બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને ગુજરાતને કરોડો રૂપિયાનું નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી
બાંગ્લાદેશમાં રાજકીય ઊથલપાથલના માહોલ વચ્ચે હવે વચગાળાની સરકારની રચના થઈ ગઈ છે. નોબલ પુરસ્કાર વિજેતા મહમદ યુનૂસે વચગાળાની સરકારના વડા તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લઈ લીધા છે.
એ પહેલાં ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફાટી નીકળેલી અગનજ્વાળા બેકાબૂ બની ગઈ હતી. સમગ્ર દેશમાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી હતી. હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ અચાનક રાજીનામું આપી વતન છોડવાની ફરજ પડી હતી.
બાંગ્લાદેશમાં થયેલા આ વિદ્રોહ બાદ સેનાએ મોરચો સંભાળ્યો હતો અને સ્થિતિને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરાઈ હતી.
બાંગ્લાદેશમાં થયેલી આ ઊથલપાથલ માત્ર તેની સરહદો સુધી જ સીમિત નથી રહી પરંતુ તેની અસર પાડોશી દેશ ભારત પર પણ પડી શકે છે. કારણ કે આ બંને દેશો વચ્ચે મોટો વેપાર થાય છે.
દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બાંગ્લાદેશ બન્યું છે. તો સમગ્ર એશિયામાંથી બાંગ્લાદેશ ભારતથી સૌથી વધુ આયાત કરે છે.
યુનાઇટેડ નેશનના કોમટ્રેડના ડેટાબેઝ મુજબ વર્ષ 2023થી 2024 ઑગસ્ટ સુધીમાં ભારતે બાંગ્લાદેશમાં 11.25 અબજ અમેરિકી ડૉલરની નિકાસ કરી છે. જ્યારે વર્ષ 2022- 23માં આ નિકાસનો આંકડો 13.8 અબજ અમેરિકી ડૉલર હતો. સાલ 2023માં ભારતની નિકાસમાં 1.84 અબજ અમેરિકી ડૉલરનો ઘટાડો આવ્યો છે.
ગુજરાતના પણ અનેક ઉદ્યોગગૃહોને બાંગ્લાદેશ સાથે સીધા સંપર્કો છે અને વેપાર છે. જો પરિસ્થિતિમાં સુધારો ન આવે તો ગુજરાતને પણ કરોડો રૂપિયાનું નુકસાન જઈ શકે છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઉતારચડાવની પરિસ્થિતિને કારણે ગુજરાતમાં ક્યા વેપારને કેવો ફટકો પડી શકે તે જાણવાનો બીબીસીએ પ્રયાસ કર્યો હતો.
એશિયાના સૌથી મોટા કાપડઉદ્યોગને અસર

ફેડરેશન ઑફ સુરત ટેક્સટાઇલ ઍન્ડ ઍસોસિએશન (ફોસ્ટા) અનુસાર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં યાર્ન,જરી અને કાપડનું ઉત્પાદન કરતા વેપારીઓ બાંગ્લાદેશ સાથે સીધો વેપાર કરે છે. ભારતથી વર્ષે અંદાજિત 2300થી 2400 કરોડની નિકાસ બાંગ્લાદેશમાં થાય છે. આ વેપાર પૈકી 500 કરોડના કાપડની નિકાસ ફક્ત સુરતથી થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુરત એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે ટેક્સટાઇલ ઉદ્યોગોનું પણ હબ છે. એક તરફ આ બંને ઉદ્યોગોમાં પહેલેથી જ મંદીનો માહોલ છે. એવામાં બાંગ્લાદેશમાં ફાટી નીકળેલાં રમખાણોને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અસર પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશ એ વિશ્વનું બીજા નંબરનું રેડીમેઇડ ગાર્મેન્ટનું હબ છે. તેના માટેનું કાપડ મોટા પ્રમાણમાં ચીન પછી ભારતથી ખરીદવામાં આવે છે. તેમાં પણ ગુજરાતના અમદાવાદથી વ્યાપક પ્રમાણમાં કૉટન અને સુરતમાંથી યાર્ન તેમજ ગ્રે-ફૅબ્રિકની બાંગ્લાદેશ નિકાસ થાય છે.
