અનુરા કુમારા દિસાનાયકે: 'અદાણી પ્રોજેક્ટનો વિરોધ કરનારા' અને 'ચીન તરફી' મનાતા શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કોણ છે?

Anura Disanayake New President Sri Lanka

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિજેતા બનેલા અનુરા કુમારા દિસાનાયકે

વામપંથી દળ નેશનલ પીપલ્સ પાવરના નેતા અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

દિસાનાયકેને 5,740,179 વોટ મળ્યા. અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમના પ્રતિસ્પર્ધી સજીથ પ્રેમદાસાને 4,530,902 વોટ મળ્યા.

શ્રીલંકાના ઇતિહાસમાં પહેલીવાર બીજા રાઉન્ડની મતગણતરી બાદ રાષ્ટ્રપતિપદનું પરિણામ જાહેર થયું છે.

બીજા રાઉન્ડમાં અનુરા કુમારા દિસાનાયકે સામે સામગી 'જનાબલેવગા દળ'ના સજીથ પ્રેમદાસા હતા.

જીત બાદ દિસાનાયકેએ કહ્યું છે કે આ ઉપલબ્ધિ કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ હજારો લોકોના પ્રયાસનું પરિણામ છે.

દિસાનાયકે મતદાતાઓને ભ્રષ્ટાચાર વિરોધી પગલાં ઊઠાવવા અને સારી સરકાર આપવાનો વાયદો કરી ચૂક્યા છે.

તેઓ પોતાને મજૂરોનો અવાજ ઊઠાવનારા નેતા માને છે. પોતાના ચૂંટણી પ્રચારમાં તેમણે જે સંદેશો આપ્યો તે મતદાતાઓને પસંદ પડ્યો હોવાનું મનાય છે. શ્રીલંકાના સંકટમાં તેમણે વ્યવસ્થિત બદલાવની માગ કરી હતી.

પહેલા રાઉન્ડની ગણતરી બાદ જ દિસાનાયકેને અભિનંદનના સંદેશાઓ મળવાના શરૂ થઈ ગયા હતા.

પહેલા રાઉન્ડની ગણતરી બાદ શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ ઍક્સ પર લખ્યું, "મેં રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘે માટે જોરશોરથી પ્રચાર કર્યો પરંતુ શ્રીલંકાની જનતાએ પોતાનો નિર્ણય આપી દીધો છે અને હું એ ચુકાદાનું સન્માન કરું છું."

પ્રેમદાસાનું સમર્થન કરનારા સાંસદ હર્ષા ડી સિલ્વાએ કહ્યું કે તેમણે દિસાનાયકેને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. તેમણે કહ્યું, "અમે પ્રેમદાસા માટે ઘણી મહેનત કરી પરંતુ તે કામ ન આવી. સ્પષ્ટ છે કે દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનશે."

પ્રેમદાસાની પાર્ટીના સહયોગી દળ તામિલ નેશનલ એલાયન્સ(ટીએનએ)ના પ્રવક્તા એમ. એ. સુમનથિરનના મત પ્રમાણે દિસાનાયકેએ 'જાતિ કે ધર્મની કટ્ટરતા'ના રાજકારણથી દૂર રહીને 'પ્રભાવશાળી જીત' હાંસલ કરી છે.

કોણ છે અનુરા કુમારા દિસાનાયકે?

અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનશે

ઇમેજ સ્રોત, SHARA S. KODIKARA/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અનુરા કુમારા દિસાનાયકેનો જન્મ 24 નવેમ્બર, 1968ના રોજ અનુરાધાપુરમ જિલ્લાના તમ્બુથેગામા વિસ્તારમાં થયો હતો.

તેમણે તમ્બુથેગામાના કામિની મહાવિદ્યાલયમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને તમ્બુથેગામા સેન્ટ્રલ કૉલેજથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. પછી તેમણે યુનિવર્સિટી ઑફ પેરાદેનિયામાં અભ્યાસ કર્યો હતો.

શાળાકીય જીવનથી જ અનુરા કુમારાને રાજકારણ પ્રત્યે ઘણો લગાવ હતો. 19 વર્ષની ઉંમરે જ તેઓ શ્રીલંકાની માર્ક્સવાદી-લેનિનવાદી ડાબેરી પાંખ જનતા વિમુક્તિ પેરામુના(જેવીપી)માં જોડાઈ ગયા હતા.

થોડા સમય બાદ તેમણે પેરાદનાઈ યુનિવર્સિટી છોડીને કેલાની યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો હતો.

1995 સુધીમાં જનતા વિમુક્તિ મોર્ચાએ તેમને સોશિયાલિસ્ટ સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝરના રાષ્ટ્રીય કન્વીનર નિયુક્ત કરી દીધા હતા. પક્ષની કેન્દ્રીય વર્કિંગ કમિટીમાં પણ તેમનો સમાવેશ કરી દેવામાં આવ્યો હતો.

