રાજસ્થાનમાં વસુંધરા રાજે નહીં તો ભાજપનો મુખ્ય મંત્રીપદનો ચહેરો કોણ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ત્રિભુવન
- પદ, બીબીસી માટે
ભાજપનાં નેતા અને રાજસ્થાનનાં પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજેએ ઝાલાવાડમાં એક સભામાં તેમના સાંસદ પુત્ર દુષ્યંતસિંહના ભાષણ અને તેના પર જનતાના પ્રતિભાવની પ્રશંસા કરતા કહ્યું, ‘ઝાલાવાડે સાંસદ દુષ્યંતસિંહને એટલું શીખવી દીધું છે કે હવે હું નિવૃત્ત થઈ શકું છું.’
તેમના ભાષણમાં કહેવાયેલી આ વાત સાંભળીને ભાજપમાં ખળભળાટ જોવા મળ્યો અને તેમનું આ નિવેદન વાઇરલ થઈ ગયું.
પરંતુ વસુંધરા રાજેએ આગલા દિવસે ઝાલારાપાટણથી ઉમેદવારીપત્ર ભરતા કહ્યું, “હું નિવૃત્ત નથી થવાની. સેવાનું કામ ચાલુ રહેશે. મેં સાંસદ દુષ્યંતસિંહની રાજકીય પરિપક્વતાથી ખુશ થઈને માતા તરીકે કહ્યું કે તેઓ ઝાલાવાડમાં સારું કામ કરી રહ્યા છે.”
પણ સ્વાભાવિક કુતૂહલરૂપે આ પ્રશ્ન આ વખતે શરૂઆતથી જ પુછાઈ રહ્યો છે કે જો વસુંધરા રાજે મુખ્ય મંત્રીપદનો ચહેરો નથી તો કોણ છે?
આનું કારણ એ છે કે આ વખતે પાર્ટી નેતૃત્વે તેમને પોતાનો ચહેરો જાહેર કર્યો નથી. તેમના વિશે ઉઠાવવામાં આવતા આ સવાલ પર સામેની વ્યક્તિ જવાબ આપે છે: શું તમે ફૈઝની એ ગઝલનો શેર સાંભળ્યો છે?
કયો?
અબ કિસી લૈલા કો ભી ઇકરારે-મહેબૂબી નહીં,
ઇન દિનોં બદનામ હૈ, હર ઇક દીવાને કા નામ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખરેખર, આ દિવસોમાં રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં જે સ્થિતિ મંથન કરી રહી છે તેના માટે આ એક ખૂબ જ સચોટ રૂપક છે. એવો કોઈ દિવસ કે સ્થળ નથી જ્યાં આ પ્રશ્ન પૂછવામાં ન આવ્યો હોય.
હવે લગભગ બધી ટિકિટો વહેંચાઈ ગઈ છે અને ચેસબોર્ડ બિછાવી દેવાયું છે, પરંતુ ભાજપ કે કૉંગ્રેસ કોની સરકાર બનશે તે નક્કી નથી. કોણ જીતશે અને કોણ હારશે તે પણ નક્કી નથી?
આમ છતાં ‘મુખ્ય મંત્રી કોણ છે’ આ પ્રશ્નની ચર્ચા દરેક જગ્યાએ ચાલી રહી છે.
અને મજાની ઘટના એ છે કે હવે નાના-મોટા દરેક નેતાની આસપાસ રહેતા લોકો ચૂંટણી જીતવાનો દાવો કરતા કહેતા રહે છે, “તમે જોર લગાવો, આ વખતે સર કે મૅડમનો નંબર લાગી શકે છે.”
આમ આ દોડમાં ઘણા ચહેરાઓ જોવા મળે છે. વસુંધરા રાજેનો ચહેરો જાહેર થતાં જ જે નેતાઓ હાંસિયા પર જોવા મળતા હતા તેમને તક મળતી દેખાઈ રહી છે.
અમે પક્ષના કેટલાક મજબૂત અને સંભવિત ચહેરાઓ પર નજર નાખી તો રાજસ્થાનની નવી સરકારનો અંદાજ કંઈક આવો મળ્યો.
