નવરાત્રિમાં મોટા ભાગે જેમના ગરબા ગવાય છે એ અવિનાશ વ્યાસની કહાણી

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

હે રંગલો જામ્યો કાળન્દ્રીને ઘાટ, છેલાજી રે..., તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે..., મેંદી તે વાવી માંડવે... આવા ગરબા વગર તમે નવરાત્રીની કલ્પના કરી શકો?

આ તો અમુક જ ગરબાની વાત થઈ, પણ આવા બીજા અનેક ગરબા છે જે અવિનાશ વ્યાસે સંગીતબદ્ધ કર્યા છે.

ગરબા તૈયાર કરીને તેમણે નોરતાંના આકાશમાં મેઘધનુષ રચી દીધાં હતાં. એવું કહેવાય છે કે અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું.

સંગીતના ચાહકો અનુસાર તેમણે સંગીતબદ્ધ કરેલા ગરબાઓમાં કાનને ગમે તેવી નજાકત છે અને ગણગણવા ગમે તેવી તાજગી છે. જેમ કે, નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું.... બજે તાલ મંજિરાં.... વગેરે.

હૈયે રહે ને હોઠે રમે

પેઢીઓ બદલાઈ, નોરતાંમાં પણ ઘણું વૈવિધ્ય આવ્યું, પણ અવિનાશ વ્યાસના ગરબા પેઢી દર પેઢી ગવાય છે અને રસિયાઓ ગરબા લે છે.

અવિનાશભાઈના પુત્ર અને ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસ બીબીસીને જણાવે છે, "અવિનાશભાઈના ગરબા લોકપ્રિય એટલા માટે થયા કે તેમના ગરબામાં શબ્દરચના સરળ હોય છે. સંગીતના સૂરતાલ પણ એવા કે કોઈ પણ વ્યક્તિ એ ગાઈ શકે. તેથી જ તેમનાં ગરબા અને ગીતો લીલાછમ રહ્યાં છે."

"તેમની રચનાઓ વિદ્વતાભરી નહોતી તેથી વધુ લોકો સુધી પહોંચી શકી. મેં તેમને ક્યારેય કાગળ પેન લઈને ગીત કે ગરબા લખતા જોયા નથી. તેમને સંગીતની જે ટ્યૂન (ધુન) સૂઝે એ ટ્યૂન પર તેઓ શબ્દો બેસાડતા હતા."

કોઈ સંગીતકાર જ્યારે પોતે ગીતકાર પણ હોય ત્યારે શબ્દો સાથે સારી રીતે કામ પાર પાડી શકે છે. અવિનાશભાઈની વિશેષતા એ હતી કે તેમણે ગરબાનાં સ્વરાંકનો તો તૈયાર કર્યાં જ પરંતુ તેમણે ગરબા લખ્યા પણ ખરા.

ગુજરાતી સુગમ સંગીતની જોડી શ્યામલ–સૌમિલ પૈકીના સૌમિલભાઈ કહે છે કે, "તેમનાં સર્જનો લોકપ્રિય થયાં તેનું મુખ્ય કારણ તેમનાં સર્જનોમાં રહેલી લોકભોગ્યતા છે. તેઓ ગીતકાર અને સ્વરકાર બંને હતા."

"તેથી તેમની રચનાઓમાં શબ્દ અને સૂર બંનેની સરળતા એક સાથે વહેતી. તેમણે જે લખ્યું તે લોકોએ તરત ઝીલ્યું છે પછી તે ગરબા હોય કે ફિલ્મી ગીતો."

હેલ્લારો સહિતની કેટલીક ગુજરાતી ફિલ્મોમાં જેમનાં ગીતો વખણાયાં છે તેવા સૂરતના સંગીતકાર મેહુલ સુરતી અવિનાશભાઈ વિશે આ વાત વિસ્તૃત રીતે મૂકે છે.

