માનવ જેવાં લાગતા બધા રૉબોટને સ્ત્રીના રૂપમાં કેમ બનાવવામાં આવે છે?

ઍરિકા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ઍરિકા

વિશ્વના સૌપ્રથમ અતિ-વાસ્તવિક હ્યુમેનોઇડ આર્ટિસ્ટ રૉબોટનું નામ એઇડા પાડવામાં આવ્યું છે. વિશ્વના સૌપ્રથમ નર્સિંગ આસિસ્ટંટ રૉબોટનું નામ ગ્રેસ પાડવામાં આવ્યું છે.

એઇડા અને ગ્રેસની સાથે સોફિયા, નડિને, માઈક અને ડેસ્ડેમોના (રૉકસ્ટાર રૉબોટ) પણ છે.

આ બધા રૉબોટમાં એક સમાનતા છે. ડિઝાઇનના સંદર્ભમાં આ બધા રૉબોટને મહિલાનું સ્વરૂપ અને ઓળખ અપાયાં છે. હવે સવાલ એ છે કે આ રૉબોટ્સના ડિઝાઇનર્સે તેમને સ્ત્રીનું સ્વરૂપ આપવાનું કેમ નક્કી કર્યું?

ઘણી વાર એવી દલીલ કરવામાં આવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) વોઇસ સિસ્ટમ રૉબોટ્સને લિંગ ભેદભાવને કારણે સ્ત્રીનું સ્વરૂપ આપવામાં આવે છે.

જોકે, આનું બીજું કારણ પણ છે. ડિઝાઇનર્સ તેમના જેવા દેખાતા રૉબોટ્સ બનાવી રહ્યા છે. મહિલાઓ જ ફીમેલ રૉબોટ્સ બનાવતી હોવાનું પણ કહેવાય છે.

નડિને રૉબોટની વાત કરીએ તો તેનાં ડિઝાઇનર એક મહિલા છે. તેમનું નામ નાદિયા મેગ્નેનેટ થાલમૅન છે. નાદિયા ખુદને ‘રૉબો સેલ્ફી’ કહે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે ‘વૈશ્વિક સમસ્યાના નિરાકરણમાં એઆઈ સહયોગને પ્રોત્સાહન’ શીર્ષક હેઠળ જુલાઈમાં જીનીવામાં એક પરિષદનું આયોજન કર્યું હતું.

તેમાં હ્યુમેનોઇડ રૉબોટ્સ હાજર રહ્યા હતા. તે મેળાવડાને હ્યુમેનોઇડ રૉબોટ્સનો વિશ્વનો સૌથી મોટો મેળાવડો ગણાવવામાં આવ્યો હતો.

જીનીવા પરિષદમાં ભાગ લેનારાં ડેસ્ડમોના રૉબો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીનીવા પરિષદમાં ભાગ લેનારાં ડેસ્ડમોના રૉબો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉપરોક્ત ફીમેલ રૉબોટ્સ ઉપરાંત જેમિનીઓઇડ નામના એક પુરુષ રૉબોટે પણ તેમાં ભાગ લીધો હતો. તેના ડિઝાઇનર પુરુષ છે અને તેમનું નામ હિરોશી ઇશિગુરો છે.

એઇડા પરિષદના મુખ્ય વક્તાઓ પૈકીનો એક રૉબોટ હતો. એઇડાની ખાસ બાબત એ છે કે તે એક કળાકાર છે. તેનો અર્થ એ કે તે ડ્રોઈંગ, પૅન્ટિંગ, શિલ્પકામ કરવાની સાથે પર્ફૉર્મન્સ પણ આપે છે.

એઇડાને નારી સ્વરૂપ આપવા બાબતે એઇડા પ્રોજેક્ટ ઓપરેશન્શનાં વડાં લિસા જાવીએ બીબીસી સાથે વાત કરી હતી.

લિસાએ કહ્યું, “કળા અને ટેકનૉલૉજીનાં ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ બહુ ઓછું છે. અમે ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયોનો અવાજ સારી રીતે સાંભળવામાં આવે તે સુનિશ્ચિત કરવા ઇચ્છતાં હતાં.”

રૉબોટ્સને સ્ત્રીનું સ્વરૂપ આપવા પાછળનું બીજું કારણ પણ છે. સામાન્ય રીતે મહિલાઓના અવાજને ઉચ્ચ અગ્રતા આપવામાં આવતી હોવાનું કહેવાય છે.

અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીના રૉબોટિક્સ અને હ્યુમન કમ્પ્યૂટર ઇન્ટરઍક્શન નિષ્ણાત કાર્લ મૅકડોર્મને જણાવ્યું હતું કે મહિલા ડિઝાઇનર્સ મહિલાઓના અવાજ પસંદ કરે છે અને પુરુષોની આ બાબતમાં કોઈ પસંદગી હોતી નથી, એવું અમને અમારા સંશોધનમાંથી જાણવા મળ્યું હતું.

