છે. ભારત જ્યાં છે ત્યાં જ રહેશે. પાડોશી દેશો ઇચ્છે તો પણ પોતાને ભારતથી દૂર ન જઈ શકે.
આ કારણે આ જવાબદારી પારસ્પરિક છે. સંબંધ ખરાબ થવા પાછળ કોઇપણ એક દેશની નીતિની ભૂલને જવાબદાર ન ગણાવી શકાય. તેના માટે બંને દેશો જવાબદાર છે. જ્યારે બંને દેશોનાં હિતો મળશે તો સંબંધ સરળ રહેશે અને ટકરાવ થશે તો મુશ્કેલ થશે.
અલગ-અલગ દેશોમાં ભારતની વિરુદ્ધમાં અસંતોષ કેમ વધી રહ્યો છે? આ સવાલના જવાબમાં હું કહીશ કે તેની પાછળ વ્યવહારિક કારણો ઉપરાંત સંરચનાત્મક કારણ પણ છે.
બાંગ્લાદેશ એક મુસ્લિમ બહુમતીવાળો દેશ છે. ભારતમાં મુસ્લિમો પર અત્યાચારની કોઇ ઘટનાને કારણે અસંતોષ વધે છે તો તે વ્યવહારિક કારણ છે.
આ ઉપરાંત ક્ષેત્રમાં ભારતની સંરચનાત્મક વિષમતાને કારણે પાડોશી દેશ ભારતને એક શક્તિ તરીકે જુએ છે.
આ દેશોમાં કેટલીક તાકતો પોતાના હિત માટે ભારત વિરોધી ભાવનાને હવા આપે છે, જેને સંચરનાત્મક કારણ કહી શકાય .
આ વાત નવી નથી. આ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને આગળ પણ ચાલશે.
જોકે, મને લાગે છે કે કોઈ પાડોશી દેશમાં ભારતની વિરુદ્ધ નારાજગી વધે તે માટે ભારતની વિદેશ નીતિમાં ખામીઓ ગોતવી યોગ્ય નથી.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












