બાંગ્લાદેશમાં પોલીસ સ્ટેશનમાંથી પોલીસ જ ફરાર, પોલીસ કેમ ભાગી ગઈ, શું છે કારણ?

આંદોલન દરમિયાન અનેક જગ્યાએ પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો અને આગ ચાંપી દેવામાં આવી
ઇમેજ કૅપ્શન, આંદોલન દરમિયાન અનેક જગ્યાએ પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો અને આગ ચાંપી દેવામાં આવી
    • લેેખક, અકબર હુસૈન
    • પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા

આગને કારણે તબાહ થયેલા આ ભવનને જોઈને એ સમજવું મુશ્કેલ છે કે આ ખરેખર ઢાકાના મીરપુરના પોલીસ સ્ટેશનની ઇમારત છે. આ ઇમારતની દીવાલો આગથી બળીને કાળી થઈ ગઈ છે.

પોલીસ સ્ટેશનની સામે પોલીસના યુનિફૉર્મ, કેટલીક જોડી શૂઝ અને થોડાં બુલેટપ્રૂફ જેકેટો સિવાય અનેક સામાનનો ઢગલો પડ્યો છે. આ તમામ ચીજવસ્તુઓ મોટેભાગે આગથી બળી ગઈ છે. હવે તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી.

ગુરુવારે સવારે અંદાજે સાડા નવ વાગ્યે ઢાકાના મીરપુર મૉડલ થાણાની તસવીરો પણ કંઇક આવી જ હતી. આ પોલીસ સ્ટેશનમાં અંસાર (અર્ધસૈનિક દળો)ના આઠ કર્મચારીઓ ડ્યૂટી કરી રહ્યા છે.

મીરપુર થાણાની આ સળગી ગયેલી ઇમારત એ વાતનો પુરાવો છે કે સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યે કેટલી નારાજગી હતી.

બાંગ્લાદેશ, પોલીસ સ્ટેશન, કાયદો, હિંસા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઢાકાનું મીરપુર પોલીસ સ્ટેશન

એક ઑફિસમાં કામ કરનારા કમાલ હુસૈન પોલીસ સ્ટેશનની સામે ઊભા રહીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

તેમણે બીબીસી બાંગ્લાને કહ્યું, "મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે પોલીસની આવી હાલત થઈ જશે."

માત્ર મીરપુર જ નહીં પરંતુ બાંગ્લાદેશના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગત સોમવાર બપોરથી કોઈ પોલીસ કર્મચારી દેખાતા નથી.

એ પહેલાં તમામ પોલીસ સ્ટેશનમાંથી એકસાથે તમામ પોલીસકર્મીઓના ફરાર થવાની ઘટના બાંગ્લાદેશમાં ક્યારેય બની નથી.

હાલના તથા ભૂતપૂર્વ અધિકારીઓનું કહેવું છે કે દુનિયાના અન્ય દેશોમાં પણ આવી ઘટના ભાગ્યે જ બની હશે. તેમનું કહેવું છે કે અનેક વાર યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ આવી ઘટના જોવા મળે છે.

સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ સામે આવી પરિસ્થિતિ પેદા કેમ થઈ?

‘મનફાવે તેમ ફાયરિંગ કર્યું’

બાંગ્લાદેશ, પોલીસ સ્ટેશન, કાયદો, હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસ જેટલી જલદી કામ પર પરત ફરશે અને કાયદો અને વ્યવસ્થાને સામાન્ય બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા ભજવશે, તેટલો જલ્દી જ તેમનામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઢાકાના ભટારા પોલીસ સ્ટેશનની સ્થિતિ પણ મીરપુર પોલીસ સ્ટેશન જેવી જ છે. આગ લાગ્યા બાદ હવે પોલીસ સ્ટેશનનો કાટમાળ ચારે બાજુ વિખરાયેલો છે.

અન્સારના ઘણા સભ્યો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પોલીસ સ્ટેશનની અંદર વિદ્યાર્થીઓના જૂથ સાથે પણ મુલાકાત થઈ. તેમણે કહ્યું કે તેઓ અહીં પોલીસ સ્ટેશનની બહાર પથરાયેલા કાટમાળને સાફ કરવા આવ્યા છે.

