ભાજપ છત્રપતિ શિવાજીના સહારે તેલંગણા જીતવા માગે છે?

તલંગાણા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપના ટીકાકારો આરોપ લગાવી રહ્યા છે કે પાર્ટી હિંદુઓને એક કરવાના હેતુથી શિવાજી મહારાજ સાથે સંબંધિત ઇતિહાસનો ચૂંટણીમાં ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે
    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, હૈદરાબાદથી

છત્તીસગઢ, મિઝોરમ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગણામાં થનારી વિધાનસભાની ચૂંટણીને ઘણા લોકો આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ માને છે.

આ પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સીધી ટક્કર કૉંગ્રેસ સામે છે. મિઝોરમ અને તેલંગણા બે રાજ્યોમાં ભાજપે સ્થાનિક પક્ષોનો મુકાબલો કરવાનો છે.

વિધાનસભાની 119 અને લોકસભાની 17 બેઠકો ધરાવતા તેલંગણામાં ભાજપ તથા કૉંગ્રેસ જેવા રાજકીય પક્ષો સામે સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)થી સારું પ્રદર્શન કરવાનો પડકાર છે. તેલંગણાની રચના 10 વર્ષ પહેલાં જ કરાઈ હતી.

બી.આર.એસ.ને ખાતરી છે કે ખેડૂતો અને સમાજના અન્ય અનેક વર્ગો માટેની તેમની સરકારી યોજનાઓને લીધે તેનો વિજય થશે. ભાજપ માટે પણ તેલંગણાનું પરિણામ અત્યંત મહત્ત્વનું છે.

કેટલાક જાણકારોના મતે ઉત્તર ભારતમાં ભાજપ તેના ચરમ પર પહોંચી ગયો છે અને ત્યાં 2024ની લોકસભા ચૂંટણીમાં બેઠકોના સંભવિત નુકસાનની ભરપાઈ કરવા પક્ષ પોતાના ગઢ બહાર પકડ મજબૂત કરે તે જરૂરી છે.

2020માં હૈદરાબાદની સ્થાનિક ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા પછી ભાજપની અપેક્ષા બહુ વધી હતી. પરંતુ પાંચ વર્ષ પહેલાં ભાજપને તેલંગણા વિધાનસભામાં ટી. રાજાસિંહના સ્વરૂપમાં માત્ર એક બેઠક મળી હતી અને કુલ મતમાં પક્ષની ભાગીદારી માત્ર 7.1 ટકા હતી.

કૉંગ્રેસ અને ઓવૈસી

તેલંગાણી
ઇમેજ કૅપ્શન, તેલંગણાનાં પરિણામો ભાજપ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત પછી કૉંગ્રેસ જ્ઞાતિ આધારિત વસતીગણતરી, મહિલાઓ, ખેડૂતો અને વૃદ્ધો માટે લાભકારી છ યોજનાઓને ગૅરંટીના વચનમાં લપેટીને જીતની આશામાં છે.

જાણકારો મુજબ, ભાજપના નેતાઓ પોતાનાં ભાષણોથી હિંદુ મતોના ધ્રુવીકરણના પ્રયાસ સતત કરી રહ્યા છે. તેઓ સતત આક્ષેપ કરી રહ્યા છે કે સત્તારૂઢ બી.આર.એસ. અને અસદુદ્દીન ઓવૈસીનો ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એ.આઈ.એમ.આઈ.એમ.) એકમેકની સાથે છે.

બી.આર.એસ. અને એ.આઈ.એમ.આઈ.એમ. વચ્ચે કોઈ ઔપચારિક સમજૂતી નથી પરંતુ અસદુદ્દીન ઓવૈસીએ બી.આર.એસ.ની નીતિઓનાં વખાણ કરતાં મુસલમાનોને બી.આર.એસ.ને મત આપવા જણાવ્યું છે.

તેનું કારણ સમજવું મુશ્કેલ નથી. હિંદુત્વના અનેક સમર્થકો ઓવૈસીના આકરા ટીકાકારો છે.

