મહારાષ્ટ્ર: પુણેમાં નદી પર બનેલો પુલ તૂટ્યો, ચાર લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

મહારાષ્ટ્રના પુણેમાં માવલ તાલુકામાં ઇંદ્રાયણી નદી પર બનેલો એક પુલનો ભાગ રવિવારે તૂટી ગયો જેને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક પર્યટકો ઘાયલ થયા છે. આ માહિતી પોલીસે આપી છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને જણાવ્યું કે બચાવ કામગીરી હજુ ચાલી રહી છે. સાથે તેમણે કહ્યું કે એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

એનડીઆરએફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે આ દુર્ઘટનામાં કુલ ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. 35 લોકોને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

અગાઉ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં બે લોકોનાં મૃત્યુ થયાં છે અને 32 લોકો ઘાયલ છે જ્યારે કે છ લોકોની હાલત ગંભીર છે.

ફડણવીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "દુર્ઘટનાની ખબર સાંભળીને મને દુ:ખ થયું. પ્રારંભીક જાણકારી પ્રમાણે બેનાં મૃત્યુ થયાં છે. અમે એ પરિવારોના દુ:ખમાં સામેલ છે, એનડીઆરએફને તહેનાત કરવામાં આવી છે અને રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે."

મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી અજિત પવારે દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને અકસ્માતનાં કારણોની તપાસ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્ર: પુણેમાં નદી પર બનેલો પુલ તૂટ્યો, બે લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

મહારાષ્ટ્રના પુણેમાં માવલ તાલુકામાં ઇંદ્રાયણી નદી પર બનેલો એક પુલનો ભાગ રવિવારે તૂટી ગયો જેને કારણે બે લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક પર્યટકો ઘાયલ થયા છે. આ માહિતી પોલીસે આપી છે.

પિંપરી-ચિંચવડ ઝોન 2ના ડીસીપી વિશાલ ગાયકવાડે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું, "આ જૂનો લોખંડનો પુલ હતો, જે આજે (રવિવારે) બપોરે 3-30 વાગ્યે તૂટી ગયો."

તેમના જણાવ્યા પ્રમાણે બે લોકોનાં મૃત્યુ થયાં છે અને જેમને બચાવવામાં આવ્યા છે તેમને ઇલાજ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પિંપરી-ચિંચવડ પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 12 પર્યટકો ઘાયલ થયા છે.

આ અકસ્માત પિંપરી-ચિંચવડ પોલીસ સ્ટેશન ક્ષેત્રના કુંડમલા ગામ પાસે થયો હતો.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આ અકસ્માતમાં 10થી 15 લોકો ફસાયા હોય શકે છે.

જોકે, હજુ સ્પષ્ટ નથી કે ઘટના સમયે પુલ પર કેટલા લોકો હતા અને કેટલા લોકો પુલ પરથી નદીમાં પડ્યા. અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કુંડમલા આ વિસ્તારનું પર્યટન સ્થળ છે. સપ્તાહના અંતમાં અહીં પર્યટકોની ભીડ રહે છે. મનાય છે કે રવિવારે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.

પ્રદેશના મંત્રી ગિરીશ મહાજને કહ્યું છે કે રાહત અને બચાવની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

ઈરાન-ઇઝરાયલ તણાવ વચ્ચે ઇસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીએ શું કહ્યું?

ઇઝરાયલ સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ઇસ્લામિક દેશોના સંગઠન ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન(ઓઆઈસી)ના મહાસચિવ હિસેન બ્રાહિમ તાહા સાથે ફોન પર વાત કરી છે.

બંને વચ્ચે થયેલી વાતચીત બાદ ઓઆઈસીએ ઇઝરાયલી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને ઈરાન પ્રત્યે એકજૂટતાની વાત કરી છે.

આ વાતચીતની જાણકારી ઓઆઈસી તરફથી જારી એક નિવેદનમાં આપવામાં આવી હતી.

ઓઆઈસી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું, "ચર્ચા હાલમાં ઇઝરાયલ તરફથી ઈરાન પર કરવામાં આવેલા સૈન્ય હુમલા પર કેન્દ્રિત હતી."

નિવેદન પ્રમાણે ચર્ચા દરમિયાન ઇઝરાયલ તરફથી થયેલા હુમલાનું કારણ ક્ષેત્રીય સ્થિરતા પર પડનારા ગંભીર પ્રભાવ પર ભાર મૂકવામાં આવ્યો.

