વડા પ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ બાઇડનના કાર્યકાળના અંતમાં કેટલો મહત્ત્વપૂર્ણ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે
અમેરિકામાં થોડા જ દિવસોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ત્રણ દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. થોડા સમય પછી બાઇડન યુએસના રાષ્ટ્રપતિ નહીં રહે તે નક્કી છે ત્યારે પીએમ મોદીએ આ પ્રવાસ ખેડ્યો છે.
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે કમલા હૅરિસ અથવા ડોનાલ્ડ ટ્રમ્પ આવશે અને નવું વહીવટીતંત્ર તેમના નેતૃત્વમાં કામ કરશે.
વડા પ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અનેક મહત્ત્વના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે.
પીએમ મોદી સોમવારે અન્ય વૈશ્વિક નેતાઓની સાથે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 'સમિટ ઑફ ધ ફ્યુચર'ને સંબોધિત કરશે. આ સંમેલનનો હેતુ જળવાયુ પરિવર્તન, ટૅકનૉલૉજી અને અસમાનતા જેવા મોટા પડકારોનો સામનો કરવાનો છે.
શનિવારે (ભારતીય સમય મુજબ રવિવારે વહેલી સવારે) વડા પ્રધાન મોદીએ બાઇડનના હોમટાઉન વિલમિંગ્ટનમાં આયોજિત ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે રાષ્ટ્રપતિ બાઇડન સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.
આ બધાની વચ્ચે વડા પ્રધાન મોદી રવિવારે અમેરિકામાં ઉદ્યોગ જગતના આગેવાનોને મળશે અને ભારતીય પ્રવાસીઓની એક સભાને સંબોધશે.
બાઈડનથી આગળ ભારત-અમેરિકાના સંબંધો

ઇમેજ સ્રોત, ANI
વર્ષ 2006માં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન જ્યારે સિનિયર સૅનેટર હતા, ત્યારે તેમણે ભારતીય પત્રકાર અઝીઝ હનીફાને આપેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે, "વર્ષ 2020માં ભારત અને અમેરિકા વિશ્વના બે સૌથી નજીકના દેશો હશે."
આ ઇન્ટરવ્યૂ ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે અમેરિકી સૅનેટમાં નાગરિક પરમાણુ સંધિ પર વાટાઘાટ ચાલી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મુલાકાત દરમિયાન બાઇડને એવી આશા પણ વ્યક્ત કરી હતી કે 21મી સદીમાં વૈશ્વિક સુરક્ષાના નિર્માણ માટે જે ત્રણ કે ચાર સ્થંભ હશે તેમાં ભારત અને અમેરિકા સામેલ હશે.
આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ બાઇડનના કાર્યકાળમાં ભલે થોડા જ દિવસો બાકી રહ્યા હોય, છતાં વડા પ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.
વિદેશ સંબંધોના નિષ્ણાત સી રાજા મોહન લખે છે, "2020ના અંતમાં પ્રશ્ન એ હતો કે શું બાઇડન વહીવટીતંત્ર ટ્રમ્પના કાર્યકાળની નિર્ધારિત ત્રણ નીતિઓને જાળવી રાખશે? આ ત્રણ નીતિઓ હતી - અફઘાનિસ્તાનમાં સતત સૈન્ય હાજરીની નિષ્ફળતાને ઓળખવી, પાકિસ્તાન સાથે સંબંધો નબળા પડવા, અને એશિયામાં ચીનના આક્રમણનો સામનો કરવો."
તેઓ લખે છે, "અમેરિકાની રણનીતિના સંદર્ભમાં પ્રથમ બે પરિબળોએ પાકિસ્તાનને હાંસિયામાં ધકેલી દીધું... ત્રીજું પરિબળ ચીનને અમેરિકા માટે એક પડકાર તરીકે રજૂ કરે છે. ચીનને ચાર દાયકાથી અમેરિકાનું ભાગીદાર ગણ્યા પછી આવી સ્થિતિ છે."
વિશ્લેષકો માને છે કે જો બાઇડન એવા નેતા છે જેઓ અમેરિકા-ભારતના સંબંધોને મજબૂત કરવામાં અંગત રીતે રસ ધરાવે છે.

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વૉશિંગ્ટન ડીસી ખાતે વિલ્સન સેન્ટર થિંક ટેન્કની સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર માઇકલ કુગેલમેન કહે છે, "બાઇડને જ આ સંબંધોને 21મી સદીની સૌથી મહત્ત્વપૂર્ણ અમેરિકન ભાગીદારીમાંની એક ગણાવી છે. બાઇડન એવી વ્યક્તિ છે જેમને આ સંબંધને મજબૂત કરવામાં ખરેખર રસ છે."