2000માં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં જનતા વિમુક્તિ પેરામુના તરફથી ચૂંટણી લડીને તેઓ સંસદમાં પહોંચ્યા હતા. 2001ની ચૂંટણીમાં ફરીથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

2004માં યોજાયેલી છેલ્લી સંસદીય ચૂંટણીમાં જેવીપીએ શ્રીલંકા ફ્રીડમ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું અને 39 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. તેઓ 1,53,868 મતો મેળવીને સંસદમાં પહોંચ્યા હતા.

શ્રીલંકા ફ્રીડમ પાર્ટી અને જેવીપીએ સાથે મળીને સરકાર રચી હતી. અનુરા કુમારાએ શ્રીલંકાના કૃષિ અને સિંચાઈ મંત્રી તરીકે એ સરકારમાં કાર્યભાર સંભાળ્યો હતો.

પરંતુ જ્યારે ચંદ્રિકા કુમારાતુંગાની સરકારે એલટીટીઈ સાથે મળીને ઉત્તર અને પૂર્વ ભાગમાં સુનામી પછીનું રાહતકાર્ય શરૂ કર્યું ત્યારે જેવીપીએ તેમનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ અનુરા કુમારાએ પણ રાજીનામું આપી દીધું હતું.

છેલ્લી ચૂંટણીમાં ત્રીજા નંબર પર રહ્યા હતા

ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા

વર્ષ 2014માં અનુરા કુમારાને જેવીપીના નવા અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

એ સમયગાળા દરમિયાન પીપલ્સ લિબરેશન ફ્રન્ટના નેતૃત્ત્વ હેઠળ જ્યારે નેશનલ પીપલ્સ પાવરની રચના થઈ હતી.

અનુરા કુમારાએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પહેલીવાર 2019માં ઝંપલાવ્યું હતું. નેશનલ પીપલ પાવર તરફથી તેઓ લડ્યા હતા.

એ ચૂંટણીમાં તેઓ માત્ર 3 ટકા મત મેળવી શક્યા હતા અને ત્રીજા ક્રમે રહ્યા હતા.

જ્યારે 2019માં ગોટ્ટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યા તે પછી અનુરા કુમારા દિસાનાયકે સતત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા રહ્યા હતા. આથી, તેમના સમર્થકોમાં દિવસેને દિવસે વધારો થતો ગયો. દેશમાં આવેલી મંદીના સમયમાં પણ તેઓ વિવિધ પ્રદર્શનો કરવામાં સૌથી મોખરે રહ્યા હતા.

પક્ષની ભૂતકાળની હિંસા અંગે પ્રચારમાં માફી માગી

અનુરા કુમારા દિસાનાયકે પ્રથમ વખત 2019ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનુરા કુમારા દિસાનાયકે પ્રથમ વખત 2019ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા હતા

આ વખતની તેમની ચૂંટણીસભાઓ જોઇએ તો પહેલાં કરતાં એમની સભાઓ ખૂબ મોટી થતી હતી. પણ જે વ્યક્તિને ગત ચૂંટણીમાં માત્ર ત્રણ ટકા મત જ મળ્યા હતા તેને આ ચૂંટણીમાં વિજય કેવી રીતે મળ્યો? આ સવાલ ઘણા લોકોને સતાવી રહ્યો છે. તેમના રાષ્ટ્રપતિપદે ચૂંટાવાથી અનેક લોકોનાં ભવાં તણાયાં છે.

તેઓ ભલે આ ચૂંટણી નેશનલ પીપલ્સ પાવર ગઠબંધન તરફથી લડી રહ્યા હોય પરંતુ તેમના પક્ષ જનતા વિમુક્તિ પેરામુનાની તાસીર હિંસક પક્ષ તરીકેની રહી છે.

વર્ષ 1971માં, જેવીપી બંદારાનાયકેની સરકારની વિરોધમાં હતી. હજારો લોકો એ વિરોધપ્રદર્શનોમાં માર્યા ગયા હતા.

એ જ રીતે તેમના પક્ષે ભારત-શ્રીલંકા વચ્ચે 1987-89ના ગાળામાં થયેલા શાંતિકરારનો પણ વિરોધ કર્યો હતો. એ સમયે થયેલા રમખાણોમાં હજારો લોકો મૃત્યુ પામ્યાં હતાં.

પરંતુ બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં વર્ષ 2014માં તેમણે જેવીપીના અધ્યક્ષ બન્યા પછી તેમના પક્ષે ભૂતકાળમાં થયેલી હિંસા અંગે માફી માગી હતી. આ પહેલી અને છેલ્લી વાર હતું કે જ્યારે તેમના પક્ષે શ્રીલંકામાં થયેલી હિંસા અંગે માફી માગી હોય.