નિવેદનમાં એમ પણ કહેવાયું, "મહાસચિવે ઓઆઈસી મહાસચિવાલય તરફથી આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે અને ઈરાન તરફે એકજૂટતા દેખાડી છે."

શુક્રવારે રાત્રે ઇઝરાયલે ઈરાનનાં પરમાણું કેન્દ્રોને નિશાન બનાવ્યાં હતાં. વળતા જવાબમાં ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ છોડી હતી.

આ સંઘર્ષ બાદ બંને દેશો દ્વારા એકબીજા પર હુમલા ચાલુ રાખ્યા છે. શનિવારે રાત્રે પણ ઇઝરાયલ અને ઈરાને એકબીજા પર હુમલા કર્યા છે.

કૉંગ્રેસે ઈરાન પર ઇઝરાયલના હુમલાની કરી નિંદા

કૉંગ્રેસે ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ઍક્સ પર પોસ્ટ કરીને આ હુમલાની નિંદા કરી છે.

તેમણે લખ્યું, "ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ઈરાન પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હાલના હુમલા અને ટાર્ગેટેડ હત્યાઓની સખત નિંદા કરી છે. પાર્ટીનું કહેવું છે કે આ ઈરાનની સંપ્રભુતા અને અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. તથા આ વિસ્તારમાં અસ્થિરતા વધી શકે છે."

"કૉંગ્રેસ પાર્ટીનું માનવું છે કે સમસ્યાનો હલ વાતચીત, કૂટનીતિ અને સહયોગથી જ કાઢી શકાય છે. ન કે હુમલો કરવાથી કે હિંસા કરવાથી. કૉંગ્રેસ ઇચ્છે છે કે તમામ સૈન્ય કાર્યવાહી તરત રોકવામાં આવે."

આ પોસ્ટમાં જયરામ રમેશે ભારત અને ઈરાન વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોની વાત પણ કરી. તેમણે કહ્યું કે કેટલાંક વર્ષોમાં ભારતે ઇઝરાયલ સાથે પણ સંબંધ વધાર્યા છે.

તેમણે લખ્યું, "આવી પરિસ્થિતિમાં ભારત પાસે તક છે અને જવાબદારી પણ કે આ તણાવને ઘટાડવામાં મદદ કરે અને વાતચીતની પહેલ કરે."

તેમણે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા પર ચિંતા પણ વ્યક્ત કરી છે.

તેમણે લખ્યું, "પશ્ચિમ એશિયામાં લાખો ભારતીયો રહે છે. તેથી અહીંની શાંતિ માત્ર વિદેશનીતિ માટે જ નહીં પરંતુ ભારતીય રાષ્ટ્રીય હિતનો વિષય છે."

"કૉંગ્રેસ કામના કરે છે કે ભારત સરકાર આ મામલે સ્પષ્ટ વલણ અપનાવે, સમજદારીથી કામ લે અને શાંતિ માટેની તમામ કોશિશ કરે."

અરુણાચલ પ્રદેશનાં હિલાંગ યાજિકે બૉડીબિલ્ડિંગમાં રચ્યો ઇતિહાસ

અરુણાચલ પદેશનાં હિલાંગ યાજિકે 15મી સાઉથ એશિયન બૉડીબિલ્ડિંગ ઍન્ડ ફિઝિક સ્પૉર્ટ્સ ચૅમ્પિયનશિપમાં ભારત માટે એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે.

તેમની આ જીતની જાણકારી સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પોતાના ઍક્સ એકાઉન્ટ પરથી આપી.

તેમણે લખ્યું, "ભારતનાં મિસ હિલાંગ યાજિકે ભુતાનના થિમ્ફુ ખાતે આયોજિત 15મી સાઉથ એશિયન બૉડીબિલ્ડિંગ ઍન્ડ ફિઝિક સ્પૉર્ટ્સ ચૅમ્પિયનશિપ 2025માં એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે."

"અરુણાચલ પ્રદેશનાં રહેવાસી હિલાંગ યાજિકે આ જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. તેમને દિલથી અભિનંદન."

પોતાની આ જીત પર હિલાંગ યાજકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે.

તેમણે લખ્યું, "ગત વર્ષે હું કોઈ આંતરરાષ્ટ્રીય મેડલ જીતવામાં સફળ નહોતી રહી. મારું દિલ તૂટી ગયું હતું, પરંતુ મેં હાર ન માની, મેં હજુ વધુ મહેનત કરી અને પોતાનું 110% આપ્યું."