એઆઈ, સિરિ અને ઍલેક્સાના પ્રારંભિક સંસ્કરણોમાં મહિલાઓનો અવાજ મૅકડોર્મનની આ દલીલને વધારે મજબૂત બનાવે છે.

મૅકડોર્મને કહ્યું હતું, “સેવાની ગુણવત્તા અથવા ગ્રાહક સેવાની ભૂમિકાની વાત આવે ત્યારે એ પુરુષો કરતાં સ્ત્રીઓ સાથે વધુ સંકળાયેલા હોય તેવું લાગે છે. એઆઈને મહિલાનો અવાજ આપવાનું વધારે લોકપ્રિય બની રહ્યું છે ત્યારે આ બાબતમાં પણ રૂઢિવાદિતા પ્રબળ થઈ રહી છે.”

તેમણે જણાવ્યું હતું કે તેને લૈંગિક ભેદભાવ માની શકાય. તેનું કારણ એ છે કે રૉબોટ દ્વારા કરવામાં આવતી ગ્રાહક સેવાની ભૂમિકા ગુલામીની નજીક છે.

ગ્રે લાઇન

રૉબોટ્સ કેમ સ્ત્રી સ્વરૂપમાં હોય છે?

હિરોશી ઇશિગુરો તેમના જેમિનીઓઇડ નામના પુરુષ રોબોટે સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિરોશી ઇશિગુરો તેમના જેમિનીઓઇડ નામના પુરુષ રૉબોટ સાથે

કૅથલીન રિચાર્ડસન બ્રિટનની ડી મૉન્ટફોર્ટ યુનિવર્સિટીમાં રૉબોટ્સના ઍથિક્સ અને કલ્ચરનાં પ્રોફેસર છે. તેમણે હ્યુમનોઇડ રૉબોટ્સે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું નહોતું એ દિવસોને યાદ કર્યા.

કૅથલીને કહ્યું, “15 વર્ષ પહેલાં રૉબોટ્સ મોટા ભાગે બાળકો માટે જ બનાવવામાં આવતાં હતાં. રૉબોટ બાળક જેવો હશે, તો લોકોને તેના માલિક બનવાનું વધારે ગમશે એવું ધારીને રૉબોટ્સને બાળકનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.”

કૅથલીને જણાવ્યા મુજબ, આજે આપણે જે ફીમેલ રૉબોટ્સ જોઈ રહ્યા છીએ તેની શોધ ઍન્ડ્રોઇડનું જોખમ ઓછું કરવાનો એક પ્રયાસ છે.

તેમના મતાનુસાર, આ ફેરફારોનો હેતુ આપણા જીવનમાં, ખાસ કરીને વ્યક્તિગત ક્ષેત્રમાં ટેકનૉલૉજીના ઉપયોગ દ્વારા ડીપર્સનલાઇઝેશન અને અમાનવીયકરણના લોકોના ભયને દૂર કરવાનો છે.

રૉબોટની ડિઝાઇનમાં આ ડરે પણ ભૂમિકા ભજવી હોવાનું મૅકડોર્મને જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, “માદા રૉબોટ મેળવવાનું સરળ છે, ખાસ કરીને બાળકો માટે. તેથી રૉબોટ્સ માટે આ સ્વરૂપ શ્રેષ્ઠ માનવામાં આવે છે.”

મૅકડોર્મને 2003-05 દરમિયાન જાપાનમાં રૉબોટ્સ પર કામ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમણે જે ટીમ સાથે કામ કર્યું હતું એ ટીમના સભ્યો માનતા હતા કે ફીમેલ રૉબોટ્સ ઓછા ખતરનાક હોય છે. તેમણે બાળકો સાથે અનેક પ્રયોગ પણ કર્યા હતા.

કૅથલીન રિચર્ડસનને શંકા છે કે અત્યાધુનિક રૉબોટ્સની ડિઝાઇન પાછળ એક અન્ય હેતુ પણ હોઈ શકે છે.

એઇડા રોબોટ છે

ઇમેજ સ્રોત, AI-DA PROJECT

ઇમેજ કૅપ્શન, આઇ-ડા રૉબોટ છે

તેમના રૉબોટ્સની તુલના કળા સાથે કરવામાં આવે છે. તેઓ માને છે કે આધુનિક કળા સમીક્ષકો સામે ઐતિહાસિક ચિત્રોનું મૂલ્યાંકન કરતી વખતે જે સમસ્યાઓ સર્જાય છે, એવી જ સમસ્યા રૉબોટને ડિઝાઇન કરતી વખતે સર્જાય છે.

