'ગુજરાતી સાડી પહેરતી દાદી અને મારાં માતાપિતા ભારે ભય અનુભવતાં', યુકે અને વંશવાદની કહાણી

રમખાણો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સીમા કોટેચા
    • પદ, વરિષ્ઠ યુકે સંવાદદાતા

યુકેમાં તાજેતરમાં માઇગ્રન્ટ વિરોધી રમખાણો દરમિયાન મસ્જિદો પર ઈંટો અને પથ્થરોથી હુમલા થયા છે. "અમને અમારો દેશ પાછો જોઈએ" એવા નારા સાથે રેલીઓ કાઢવામાં આવી. વંશીય હુમલા દરમિયાન એક માણસના માથા પર કથિત રીતે લાતો મારવામાં આવી હતી.

ઇંગ્લૅન્ડ અને ઉત્તર આયર્લૅન્ડમાં ગયા અઠવાડિયામાં જે હિંસાનાં દૃશ્યો જોવાં મળ્યાં, તેણે બ્રિટિશ એશિયનો માટે 1970 અને 80ના દાયકાની પીડાદાયક યાદો ફરી તાજી કરી દીધી છે. તે દાયકામાં પણ વ્યાપક વંશીય હિંસા ફાટી નીકળી હતી અને નેશનલ ફ્રન્ટનો ઉદય થઈ રહ્યો હતો.

જીવનના સાતમા દાયકામાં પહોંચેલા હરીશ પટેલ કહે છે કે તોફાનોએ તેમનું હૃદય તોડી નાખ્યું છે.

તેઓ કહે છે કે ટીનેજરોએ તેમનાં માતાપિતા અને દાદા-દાદી પાસેથી સાંભળ્યું હશે કે આ દેશમાં જીવન કેવું હોઈ શકે છે.

"તેમણે ધાર્યું હશે કે તે બધું તો સમાપ્ત થઈ ગયું છે. પરંતુ હવે તેઓ તેને જાતે અનુભવી રહ્યા છે."

એશિયન અને લઘુમતી સમુદાયોમાં ભયનું વાતાવરણ

રમખાણો દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ

ઇમેજ સ્રોત, Getty Images

યુકેના સાઉથપૉર્ટમાં ત્રણ નાની બાળકીઓ પર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્યારથી આ રમખાણ શરૂ થયાં છે. ત્યાર બાદ શંકાસ્પદ હુમલાખોર મુસ્લિમ શરણાર્થી હતો તેવી ખોટી અટકળો ફેલાઈ હતી.

તેના કારણે એશિયન અને લઘુમતી સમુદાયોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

મુંગરા એ 50 વર્ષ પહેલાં કેન્યાથી યુકે આવેલાં વૃદ્ધ એશિયન મહિલા છે. તેમને આ હિંસાથી લંડનમાં પોતાના શરૂઆતના દિવસો યાદ આવી ગયા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમને એ વાતની ચિંતા હતી કે હિંસા વકરશે તો તેઓ નજીકની કૉર્નર શૉપ પર દૂધ લેવા નહીં જઈ શકે. તેઓ કહે છે, "તે દિવસોમાં અમે આવું અનુભવતાં હતાં અને હું ચિંતિત છું."

1950ના દાયકામાં યુકેની ફેકટરીઓ અને જાહેર સેવાઓમાં કામ કરવા માટે હજારો દક્ષિણ એશિયન લોકો આવ્યા હતા. તે વખતે બીજા વિશ્વયુદ્ધ પછી યુકેનું અર્થતંત્ર ફરી બેઠું થઈ રહ્યું હતું.

1970ના દાયકાની શરૂઆતમાં દક્ષિણ એશિયાના લોકોની વસતી લગભગ પાંચ લાખ સુધી પહોંચી ગઈ હતી, કારણ કે વિખૂટા પડેલા પરિવારો એક થઈ રહ્યા હતા અને એશિયનો ઈસ્ટ આફ્રિકાથી પલાયન કરી રહ્યા હતા. તેમાંથી ઘણાને યુગાન્ડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

તે વખતે ઇમિગ્રેશન એ રાજકીય રીતે વિવાદાસ્પદ મુદ્દો બની ગયો હતો.

1968માં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ એનોક પોવેલે તેમનું વિવાદાસ્પદ "રિવર્સ ઑફ બ્લડ" ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે સામૂહિક ઇમિગ્રેશનને મંજૂરી આપીને યુકે "પોતાની જ કબર ખોદી રહ્યો છે".