ઓમ બિરલા: ક્વોન્ટમ લીપ વાળા નેતા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઓમ બિરલા હાલમાં લોકસભાના સ્પીકર છે. તેઓ કોટાના છે. ઉંમર 60 વર્ષ છે. તેઓ સહકારી ચળવળમાંથી રાજકારણમાં ઊભરી આવ્યા છે. 2003માં પ્રથમ વખત તેઓ કોટા દક્ષિણથી ધારાસભ્ય બન્યા અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા શાંતિ ધારીવાલને હરાવ્યા.
હાલમાં તેઓ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા નથી પરંતુ રાજકીય નિરીક્ષકો તેમને "બ્લૅક હોર્સ" ગણી રહ્યા છે.
તેઓ કોટાની કૉમર્સ કૉલેજમાંથી કૉમર્સમાં અનુસ્નાતક થયા છે. બે પુત્રીના પિતા છે. તેઓ 2003થી 2008 દરમિયાન વસુંધરા રાજેના મુખ્ય મંત્રીપદ દરમિયાન સંસદીય સચિવ હતા.
બિરલા 2008 અને 2013માં ફરી ધારાસભ્ય બન્યા. પરંતુ તેમના બીજા કાર્યકાળમાં રાજેએ તેમને કૅબિનેટમાં સામેલ કર્યા ન હતા.
2014માં જ્યારે તેમને લોકસભાની ટિકિટ મળી ત્યારે તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019ની ચૂંટણીમાં તેઓ ફરીથી ચૂંટાયા હતા.
2019માં જ્યારે તેઓ લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા ત્યારે અન્ય પક્ષોના નેતાઓ જ નહીં પરંતુ ભાજપના આંતરિક વર્તુળોને પણ ભારે આશ્ચર્ય થયું હતું. તે તેના માટે ક્વોન્ટમ લીપ જેવું હતું.
ભાજપના મોટા નેતાઓ અને સંઘમાં તેમનો ઘણો સારો પ્રભાવ છે અને તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિશ્વાસુ છે.
સપાટી પર તેઓ ભલે સામાન્ય દેખાય પરંતુ તે એક પીઢ નેતા છે અને ધરાતળ પર તેમની પકડ મજબૂત છે.
દિયાકુમારી : રાજકારણ વારસામાં મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
જયપુરના ભૂતપૂર્વ રાજવી પરિવારનાં પુત્રી. ઉંમર 52 વર્ષ. પિતા બ્રિગેડિયર ભવાનીસિંહ કૉંગ્રેસ સાથે સંકળાયેલા રહ્યા અને તેમને ભાજપના ગિરધારીલાલ ભાર્ગવે હરાવ્યા હતા.
જયપુરના છેલ્લા મહારાજા અને સ્વતંત્ર ભારતમાં રાજસ્થાનના રાજપ્રમુખ રહેલા માનસિંહ દ્વિતીય અને ગાયત્રી દેવીનાં પૌત્રી.
ગાયત્રી દેવી સ્વતંત્ર પાર્ટીનાં નેતા હતાં અને ઇન્દિરા ગાંધી સાથે હંમેશાં ટકરાવ રહેતો.
માતા પદ્મિની દેવી અને પિતા ભવાનીસિંહ પણ પ્રખ્યાત હોટેલિયર છે. તેમણે જયપુર, દિલ્હી અને લંડનની શ્રેષ્ઠ શાળાઓમાં અભ્યાસ કર્યો. તેઓ ત્રણ બાળકોનાં માતા છે.
તે જયપુરમાં સિટી પૅલેસમાં રહે છે અને આમેરનો ઐતિહાસિક જયગઢ કિલ્લો, મહારાજા સવાઈ માનસિંહ દ્વિતીય મ્યુઝિયમ ટ્રસ્ટ અને ઘણી શાળાઓ ચલાવે છે.
તેમણે 2013માં ભાજપનું સભ્યપદ લીધું હતું. તે દિવસ 10મી સપ્ટેમ્બર હતો અને જયપુરમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી હતી.
તે દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાજનાથસિંહ પણ રેલીમાં હતા.
2013માં તેમને જયપુરની જગ્યાએ સવાઈ માધોપુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેમણે ડૉ. કિરોડીલાલ મીણાને હરાવ્યા હતા, જેમણે તે સમયે ભાજપમાં બળવો કર્યો હતો.
તે વર્ષે સવાઈ માધોપુરથી દિયાને મળેલી ટિકિટ ચોંકાવનારી હતી.
દિયાકુમારીને આશ્ચર્યજનક રીતે બીજી વખત રાજસમંદ લોકસભા બેઠક પર મોકલવામાં આવ્યાં હતાં, જેમાં હલ્દીઘાટીનો સમાવેશ થાય છે, જ્યાં જયપુરના રાજવી પરિવારના રાજા માનસિંહ એક વાર મહારાણા પ્રતાપને હરાવવા અકબરના સેનાપતિ તરીકે ગયા હતા.
પરંતુ હવે હલ્દીઘાટીના એ વિસ્તારે મેવાડના કૉંગ્રેસી રાજપૂત ગોપાલસિંહ ઈડવાના બદલે કચ્છવાહા પરિવારની આ દીકરીના કપાળ પર તિલક લગાવવાનું યોગ્ય માન્યું છે.
આ તે લોકોને પણ જવાબ હતો જેઓ માનસિંહ વિરુદ્ધ મહારાણા પ્રતાપને મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ વખતે પાર્ટીએ તેમને વિદ્યાધર નગરથી ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા, જ્યાં ભૈરવસિંહ શેખાવતના જમાઈ નરપતસિંહ રાજવી સતત ત્રણ વખત ધારાસભ્ય રહ્યા હતા.
પાર્ટીના એક વરિષ્ઠ નેતા કહે છે તેઓ એટલે પણ મુખ્ય મંત્રીનો ચહેરો હોઈ શકે કે રાણીને રાજકુમારી સાથે બદલવા માટે તે વધુ અનુકૂળ રહેશે. સન્માનમાં સમાન અને સ્ત્રીઓને દૂર કરવાનો કોઈ પ્રશ્ન નથી.
બાબા બાળકનાથઃ ધર્મનું કમંડળ અને જાતિનું મંડળ

ઇમેજ સ્રોત, @MAHANTBALAKNATH
અલવર જિલ્લાની તિજારા બેઠક પરથી ભાજપના ઉમેદવાર. રોહતકસ્થિત અસ્થલ બોહરનાથ આશ્રમના મહંત. હાલમાં અલવરથી સાંસદ છે. ધાર્મિક ગુરુ, પણ જ્ઞાતિ યાદવ એટલે કે મૂળ ઓબીસી.
કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભંવર જિતેન્દ્રસિંહને હરાવ્યા. તેઓ બાબા મસ્તનાથ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે. તેઓ સો વર્ષ જૂના અસ્થલ બોહર મઠના આઠમા મહંત છે
ભાજપના રાજકારણમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલા નેતાઓમાં તેઓ અગ્રણી છે.
તેઓ મહંત અને ત્યારબાદ સાંસદ ચાંદનાથના શિષ્ય છે. મહંત ચાંદનાથે તેમના મૃત્યુ પહેલાં જ તેમને ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા.
આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં યોગગુરુ બાબા રામદેવ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેઓ માત્ર 39 વર્ષના છે અને તેમણે 2016માં જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ બાબા રામદેવ જેમ યાદવ છે અને મૂળ ઓબીસીનું પ્રતિનિધિત્વ કરે છે.
ભાજપ ફેંકેલા હિન્દુત્વના પાસા સામે કૉંગ્રેસે વ્યૂહાત્મક રીતે ગોઠવેલા રાજકીય પાસામાં જ્ઞાતિ આધારિત વસતીગણતરીના વૈકલ્પિક રાજકારણમાં તેઓ બરાબર બંધ બેસે છે.
બાબા બાળકનાથનો જન્મ 16 એપ્રિલ 1984ના રોજ અલવરના બહરોડ તાલુકાના કોહરાના ગામમાં સુભાષ યાદવ અને ઊર્મિલા દેવીને ત્યાં થયો હતો.
તેઓ માત્ર સાડા છ વર્ષની વયે સાધુ બન્યા હતા. ખેતનાથે તેમનું નામ બાળકનાથ રાખ્યું હતું.
જ્યારે મહંત બ્રહ્મલીન થયા ત્યારે સાંસદ મહંત સોમનાથે ગાદી સંભાળી અને તેમને શિક્ષણ માટે રોહતક આશ્રમમાં મોકલાયા. આ પછી તેઓ હનુમાનગઢ જિલ્લાના થેડીસ્થિત નાથ આશ્રમમાં પણ રહ્યા અને શિક્ષણ લીધું.