ચૂંટણી પહેલાં રઝાકાર ફિલ્મના ટીઝરનું રિલીઝ થવું અને ગત વર્ષે પેગંબર મહમદ વિશે કથિત વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવેલા ભાજપના વિધાનસભ્ય રાજા સિંહનું સસ્પેન્શન રદ્દ કરવાને પણ તેલંગણામાં ભાજપના હિન્દુત્વને આગળ વધારવા પ્રયાસ તરીકે નિહાળવામાં આવી રહ્યું છે.

તેલંગણામાં રાજા સિંહને હિન્દુત્વના પોસ્ટર બૉય ગણાવવામાં આવે છે.

તેલંગણામાં ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને હિન્દુત્વનો ચહેરો ગણાતા બંડી સંજયકુમારે મે મહિનામાં એક ટ્વીટમાં કહ્યું હતું, “હિન્દુત્વ વિના આ દેશ વિખેરાઈ ગયો હોત. તે પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાન બની ગયો હોત. હિન્દુત્વ વિના ભારતનું અસ્તિત્વ જ ન હોત. હેતુ તેલંગણામાં રામરાજ્ય લાવવાનો છે.”

શિવાજીની પ્રતિમાઓ અને હિન્દુત્વ

તેલંગાણા
ઇમેજ કૅપ્શન, રાજાસિંહને તેલંગણામાં હિન્દુત્વનો પોસ્ટર બૉય કહેવામાં આવે છે

ભાજપની ટીકા કરતા પક્ષો, હિન્દુઓને એક કરવાના હેતુસર પાર્ટી શિવાજી મહારાજના ઇતિહાસમાંથી ચૂંટણી સંબંધી લાભ લેવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કરતા રહ્યા છે.

પોતાના સમયના સૌથી શક્તિશાળી મોગલ સામ્રાજ્યના છઠ્ઠા શાસક ઔરંગઝેબ સામે શિવાજી મહારાજે છેડેલી જંગની કથા સર્વવિદિત છે.

ભાજપ અને હિન્દુ સંગઠનો પર તેલંગણામાં આવા જ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

તેલંગણામાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પાછલા કેટલાક મહિનાઓ અને વર્ષોમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. જોકે, તેના આંકડા મળતા નથી.

ભાજપની ટીકા કરતા લોકો પક્ષના નેતા બંડી સંજયકુમારે ફેબ્રુઆરીમાં આપેલા એક નિવેદનને યાદ કરાવે છે. બંડી સંજયકુમારે તેલંગણાનાં તમામ ગામોમાં શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવાનું જણાવતા કહ્યું હતું, “હિન્દુ ધર્મને બચાવવા માટે અમે શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. હિન્દુ ધર્મ માટે કામ કરે તેવા નેતાને જ દરેક ગામના લોકોએ મત આપવો જોઈએ.”

શિવાજીનો વારસો

તેલંગાણા

ઇમેજ સ્રોત, HTTPS://TWITTER.COM/BANDISANJAY_BJP

ઇમેજ કૅપ્શન, ઘણા વર્તુળોમાં ભાજપ નેતા બંડી સંજયકુમારને તેલંગણામાં પાર્ટીના હિન્દુત્વનો ચહેરો કહેવામાં આવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફૂલે-આંબેડકર રિસર્ચ સ્કૉલર અને હૈદરાબાદના ફૂલે-આંબેડકર સેન્ટર ફૉર ફિલોસોફિકલ ઍન્ડ ઇંગ્લિશ ટ્રેનિંગમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર પી મણિકંટા, શિવાજી વિશેના બંડી સંજયકુમારના નિવેદનને મહત્ત્વપૂર્ણ માને છે અને કહે છે, “હિન્દુ સંગઠનોને તમામ હિન્દુઓને એકત્ર કરવા માટે શિવાજીના સ્વરૂપમાં એક પ્રતીક મળ્યું છે.”