કટ્ટરવાદી જમણેરી નેશનલ ફ્રન્ટ સૌથી વધુ દેકારો કરતો હતો અને નિયમિત રીતે રેલીઓ યોજતો હતો. એશિયનોએ રોજેરોજ સતામણી અને પોલીસની નિર્દયતાનો સામનો કરવો પડતો હતો.

મુંગરા કહે છે, "વંશવાદનું વાતાવરણ અને ભય એટલો વ્યાપક હતો કે મારી ચામડીનો રંગ અલગ હતો એ ભૂલવું મારા માટે મુશ્કેલ હતું."

"શેરીમાં ચાલતી વખતે લોકોના અપશબ્દો સાંભળવા પડે એ સામાન્ય હતું."

મુંગરાએ પશ્ચિમ લંડનના મુખ્યત્વે એશિયનો જ્યાં વસે છે તે સાઉથહૉલમાં રમખાણો જોયાં હતાં. સ્થાનિક શીખ ટીનેજર ગુરદીપસિંહ ચગ્ગરની વંશીય હત્યાના ત્રણ વર્ષ પછી 1979માં આ તોફાનો થયાં હતાં.

સામાન્ય ચૂંટણીનાં કેટલાંક અઠવાડિયાં પહેલાં નેશનલ ફ્રન્ટે સાઉથહૉલના ટાઉન હૉલમાં એક બેઠક યોજવાનું નક્કી કર્યું.

કટ્ટરવાદી જમણેરી અને પોલીસની બર્બરતાના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા જેમાં મુખ્યત્વે એશિયનો હતા અને વંશવાદ વિરોધી સાથીઓ પણ સામેલ હતા.

મેટ પોલીસના અહેવાલ મુજબ આ તોફાનોમાં 21 પોલીસ કર્મચારી સહિત 40 લોકો ઘાયલ થયા હતા, 300ની ધરપકડ કરવામાં આવી હતી અને એક શિક્ષકનું મૃત્યુ થયું હતું. કદાચ એક પોલીસ અધિકારી દ્વારા તેમને જીવલેણ ફટકો મારવામાં આવ્યો હતો.

આ બહુ ભયંકર સમય હતો જેણે તેમાંથી પસાર થનારા લોકોને કાયમી આઘાત આપ્યો હતો. તેઓ મને ફરીથી મારા બાળપણના દિવસોમાં લઈ જાય છે.

"વંશવાદ હજી પણ જીવંત છે"

બુધવારે શેફિલ્ડમાં જાતિવાદના વિરોધમાં બધા સમુદાયના લોકોએ એકઠા થઈને પ્રદર્શન કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બુધવારે શેફિલ્ડમાં જાતિવાદના વિરોધમાં બધા સમુદાયના લોકોએ એકઠા થઈને પ્રદર્શન કર્યું હતું

હેમ્પશાયરમાં મારાં માતા-પિતાના ઘરના લેટરબૉક્સમાં જ્યારે સળગતા ફટાકડા મૂકવામાં આવ્યા ત્યારે હું માત્ર એક નાની બાળકી હતી. અમારા પડોશીઓને શેરીમાં વસતા એશિયનો પસંદ ન હતા.

મારો મોટો ભાઈ આગળના દરવાજા તરફ દોડી ગયો હતો અને મારાં માતાને હજુ યાદ છે કે તેમણે કેવી રીતે તેને રોક્યો હતો.

ત્યાર પછી તેઓ કલાકો સુધી ધ્રૂજતાં રહ્યાં. તે ક્ષણે તે કેટલી ડરી ગઈ હતી તેને તે ક્યારેય ભૂલી શકશે નહીં.

"મહિનાઓ અગાઉ અમારા ગેરેજના દરવાજા પર અપશબ્દો લખવામાં આવ્યા હતા. તે સમયે અમે મારી ગુજરાતી સાડી પહેરતી દાદી સાથે રહેતાં હતાં અને મારાં માતા-પિતાને અત્યંત અસુરક્ષા અનુભવતાં હતાં."

તેમને લાગ્યું કે 1980ના દાયકામાં તેઓ માત્ર બ્રિટનમાં સુખેથી જીવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને એટલા માટે નિશાન બનાવવામાં આવતા હતા કારણ કે તેઓ અલગ દેખાતા હતા.

આશ્ચર્યની વાત એ છે કે તેના દાયકાઓ પછી અત્યારે ફરીથી એશિયનો કહે છે કે તેમને ઘરની બહાર નીકળતા ડર લાગે છે, તેમાં મારા પરિવારના સભ્યો પણ સામેલ છે.