પોલીસનો ઉલ્લેખ થતાં જ તેમના અવાજમાં ગુસ્સો ઊભરી આવે છે. આથી, સામાન્ય લોકોમાં પોલીસ પ્રત્યેના રોષને દૂર કરીને સ્થિતિ કેવી રીતે સામાન્ય બનાવી શકાશે એ મોટો સવાલ છે.

એક ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થી અબ્દુર રઝાક બીબીસી બાંગ્લાને કહે છે, "સામાન્ય લોકો સાથે એકતા દાખવીને અને આપણા વર્તનમાં નરમાશ લાવીને જ પરિસ્થિતિને સામાન્ય બનાવી શકાશે."

ઢાકાની ન્યૂ મોડલ કૉલેજના વિદ્યાર્થી શાહજલાલ પટવારી કહે છે, "હું પોલીસકર્મીઓ સાથે વાત કરતા ડરતો હતો. પોલીસનું વલણ ખૂબ જ ખરાબ હતું. આ સિવાય પોલીસકર્મીઓએ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો પર ઘાતકી હુમલાઓ કર્યા છે. તેમણે મનફાવે તેમ ગોળીઓ ચલાવી છે."

પોલીસ સામે લોકોના મનમાં ઉદ્ભવેલા આ ગુસ્સાથી વરિષ્ઠ અધિકારીઓ પણ વાકેફ છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે, "જ્યારે પોલીસે 2012થી મોટાપાયે બળપ્રયોગ કરવાનું શરૂ કર્યું ત્યારથી લોકોના મનમાં તેના પ્રત્યે ભારે અવિશ્વાસ પેદા થયો."

તેમણે કહ્યું કે, "પોલીસકર્મીઓને ફરજ પર પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે."

બાંગ્લાદેશ, પોલીસ સ્ટેશન, કાયદો, હિંસા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ભટારા પોલીસસ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલી ગાડીઓને ભીડે આગ ચાંપી દીધી હતી

પોલીસ જેટલી જલદી કામ પર પરત ફરશે અને કાયદો અને વ્યવસ્થાને સામાન્ય બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા ભજવશે, તેટલો જલ્દી જ તેમનામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થશે.

એ અધિકારીએ એ વાત પણ માની કે પોલીસના વલણને કારણે સામાન્ય લોકોમાં તેના પ્રત્યે ભારે નારાજગી વ્યાપી છે, અને હવે આ નારાજગી એકસાથે ફૂટી નીકળી છે.

એ વાતમાં કોઈ શક નથી કે પોલીસ માટે હાલની પરિસ્થિતિ અતિશય જટિલ છે.

તમામ પોલીસસ્ટેશનોમાંથી મોટાપાયે હથિયારો અને દારૂગોળો લૂંટી લેવામાં આવ્યો છે. ઘણાં પોલીસકર્મીઓ પાસે યુનિફૉર્મ નથી. ઘણા પોલીસસ્ટેશનોમાં બેસવા જેવી પરિસ્થિતિ પણ નથી.

ગુરુવારે ઢાકામાં અનેક સ્થળોની મુલાકાત દરમિયાન એ જોવા મળ્યું કે સિટી કૉર્પોરેશનના કેટલાક કર્મચારીઓ ત્યાં કાટમાળ હટાવવાનું કામ કરી રહ્યા છે.

ઢાકાના પલ્લવી પોલીસસ્ટેશનની સામે કેટલાક સ્થાનિક લોકો ગટરની સામે ઉભાં હતાં. તેમાં ઢાકા નોર્થ સિટી કૉર્પોરેશનના વૉર્ડ નંબર 2ના કાઉન્સિલર સજ્જાદ હુસૈન પણ હતા.