ભાજપના ધારાસભ્ય રાજાસિંહના જણાવ્યા મુજબ, તેમણે તેલંગણામાં શિવાજીની “300થી વધુ” પ્રતિમાઓનું અનાવરણ કર્યું છે.

હૈદરાબાદ ખાતેની તેમની ઑફિસમાં પણ શિવાજીની પ્રતિમાઓ છે. રાજાસિંહના કહેવા મુજબ, “શિવાજી મહારાજ હિન્દુઓ માટે ભગવાન છે અને તેઓ ભગવાન જ રહેશે.”

તેઓ કહે છે, “તેની શરૂઆત અમે 2010માં કરી હતી અને અમારું લક્ષ્ય દરેક યુવાનને શિવાજી મહારાજ જેવો બનાવવાનું છે. શિવાજી માત્ર હિન્દુઓના જ નહીં, મુસલમાનોના પણ રાજા હતા.”

શિવાજીની કર્મભૂમિ મુખ્યત્વે આધુનિક મહારાષ્ટ્ર અને કર્ણાટક હતી, પરંતુ ડૉ. બી આર આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વરિષ્ઠ પ્રોફેસર શિવાજીના ગોલકોંડા કિલ્લા સાથેના સંબંધની યાદ પણ અપાવે છે.

શિવાજી મહારાજે ઔરંગઝેબ વિરુદ્ધ કુતુબશાહી રાજા અબુલ હસન તાનાશાહના સાથે સૈન્ય ગઠબંધન માટે ગોલકોંડા કિલ્લાની મુલાકાત 1677માં લીધી હતી.

મૂર્તિની સ્થાપના બાબતે વિવાદ

રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપે જાહેર કરાયેલી 40 સ્ટારપ્રચારકોની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહનો સમાવેશ થાય છે

ગોવિંદ પાનસરેએ તેમના પુસ્તક ‘હૂ ઈઝ શિવાજી’માં શિવાજીના ધાર્મિક વ્યવહાર અને વિચાર બાબતે લખ્યું છે, “શિવાજી ધર્મમાં વિશ્વાસ કરતા ન હતા. તેઓ ધર્મનિરપેક્ષ હતા અથવા તો એમ કહીએ કે તેમણે પોતાના રાજ્યને ધર્મનિરપેક્ષ જાહેર કર્યું હતું.”

“પરંતુ તેઓ ઇસ્લામની વિરુદ્ધ હતા? તેઓ હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા હતા એટલે કે મુસ્લિમ ધર્મથી નફરત કરતા હતા? તેઓ મુસલમાનોનું હિન્દુકરણ કરવા ઇચ્છતા હતા કે પછી આ તેમનું મહારાષ્ટ્રીકરણ કરવાનો પ્રયાસ હતો?” આ બધા સવાલોના જવાબ નકારમાં મળે છે.

અમે મહારાષ્ટ્રને અડીને આવેલા તેલંગણાના નિઝામાબાદ જિલ્લાના બોધન શહેરમાં પહોંચ્યા હતા. બોધનમાં ગયા વર્ષે માર્ચમાં શિવાજીની મૂર્તિની સ્થાપનાના મુદ્દે હિંસા ભડકી હતી.

એ સમયના મોબાઇલ વીડિયોમાં પ્રદર્શનકર્તાઓ અને પોલીસ સિવાય શિવસેના શિંદે જૂથના નેતા ગોપી કિશન પસપુલેટી પણ જોવા મળે છે.

ગોપી કિશને જણાવ્યું હતું કે શહેરના આંબેડકર ચોકમાં શિવાજીની મૂર્તિ લગાવવાના તેમના પ્રયાસો વહીવટી ગૂંચવાડામાં લાંબા સમય સુધી અટવાયેલા રહ્યા ત્યારે એક દિવસે સવારે તેમણે પોતાની ટીમ સાથે એ ચોકમાં જઈને શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરી દીધી હતી.