જ્યારે બાળકનાથને અલવર લોકસભાની ટિકિટ મળી ત્યારે તેઓ જંગી બહુમતીથી જીત્યા અને ચર્ચિત રહ્યા.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ નાથ સંપ્રદાયના યોગી છે, પરંતુ તેઓ રાજપૂત છે.
બાબા બાળકનાથ યાદવ છે. યાદવ મૂળ ઓબીસી જાતિ છે અને જાટ, બિશ્નોઈ, શીખ વગેરે જેવા ઉચ્ચ ઓબીસીની સામે વંચિત ઓબીસીનું પ્રતિનિધિત્વ કરે છે.
અત્યાર સુધી તેમની સામે કોઈ આરોપો કે પ્રતિ-આક્ષેપો નથી અને તેઓ વિવાદોથી પર છે. નમ્ર છે.
પરંતુ તેઓ સરળતાથી ધાર્મિક કટ્ટરતાના રાજકારણમાં ફિટ થઈ જાય છે, કારણ કે તેઓ મેવોં સાથે તેમનો સતત સંઘર્ષ થાય છે.
અલવરની પ્રતિમા તોડવાની ઘટનામાં તે ખૂબ જ સમાચારમાં હતા અને તેમણે સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સામે લોકોને એક કર્યા હતા.
તે હરિયાણાની જેમ રાજસ્થાન સાથે પણ જોડાયેલા છે. પરંતુ આ બે રાજ્યોની સરહદોને સ્પર્શતા, ઉત્તર પ્રદેશની યાદવ વસતીને પણ વધતાં ઓછા પ્રમાણમાં અસર કરે છે.
રાજેન્દ્ર રાઠોડ: જાતિઓની ગૂંચવણોના મેપિંગમાં નિષ્ણાત

ઇમેજ સ્રોત, @RAJENDRA4BJP
વિપક્ષના નેતા અને ચુરુના ધારાસભ્ય. ઉંમર 68 વર્ષ. રાજસ્થાન યુનિવર્સિટીના પ્રખ્યાત વિદ્યાર્થી નેતા. જનતા પાર્ટી સાથે સંકળાયેલા સમાજવાદી અને વિદ્યાર્થી આંદોલનની ઊપજ.
રાજકારણમાં આવવાની અદમ્ય ઇચ્છા એવી હતી કે જનતા પાર્ટીના ખરાબ સમયમાં પણ 1980માં તેઓ આ પાર્ટીની ટિકિટ પર જયપુરના બાનીપાર્કથી ચૂંટણી લડ્યા અને તેમને માત્ર 2031 મત મળ્યા.
પરંતુ તેમણે હાર ના માની અને રાજકારણમાં એટલા જીદી હતા કે 1985માં તેમણે ચૂરુથી કૉંગ્રેસના દિગ્ગજ નેતા હમીદા બેગમને પડકાર ફેંક્યો.
તેઓ હારી ગયા પરંતુ 1990માં જનતાદળની ટિકિટ પર ચૂંટણી જીત્યા અને ત્યાર બાદ તેમને ક્યારેય હારનો સામનો કરવો પડ્યો નહીં.
હવે તેઓ સાતમી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 1993માં ભાજપમાં જોડાયા અને ભૈરોસિંહ શેખાવતના વિશ્વાસુઓમાંના એક બન્યા. તેઓ તેમની કૅબિનેટમાં મેડિકલ મિનિસ્ટર બન્યા.
જ્યારે ભૈરોસિંહ શેખાવત ઉપરાષ્ટ્રપતિ બન્યા ત્યારે રાઠોડ વસુંધરા રાજેની નજીક આવ્યા અને સતત તેમના સંકટમોચકની ભૂમિકા ભજવી.
રાઠોડ જ્ઞાતિઓના ગૂંચવણમાં રાજકીય નેવિગેશનમાં નિષ્ણાત છે અને જોડતોડ કરવામાં તેમનો કોઈ પર્યાય નથી.
2016માં સીબીઆઈએ દારાસિંહ ઍન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ કરી હતી અને તેમને જેલમાં જવું પડ્યું હતું, પરંતુ નીચલી અદાલત બાદ સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.
1987માં રૂપકંવર સતી કેસની પ્રશંસા કરવા બદલ પણ તેમની ધરપકડ કરાઈ હતી. આ કેસ 2004 સુધી તેમનો પીછો કરતો રહ્યો.