ફોસ્ટાના અધ્યક્ષ કૈલાશ હકીમે આ મુદ્દે બીબીસી સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે,''આરડીએફ ફૅબ્રિક, પ્રિન્ટેડ અને ડાઇડ ગાર્મેન્ટ ફૅબ્રિક તેમજ સ્ટિચ ગાર્મેન્ટ ફૅબ્રિક- આમ ત્રણ પ્રકારનાં કાપડની વાયા મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા થઈ બાંગ્લાદેશ ખાતે સુરતમાંથી નિકાસ થાય છે. તેની પેમેન્ટ સાઇકલ 120 દિવસની હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિને લઈ 150થી 200 કરોડનો જે ઑર્ડર છે તે થંભી ગયો છે. જોકે, હજુ સુધી વેપારીઓનું કેટલું પેમેન્ટ અટકેલું છે તેનો કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.''
સાઉથ ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સના પ્રેસિડન્ટ વિજય મેવાવાલાએ બીબીસીને જણાવ્યું હતું કે, ''ગુજરાતમાં ફૅબ્રિક અને યાર્નની સાથે સાથે સાડી અને ડ્રૅસ મટિરિયલ્સનું પણ વ્યાપક ઉત્પાદન થાય છે. જેની નિકાસ અન્ય દેશોની સાથે બાંગ્લાદેશમાં પણ કરવામાં આવે છે. પરંતુ બાંગ્લાદેશમાં અશાંતિને કારણે છેલ્લા કેટલાક દિવસોથી વેપારીઓ નિકાસની સપ્લાય અટકાવી દીધી છે.''
“ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાતના વેપારીઓ મોટા ભાગે બાંગ્લાદેશ સાથે ઍડવાન્સ પેમેન્ટ લઈને વેપાર કરે છે. તો કેટલાક વેપારીઓએ કોલકતા અને બાંગ્લાદેશમાં જ ઑફિસ રાખી છે. ઘણા લોકો ત્યાંથી જ સીધો વેપાર કરે છે. આથી, નાણાકીય વ્યવહારમાં મોટું નુકસાન થાય તેવું દેખાતું નથી.'
તેઓ વધુમાં કહે છે, ''થોડા સમયમાં દુર્ગાપૂજાનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવારમાં ખૂબ મોટા પ્રમાણમાં ઑર્ડર મળતા હોય છે. જેની તૈયારી સપ્ટેમ્બરથી જ શરૂ થઈ જાય છે પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં આ તહેવારમાં ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે, અને બીજી તરફ નવી સરકાર બન્યા બાદ તેઓ ભારત તરફ કેવું વલણ રાખે છે તેની ઉપર પણ ઉદ્યોગજગતને અસર થતી જોવાં મળશે.''
કૅમિકલ્સ ક્ષેત્રમાં શું સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Rupesh Sonwane/BBC
ભારતમાંથી બાંગ્લાદેશ થતી કુલ નિકાસમાં કૅમિકલ્સ સેકટરનું પણ મોટું યોગદાન છે. ભારતમાંથી વર્ષે કરોડો રૂપિયાના કૅમિકલ્સની નિકાસ થાય છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્થપાયેલી સંસ્થા કૅમેક્સિલના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમ્યાન ગુજરાતમાંથી બાંગ્લાદેશમાં અંદાજે રૂપિયા 544 મિલિયન ડૉલરનું કૅમિકલ નિકાસ થયું છે.
કૅમેક્સિલ ગુજરાત રિજનના ચૅરમૅન ભૂપેન્દ્ર પટેલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે "ગુજરાતમાં અંદાજિત 1200 જેટલી કૅમિકલની ફૅક્ટરીઓ છે અને તેમાંથી 200 જેટલી ફૅક્ટરી બાંગ્લાદેશમાં વિવિધ વસ્તુઓની નિકાસ કરે છે. હાલમાં બાંગ્લાદેશમાં સર્જાયેલી પરિસ્થિતિને જોતાં અહીંથી જતાં ઘણાં શિપમૅન્ટો અટકાવી દેવાયાં છે. અંદાજીત 100થી 200 કરોડનાં શિપમૅન્ટ અટકાવવામાં આવ્યાં છે.'
“દેશમાંથી નિકાસ થતાં કૅમિકલ્સ પૈકી 60% રિએક્ટિવ ડાઇઝની નિકાસ બાંગ્લાદેશમાં થાય છે, અને તેમાં ગુજરાતનો હિસ્સો 70% છે. ગુજરાતમાં અમદાવાદ સહિત અંકલેશ્વર, સુરત , દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં રિઍક્ટિવ ડાઇઝનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાંથી અંદાજિત રૂ.2500 કરોડની રિઍક્ટિવ ડાઇઝની નિકાસ થાય છે.”
તેમના જણાવ્યા પ્રમાણે, “આ વેપાર મુખ્યત્વે પેમેન્ટ લેટર ઑફ ક્રેડિટ, બૅન્ક થ્રુ ડૉક્યુમૅન્ટ પર થાય છે. પરંતુ બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાને પરિણામે હાલમાં ઘણા લોકોનાં પેમેન્ટો અટવાયાં છે અને કેટલાંક કન્સાઇન્મૅન્ટ્સ પણ અટક્યાં હતાં. જોકે, બૉર્ડર એક જ દિવસ બંધ રહી હતી અને હવે અવર-જવર શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત બૅન્કો દ્વારા પણ પેમેન્ટો આવી રહ્યાં છે. મને લાગે છે કે પેમેન્ટ આવશે પણ થોડું મોડું આવશે.'
ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ભારતમાંથી વાર્ષિક 2200 કરોડની નિકાસ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane/BBC
બાંગ્લાદેશમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રની ઘણી કંપનીઓ શરૂ થઈ છે અને આ ક્ષેત્રની કંપનીઓના સપોર્ટ માટે સરકારે નવા કાયદા લાગુ કરી સ્થાનિક કંપની પાસેથી ફરજિયાત માલ ખરીદવા પર ભાર મૂક્યો છે. પરંતુ હજુ પણ બાંગ્લાદેશ જેનેરિક દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનું પણ એક મોટું આયાતકાર છે. બાંગ્લાદેશમાં ફાર્માસ્યુટિકલની જે કુલ આયાત થાય છે તેમાં ભારતનો હિસ્સો 6.15 ટકા જેટલો છે અને તેમાં પણ ગુજરાત સૌથી વધુ નિકાસ કરે છે.
ગુજરાતમાં અમદાવાદ અને વડોદરાને ‘ફાર્માસ્યુટિકલ હબ’ તરીકે ગણવામાં આવે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી નાની મોટી ફાર્મા કંપનીઓ સ્થપાયેલી છે જે બાંગ્લાદેશમાં વ્યાપક પ્રમાણમાં નિકાસ કરે છે.
હાલની પરિસ્થિતિમાં બાંગ્લાદેશથી મળતા ઑર્ડર પણ અટવાયા હોવાનું આ ક્ષેત્રના વેપારીઓએ જણાવ્યું હતું.
બીબીસી સાથે વાત કરતાં સ્પાઇકો હૅલ્થ કેરના ડાયરેક્ટર સંદીપ રાજપૂતે કહ્યું હતું કે, “હું 15 વર્ષથી ટ્રૅડિંગનું કામ કરું છું અને છેલ્લા દોઢ વર્ષથી બાંગ્લાદેશ સાથે પણ વેપાર કરી રહ્યો છું. મહિને એકથી દોઢ કરોડનું મારું ટર્નઑવર થાય છે તેમાંથી 25થી 30 લાખની પ્રૉડક્ટ તો બાંગ્લાદેશમાં જ નિકાસ કરું છું.”
આ વ્યવસાય તેઓ ઑર્ડરને આધારે કરે છે દર મહિનાની 30 તારીખે તેમને ઑર્ડર મળે છે અને તેઓ ઍક્સપોર્ટર્સ થકી તેનો સપ્લાય કરે છે. પરંતુ આ મહિને ઑર્ડર તેમને મળ્યો નથી અને તેમને 25થી 30 લાખનું નુકસાન થયું છે.'
ગુજરાતથી બાંગ્લાદેશ કઈ રીતે નિકાસ થાય છે?

ગુજરાતમાંથી બાંગ્લાદેશમાં વ્યવસાય કરવા માટે હાઇવે, દરિયાઈ અને હવાઈમાર્ગનો ઉપયોગ કરવામાં આવે છે.