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સતત વધો જાય છે અને તે 200 અબજ ડૉલરને પાર કરી જશે તેવો અંદાજ છે. અમેરિકા હાલમાં ભારતના ટોચના વ્યાપારી ભાગીદારોમાં ગણાય છે.
આ ઉપરાંત, ભારત ચીનના વિકલ્પ તરીકે વૈશ્વિક ઉત્પાદન હબ બનવા માટે પગલાં લઈ રહ્યું છે અને તેમાં અમેરિકાનો સહયોગ મહત્ત્વપૂર્ણ છે.
આ દિશામાં જાન્યુઆરી 2023માં 'ક્રિટિકલ અને ઇમર્જિંગ ટૅક્નૉલૉજી' પર બંને દેશો વચ્ચે પહેલ થઈ જે મહત્ત્વનું પગલું હતું. તેનો હેતુ હતો, "બંને દેશોની સરકારો, વ્યવસાયો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વ્યૂહાત્મક તકનીકી ભાગીદારી અને સંરક્ષણ ઔદ્યોગિક સહકાર વધારવો અને તેનું વિસ્તરણ કરવું."
વૉશિંગ્ટનસ્થિત વિવેચકો વડા પ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન 'લોકશાહી પતન' અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. પરંતુ ભારત અને યુએસના સંબંધો વધુ મજબૂત થવા જોઈએ તે વિશે અમેરિકાના બંને મુખ્ય પક્ષો સહમત છે.
તેનું એક કારણ એ છે કે ભારતને ઇન્ડો-પેસિફિકમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે ઉપયોગી દેશ તરીકે જોવામાં આવે છે. જોકે, ભારતનો દૃષ્ટિકોણ અલગ છે.
જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટીના એપ્લાઇડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર અને રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની આર્થિક સલાહકારોની કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય સ્ટીવ એચ. હેન્કી કહે છે, "આંતરરાષ્ટ્રીય મંચ પર હોવું એ માત્ર તેમના માટે જ નહીં, પણ ભારત માટે પણ સારું છે. મોદીની નજર સંરક્ષણ, ટૅક્નૉલૉજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર પર રહેશે."
ઐતિહાસિક સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ બાઇડનનો હવે થોડા મહિનાનો જ કાર્યકાળ બાકી રહ્યો છે, પરંતુ વડા પ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે.
ઑક્ટોબર 2008માં અમેરિકા સાથે ભારતે નાગરિક પરમાણુ સંધિ કરી હતી જે બંને દેશ વચ્ચે સૌથી મહત્ત્વનો કરાર છે અને તે રાષ્ટ્રપતિ બુશના કાર્યકાળના અંતિમ દિવસોમાં કરવામાં આવ્યો હતો.
તેવી જ રીતે વર્ષ 2000માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને તેમના બીજા કાર્યકાળમાં ભારતની ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવ્યા હતા.
આ મુલાકાતને "પથપ્રદર્શક" ગણવામાં આવે છે, કારણ કે 1998માં ભારતનાં અણુ પરીક્ષણો બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી હતી અને ત્યારપછી આ મુલાકાત થઈ હતી.
હડસન ઇન્સ્ટિટ્યૂટમાં સાઉથ એશિયાના નિષ્ણાત અપર્ણા પાંડે કહે છે કે આવા સંબંધોને અમેરિકામાં બંને મુખ્ય પક્ષોનું સમર્થન છે અને ચૂંટણીનાં પરિણામોથી તેના પર કોઈ ફરક પડતો નથી. તેઓ કહે છે, "ડેમૉક્રેટ્સ અને રિપબ્લિકન બંને ભારતને મહત્ત્વપૂર્ણ ભાગીદાર અને મિત્ર તરીકે જુએ છે."
ક્વાડ સમિટ: બાઇડનનો છેલ્લો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ તરીકે બાઇડનની આ છેલ્લી શિખર મંત્રણા હશે અને તેમાં વડા પ્રધાન મોદીની ભાગીદારી ઘણી મહત્ત્વની રહેશે.
2004માં ક્વાડે આકાર લેવાનું શરૂ કર્યું પરંતુ ટ્રમ્પ અને બાઇડન તેને શિખર સંમેલન સુધી લઈ ગયા ત્યાર પછી જ તેમાં વેગ આવ્યો.
ક્વાડમાં ભારત, યુએસ, જાપાન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સહકાર સાધવામાં આવ્યો છે. તેને ઘણી વખત ઇન્ડો-પેસિફિકમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટેના જોડાણ તરીકે પણ જોવામાં આવે છે.
વિશ્લેષક સી રાજા મોહન લખે છે, "બાઇડને ભારતના દૃષ્ટિકોણ સાથે સંરેખિત થવાનું નક્કી કર્યું કે ક્વાડને સૈન્ય જોડાણ તરીકે નહીં પરંતુ ઈન્ડો-પેસિફિકમાં જાહેર સેવાઓ પ્રદાન કરવા માટેના પ્લૅટફૉર્મ તરીકે વિકસાવવું જોઈએ."