વિરોધપ્રદર્શન વચ્ચે ટૂંક સમયમાં આ મામલો રાજકીય બની ગયો હતો.

ગોપી કિશન કહે છે, “આજે શિવાજી મહારાજને કારણે હિન્દુ લોકો આ દેશમાં બચ્યા છે. તેથી અમને શિવાજી મહારાજમાં બહુ આસ્થા છે.”

રાજકારણ
ઇમેજ કૅપ્શન, ગોપી કિશનના મતે છત્રપતિ શિવાજી તેમના માટે આસ્થાનો વિષય છે, રાજકીય નહીં

એ દિવસે વિરોધ કરનાર લોકોમાં એઆઈએમઆઈએમના નેતા મોહમ્મદ અબ્દુલ એજાઝ ખાન પણ સામેલ હતા.

એજાઝ ખાનના કહેવા મુજબ, “શિવાજી બિનસાંપ્રદાયિક વ્યક્તિ હતા. અમે તેમને કાયમ સેક્યુલર માનીશું. હિન્દુ સંગઠનો તેમને શું માને છે તેની સાથે અમારે લેવાદેવા નથી.”

તેઓ કહે છે, “અમને શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના સામે કોઈ વાંધો ન હતો, પરંતુ પરવાનગી વિના પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું તેની સામે અમને વાંધો હતો. તેથી અમે વિરોધપ્રદર્શન કર્યું હતું.”

બોધન શહેરના કલદુર્કી ગામમાં લગભગ બે વર્ષ પહેલાં શિવાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

કલદુર્કીના રહેવાસી અશોકે જણાવ્યું હતું કે પહેલાં લોકો શિવાજી મહારાજ વિશે કશું જાણતા ન હતા, પરંતુ હવે યુવાનો તેમના વિશે વાંચી રહ્યા છે.

તેઓ કહે છે, “કલદુર્કી નહીં, ભવિષ્યમાં દરેક ગામમાં છત્રપતિની પ્રતિમા અમે બનાવીશું. તે માત્ર છત્રપતિની મૂર્તિ નથી, એ હિન્દુઓની એક શક્તિ છે.”

બાજુના એક ગામ રાનમપલ્લીમાં પણ થોડા મહિના પહેલાં શિવાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.

ગોપી કિશનના જણાવ્યા મુજબ, હિન્દુ સંગઠનો માટે શિવાજી રાજકીય નહીં, પણ આસ્થાનો વિષય છે. જોકે, ટીકાકારો આ વાત સાથે સહમત નથી.

ભાજપના હિન્દુત્વના જવાબમાં બીઆરએસના સર્વોચ્ચ નેતા કેસીઆર પોતાના હિન્દુત્વને અસલી ગણાવે છે.

બીઆરએસના નેતા કવિતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, “હું બહુ જ ધાર્મિક છું, પરંતુ મારા પૂજાપાઠ મારા ઘરમાં જ હોય છે.”

કવિતા કહે છે, “શિવાજી મહારાજને અમે માનીએ છીએ, કારણ કે તેમણે લોકોને આશા આપી હતી. ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ લોકો બાબતે ખોટી માહિતી આપીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવા તે ભાજપની વ્યૂહરચના છે.”

‘રઝાકાર’ ફિલ્મનો વિવાદ

રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ભાષણમાં કહ્યું હતું કે માત્ર ભાજપ જ તેલંગણાને આધુનિક ‘રઝાકારો’થી બચાવી શકે તેમ છે.

રઝાકાર એટલે સ્વયંસેવક. 1947માં ભારતની આઝાદી વખતે હૈદરાબાદના મુસ્લિમ શાસક નિઝામ મીર ઉસ્માન અલી પાશાએ હૈદરાબાદનો ભારતમાં વિલય કરવાને બદલે તેને આઝાદ રાખવાનો આગ્રહ રાખ્યો હતો.

ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, એ સમયગાળામાં નિઝામની નજીકના કાસિમ રિઝવીના નેતૃત્વમાં રઝાકાર તરીકે ઓળખાતા હથિયારધારી જૂથોએ અનેક હિન્દુઓ પર અત્યાચાર કર્યા હતા.

એક આંકડા મુજબ, તેલંગણાની કુલ વસતીમાં મુસ્લિમોનું પ્રમાણ 13-14 ટકા છે.

ચૂંટણીના થોડા સમય પહેલાં જ રિલીઝ કરવામાં આવેલા ‘રઝાકાર’ ફિલ્મના ટીઝર બાબતે પણ તેલંગણામાં રાજકારણ તેજ થયું છે અને ટીકાકારો તેને પણ હિન્દુ મતના ધ્રુવીકરણના ભાજપના પ્રયાસ સાથે જોડી રહ્યા છે.

ફિલ્મનિર્માતા અને ભાજપના નેતા ગુડૂર નારાયણ રેડ્ડીના જણાવ્યા મુજબ, તેઓ બાળપણથી જ રઝાકારોની કથાઓ સાંભળતા રહ્યા છે અને ફિલ્મને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.

તેમના કહેવા મુજબ, ફિલ્મની કહાણી “આજના મુસલમાનો વિશે કે કોઈ અન્ય વિશેની નથી.”

ફિલ્મના ટીઝરમાં રઝાકારોને હિન્દુ લોકો પર જુલમ કરતા દેખાડવામાં આવ્યા છે. રૂ. 45 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી આ ફિલ્મને ટૂંક સમયમાં પાંચ ભાષામાં રિલીઝ કરવાની યોજના છે.

રાજ્યમાં મતદાન પહેલાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ થવાથી ભડકેલા સત્તાધારી બીઆરએસના નેતા કેટીઆરે એક ટ્વીટમાં તેને ભાજપ દ્વારા રાજકીય દુષ્પ્રચારના હેતુથી કોમી હિંસા ભડકાવવાનો અને ધ્રુવીકરણનો પ્રયાસ ગણાવ્યું હતું.

કોણ હતા રઝાકાર?

રાજકારણ
ઇમેજ કૅપ્શન, ભાજપ નેતા ગુદુર નારાયણ રેડ્ડીએ ફિલ્મ 'રઝાકાર' બનાવી છે

અમે હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટી પહોંચ્યા ત્યારે આ ફિલ્મનું અંતિમ તબક્કાનું શૂટિંગ ચાલતું હતું.

ફિલ્મના સેટ પર રઝાકાર અને ગામલોકોનાં વસ્ત્રોમાં સજ્જ કળાકારો પર એક દૃશ્ય શૂટ કરવામાં આવી રહ્યું હતું.

અભિનેતા બોબી સિમ્હાના જણાવ્યા મુજબ, ફિલ્મની પાછળ “કોઈ રાજકારણ નથી. તેનો હેતુ તેલંગણાનો ઇતિહાસ કેવો હતો એ દર્શાવવાનો છે.”

દિગ્દર્શક યાટા સત્યનારાયણે જણાવ્યું હતું કે તેમણે ફિલ્મની રિસર્ચ માટે અનેક પુસ્તકો વાંચ્યાં હતાં અને ફિલ્મ બનાવવાનો હેતુ નવી પેઢીને ઇતિહાસથી માહિતગાર કરવાનો છે.

ડૉ. બી આર આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સિનિયર પ્રોફેસર ઘંટા ચક્રપાણીના જણાવ્યા મુજબ, ફિલ્મના ટીઝરનો હેતુ ચૂંટણી સંબંધી છે. રઝાકારોમાં કેટલાક હિન્દુઓ અને તેમની હિંસાનો શિકાર થયેલા લોકોમાં મુસલમાનો પણ સામેલ હતા.

તેઓ કહે છે, “આ બધા સ્વયંસેવકો મુસ્લિમ ન હતા. કેટલાક હિન્દુ પણ હતા. હિન્દુમાં કેટલાક અન્ય પછાતવર્ગના હતા, દલિત પણ હતા. ઉચ્ચ જ્ઞાતિના હતા. બધા લોકો હતા. તે એક નાનું જૂથ હતું. એ રઝાકારો ગામડાંમાં ગયા હતા. તેમનો ઉપયોગ જમીનદારોની સુરક્ષા માટે કરવામાં આવ્યો હતો. એ બધા સ્થાનિક હિન્દુ જમીનદાર છે. હિન્દુ જમીનદારોએ સામ્યવાદીઓને દબાવવા માટે રઝાકારોનો ઉપયોગ કર્યો હતો.”

પ્રોફેસર ચક્રપાણીના જણાવ્યા મુજબ, રાજ્યના સામ્યવાદીઓ વેઠિયા મજૂરની પ્રથા સામે પણ લડતા હતા અને તેઓ આ પ્રથા હેઠળ દબાયેલા લોકોની આઝાદી ઇચ્છતા હતા. આ મામલો હિન્દુ-મુસલમાનના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યો છે, પણ હકીકતમાં એવું નથી.

રઝાકારોને નિઝામે આર્થિક સંરક્ષણ આપ્યું હોય તેવો કોઈ પુરાવા નથી, એવું તેમણે જણાવ્યું હતું.

બીઆરએસના નેતા કવિતાએ રઝાકાર ફિલ્મ સંબંધી વિવાદ બાબતે કહ્યું હતું, “દરેક રાષ્ટ્ર, દરેક દેશના ઇતિહાસમાં કેટલાંક કાળાં પાનાં હોય છે, પરંતુ એ કાળાં પાનાંમાંથી તમે શું શીખો છો. તમે આજના સમાજને કેવી દિશા આપો છો, એ પક્ષના નેતા તરીકે તમારું વ્યક્તિત્વ દર્શાવે છે.”

તેઓ ઉમેરે છે, “ભાજપનો એક માણસ ફિલ્મ બનાવે છે, જે બિલકુલ ચૂંટણીના સમયે જ રિલીઝ કરવામાં આવે છે ત્યારે સ્પષ્ટ છે કે તેમની વિચારધારાને લોકપ્રિય બનાવતી ભાવના તેમાં પ્રચૂર પ્રમાણમાં છે, પરંતુ અમારા તેલંગણાની બિલીફ સિસ્ટમ એ નથી.”

ભાજપના નેતાનું સસ્પેન્શન રદ્દ કરવાનો પણ સંકેત

રાજકારણ
ઇમેજ કૅપ્શન, જ્યારે અમે ફિલ્મ 'રઝાકાર'ના સેટ પર પહોંચ્યા તો અમને કહેવામાં આવ્યું કે શૂટિંગનો થોડો જ સમય બાકી છે

ભાજપના ધારાસભ્ય રાજાસિંહને ગયા વર્ષે પેગંબર મહમદ વિશે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તેલંગણામાં તેમને હિન્દુત્વના પોસ્ટર બૉય ગણવામાં આવે છે. તેમનું સસ્પેન્શન રદ્દ કરવા પાર્ટીના નિર્ણયને જાણકારો ચૂંટણીમાં સંભવિત લાભ તરીકે જોઈ રહ્યા છે.

ટી રાજાસિંહે જણાવ્યું હતું કે તેમની સામે નોંધવામાં આવેલા 80થી વધુ કેસમાં હેટ સ્પીચના અનેક કેસ છે. એ બધા રાજકીય હેતુસરના છે.

પોતાના વિવાદાસ્પદ નિવેદન બાબતે તેઓ કહે છે, “મને કોઈ અફસોસ નથી અને મેં જીવનમાં ક્યારેય ખોટું કામ કર્યું નથી. મારો એજન્ડા હિન્દુ હોવાને નાતે હિન્દુત્વની વાત કરવાનો છે.”