તામિલો મુદ્દે કેવું વલણ રહ્યું છે?

શ્રીલંકામાં વર્ષ 2022માં પ્રદર્શનો થયાં હતાં ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિએ પોતાનું પદ છોડવું પડ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકામાં વર્ષ 2022માં પ્રદર્શનો થયાં હતાં ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિએ પોતાનું પદ છોડવું પડ્યું હતું

ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલા શાંતિ કરાર પછી શ્રીલંકામાં 13મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા હેઠળ શ્રીલંકાના બંધારણે કેટલાક પ્રાંતને વિશેષ અધિકારો આપ્યા હતા.

પ્રાંતીય સમિતિઓને આ સુધારાને કારણે જમીન, પોલીસ અને નાણા સંબંધી વિશેષાધિકારો આપવામાં આવ્યા હતા. જોકે, તેનું અત્યાર સુધી અમલીકરણ થયું ન હતું.

દેશના ઉત્તર અને પૂર્વીય વિસ્તારોની તેમણે આ વર્ષે એપ્રિલ મહિનામાં મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું હતું, “હું 13મા સુધારાને લાગુ કરવા જઈ રહ્યો છું. હું અહીં તમારી પાસે મત માગવા આવ્યો નથી. હું તમને અધિકાર આપવા આવ્યો છું.”

તેમની આ જાહેરાતને કારણે તામિલ વર્તુળોમાં નારાજગીનો સૂર દેખાતો હતો.

જોકે, જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમણે પોતાનો સૂર બદલ્યો હતો.

એ જ જાફના વિસ્તારની તેમણે ફરીથી મુલાકાત લીધી હતી અને તામિલ રાજકીય નેતાઓ સાથે મુલાકાતો કરી હતી. એ મુલાકાતો પછી તેમણે જણાવ્યું હતું કે પ્રાંતીય સમિતિઓ કામ કરતી રહેશે.

પરંતુ તેમણે આ પ્રાંતીય સમિતિઓને વધુ અધિકારો આપવા વિશે કોઈ ફોડ પાડ્યો ન હતો. જોકે, તેમનો પક્ષ પણ આ મામલે પહેલાં વિરોધ કરતો રહ્યો છે.

હવે નવી ભૂમિકામાં તેમની પાર્ટી શું કરશે તે જોવું રહ્યું.

અદાણી પ્રોજેક્ટનો વિરોધ

અદાણી પ્રોજેક્ટનો વિરોધ, શ્રીલંકા, રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિસાનાયકેના પ્રચારમાં આવેલા લોકો

દ્વિપક્ષીય સંબંધોની વાત કરીએ તો ભારત અને ચીન આ બંને દેશો શ્રીલંકા માટે ખૂબ મહ્ત્ત્વના છે.

બંને દેશોએ શ્રીલંકાને અતિશય લૉન આપેલી છે. એક ડાબેરી પક્ષ તરીકે જેવીપી એ ચીન પ્રત્યે કૂણું વલણ રાખશે તેવું મનાય છે. ભારત-શ્રીલંકા વચ્ચે થયેલો કરાર કે જે પ્રાંતને વધુ અધિકારો આપે છે તેનો પણ આ પક્ષ વિરોધ કરશે તેવું મનાય છે.

જેવીપી માને છે કે આ કરાર ભારત દ્વારા શ્રીલંકા પર થોપવામાં આવ્યો છે.

એક રાજકીય ચર્ચામાં ભાગ લેતી વખતે સપ્ટેમ્બર 16ના રોજ અનુરાએ કહ્યું હતું કે, “અદાણી ગ્રૂપનો વિન્ડ પાવર પ્રોજેક્ટ રદ્દ થવો જોઇએ. આ પ્રોજેક્ટ શ્રીલંકાના સાર્વભૌમત્ત્વની વિરુદ્ધમાં છે.”

જોકે, તેમણે કહ્યું હતું કે તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેના કારણે શ્રીલંકાને વીજળી વધારાની કિંમત વસૂલીને આપવામાં આવશે.

પરંતુ તેમનો પક્ષ સતત કહેતો રહે છે કે તેઓ આ ક્ષેત્રમાં એકપણ અન્ય તાકાત સામે ઝૂકશે નહીં. અનુરા કુમારા ભારત પણ આવી ચૂકેલા છે.

આથી, ભવિષ્યમાં તેમનું વલણ ભારત પ્રત્યે કેવું રહેશે તે જોવાનું રહેશે.

હવે જોવાનું એ રહેશે કે શ્રીલંકા જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તેમાંથી તેને બહાર કાઢવા તેઓ શું પગલાં ભરે છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.