સજ્જાદે બીબીસી બાંગ્લાને કહ્યું, "પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકતા નથી. તેથી, સ્થાનિક લોકોને સહયોગની અપીલ કરવામાં આવી રહી છે. હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે પોલીસની જરૂર તો પડશે જ. પોલીસકર્મીઓ અમારો સંપર્ક કરી રહ્યા છે. "

બાંગ્લાદેશ સંકટ પર વધુ વાંચો

'પોલીસની હાજરી દેખાવી જોઈએ'

બાંગ્લાદેશ, પોલીસ સ્ટેશન, કાયદો, હિંસા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, એક ટોચના પોલીસ અધિકારીએ બીબીસી બાંગ્લાને કહ્યું, "તમામ પોલીસ સ્ટેશનના ઓસી અને દરેક જિલ્લાના પોલીસ અધિક્ષક વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે."

હાલમાં સાદા કપડાંમાં પોલીસકર્મીઓ વિવિધ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

આવા જ એક પોલીસ સ્ટેશનમાં કામ કરતા સબ-ઇન્સ્પેક્ટર અબ્દુલ લતીફે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે તેઓ મીરપુર વિસ્તારના તમામ પોલીસસ્ટેશનની મુલાકાત લઈ રહ્યા છે અને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

તેઓ કહે છે, "તે પોલીસ સ્ટેશનોમાં કોઈ પોલીસ વાહન અકબંધ નથી. બધાં વાહનો બળીને રાખ થઈ ગયા છે."

વિશ્લેષકો કહે છે કે સંજોગો ગમે તેટલા પ્રતિકૂળ હોય, પોલીસકર્મીઓએ મેદાનમાં ઊતરવું પડશે. તેમણે ક્યાંકથી તો તેની શરૂઆત કરવી જ પડશે.

ભૂતપૂર્વ પોલીસ વડા નુરુલ હુદાએ બીબીસી બાંગ્લાને કહ્યું, "પોલીસે હાજરી દર્શાવવી પડશે. તેઓ વિવિધ સંસ્થાઓમાં જઈને તેમની સુરક્ષા માટે ઉપાયો કરી શકે છે. આ ઉપરાંત તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે. ત્યારપછી જ પોલીસ પર સામાન્ય લોકોનો વિશ્વાસ પાછો આવશે."

પોલીસ પ્રત્યે લોકોના મનમાં રહેલા રોષને દૂર કરવા પોલીસ સુધારણા જરૂરી છે. પરંતુ નૂરૂલ હુદાનું માનવું છે કે આવા કોઈ સુધારા ઝડપથી કરવા શક્ય નહીં બને.

હુદા માને છે કે પોલીસની વર્તમાન સ્થિતિ માટે રાજકીય નેતૃત્વ જવાબદાર છે. તેનું કારણ એ છે કે પોલીસનો લાંબા સમયથી રાજકીય રીતે ઉપયોગ થતો આવ્યો છે.

ભૂતપૂર્વ બાંગ્લાદેશ પોલીસ વડા

ઇમેજ સ્રોત, BBC/Getty

બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંકેત આપ્યા છે કે પોલીસદળમાં મોટા પાયે ફેરફાર નિશ્ચિત છે.

એક ટોચના પોલીસ અધિકારીએ બીબીસી બાંગ્લાને કહ્યું, "તમામ પોલીસ સ્ટેશનના ઓસી અને દરેક જિલ્લાના પોલીસ અધિક્ષક વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે."

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન જ્યાં પોલીસે મહત્તમ બળપ્રયોગ કર્યો હતો તે વિસ્તારોમાં પ્રથમ ફેરફાર કરવામાં આવશે.

તેમનું કહેવું છે કે જે પોલીસ અધિકારીઓએ પોલીસકર્મીઓને વધારાના બળનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી અને જેમની વિરુદ્ધ ભૂતકાળમાં માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો છે તેમની સામે પગલાં લેવાશે એ નિશ્ચિત છે.

તેમના મતે, જ્યાં સુધી આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અથવા તેમને સજા નહીં કરવામાં આવે ત્યાં સુધી સામાન્ય લોકોમાં પોલીસમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો મુશ્કેલ બનશે.

પરંતુ આ બધું એકસાથે કરવું શક્ય નથી.

પોલીસની માગણીઓ

બાંગ્લાદેશ, પોલીસ સ્ટેશન, કાયદો, હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બુધવારે ઢાકામાં યોજાયેલી એસોસિયેશનની બેઠકમાં કેટલીક માંગણીઓ પણ રજૂ કરવામાં આવી હતી.