તેઓ કહે છે કે, "કોઈ પણ સંગીતકાર પોતે ગીતકાર હોય તો એ સોનામાં સુગંધ કે ઊગતા સૂરજમાંથી સોનાનો વરખ નીકળતો હોય એવી પરસ્પર પૂરક ઘટના છે. તેમણે કોઈ ગીતકાર કે કવિ પર આધાર રાખવાનો નથી."

"તેમને કોઈ ટ્યૂન સૂઝે અને એનો કોઈ ચોક્કસ ભાવ હોય તો એ તરત એના પર શબ્દો બેસાડી દેશે. તેને કોઈ ગીતકાર પાસે જઈને સિચ્યુએશન વર્ણવીને એવું ગીત કે ગરબો લખવા કહેવું નહીં પડે."

"તે પોતાના સ્વરાંકનમાં જે શબ્દો પરોવશે તે એના ભાવ કે કલ્પનાની વધુ નજીક હશે. જે કદાચ અન્ય ગીતકાર તેના માટે એટલી સરસ ઢબે નહીં કરી શકે."

લોકસંગીત અને સુગમ સંગીત આધારિત ગરબા

અવિનાશભાઈના ગરબાઓની વિશેષતા એ છે કે તેમણે રચેલા ગરબાઓને બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે.

લોકગીતોના ઢાળવાળા ગરબા અને સુગમ સંગીત આધારિત ગરબા.

છેલાજી રે..., અલી બઈ..., હે રંગલો જામ્યો..., તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે... વગેરે ગરબા લોકગીતના ઢબના છે. આ ગરબા જ્યારે પણ ગવાય છે ત્યારે પગમાં થનગનાટ થવા માંડે છે.

સુગમ સંગીત આધારિત ગરબાની વિશેષતા એ છે કે નોરતાં સિવાય સુગમ સંગીતના કાર્યક્રમો કે લગ્નસંધ્યામાં કે ગુજરાતી ગીતોની સ્પર્ધામાં પણ તે ગાઈ શકાય છે.

મારી ગાગરડીમાં ગંગાજમના..., તાળીઓના તાલે.., મારી વેણીમાં ચાર ચાર ફૂલ...વગેરે ગરબા સુગમ સંગીત આધારિત છે.

ગૌરાંગ વ્યાસ આ વાત સાથે સૂર પૂરાવતાં કહે છે કે, "હા, લોકસંગીત અને સુગમ સંગીત બંને તેમના ગરબામાં જોઈ શકાય છે. જોકે, અવિનાશભાઈ પોતે ક્યારેય એવું નક્કી કરીને ગરબા તૈયાર કરતા નહોતા. તેમને જે ટ્યૂન સૂઝે તેમના પર ગરબાના શબ્દો બેસાડતા હતા."

"પછી તે ગરબો ક્યારેક લોકસંગીતના તાલે આવતો તો ક્યારેક સુગમ સંગીતના સથવારે આવતો હતો. તેમની વિશેષતા એ પણ હતી કે તેમને ટ્યૂન (ધુન) સૂઝે એટલે તરત તેઓ તેનું મુખડું (ગીત–ગરબાની શરૂઆતની બે પંક્તિ) લખી નાખતા હતા."

"ટ્યૂન સાથે જ તેમને શબ્દો આવતા હતા એવું કહીએ તો પણ ખોટું નહીં કહેવાય. ગરબાના અંતરા (ગીત–ગરબાની બીજી, ત્રીજી, ચોથી કડીઓ) પછી લખતા હતા."

"તેમનું એવું માનવું હતું કે સંગીતકાર–ગીતકાર તરીકે મને જે સૂઝે છે તે મુખડું જ સૂઝે છે, અને તે ઈશ્વરની પ્રેરણાથી જ સ્ફૂરે છે. ઈશ્વરે મુખડા પર જ મહેનત કરી છે. એટલે કે અંતરા માટે આપણે મહેનત કરવાની હોય છે. અવિનાશભાઈના ગરબાનાં મુખડાં તમે જુઓ તો એ પૉપ્યુલર મુખડાં છે. શ્રોતાને તે તરત ખેંચી લે છે. જેમ કે, હો રંગરસિયા ક્યાં રમી આવ્યા રાસ જો, તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે..."