વસુંધરા રાજેનાં મુખ્ય મંત્રી તરીકેના બંને કાર્યકાળ દરમિયાન તેઓ ખૂબ જ શક્તિશાળી મંત્રી હતા. પરંતુ દિલ્હીમાં ભાજપના બદલાયેલા સમીકરણો વચ્ચે તેઓ દિલ્હીની નજીક પણ આવી ગયા અને જ્યારે રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર બની ત્યારે તેમને વિરોધ પક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યા.
વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા હતા. કટારિયા આસામના રાજ્યપાલ બન્યા પછી તરત જ રાઠોડને વિપક્ષના નેતા બનાવાયા હતા.
રાજસ્થાનના રાજકારણમાં તેઓ ભૈરોસિંહ શેખાવત અને અશોક ગેહલોતના રાજકારણની શૈલીમાં ખૂબ જ યોગ્ય છે અને લોકો સાથે તેમનું જોડાણ ખૂબ જ મજબૂત છે.

ઇમેજ સ્રોત, @RAJENDRA4BJP
તેઓ હિન્દુ-મુસ્લિમ રાજકારણ નથી કરતા. ચૂરુનો એક મોટો મુસ્લિમ વર્ગ ભાજપમાં હોવા છતાં તેમને મત આપી રહ્યો છે. વોટ પર તેમની પકડ જબરજસ્ત છે.
રાજસ્થાનની રાજનીતિ ઘણી વખત જાટ અને રાજપૂતો વચ્ચે વહેંચાયેલી રહી છે પરંતુ રાઠોડ એવા કેટલાક નેતાઓમાંના એક છે જેમનો જાટવર્ગ પર પણ સંપૂર્ણ પ્રભાવ છે.
હાલમાં તેઓ અમિત શાહની ખૂબ નજીક મનાય છે. ભાજપ સત્તામાં હોય કે ના હોય, તેઓ જે કૌશલ્યથી ગૃહમાં પક્ષનું માળખું સંભાળે છે તે તેમને વિશેષ સ્થાન આપે છે.
ભાજપની બહાર તેમના ઘણા મિત્રો છે પરંતુ પાર્ટીમાં તેમના ઘણા દુશ્મનો પણ છે.
તેમને સંઘવિરોધી તરીકે પ્રમોટ કરાય છે. પરંતુ સફળ નેતાના તમામ ગુણો ધરાવતા આ નેતા રાજકારણની અંધારી બાજુમાં અનેક નેતાઓના હાથે ઘણી વાર અને અનેક રીતે પીસાઈને નિપુણ બની ગયા છે.
અશોક ગેહલોતે સચીન પાઇલટને ટોણો માર્યો હતો કે તેમને હજુ ઘસવામાં આવ્યા નથી, આ મામલે રાઠોડ ઘસાયા પછી અહીં સુધી પહોંચ્યા છે.
વિધાનસભામાં તેમનાં ભાષણો ખૂબ તોલીને તોલીને બોલાયેલા બોલ જેવા હોય છે અને કૉંગ્રેસના યુવા નેતાઓને પણ આકર્ષે છે. પેઢીગત પરિવર્તનમાં તેઓ મુખ્ય મંત્રીપદના સ્વાભાવિક દાવેદારોમાંના એક છે.
હાલમાં, તેઓ ચૂરુ જિલ્લાની તારાનગર બેઠક પર કૉંગ્રેસના ખાંટી જાટ નેતા નરેન્દ્ર બુડાણિયા સાથે હરીફાઈમાં છે પરંતુ આ ચૂંટણી તેમના માટે પડકારોથી ભરેલી છે.
સતીશ પુનિયા: સંઘની લૉબીના પ્રિય

ઇમેજ સ્રોત, @DRSATISHPOONIA
ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહેલા પૂનિયા 2018માં પહેલી વાર આમેરથી ધારાસભ્ય બન્યા હતા. તત્કાલીન પ્રદેશ પ્રમુખ મદનલાલ સૈનીના અવસાન બાદ 2019માં તેમને પ્રમુખ બનાવાયા હતા.
એ વખતે વસુંધરા રાજેના વિરોધને કારણે ભાજપનું કેન્દ્રીય હાઈકમાન્ડ ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં સફળ થઈ શક્યું ન હતું.
