You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સૂર્યકુમાર યાદવની બેટિંગના છેલ્લા 9 બૉલ, જેણે બૅંગલુરુની ટીમની કમ્મર તોડી નાખી
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
આઈપીએલમાં મંગળવારની મૅચ બાદ જ્યારે પોસ્ટ મૅચ સેરેમની શરૂ થઈ, ત્યારે એક ઍવૉર્ડને છોડીને દરેક ઍવૉર્ડ માટે માત્ર એક જ નામ સાંભળવા મળી રહ્યું હતું અને એ નામ હતું સૂર્યકુમાર યાદવ.
મૅચમાં સૌથી લાંબા છગ્ગાનો ઍવૉર્ડ ઈશાન કિશન ભલે જીત્યા હોય, પરંતુ મૅચના સિતારાઓમાં સૂર્યકુમાર યાદવ વધુ ચમકી રહ્યા હતા.
મુંબઈ ઇન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં રૉયલ ચેલેન્જર્સ બૅંગલુરુને 6 વિકેટે હરાવી દીધું હતું.
આ મૅચના સૌથી મોટા સ્ટાર સૂર્યકુમાર યાદવે 35 બૉલમાં 83 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેમણે આ સમયગાળા દરમિયાન છ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા.
સૂર્યકુમાર યાદવ ઉર્ફે સ્કાઈએ માત્ર 26 બૉલમાં અડધી સદી પૂરી કરી હતી અને બાકીના 9 બૉલમાં તેમણે 33 રન ફટકાર્યા હતા.
આ આંકડા પરથી તેમની બેટિંગનો અંદાજો લગાવી શકાય છે. તેમણે મેદાનના દરેક ખૂણે બૅંગલુરુના બૉલરોને ધોયા હતા.
તેમની બેટિંગ જોઈને ટીવી પર એક કૉમેન્ટેટરે કહ્યું હતું કે તેઓ બૉલરોના બૉલ નથી રમતા, પરંતુ ‘બૉલરો’ સાથે રમે છે.
બૉલરો સાથે રમવાની વાત ખૂબ સાચી હતી, કારણકે સૂર્યકુમાર યાદવ જે રીતે પાછળની બાજુએ સતત શૉટ ફટકારી રહ્યા હતા, ત્યારે એવું લાગી રહ્યું હતું કે કોઈ બાળકના બૉલ પર ઉછાળી-ઉછાળીને મારી રહ્યા હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૂર્યકુમાર યાદવ શૉટ કેવી રીતે રમે છે?
મૅચ બાદ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે સૂર્યકુમાર યાદવને પૂછ્યું હતું કે, તેઓ સરળતાથી ચોગ્ગા કેવી રીતે ફટકારી રહ્યા હતા?
આ સવાલ પર સૂર્યકુમારે કહ્યું હતું કે, “તેઓ (બૅંગલુરુ) એક પ્લાન સાથે આવ્યા હતા, તેમણે ધીમા બૉલ અંગે નેહલ સાથે વાત કરી હતી કે જો તેઓ ધીમો બૉલ નાખે, ત્યારે આપણે ગેપમાં બૉલ જોરથી ફટકારીશું અને ઝડપથી દોડીશું. અમે નક્કી કર્યું હતું કે બને તેટલા રન દોડીને જ લઈશું અને જો બાઉન્ડરી વાગે તો સારી વાત છે.”
મેદાનમાં ગેપ શોધવા અંગે સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, “મૅચમાં તમે જે કંઈ કરો છો, તે વાસ્તવમાં તમારી પ્રૅક્ટિસના કારણે થાય છે. હું કંઈ અલગ કરતો નથી, હું પ્રૅક્ટિસ કરું છું. હું ક્યાંથી રન મેળવીશ, તેની હું પ્રૅક્ટિસ કરું છું.”
“આ રીતે જ હું ઓપન નેટ સેશન દરમિયાન પ્રૅક્ટિસ કરું છું, હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને મારી જાતને દબાણમાં રાખું છું. હું મારી રમત જાણું છું, હું મારી કુશળતા જાણું છું કે મારા રન ક્યાં છે અને હું કંઈ અલગ કરતો નથી.”
બૅંગલુરુના કપ્તાન ફૅફ ડુપ્લેસીએ સૂર્યકુમાર યાદવ વિશે કહ્યું હતું કે, “તેઓ શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે અને જ્યારે તેઓ રમવાનું શરૂ કરે છે, ત્યારે તેમની સામે બૉલ નાખવો ઘણો મુશ્કેલ થઈ જાય છે, તમે ભલભલા રસ્તા અપનાવી લો પરંતુ તમે તેને રોકી શકતા નથી.”
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને સૂર્યકુમાર યાદવને દુનિયાના શ્રેષ્ઠ ટી-20 પ્લેયર ગણાવ્યા છે.
તેમણે લખ્યું છે કે, એવું લાગી રહ્યું છે કે તેઓ કૉમ્પ્યુટર પર બેટિંગ કરી રહ્યા હોય.
પૂર્વ ઝડપી બૉલર ઇરફાન પઠાણે ટ્વીટ કર્યું હતું કે, ‘સૂર્યા મુંબઈ ઇન્ડિયન્સનો અસલી ખજાનો છે.’
પૂર્વ સ્પિનર હરભજનસિંહે હેરતથી ટ્વિટર પર પૂછ્યું હતું કે, “આવી બેટિંગ કોઈ કેવી રીતે કરી શકે છે?”
મુંબઈની છેલ્લી મૅચ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે હતી, જેમાં સૂર્યકુમાર માત્ર 26 રન જ બનાવી શક્યા હતા, તેમના આઉટ થયા બાદ ચેન્નાઈ સુપરકિંગ્સના ટ્વિટર હૅન્ડલ પર લખવામાં આવ્યું હતું કે 'SKY is clear.' જેનો ઇશારો સૂર્યકુમાર તરફ જ હતો.
આ જ ટ્વીટને રિટ્વીટ કરતા એક ટ્વિટર હૅન્ડલે આજે લખ્યું છે કે, "SKY ઇઝ રેન્ડ 83 (35)."
બીજા ખેલાડીઓની સારી રમત પણ સૂર્યકુમાર પાછળ ઢંકાઈ ગઈ
મંગળવારની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુના કપ્તાન ફૅફ ડુપ્લેસીએ 41 બૉલમાં 65 રન અને ગ્લેન મૅક્સવેલે 33 બૉલમાં 68 રન બનાવ્યા હતા.
બંનેની ઇનિંગ્સના કારણે બૅંગલુરુએ 6 વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા અને મુંબઈને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
મુંબઈએ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને સતત ત્રીજી વખત એવું બન્યું છે કે તેમણે 200 કે તેથી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હોય.
મુંબઈ તરફથી ઈશાન કિશને 42 રન અને નેહલ વાઢેરાએ 52 રન બનાવ્યા હતા. નેહલ વાઢેરા અંત સુધી ક્રિઝ પર રહ્યા હતા અને વિજયી છગ્ગો ફટકારીને અણનમ પેવેલિયન પરત ફર્યા હતા.
સુનિલ ગાવસ્કરે નેહલ વાઢેરાની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમની બેટિંગમાં એક લય હતો અને તેઓ સમજી વિચારીને રમી રહ્યા હતા. ગાવસ્કરે મુંબઈની જીતમાં સૂર્યકુમાર યાદવની સાથે નેહલ વાઢેરાની ઈનિંગને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.
નેહલ વાઢેરાની આ સતત બીજી ફિફ્ટી છે. તેમણે છેલ્લી મૅચમાં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 64 રનની ઇનિંગ રમી હતી.