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો... કઈ રીતે આ ઉત્કૃષ્ટ ગરબો રચાયો?

અવિનાશ વ્યાસનો એક અત્યંત ભાવસભર ગરબો એટલે, ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.’ કેટલાક લોકો તેને ગીત તેમજ ભજન પણ ગણે છે.

મેહુલ સુરતી કહે છે કે, "એ સૌથી શ્રેષ્ઠ ગરબો છે, તમે એમાં સાત માત્રામાં તાળી પાડીને ગરબે રમી શકો છો. એ રચના સુગમ સંગીતની પણ ઉત્તમ રચના છે. પરંતુ સૌપ્રથમ તો એ ગરબો છે. એમાં જે લય, લયકારી, લચક, સ્વરાંકન, ભક્તિ અને શબ્દવૈભવ બધું જ છે. મને વ્યક્તિગત રીતે એમ લાગે છે કે માડી તારું કંકુ... પાસે સુગમ સંગીતનું સર્વોચ્ચ બિન્દુ છે. ત્યાં એક વિરામ આવી જાય છે."

આ ગરબાની રચનાને લઈને કેટલીક વાયકાઓ છે જેમ કે, એક વખત અમદાવાદના કાંકરિયા તળાવ પાસે કેટલાક લોકો ક્રિકેટ રમતા હતા. તેમનો લાલ બૉલ ઊછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને અવિનાશ વ્યાસને રચના સ્ફૂરી.

બીજી વાયકા એવી છે કે અવિનાશભાઈએ માતાજીના મૂર્તિમાં કપાળમાંથી કંકુ ખરતાં નિહાળ્યું અને તે ગરબો રચ્યો હતો.

આ બંને વાયકા સત્યથી વેગળી છે. ગૌરાંગ વ્યાસ આ રચનાના સાક્ષી છે. તેઓ કહે છે કે, "અવિનાશભાઈ દર ભાઈબીજે અંબાજી મંદિરે દર્શન કરવા જતા હતા. એક વખત મંદિરે દર્શનમાં બેઠા બેઠા જ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો એ ગરબો ગાયો."

"એ વખતે ગુજરાતી સુગમ સંગીતના ઉત્તમ ગાયક-સ્વરકાર પુરુષોત્તમ ઉપાધ્યાય અને હું મંદિરમાં સાથે હતા. અવિનાશભાઈએ તે ગરબો ગાયો ત્યારે તે અગાઉ અમને કહ્યું હતું કે હું જે ગાઉં છું તે તમે યાદ રાખજો. મને પછી યાદ નહીં રહે કે મેં શું ગાયું છે."

"પછી અમે પાછા ફર્યા ત્યારે બીજે દિવસે તેમણે અમને પૂછ્યું કે મેં શું ગાયું હતું કહો? અમે તેમને ગાઈને સંભળાવ્યું, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. આટલું તમે ગાયું હતું."

ગૌરાંગભાઈ ઉમેરે છે કે, "એ પછી મુંબઈની ભગિની સમાજ સંસ્થાએ તેમને માતાજીનો ગરબો તૈયાર કરવાનું કહ્યું હતું. એ વખતે કલ્લોલિનીબહેન હઝરત ઉષાબહેન હઝરત તે સંસ્થા ચલાવતા હતા."

"અવિનાશભાઈએ એક ગરબો તેમને સંભળાવ્યો તે તેમને પસંદ ન પડ્યો. તેથી અવિનાશભાઈએ તેમને માડી તારું કંકુ ખર્યું... સંભળાવ્યો. તેમને તે ખૂબ પસંદ પડ્યો."

"એ વખતે ભાઈએ ફક્ત મુખડું (ગીત-ગરબાની પ્રથમ બે પંક્તિ જ તૈયાર કરી હતી.). તેમને એ ગરબો પસંદ પડ્યો એટલે ભાઈએ અંતરા (ગરબાની અન્ય કડી) પણ તરતોતરત લખી નાખ્યા હતા. મુંબઈમાં એક રૂમમાં ગરબાનું રિહર્સલ ચાલતું હતું અને બીજી બાજુ ભાઈ ગરબાના અંતરા લખતા ગયા હતા. એ રીતે એ ગરબો રચાયો હતો."

અવિનાશ વ્યાસ ગરબામાં વેસ્ટર્ન વાદ્યોનો ઉપયોગ નહોતા કરતા

આર.ડી. બર્મન હોય કે અવિનાશ વ્યાસ દરેક સંગીતકારની પોતાની પદ્ધતિ હોય છે. અવિનાશ વ્યાસ ગરબામાં ઢોલ, ઢોલક અને તબલાનો મુખ્ય વાદ્યો તરીકે ઉપયોગ કરતા હતા.

વાંસળી, શરણાઈ વગેરેનું સંગીત સાથે ઉમેરતા. અન્ય કયાં વાદ્યો ગરબાના સંગીતમાં ઉમેરવા તે ઓર્કેસ્ટ્રાનું કામ તેઓ ગૌરાંગ વ્યાસ પર છોડી દેતા હતા. તેમના ગરબામાં સંગીતનાં વિવિધ વાદ્યોનું જે નકશીકામ સંભળાશે તે ગૌરાંગ વ્યાસે કર્યું છે.

ગૌરાંગ વ્યાસ જણાવે છે કે, "ગરબામાં તેઓ વેસ્ટર્ન વાદ્યો ઉમેરવાના આગ્રહી નહોતા. તેમને એમ લાગતું કે ગરબા લોકગીતને અડીને તૈયાર થાય છે."

"તેમાં તમે પશ્ચિમી વાદ્યો વાપરો તો ગરબો ક્યાંક માર ખાતો હોય એવું લાગે. હું પણ તેમની વાત સાથે સહમત હતો. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જોઈએ તો વેસ્ટર્ન વાદ્યો ગરબામાં ખોટાં નથી, યુવાઓને તે પસંદ પડે છે."

"તેમ છતાં ગરબાનું મૂળ સ્વરૂપ જે છે તે તળપદું છે, એમાં દેશી વાદ્યો જ બળકટ રીતે ખીલે છે."

નારીસંવેદનાને વાચા આપતા ગરબા તૈયાર કર્યા

પરંપરાગત રીતે ગુજરાત અને ગુજરાતીઓ ગરબા માટે જાણીતા છે. અવિનાશ વ્યાસ અગાઉ પણ ગરબા થતા જ હતા. અવિનાશ વ્યાસે એવું તો શું વિશેષ પ્રદાન કર્યું કે ગરબા માટે તેમનું નામ આગ્રહપૂર્વક લેવામાં આવે છે?

અમદાવાદમાં રહેતા ગુજરાતી સુગમ સંગીતના યુવા ગાયક પ્રહર વોરા બીબીસીને કહે છે કે, "ગરબાના જે કાર્યક્રમો થાય છે એમાંથી 80 ટકા ગુજરાતી ગરબાઓ અવિનાશભાઈના જ હોય છે. તેઓ ન હોત તો નવરાત્રી કેવી હોત એ કલ્પના કરવી મુશ્કેલ થઈ પડે છે."

ગૌરાંગભાઈ કહે છે કે, "અગાઉના વખતમાં પણ નરસિંહ મહેતા, ન્હાનાલાલ, દલપતરામ વગેરેના ગરબા ગવાતા હતા. કોઈ માણતા હતા. અવિનાશભાઈ પછી ગરબાની લોકપ્રિયતા વખતી ગઈ, કારણ કે તેમણે ગરબાના શબ્દો અને સંગીત સરળ રાખ્યા જેથી કોઈ પણ સામાન્ય માનવીને તે સમજાઈ શકે."