ટી રાજાસિંહના કહેવા મુજબ, “ભારતમાં કોઈ દેશભક્ત પક્ષ હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. સમગ્ર ભારતમાં હિન્દુઓનું ભલું વિચારતો કોઈ પક્ષ હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. આ 2023ની ચૂંટણીમાં અમારો એકમાત્ર મુદ્દો કેસીઆરની સરકાર ખતમ કરવાનો છે, જે હેવી કરપ્શન સરકાર છે. તેણે તેલંગણાને કરજમાં ડૂબાડી દીધું છે. તેલંગણાની ચૂંટણીમાં કેસીઆર મુક્ત તેલંગણા અને અહીં ડબલ એન્જિન સરકારની રચના તથા વિકાસ જ અમારા માટે સૌથી મોટા મુદ્દા છે.”

ભાજપના એક અન્ય નેતાના જણાવ્યા મુજબ, બંડી સંજયકુમાર તેલંગણામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે હિન્દુત્વના જોરે તેમનો પક્ષ ઝડપભેર આગળ વધી રહ્યો હતો, પરંતુ તેમને પદ પરથી હટાવી દેવામાં આવતાં રાજ્યમાં પક્ષને મોટો ઝટકો લાગ્યો છે.

તેમને પદ પરથી શા માટે હટાવવામાં આવ્યા એ તો સ્પષ્ટ નથી, પરંતુ તેને પક્ષના આંતરિક રાજકારણ સાથે જોડવામાં આવે છે.

અનેક વખત પ્રયાસ કરવા છતાં બંડી સંજયકુમાર સાથે અમારી વાત થઈ શકી ન હતી.

તેમના સ્થાને તેલંગણામાં જી કિશન રેડ્ડીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

ભાજપ અને તેલંગણા

રાજકારણ
ઇમેજ કૅપ્શન, વરિષ્ઠ પ્રોફેસર ઘંટા ચક્રપાણીના જણાવ્યા અનુસાર, 'રઝાકર' ફિલ્મના ટીઝરનો હેતુ ચૂંટણી છે

તેલંગણાની રચના પછી ભાજપે રાજ્યમાં 2014ની ચૂંટણી તેલુગુદેસમ પાર્ટી સાથે મળીને લડી હતી. એ વખતે તને પાંચ બેઠકો મળી હતી.

વિધાનસભાની એ ચૂંટણીમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિને બહુમતી મળી હતી અને ચંદ્રશેખર રાવ મુખ્ય મંત્રી બન્યા હતા.

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સિકંદરાબાદ સંસદીય બેઠક પરથી વિજય થયો હતો.

2018માં વિધાનસભાને મુદ્દત પૂર્ણ થવા પહેલાં ભંગ કરી નાખવામાં આવી હતી અને ચૂંટણી યોજવામાં આવી હતી, પરંતુ એ ચૂંટણીમાં ભાજપને એક જ બેઠક મળી હતી.

એ ચૂંટણીમાં પણ ટીઆરએસને બહુમતિ મળી હતી અને ચંદ્રશેખર રાવ ફરી મુખ્ય મંત્રી બન્યા હતા.

જોકે, 2019ની સંસદીય ચૂંટણીમાં ભાજપને 17માંથી ચાર બેઠકો મળી હતી.

એ પછી પ્રદેશ ભાજપને રાજ્યમાં આશાનું કિરણ દેખાવા લાગ્યું અને પ્રદેશના નેતાઓ એવો દાવો કરવા લાગ્યા હતા કે તેમનો પક્ષ વિધાનસભા ચૂંટણી જીતીને રાજ્યમાં સરકાર રચશે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને 19.45 ટકા મત પણ મળ્યા હતા.

ભાજપને આશા છે કે 10 વર્ષની શાસન-વિરોધી લાગણી અને ડબલ એન્જિન સરકારનો નારો સત્તાધારી બીઆરએસને પરાજિત કરશે, પરંતુ આ લડાઈ એટલી આસાન પણ નથી.

બીબીસી
બીબીસી