"હું આ મેડલ પોતાના દેશ, પોતાના રાજ્ય અરુણાચલ પ્રદેશ, મારા કોચ અને પોતાની જાતને સમર્પિત કરું છું."

ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરેથી પરત ફરી રહેલું હેલિકૉપ્ટર ક્રૅશ, સાતનાં મોત

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં રવિવારે એક હેલિકૉપ્ટર ક્રૅશ થયું છે, જેમાં છ પુખ્ત લોકો અને એક શિશુનું મૃત્યુ થયું છે. આ હેલિકૉપ્ટર યાત્રિકોને કેદારનાથ મંદિરેથી ગુપ્તકાશીના બેઝ પર પાછા લાવી રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના થઈ હતી.

અચાનક હવામાન ખરાબ થવાને કારણે હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. જિલ્લા પર્યટન અધિકારી તથા હેલિકૉપ્ટર સેવાના નૉડલ ઑફિસર રાહુલ ચૌબેએ જણાવ્યું હતું :

"આજે સવારે હેલિ (હેલિકૉપ્ટર) મીસિંગ વિશે માહિતી મળી હતી. આ જાણકારી મળતા જ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી."

"પ્રાથમિક માહિતી પ્રમાણે, આર્યન ઍવિયેશનનું હેલિકૉપ્ટર કેદારનાથથી શ્રદ્ધાળુઓને લઈને પોતાના બેઝ ગુપ્તકાશી ખાતે પરત ફરી રહ્યું હતું."

"આ દરમિયાન ઘાટીમાં અચાનક જ હવામાન પલટાયું હતું. પાઇલટે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન હેલિ (હેલિકૉપ્ટર) ક્રૅશ થઈ ગયું હતું."

ચૌબેના કહેવા પ્રમાણે, વિમાનમાં પાઇલટ, પાંચ પુખ્ય યાત્રાળુ અને એક શિશુ હતાં.

આ પહેલાં મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દુર્ઘટના વિશે માહિતી આપતા લખ્યું, "રૂદ્રપ્રયાગમાં હેલિકૉપ્ટર દુર્ઘટનાના દુખદાયક સમાચાર મળ્યા છે."

પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે રાહત અને બચાવકાર્યમાં ઉત્તરાખંડ પોલીસ, એનડીઆરએફ (નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ), એસડીઆરએફ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) તથા સ્થાનિક વહીવટીતંત્રના લોકો જોડાયા છે.

અમેરિકાની સેનાની 250મી વર્ષગાંઠે વિશાળ પરેડ, બીજી બાજુ ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો

રવિવારે અમેરિકાની સેનાની સ્થાપનાની 250મી વર્ષગાંઠ ઊજવવામાં આવી. આ તકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેનાને સંબોધિત કરી હતી.

બીજી બાજુ, અમેરિકામાં અનેક સ્થળોએ ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા હતા.

ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, "અમેરિકાના દુશ્મનોએ દરેક વખત જાણ્યું છે કે જો તમે અમારા લોકોને ડરાવવાનો પ્રયાસ કરશો, તો અમારા સૈનિક જવાબ આપવા ચોક્કસથી આવશે."

"આપણા સૈનિક ક્યારેય હાર નથી માનતા, ક્યારેય હથિયાર હેઠાં નથી મૂકતા અને ક્યારેય પીછેહઠ નથી કરતા. તેઓ સતત લડે છે અને હંમેશાં વિજયી થઈને જ પરત ફરે છે."

બીજી બાજુ, વૉશિંગ્ટન ડીસીમાં રિફ્યૂઝ ફાસિઝમ ડૉટ ઓઆરજી નામના સંગઠને વ્હાઇટ હાઉસ તરફ કૂચ કરી, જેમાં લગભગ એક હજાર લોકો સામેલ થયા હતા.

આ કૂચ પહેલાં વૉશિંગ્ટન ડીસીના લોગાન સર્કલ વિસ્તારમાં એક રેલી યોજાઈ હતી, જ્યાં એક પૂર્વ સૈનિક તથા એક ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા સહિત અનેક લોકોએ ભીડને સંબોધિત કરી હતી.

અમેરિકાના લૉસ એન્જલસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે વિરોધપ્રદર્શન થયાં હતાં. એ પછી ત્યાંની સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી.

ટ્રમ્પે લૉસ એન્જલસમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોને અટકાવવા માટે નૅશનલ ગાર્ડ્સના ચાર હજાર જવાન તથા 700 મરીન તહેનાત કરવાના આદેશ આપ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન