ગુજરાતમાં પહોંચ્યા બાદ ચોમાસું નબળું કેમ પડી ગયું, આ ત્રણ સ્થિતિ બદલાયા પછી ચોમાસું ફરી સક્રિય થશે?

ગુજરાતમાં 10 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રી બાદ વરસાદનું જોર વધવાને બદલે હાલ ઘટી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો નથી.

કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ તે બાદ ઝડપથી ચોમાસું આગળ વધ્યું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સમય કરતાં વહેલી એન્ટ્રી થયા પછી આગળ વધતું અટકી ગયું છે.

હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફની ચોમાસાની શાખા આગળ વધતી અટકી ગઈ છે અને બંને તરફ ચોમાસું નબળું પડ્યું છે.

ગુજરાતમાં ચોમાસું નબળું છતાં પ્રિ-મૉન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, જેના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તો કેટલાક વિસ્તારોમાં થોડો વધારે વરસાદ થતાં વાવણી થઈ છે.

રાજ્યમાં સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર વિસ્તારોને આવરી લેતું હોય છે, સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને અંતે કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોને ચોમાસું આવરી લે છે.

ગુજરાત પહોંચ્યા બાદ ચોમાસું નબળું કેમ પડ્યું?

ગુજરાતમાં ચોમાસું અરબી સમુદ્ર તરફની શાખા તરફથી આવે છે, પરંતુ ભારતના બંને દરિયામાં બનતી સિસ્ટમો ગુજરાતમાં ચોમાસાને પ્રભાવિત કરે છે.

ચોમાસું આગળ વધતું હોય ત્યારે અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમોને કારણે રાજ્યમાં ચોમાસું આગળ વધે છે. ઉપરાંત, બંગાળની ખાડીમાં સર્જાતાં લૉ-પ્રેશરને કારણે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદ થાય છે.

બંગાળની ખાડીની સિસ્ટમો મધ્ય ભારત તથા પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી પહોંચે તો તેની અસર ગુજરાત સુધી થાય છે. જેથી રાજ્યમાં ચોમાસું આગળ વધે છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ પ્રમાણે હાલ અરબી સમુદ્ર કે બંગાળની ખાડી બંનેમાં કોઈ સિસ્ટમો સર્જાઈ નથી, જેના કારણે ચોમાસાને જે વેગ અને મજબૂતી મળવી જોઈએ તે મળી રહી નથી.

શરૂઆતમાં રીમાલ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં ચોમાસું ઝડપથી આગળ વધ્યું હતું. જે બાદ અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધ્યું હતું. હવે બંને દરિયામાં સિસ્ટમો નથી અને તેના કારણે ચોમાસું નબળું પડી ગયું છે અને આગળ વધતું અટકી ગયું છે.

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે મહારાષ્ટ્રથી કેરળ સુધી અરબી સમુદ્ર પાસે ઑફ શૉર ટ્રફ બની રહી નથી, ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ તરફથી આવતા પવનો નબળા પડી ગયા છે. જેના કારણે પણ ચોમાસામાં કોઈ પ્રગતિ થઈ રહી નથી.

ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય ક્યારે થશે?

ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં હળવો અને છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા અમદાવાદ તરફના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં તબક્કાવાર ચોમાસું આગળ વધે છે, એટલે કે એક જ સમયે સમગ્ર ગુજરાતમાં ચોમાસું પહોંચતું નથી. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું પ્રવેશે છે.

20 જૂનની આસપાસ ચોમાસું અમદાવાદ અને એની આસપાસના વિસ્તારો સુધી પહોંચે છે તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને આવરી લે છે. 25 જૂનની આસપાસ ચોમાસું સૌરાષ્ટ્રના વધારે વિસ્તારો તથા જામનગર-રાજકોટ સહિતના વિસ્તારોને આવરી લે છે.

સૌથી છેલ્લે 30 જૂનની આસપાસ ચોમાસું કચ્છ અને બાકી રહેલા ગુજરાતના વિસ્તારોને આવરી લે છે. આ રીતે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ તમામ વિસ્તારોને આવરી લેતાં 15 દિવસ જેટલો સમય લે છે.

હાલની સ્થિતિ પ્રમાણે હજી પાંચ દિવસ સુધી ગુજરાતમાં હજી વરસાદનું જોર વધવાની શક્યતા ઓછી છે. 22 જૂનની આસપાસથી રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય બને તેવી શક્યતા છે. જે બાદ જૂનના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ચોમાસું વધારે મજબૂત બનતાં પાંચથી છ દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા છે. જે બાદ રાજ્યમાં પણ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.