પૂનિયા 23 માર્ચ 2023 સુધી પ્રમુખ રહ્યા હતા. નિરીક્ષકોનું માનવું છે કે જ્યારે રાજપૂત રાજેન્દ્રસિંહ રાઠોડ વિરોધ પક્ષના નેતા છે, ત્યારે તેમનો સમુદાય જાટ પુનિયાને વિધાનસભામાં વિરોધ પક્ષના ઉપનેતા બનાવવાનો નિર્ણય પચાવી શકતો નથી.
હાલ તેઓ વિપક્ષના ઉપનેતા છે. ચૂરુના રાજગઢ નામના એક નાના ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા પૂનિયાએ ભૂગોળમાં એમએસસી અને પીએચ.ડી. કર્યું છે.
પૂનિયા 1982માં એબીવીપીમાં જોડાયા હતા અને આરએસએસની શાળાઓમાં વૈચારિક રીતે તેમનું ઘડતર થયું છે.
1998માં જ્યારે ભાજપની સરકાર ખરાબ રીતે પરાજિત થઈ ત્યારે પૂનિયાએ યુવા નેતા તરીકે 550 કિલોમીટરની પદયાત્રા કરી હતી. તેઓ નવ લોકસભા મતવિસ્તાર, 34 વિધાનસભા મતવિસ્તાર અને 225 ગામોમાં પહોંચ્યા.
તેઓ 2004થી 2006 સુધી પાર્ટીમાં મંત્રી હતા. 2011માં તેઓ અડવાણીની મુલાકાતના રાજ્ય કન્વીનર બન્યા હતા.
પરંતુ રાજસ્થાનમાં વસુંધરા રાજેના મુખ્ય મંત્રીપદ પરના પહેલા કાર્યકાળ દરમિયાન સંઘના વફાદારો અને સત્તા વફાદારો વચ્ચે ઘર્ષણ થયું ત્યારે ગંભીર યુવા નેતા તરીકેની તેમની ઓળખ ઊભી થઈ હતી.
તેઓ સંઘના વફાદારો સાથે રહ્યા અને જરાય છૂટા પડ્યા નહીં. આ કારણસર તેઓ પાછળથી સંઘની મજબૂત લૉબીના પ્રિય બન્યા અને સ્થાપિત પણ થયા.
પૂનિયા વૈચારિક રીતે સંઘના ઢાંચામાં ઢળેલા છે પરંતુ તેઓ ઉદારવાદી નેતાની જેમ વર્તે છે.
સંઘના પ્રચારકોની જેમ તેઓ ન તો જડ વિચારધારા ધરાવે છે અને ન તો તેઓ લોકો સાથે અંતર જાળવી રાખે છે. તેઓ સફળ પ્રદેશ પ્રમુખ હતા.
જોકે, કરોડીલાલ મીણા જેવા કેટલાક નેતાઓ સાથે તેમનો ઉગ્ર વિવાદ પણ થયો હતો. તે પોતાની જ્ઞાતિના મતદારોમાં અને તેની બહારના લોકોમાં પણ લોકપ્રિય છે. તે સારાં ભાષણો આપે છે.
તે રમૂજી સ્વભાવ ધરાવે છે અને અત્યંત ગંભીર પ્રસંગોએ પણ વાતાવરણને હળવું કરવાની ક્ષમતા ધરાવે છે. પૂનિયા સંઘના ઘણા મોટા નેતાઓની પસંદગી છે.
તાજેતરમાં જ્યારે રાજેન્દ્રસિંહ રાઠોડ અને વસુંધરા રાજે વચ્ચે વિવાદ થયો અને રાજે ગુસ્સે થયાં હતાં ત્યારે એવું માનવામાં આવે છે કે રાજેને મનાવવાવાળા તેઓ જ હતા. નિરીક્ષકોના મતે પૂનિયા ગંભીર નેતા છે.
ગજેન્દ્રસિંહ શેખાવત: રાજકારણની નવી રંગત

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાનના રાજકારણમાં ગજેન્દ્રસિંહ શેખાવતનો નવો રંગ છે. તેઓ તેજસ્વી તારા સમાન છે.
દિયાકુમારી અને અર્જુન મેઘવાલ વગેરેની જેમ તેઓ પણ સારા દિવસોની ઊપજ છે અને તેમને ભાજપના ખરાબ દિવસોનો કોઈ અનુભવ નથી.
આ દિવસોમાં કૉંગ્રેસ નેતાઓને શોધી શોધીને ભાજપમાં ભરતી કરવાના અને પડદા પાછળના ઘણું કામ કરી રહ્યા છે.