દેશના પોલીસ સ્ટેશનોના ઓસી અને સબ-ઇન્સ્પેક્ટર દ્વારા રચાયેલ પોલીસ એસોસિયેશનનું કહેવું છે કે સામાન્ય લોકોનો પોલીસમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભરવા પડશે.

બુધવારે ઢાકામાં યોજાયેલી એસોસિયેશનની બેઠકમાં કેટલીક માંગણીઓ પણ રજૂ કરવામાં આવી હતી.

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ઝાહિદુલ ઇસ્લામે તે બેઠકમાં જણાવ્યું હતું કે ""પોલીસના રાજકીય ઉપયોગ અને વરિષ્ઠ અધિકારીઓના મનસ્વી આદેશોને કારણે પોલીસકર્મીઓની સામે આવી સ્થિતિ ઊભી થઈ છે."

'અમને એવું નેતૃત્વ જોઈએ છે જે સામાન્ય લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરે અને અમને એવા જ નિર્દેશો આપે. તેઓ કોઈ રાજકીય પક્ષની દલાલી કરીને અમને પ્રજાની સામે ધરી ન દે.”

ઇસ્લામે કહ્યું કે વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો જે પ્રકારના પોલીસ અધિકારીઓ ઇચ્છે છે તેવા જ અધિકારીઓ વિભાગમાં ઉપલબ્ધ છે. પરંતુ તેઓ લોકોની સામે આવી શકતા નથી.

તેમના મતે, "આવા અધિકારીઓને ઓળખીને જવાબદારી સોંપવી પડશે જેથી કરીને તેઓ વિભાગને યોગ્ય રીતે ચલાવી શકે."

પોલીસ એસોસિયેશનની માંગણીઓ

બાંગ્લાદેશ, પોલીસ સ્ટેશન, કાયદો, હિંસા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાહિદુલ ઇસ્લામ

પોલીસ એસોસિયેશનની બેઠકમાં જે માંગણીઓ મૂકવામાં આવી તે આ પ્રમાણે છે:

  • પોલીસે રાજકીય પ્રભાવથી મુક્ત રહેવું પડશે.
  • તમામ પોલીસકર્મીઓ અને તેમના પરિવારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. જાહિદુલ ઇસ્લામના કહ્યા અનુસાર, "જે સત્તાલોલુપ અને દલાલ પોલીસ ઑફિસરોને કારણે પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોનાં મોત થયાં હોય, તેમની તત્કાળ ધરપકડ કરીને તેમની સામે બાંગ્લાદેશના કાયદાને આધારે કેસ ચાલવો જોઇએ."
  • આવા અધિકારીઓની ગેરકાયદેસર સંપત્તિઓ જપ્ત કરીને તેનો ઉપયોગ બાંગ્લાદેશ પોલીસના કલ્યાણ માટે કરવો જોઈએ.
  • હિંસામાં મૃત્યુ પામેલા પોલીસકર્મીઓ તથા ઘાયલોનાં પરિવારજનોને વળતર આપવું જોઈએ.
  • જે પોલીસકર્મીઓએ જાનમાલની રક્ષા માટે હથિયારોનો ઉપયોગ કર્યો છે તેમની સામે કોઈ વિભાગીય કાર્યવાહી ન કરવી જોઇએ.
  • બાંગ્લાદેશના શ્રમ કાયદા અનુસાર, પોલીસકર્મીઓ માટે આઠ કલાકની ડ્યુટી નિશ્ચિત કરવી જોઈએ. કામ કરતાં વધુ સમય માટે ઓવરટાઇમની વ્યવસ્થા કરવી જોઈએ.
  • પોલીસના યુનિફૉર્મને બદલીને કૉન્સ્ટેબલથી લઈને આઇજી સુધી સૌની માટે સમાન ડ્રેસ કોડ નક્કી કરવો જોઈએ.

જાહિદુલ બેઠકમાં જ્યારે આ માંગણીઓને વાંચી રહ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ પોલીસકર્મીઓ તાળીઓ પાડીને તેનું સમર્થન કરી રહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.