"આનાથી સમુદ્ર મામલે જાગૃતિ, માનવતાવાદી સહાય, આપત્તિ રાહત, સાયબર સુરક્ષા, ટેલિકૉમ્યુનિકેશન અને આરોગ્ય જેવાં ઘણાં ક્ષેત્રોમાં પરસ્પર સહયોગનો વિસ્તાર થયો છે."
આમ તો આ શિખર સંમેલનનું મુખ્ય ફોકસ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા પર હોય છે જે વૈશ્વિક વ્યાપાર અને સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે. આ બધાની સાથે સાથે ગાઝામાં ઇઝરાયલની સૈન્ય કાર્યવાહી પર પણ ચર્ચા થઈ શકે તેવી અપેક્ષા હતી, જે ચર્ચા થઈ નહીં. જોકે, રશિયા-યુક્રેન યુદ્ધની ચોક્કસપણે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રોફેસર હેન્કી કહે છે, "ક્વાડ અત્યાર સુધી મહત્ત્વ વગરનું રહ્યું છે, તે માત્ર ચીનને નિયંત્રિત કરવાનો અમેરિકન પ્રયાસ છે."
અપર્ણા પાંડે ભારપૂર્વક જણાવે છે કે ક્વાડ એ સુરક્ષા જોડાણ ન હોવા છતાં, તે તેના ત્રણ સભ્ય દેશો વચ્ચેની સુરક્ષા સંધિ છે.
તેઓ કહે છે કે, "ધ ક્વાડ એ ચીનના વિસ્તરણવાદનો સામનો કરવાના હેતુથી કેટલાંક નાનાં પ્રાદેશિક જૂથોમાંનું એક છે."
માઇકલ કુગેલમેનની દલીલ છે કે ક્વાડને શરૂઆતમાં ભલે વેગ મળ્યો ન હોય, પરંતુ ક્વાડના ચારેય સભ્યો અને ચીન વચ્ચેના સંબંધો કથળવાના કારણે હવે તેમાં વેગ આવી શકે છે.
તેઓ કહે છે, "એક સરખા અનુભવે ક્વાડના સભ્યોને સંગઠિત કર્યા છે, જેના કારણે તે નક્કર કાર્યની દિશામાં આગળ વધ્યું છે."
"ક્વાડના ચારેય સભ્યો સાથે ચીનના સંબંધો અત્યારે તળિયે છે. આ દેશોના સહિયારા અનુભવોએ તેમને સંગઠિત કર્યા છે અને નક્કર પગલાં લેવામાં મદદ કરી છે."
“આ રીતે તે એકીકરણનું પરિબળ છે. જેણે આ દેશોને સાથે મળીને કામ કરવા અને નક્કર પગલાં ભરવાં મજબૂર કર્યા છે."
'સમિટ ઑફ ધ ફ્યુચર'

ઇમેજ સ્રોત, @MEAIndia
આ શિખર સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્ર, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) સામે વ્યાપક અસંતોષ જોવામાં આવે તેવી અપેક્ષા છે. ભારત તેમાં ફરી એક વાર યુએનમાં સુધારા અને તેના કાયમી સભ્યપદ પર ભાર મૂકે તેવી શક્યતા છે.
સ્ટીવ હેન્કી કહે છે, "સમિટ ઑફ ફ્યુચરમાં મોદી 'સૉંગ ઑફ ધ સાઉથ' (ગ્લોબલ સાઉથ વિશે બોલશે) રજૂ કરશે, જે ચીનની તરફેણમાં છે."
અપર્ણા પાંડે માને છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં સુધારા એ "લાંબી અને જટિલ પ્રક્રિયા" છે જે રાતોરાત બદલાશે નહીં.
માઇકલ કુગેલમેન માને છે કે યુએન જેવા મોટા બ્યૂરોક્રેટિક સંગઠનોમાં સુધારો કરવો મુશ્કેલ છે.
તેઓ કહે છે, "સુધારાઓ પડકારજનક છે, પરંતુ ગ્લોબલ સાઉથમાં યુએન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં આજની વાસ્તવિકતાઓના આધારે પરિવર્તન માટે સમર્થન વધતું જાય છે."
અપર્ણા પાંડે કહે છે કે "પશ્ચિમી દેશો આ સુધારાઓને સૈદ્ધાંતિક રીતે સમર્થન આપે છે, પરંતુ ખરો પડકાર યુએનએસસીના સભ્યોનું સમર્થન મેળવવાનો છે જેમની પાસે વીટો પાવર છે."
હવે તે નક્કર પગલાં ભરશે કે કેમ તે જોવાનું રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