આ ચૂંટણી ગાળામાં જો ભાજપનો કોઈ ચહેરો ખુલ્લેઆમ દેખાય છે તો તે શેખાવત છે.
ગજેન્દ્રસિંહ શેખાવતે મુખ્ય મંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને હરાવ્યા છે અને હાલમાં ગેહલોત અને શેખાવત વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ છે.
કોઈ દિવસ એવો નથી જતો કે બંને એકબીજા સામે કડક પ્રતિક્રિયા ના આપી હોય.
શેખાવત જોધપુરની જયનારાયણ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે અને ત્યાં ચર્ચામાં સફળ તર્ક કરનારા તરીકેની ઓળખ ધરાવાતા હતા.
તેમણે કૉર્પોરેટ કલ્ચરને અનુકૂલિત કર્યું છે અને તેમની કાર્યક્ષમ પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન્સથી ઘણી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન ખેંચ્યું છે.
બાસ્કેટબૉલ પ્લેયર રહેલા આ રાજનેતા હાલમાં રાજકારણમાં ઉચ્ચ દરજ્જાના ખેલાડી છે અને પાર્ટીની અંદર વસુંધરા રાજે અને પાર્ટીની બહાર અશોક ગેહલોત સામે ખુલ્લેઆમ લડી રહ્યા છે.
રાજકારણની આ જ નાડી છે જે શેખાવત અને પાઇલટના રાજકારણમાં સમાનતા ધરાવે છે.
શેખાવત ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેમના પર અશોક ગેહલોત સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો અને કૉંગ્રેસના નેતા ભંવરલાલ શર્મા સાથે તેમની વાતચીતની કથિત ઓડિયો સીડી ક્લિપનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો.
તેમને રાજકારણમાં ખૂબ જ મહત્ત્વાકાંક્ષી માનવામાં આવે છે અને એક નિરીક્ષકના જણાવ્યા અનુસાર, તેમના પર અગાઉની વસુંધરા રાજે સરકારના સમયથી સર્વોચ્ચ પદ ઇચ્છતા હોવાનો આરોપ છે.
પણ રાજેએ તેમને ફાવવા નથી દીધા. તે સમયે તે નિષ્ફળ ગયા છતાં તેમણે ક્યારેય આશા ગુમાવી નથી. તેઓ રાજધાની અને રાજ્યના અન્ય ભાગોમાં સમયાંતરે પડાવ નાખતા રહે છે.
અર્જુન મેઘવાલ : રાજકારણની રંગત હવે બદલાઈ ગઈ છે

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ IAS અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ બિકાનેરના સાંસદ છે અને પાર્ટીનો દલિત ચહેરો છે.
તેઓ પોતાની જાને આગળ નથી રાખતા અને પાછળની હરોળમાં રહીને આગળ રહેવાનો પ્રયાસ કરે છે. તેમની ખાસ વાત એ છે કે પ્રદેશની દલિત વસતીમાં તેમની જ્ઞાતિના મતો સૌથી વધારે છે. પણ તેઓ શરૂઆતથી જ તેમના સમુદાય અને દલિતોમાં એ સંદેશ આપતા રહ્યા છે કે ખરાબ સમય પસાર થઈ ગયો છે.
બ્યુરોક્રસીમાં રહેવા છતાં પણ એક સહજ નેતા જેવી છાપ રાખનારા અર્જુન મેઘવાલ જમીન સાથે જોડાયેલા છે. અને તેમના વિસ્તારમાં તેમની જ્ઞાતિની એકમાત્ર એવી વ્યક્તિ છે જે આ પદ સુધી પહોંચ્યા હોય જ્યાં એક સમયે બી. આર. આંબેડકર રહ્યા હતા.
મૂળ રીતે ઉદ્યોગ વિભાગનું કામ કરતા કરતા આવેલા, તેમના વિસ્તારની વાસ્તવિક તકલીફોથી અવગત મેઘવાલ હકીકતમાં રાજકારણના અર્જુન નથી પણ તેઓ સત્તાના રથ પર એક પ્રભાવી ભૂમિકામાં છે.
તેઓ ભાજપમાં આવ્યા ત્યારે ત્યાં કૉંગ્રેસની જેમ અનુસૂચિત જાતિના નેતાઓની લાંબી ભીડ ન હતી. આથી તેમને ઝડપથી આગળ વધવાની તક મળી.
