મહમદ યુનૂસ: લોકોને ગરીબીમાંથી બહાર લાવનાર જે હવે બાંગ્લાદેશના નવા વડા પ્રધાન બનશે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એન્ટોની ગાર્વે
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
વડાં પ્રધાન શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી ગયાં પછી બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મહમદ યુનૂસ કરશે.
જે વિદ્યાર્થી નેતાઓએ પાછલાં કેટલાંક સપ્તાહો દરમિયાન વિરોધપ્રદર્શનોનું સંચાલન કર્યું હતું તેઓ 84 વર્ષના મહમદ યુનૂસને સમર્થન આપે છે. વિરોધપ્રદર્શન દરમિયાન હિંસક અથડામણો થઈ હતી, જેને પરિણામે 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
બાંગ્લાદેશમાં લોકશાહીની પુનઃસ્થાપના અને સ્થિરતાના પ્રયાસોનું નેતૃત્વ કરવા માટે જેમનું નામ ચર્ચાઈ રહ્યું છે તે પીઢ સામાજિક ઉદ્યોગસાહસિક મહમદ યુનૂસ કોણ છે?
મહમદ યુનૂસે 1970ના દાયકામાં દેશના અત્યંત કંગાળ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં મદદરૂપ થયેલા માઇક્રોફાઇનાન્સના પ્રણેતા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
તેમનું સાહસ ચિત્તાગોંગ યુનિવર્સિટી નજીકના ગરીબ ગામની મુલાકાતથી પ્રેરિત હતું. પરંપરાગત બૅન્કો ગ્રામવાસીઓને મદદ કરવા ઇચ્છતી ન હતી ત્યારે તેમણે થોડા ગ્રામજનોને અલ્પ પ્રમાણમાં નાણાકીય મદદ કરી હતી.
તે સાહસ સફળ થયું અને ઝડપથી વિકસ્યું. 1980ના દાયકાની શરૂઆત સુધીમાં હજારો લોકો તેના સભ્યો બન્યા હતા અને ગ્રામીણ બૅન્કની રચના થઈ હતી.
ગ્રામીણ બૅન્કે સમગ્ર બાંગ્લાદેશમાં નફાકારક અને બિન-લાભકારી એમ બંને પ્રકારના અનેક પ્રોજેક્ટ્સમાં વૈવિધ્યકરણ કર્યું હતું. તેમાં ટેક્સટાઇલથી માંડીને મોબાઈલ ટેલિકૉમ તેમજ બ્રૉડબૅન્ડનો સમાવેશ થતો હતો.

કોણ છે પ્રોફેસર યુનૂસ?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર યુનૂસને તેમનાં નાણાકીય કાર્યો માટે 2006માં નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો તેને પગલે તેમને સફળતા તથા આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી હતી. એ પછી પ્રોફેસર યુનૂસનું કામ વિકાસશીલ દેશોમાં સમાન પ્રોજેક્ટ્સનું મૉડલ બની ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નોબલ પુરસ્કાર મળ્યાના થોડા મહિનાઓમાં જ તેઓ રાજકારણમાં વધુને વધુ સક્રિય થયા હતા. એ વખતે તેમણે કહ્યું હતું, “હું રાજકારણમાં રસ ધરાવતી વ્યક્તિ નથી, પરંતુ પરિસ્થિતિ દબાણ કરશે તો હું રાજકારણમાં જોડાતાં ખચકાઇશ નહીં.”
રાજકીય અસ્થિરતા ધરાવતા રાષ્ટ્રમાં સરકારના ટીકાકાર તરીકેની ભૂમિકાથી તેમના ઘણા દુશ્મનો બન્યા હતા.
દાયકાઓથી શેખ હસીના અને તેમનાં પ્રતિસ્પર્ધી ખાલિદા ઝિયાના પ્રભુત્વ હેઠળની રાજકીય વ્યવસ્થામાં ત્રીજો પક્ષ સર્જવાના હેતુસર તેમણે 2007માં 'નાગરિક શક્તિ' નામની રાજકીય ચળવળ શરૂ કરી હતી.
સત્તાસંઘર્ષ અને સ્પર્ધાથી હતાશ થયા બાદ તેઓ ટૂંક સમયમાં જ રાજકારણમાંથી ખસી ગયા હતા.
આ વર્ષની શરૂઆતમાં તેમણે એએફપી સમાચાર સંસ્થાને કહ્યું હતું, “હું કોઈ રાજકીય વ્યક્તિ નથી. હું રાજકારણમાં પડવાનો નથી. તેથી જ મેં જાહેરાત કરી હતી કે હું કોઈ રાજકીય પક્ષ બનાવવાનો નથી.”