ટેક્સટાઇલ અને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહે છે કે તેઓ નિકાસ માટે મુખ્યત્વે રોડ ટ્રાન્સપૉર્ટેશન અને ઍરકાર્ગોનો ઉપયોગ કરે છે. મોટા ભાગે વાયા રોડ જ નિકાસ કરવામાં આવે છે, કારણ કે તે ચારથી પાંચ દિવસમાં ગુજરાતથી કોલકતા પહોંચી જાય છે.
કૅમિકલ્સની નિકાસ પણ જમીનમાર્ગે અને દરિયાઈ માર્ગે કરવામાં આવે છે. દરિયાઈ માર્ગે મુખ્યત્વે ગુજરાતના મુંદ્રા પૉર્ટ, સુરતના હજીરા અને મુંબઈના જે.એન.પૉર્ટથી નિકાસ કરવામાં આવે છે. પરંતુ 70% નિકાસ ટ્રક ટ્રાન્સપૉર્ટ મારફતે જ કરવામાં આવે છે.
સુરત માટે અવસર

આ પ્રકારના માહોલમાં પણ બાંગ્લાદેશમાં વેપારની દૃષ્ટિએ ખાસ કરીને રેડીમેડ ગાર્મેન્ટ્સ વેપારમાં ભારતને લાભ થવાની શક્યતા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બાંગ્લાદેશમાંથી થતી નિકાસમાં પણ ટેક્સટાઇલક્ષેત્રનું મોટું યોગદાન છે. પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં આંતરરાષ્ટ્રીય ખરીદારો ભારત જેવા વૈકલ્પિક બજારો તરફ વળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
આ અંગે વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિલચાલમાં ભારત માટે ખાસ અવસર પણ છે. હાલમાં અનેક મોટી બ્રાન્ડ્સની ફૅક્ટરીઓ બાંગ્લાદેશમાં છે. તો કેટલીક બ્રાન્ડ્સ ત્યાં જોબવર્ક પણ કરાવે છે. પરંતુ હાલની પરિસ્થિતિને કારણે ત્યાં તમામ વેપાર બંધ જેવી હાલતમાં છે. ત્યારે અમેરિકા,યુકે, વિયતનામ,શ્રીલંકા સહિતના દેશો જે બાંગ્લાદેશથી આયાત કરતાં હતાં તે સદંતર બંધ થઈ ગઈ છે. એટલે આ દેશો પૈકી જે દેશો ચીન સાથે વેપાર કરવા નથી ઇચ્છતા એવા દેશો ભારતને પસંદ કરી શકે છે.”
કાપડ વેપારી લલિત શર્મા કહે છે કે, “ભારતમાં સિન્થેટિક કાપડનું સૌથી મોટું માર્કેટ સુરતમાં છે અને બાંગ્લાદેશથી જે કપડાં આવતાં હતાં તે સિન્થેટિકનાં હતાં. મોટી બ્રાન્ડ્સ અને વેપારીઓ પણ બાંગ્લાદેશથી આ કપડા મંગાવતા હતા. જેથી કરીને બાંગ્લાદેશની જીડીપી સતત ગ્રોથ કરી રહી હતી. પરંતુ હવે આ અવસર ભારતને મળી શકે છે. શૅરબજારમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં ગાર્મેન્ટ સેક્ટર ખૂબ જ ઊંચું ગયું છે. જેના દૂરોગામી પરિણામો જોઈએ તો પણ સુરતમાં રેડીમેડ ગાર્મેન્ટ સેક્ટરને ફાયદો થશે.”
કૈલાશ હકીમ કહે છે કે, “બાંગ્લાદેશમાં ઇનહાઉસ કોઈ કાપડ કે યાર્ન બનતું નથી. અન્ય દેશોનાં લોકો તેમને કાપડ આપી ગાર્મેન્ટ તૈયાર કરાવે છે. ત્યારે નજીકના ભવિષ્યમાં ભારત જેવો બીજો કોઈ દેશ નથી જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આ કામ કરી શકે. આમ, દેશમાં રેડીમેઇડ ગાર્મેન્ટ વેપાર ડાયવર્ટ કરવાનો આ સ્વર્ણિમ અવસર છે.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