તેમણે કહ્યું હતું, “એક પ્રસિદ્ધ સિદ્ધાંતકાર લૌરા મુલવે કળામાં પુરુષના દૃષ્ટિકોણ અને મહિલાઓનાં ચિત્રોમાં પુરુષોને કેવી રીતે દર્શાવવામાં આવે છે તેની વાત કરે છે. તેઓ મહિલાઓને સામાન્ય રીતે વિનમ્ર, નગ્ન તથા પુરુષની ઇચ્છાની વસ્તુ સ્વરૂપે ચિત્રિત કરે છે. એવી જ રીતે રૉબોટિક્સમાં પણ પુરુષ દૃષ્ટિકોણ પ્રતિબિંબિત થાય છે.”

જીનીવા કૉન્ફરન્સમાં પ્રદર્શિત કરવામાં આવેલા ફીમેલ રૉબોટ્સ નિહાળ્યા ત્યારે તે “કઠપૂતળીઓનો સમૂહ” જેવા હોવાની છાપ પડી હોવાનું તેમણે જણાવ્યું હતું.

સામાન્ય રીતે પુરુષોનું પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રે વિજાતીય લિંગમાં વધારે રસ હોવાથી ડિઝાઇનર્સ રૉબોટ્સને સ્ત્રી સ્વરૂપ આપતા હોવાનું મૅકડોર્મને સ્વીકાર્યું હતું.

રૉબોટ્સમાં આ લિંગ સંબંધી ભેદભાવનો અંત ક્યારે આવશે? ભવિષ્યમાં રૉબોટ્સનો ઉપયોગ જાતીય હેતુ માટે કરવામાં આવશે એવી રિચર્ડસનને ચિંતા છે. તેઓ પૉર્ન રૉબોટ્સ સામે ઝુંબેશ ચલાવી રહ્યાં છે. તેઓ એવી દલીલ કરે છે કે આ પ્રકારના હેતુ માટે રૉબોટ્સનો ઉપયોગ નૈતિક મૂલ્યો માટે હાનિકારક છે.

‘મૅન મેઇડ વીમૅન’ નામના પોતાના પુસ્તકમાં તેમણે જાતીય હેતુઓ માટે રૉબોટ્સના ઉપયોગના વધતા વલણ સામે ચેતવણી આપી હતી.

ગ્રે લાઇન

સેક્સ માટે રૉબોટ્સનો ઉપયોગ

ગ્રેસ એક નર્સિંગ રૉબોટ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રેસ એક નર્સિંગ રૉબોટ છે

સેક્સ માટે રૉબોટ્સનો ઉપયોગ કરવાનું વલણ સાયન્સ ફિક્શન મૂવીથી માંડીને સવારના ટૉક શો અને મ્યુઝિક વીડિયો સુધી ફેલાઈ ગયું છે. બાર્સેલોના, બર્લિન અને મોસ્કોમાં તો “સેક્સ ડોલ” વેશ્યાલયો પણ શરૂ કરવામાં આવ્યાં છે.

આ પ્રકારની પ્રથાને સામાન્ય બાબત બનાવવાથી મોટી કિંમત ચૂકવવી પડશે, એવી ચેતવણી તેમણે આપી હતી.

સેક્સની જરૂરિયાત સંબંધી ઉદ્યોગોના વિકાસની સંભાવના મૅકડોર્મને વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું, “એઆઈ સાથે એક ચિંતા સંકળાયેલી છે. ખાસ કરીને સેક્સના સંદર્ભમાં. માનવ સંબંધો સામાન્ય રીતે જટિલ હોય છે. કોઈ પણ પ્રકારની આત્મીયતામાં જોખમ હોય છે. એઆઈ સાથે તે વધારે જટિલ બની જાય છે.”

તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકોને ડેટિંગ કરતાં પૉર્નોગ્રાફી આસાન લાગે છે. એ ઉપરાંત એઆઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવાની જરૂરિયાત ઘટાડે છે અને અસ્વીકારના ભયને પણ દૂર કરે છે.

એઆઈની ગુલામ પ્રકૃતિને કારણે લોકોમાં ખુદને સર્વોત્તમ ગણવાનું પ્રમાણ વધશે, એવો ભય પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

જોકે, આવા રૉબોટ્સની કિંમત બહુ ઊંચી રાખવાથી તેને ખરીદવા ઇચ્છતા લોકોની સંખ્યા મર્યાદિત રહી શકે.

તેમણે કહ્યું હતું, “અન્ય રૉબોટ્સની તુલનામાં ઍન્ડ્રોઇડ બનાવવામાં વધારે ખર્ચ થાય છે. તેમને વાસ્તવિક બનાવવાનું ખર્ચાળ બની શકે, પરંતુ જેમ કેટલાક લોકો લક્ઝરી કાર ખરીદે છે તેમ હ્યુમેનોઇડ રૉબોટ્સ ખરીદતા હોય તેવા લોકો પણ છે.”

રેડ લાઇન
રેડ લાઇન