બોલ્ટનમાં વસતા ઇકબાલની ઉંમર 50 વર્ષથી વધુ છે. તેઓ કહે છે કે તેમનાં સંતાનોએ તેમને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે અને તેઓ ગભરાઈ ગયા છે. તેઓ કહે છે, "હું તો માનતો હતો કે વંશીય નફરતના દિવસો સમાપ્ત થઈ ગયા છે."

રમખાણોના સાત દિવસ દરમિયાન માઇગ્રન્ટને આશરો આપતી હોટલો પર હુમલા કરવામાં આવ્યા છે, લઘુમતીની માલિકીના દુકાનો લૂંટવામાં આવી છે અને તેમની કાર અને ઇમારતોને સળગાવી દેવામાં આવી છે. પોલીસે 400થી વધુ લોકોની ધરપકડ કરી છે.

તેમાં ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મસ્જિદો પર પથ્થરમારો થયો હતો, ઇસ્લામ વિરોધી નારા લગાવાયા હતા અને બર્નલીમાં મુસ્લિમ કબરોમાં તોડફોડ કરવામાં આવી હતી.

પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક યુવાનોનું કહેવું છે કે તેઓ પોતાની સુરક્ષા માટે પોલીસ પર ભરોસો કરી શકે તેમ નથી.

મોહમ્મદ નામના યુવાને કહ્યું કે, “અમને એવું નથી લાગતું કે તેઓ અમને મદદ કરશે કારણ કે તેમણે અત્યાર સુધી અમારી સુરક્ષા કરી નથી. અમને અસલામતી અનુભવાય છે. અમને લાગે છે કે અમારે જ અમારી સુરક્ષા કરવી પડશે. "

પરંતુ બુધવારે તેને લાગ્યું કે એક મહત્ત્વનો વળાંક આવ્યો છે.

લઘુમતી સમુદાય જ્યારે તોફાનોનો સામનો કરવાની તૈયારી કરતા હતા, ઇમિગ્રેશન વકીલોના નામ અને સરનામા ઑનલાઇન આપવામાં આવતા હતા ત્યારે મોટા પાયે અશાંતિ થઈ ન હતી.

તેના બદલે વંશવાદ વિરોધી હજારો લોકોએ સમગ્ર ઇંગ્લૅન્ડના મોટાં શહેરો અને ટાઉનમાં રેલી કાઢી. લોકોએ નારા લગાવ્યા, "અમારી શેરીઓમાં વંશવાદ ન જોઈએ."

લેન્કેશાયરના ઍક્રિંગ્ટનમાં એક સ્થાનિક મસ્જિદનું રક્ષણ કરવા ગયેલા ફાસીવાદ વિરોધી મુસ્લિમોને પબગોઅર્સે ગળે લગાવ્યા હતા અને એકતાનાં દૃશ્યો સર્જાયાં હતાં.

આ જૂથમાં સામેલ હદ્દી મલિકે કહ્યું, "ત્યાં 'સન્માન'ની વાત કરવામાં આવી જે અદ્ભુત હતી. આ બધી ઉગ્ર -જમણેરી હિંસા રોકવા માટે આપણે એકતા દેખાડવાની જરૂર છે."

આ શક્તિ પ્રદર્શને લોકોને આશા અને હિંમત આપી છે અને રાહતની લાગણી પ્રદાન કરી છે.

પરંતુ ધાકધમકીનો દોર હજુ શાંત નથી થયો. કેટલાકના મનમાં સવાલ થાય છે કે શું તેમને ખરેખર આ દેશમાં સ્વીકારવામાં આવે છે.

20 વર્ષીય મુસ્લિમ યુવાન હમઝા મોરિસ કહે છે, “હું એવું અનુભવવા માંગતો નથી. હું પણ તેમના જેટલો જ આ દેશનો ભાગ છું."

આ દરમિયાન મુંગરાને ગહન બેચેનીની લાગણી અનુભવાય છે.

તેઓ કહે છે, "ગયા અઠવાડિયાની ઘટનાઓએ મને એવું વિચારવા મજબૂર કરી દીધી કે ખરેખર કંઈ ખાસ બદલાયું નથી. વંશવાદ હજી પણ જીવંત છે અને અમને વાસ્તવમાં ક્યારેય સમાન નજરે જોવામાં આવશે નહીં ... બિલકુલ નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.