તેમના મિત્રતાપૂર્ણ સ્વભાવને કારણે તેઓ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.
આ નામો પણ રહે છે ચર્ચામાં

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય મંત્રીપદની રેસમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓનાં નામો પર પણ વિચાર કરાઈ રહ્યો છે. તેમાં અર્જુન મેઘવાલ અને અશ્વિની વૈષ્ણવનાં નામ તો છે જ. લોકો ભૂપેન્દ્ર યાદવને પણ યાદ કરે છે અને કહે છે કે, 'તેમનાં મૂળ પણ રાજસ્થાનમાં છે અને તે અજમેરના છે.'
જો પૂર્વ મંત્રી અરુણ ચતુર્વેદીને ટિકિટ મળી હોત તો તેઓની ગણતરી પણ દાવેદારોમાં થતી. જોકે, બ્રાહ્મણ દાવેદારોમાં પ્રદેશ પ્રમુખ સી. પી. જોશીનું નામ સામે આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની ચૂંટણી રેલીઓમાં ચિત્તોડગઢના સાંસદ સી. પી. જોશીને તેમની ખુલ્લી જીપમાં તેમની સાથે રાખ્યા હતા. આ કારણે તેમનું કદ ઘણું વધી ગયું અને તે ઝડપથી લાઇમલાઇટમાં આવી ગયા.
સુનીલ બંસલનું નામ પણ વારંવાર લેવાય છે, જેઓ ઉત્તર પ્રદેશમાં ભાજપના સંગઠનના મહાસચિવ છે.
હાલમાં તેઓ પાર્ટીના મહાસચિવ અને ઓડિશા, તેલંગણા અને પશ્ચિમ બંગાળના પ્રભારી છે.
આજે પણ તેઓ રાજસ્થાનના રાજકારણ સાથે ખૂબ જ જોડાયેલા છે.
ઓમ પ્રકાશ માથુર રાજસ્થાનનું બહુ જૂનું નામ છે. તેઓ નરેન્દ્ર મોદીની ખૂબ નજીકના છે અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા તે પહેલેથી ઓમપ્રકશ માથુરની મિત્રતા નરેન્દ્ર મોદી સાથે છે. તેમના નામની ચર્ચા પણ આ પદ માટે ઘણી વખત થાય છે.
પણ એક ચોંકાવનારું નામ વારંવાર આવે છે અને તે છે પ્રકાશચંદ્રનું. પ્રકાશચંદ્ર સંઘના સ્વયંસેવક છે અને તેઓ મૌન રહીને મુખર રાજકારણ કરવામાં માહેર છે.
વસુંધરા રાજેના મુખ્ય મંત્રી તરીકેના પહેલા કાર્યકાળ દરમિયાન પ્રકાશચંદ્ર પાર્ટીના સંગઠન મહાસચિવ હતા અને બંને વચ્ચેના સંબંધો અંતમાં ખૂબ જ ખટાશપૂર્ણ રહ્યા હતા.
જ્યારે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વે પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે અને પ્રદેશ અધ્યક્ષ ઓમ માથુર સહિત મહાસચિવને સરકાર ગયા બાદ સંગઠનમાંથી રાજીનામું આપવા કહ્યું ત્યારે જોધપુર જવાની તૈયારી કરી રહેલા પ્રકાશચંદ્રે તરત જ તેમનું મોબાઇલ સીમ કાઢી નાખ્યું, હેન્ડસેટ ઑફિસમાં જમા કરાવ્યો, ધોતી અને કુર્તા પહેરેલા માણસે તેની બૅગ ઉપાડી અને ફકીરની જેમ સ્ટેશન તરફ ચાલતી પકડી હતી.
હવે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે અને હાલમાં સંઘ ભાજપના રાજકારણમાં અસરકારક અને સફળ ભૂમિકા ભજવી રહ્યા છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જોધપુરની MBM એન્જિનિયરિંગ કૉલેજના સ્નાતક છે અને IAS બન્યા બાદ તેઓ ઓડિશા કેડરમાં ગયા.
તેઓ મૂળભૂત રીતે ઓબીસી સંબંધિત છે પરંતુ તેઓ 'ઉચ્ચ' જાતિઓ સાથે પણ સમાન સંબંધ ધરાવે છે. ઘણી વાર તેમનું નામ પણ સીએમપદની રેસમાં સામે આવે છે.