મૅચ બાદ વાઢેરાએ કહ્યું હતું કે, "અગાઉ હું નીચેના ક્રમે બેટિંગ કરતો હતો, પરંતુ હવે મને પહેલા બેટિંગ કરવાની તક મળે છે, તેથી હું સતત ફિફ્ટી ફટકારું છે. મને ખુશી છે કે અમારી ટીમ જીતી અને અમે આ રીતે જ આગળ રમત જાળવી રાખીશું."
વાઢેરાએ સૂર્યકુમારની પ્રશંસા કરતા કહ્યું હતું કે, "સૂર્યભાઈ ટૉપક્લાસ ખેલાડી છે, મેં તેમના કેટલાક શૉટ્સની નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હું કરી શક્યો નહીં.”
“હું જ્યારે તે રમી રહ્યો હતો, ત્યારે તેમની સાથે વાત કરી રહ્યો હતો અને તેઓ વારંવાર કહી રહ્યા હતા કે માત્ર રમતા રહો. તેઓ મને હિંમત આપી રહ્યા હતા કે આપણે આવી રીતે જ રમતા રહીશું, તો 15મી અને 16મી ઓવરમાં મૅચ પૂરી કરી દઈશું.”
આકાશ મધવાલનાં પણ થયાં વખાણ
મૅચ બાદ બૅંગલુરુના કપ્તાન ફૅફ ડુપ્લેસીએ સ્વીકાર્યું હતું કે તેમની ટીમે વધુ 20 રન બનાવવાની જરૂર હતી, કારણ કે મુંબઈની ટીમ 220થી ઓછા રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકે છે.
તેમનું માનવું હતું કે, મુંબઈની બેટિંગ લાઇન-અપ ખૂબ જ મજબૂત છે અને તેમની ટીમ (બૅંગલુરુ) છેલ્લી 5 ઓવરનો સારી રીતે ઉપયોગ કરી શકી ન હતી.
છેલ્લી 5 ઓવરમાં બૅંગલુરુની ટીમ માત્ર 47 રન જ બનાવી શકી હતી. છેલ્લી ઓવર આકાશ મધવાલે નાખી હતી, જેમાં બૅંગલુરુ માત્ર 6 રન જ બનાવી શક્યું હતું.
પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને સંજય માંજરેકરે પણ આકાશ મધવાલનાં વખાણ કર્યાં હતાં.
મુંબઈના કપ્તાન રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘ગયા વર્ષથી તેઓ અમારી સાથે જોડાયેલા છે અને અમે તેની કુશળતા જાણીએ છીએ અને અમે તેમને એવી જ ખાસ જવાબદારીઓ આપી છે, અમે તેમને કહ્યું છે કે તમારે આ કરવું પડશે. તેઓ ખૂબ જ આત્મવિશ્વાસુ છે.’
"જ્યારે પણ હું તેમની સાથે વાત કરું છું અને તેમની પાસેથી મને જે જવાબ મળે છે, તેના પરથી લાગે છે કે તેઓ આત્મવિશ્વાસુ છે. તેઓ તેમની ઉત્તરાખંડની ટીમને પણ લીડ કરે છે, સાથે બૉલિંગ કેવી રીતે કરવી, ખેલાડીઓને મેદાન પર કેવી રીતે મૂકવા તે વિશે પણ તેમની પાસે ઘણું જ્ઞાન છે."
મુંબઈ ઈન્ડિયન્સની આ શાનદાર જીતથી તેમને મોટો ફાયદો થયો છે. જે ટીમ મૅચ પહેલા પૉઇન્ટ ટેબલમાં 8માં સ્થાને હતી, તે સીધી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
આ સાથે જ બૅંગલુરુની ટીમ છઠ્ઠા સ્થાનેથી સાતમાં સ્થાને આવી ગઈ છે.
હવે મુંબઈની આગામી મૅચ શુક્રવારે ગુજરાત ટાઇટન્સ સામે થશે, જ્યારે બૅંગલુરુની આગામી મૅચ રવિવારે રાજસ્થાન રૉયલ્સ સામે રમાશે.
આઈપીએલમાં આજે ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે મૅચ રમાશે.