એ પછીનાં વર્ષોમાં સરકાર સાથેનો તેમનો સંબંધ વધારે દુશ્મનાવટભર્યો બન્યો હતો.
2008માં સત્તા પર આવેલાં વડાં પ્રધાન શેખ હસીનાએ તેમના પર આક્ષેપ કર્યો હતો કે તેઓ તેમની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ દ્વારા ગરીબોનું લોહી ચૂસી રહ્યા છે.
શેખ હસીનાએ તેમની સામે શ્રેણીબદ્ધ તપાસ શરૂ કરી હતી. પ્રોફેસર યુનૂસ અને તેમના ટેકેદારોએ તે કામગીરીને રાજકારણથી પ્રેરિત ગણાવી હતી.
સંયુક્ત રાષ્ટ્રસંઘે આ મામલે થયેલા રાજકીય વિરોધી સાથેના વ્યવહાર બાબતે ગયા વર્ષે બાંગ્લાદેશ સરકારને ઠપકો પણ આપ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકાર માટેના હાઈ કમિશનરનાં પ્રવક્તા રવિના શમદાસાનીએ કહ્યું હતું, “નોબલ પુરસ્કાર વિજેતા મહમદ યુનૂસ સહિતના માનવાધિકારના હિમાયતીઓને સતત આપવામાં આવતી ધાકધમકી અને તેમની સતામણીથી અમે ખૂબ જ ચિંતિત છીએ.”
રાજકીય તણાવ સતત વધતો રહ્યો હતો. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે જુલાઈમાં સખાવતી દાન પર 10 લાખથી વધુ ડૉલરનો ટૅક્સ ચૂકવવાનો આદેશ પ્રોફેસર યુનૂસને આપ્યો હતો.
એ પછી જાન્યુઆરીમાં તેમને શ્રમ કાયદાનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ગ્રામીણ ટેલિકૉમના ત્રણ સાથીદારો સાથે તેમને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ચારેય જણે આરોપો નકારી કાઢ્યા હતા અને અદાલતમાં પૅન્ડિંગ અપીલ સાથે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
પ્રોફેસર યુનૂસની પંસદગી કેમ કરવામાં આવી?

ઇમેજ સ્રોત, Getty Images
હવે શેખ હસીના સરકારના નાટકીય અંત પછી તરત જ પ્રોફેસર યુનૂસ એક એવી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે, જેની વિદ્યાર્થી નેતાઓ બાંગ્લાદેશમાં સ્થિરતા લાવવા માટે તરફેણ કરે છે.
વિદ્યાર્થી નેતાઓના કહેવા મુજબ, તેઓ ઇચ્છે છે કે પ્રોફેસર યુનૂસ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બને. પ્રોફેસર યુનૂસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ માટે તેઓ સહમત થયા છે.
શેખ હસીનાના રાજીનામા બાબતે પ્રતિક્રિયા આપતાં પ્રોફેસર યુનૂસે કહ્યું હતું, “બાંગ્લાદેશ આઝાદ થઈ ગયો છે.”
ભારતીય મીડિયા વેબસાઈટ ‘ધ પ્રિન્ટ’ને આપેલી એક મુલાકાતમાં પ્રોફેસર યુનૂસે કહ્યું હતું કે સમગ્ર દેશમાં લોકો ઉજવણી કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું, “શેખ હસીનાનું શાસન હતું ત્યાં સુધી અમારો દેશ કબજા હેઠળ હતો. તેઓ એક ઑક્યુપેશન ફૉર્સ, સરમુખત્યાર, એક જનરલની જેમ દરેક વસ્તુને નિયંત્રિત કરતાં હતાં. આજે બાંગ્લાદેશના લોકો આઝાદી થયાનો અનુભવ કરી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું હતું, “હવે અમે નવેસરથી શરૂઆત કરવા અને અમારા દેશને એક સુંદર દેશ બનાવવા ઇચ્છીએ છીએ. અમે અમારા વિદ્યાર્થીઓ અને યુવાનોને આ વચન આપીએ છીએ. અમારા ભવિષ્યનું નેતૃત્વ તેઓ કરવાના છે.”
જે કોઈ શરૂઆતમાં સુકાન સંભાળશે તેના માટે અગ્રતા સત્તાનો શૂન્યાવકાશ ટાળવા માટે બાંગ્લાદેશમાં ઝડપથી વચગાળાનું વહીવટી તંત્ર સ્થાપવાનું હશે. સત્તાનો શૂન્યાવકાશ વધારે અશાંતિ સર્જી શકે છે. પ્રોફેસર યુનૂસ આંતરરાષ્ટ્રીય સમર્થનનો લાભ ઉઠાવવાની ક્ષમતા ધરાવતા હોવાથી તેમના માટે આ મહત્ત્વની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ શકે છે.