" અવિનાશભાઈએ ગરબાને સુગમ સંગીતની નજીક રહીને તૈયાર કર્યા. સુગમ એટલે લોકોને સમજાઈ જાય તેવું તેમજ સાંભળવું, ગાવું અને ગણગણવું ગમે તેવું સંગીત તેથી એ ગરબા વધુ ને વધુ લોકો સુધી પહોંચ્યા. તેમણે ગરબા સાથે સુગમ સંગીતનો મેળ કરાવ્યો તેથી તેની પહોંચ વધી."

અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં પણ સંગીતકાર તરીકે તેમનું કામ અને ખ્યાતિ તેમણે મુંબઈથી મેળવી હતી.

60-70ના દાયકામાં મુંબઈમાં એવા કાર્યક્રમો શરૂ થયા જેમાં સ્ટેજ પર યુવતીઓ–કિશોરીઓ વિવિધ ગરબા ગાતી જાય, રમતી જાય. લોકો દર્શક તરીકે તે કાર્યક્રમો નિહાળવા જતા. પછી એ પરંંપરા અમદાવાદમાં પણ શરૂ થઈ હતી.

સામાન્ય રીતે શેરી-મહોલ્લામાં જે ગરબા થતાં તે પરંપરાગત રીતે એક જ ઢબના હોય. દર્શકો જળવાઈ રહે તે માટે સ્ટેજ પરના ગરબા વિવિધતાવાળા હોવા જરૂરી છે.

અવિનાશભાઈએ સ્ટેજ માટેના ગરબા તૈયાર કર્યા. એ ગરબામાં કોરિયોગ્રાફી હોય એટલે કે વિવિધ પ્રકારનાં નૃત્ય સામેલ હોય. જેમ કે, મટકીનો ગરબો જેમાં બહેનો માથે મટકી મૂકીને ગરબા લે. દીવડાનો ગરબો જેમાં બહેનો હાથેમાં દીવડા લઈને ગરબા લે વગેરે. તેથી અલગઅલગ ઢબે ગરબા તૈયાર કરવા પડે.

મુંબઈના એ કાર્યક્રમોમાં અવિનાશભાઈએ સંગીતના વૈવિધ્ય સાથે ઘણા ગરબા તૈયાર કર્યા. તેથી એ રીતે પણ પરંપરાથી ચાલ્યા આવતા ગરબા કરતાં અવિનાશભાઈનું કામ થોડું અલગ અને નોંધપાત્ર થયું, જેને લોકોએ ખૂબ માણ્યું અને આજે પણ માણી રહ્યા છે.

ગૌરાંગભાઈ એક વાત ઉમેરે છે કે, "અવિનાશભાઈ ગરબામાં નારીસંવેદનાને પ્રધાન્ય આપતા હતા. જેમ કે, છાનું રે છપનું કંઈ થાય નહીં, ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે... આના શબ્દો પરથી પામી શકાશે કે નારીસંવેદનાને સ્પર્શ કરતાં ગરબા છે. તેથી મહિલાઓમાં તેમના ગરબા ખૂબ લોકપ્રિય થયા અને મન ભરીને બહેનોએ ગરબા લીધા."

"આ ગરબા વળી પાછા સુગમ સંગીતમાં તો લોકપ્રિય હતા જ. અવિનાશભાઈના ગરબા લોકો ગાવા માંડ્યા હતા. તેથી તેમણે ગુજરાતને ગાતું કર્યું એવો રૂઢિપ્રયોગ બોલાય છે."

પ્રહર વોરા કહે છે કે, "70ના દાયકામાં રેડિયો એક માધ્યમ તરીકે લોકપ્રિય થવા માંડ્યો હતો અને મહોલ્લાઓમાં પહોંચવા માંડ્યો હતો. તેથી અવિનાશભાઈના એ વખતના ગરબા તેમજ ગીતો રેડિયો થકી વધુ લોકો સુધી પહોંચી શક્યાં હોય તેવું બની શકે. પછી તે વરસોવરસ ગવાતાં રહ્યાં."

સંજય ભણસાલીનાં માતા લીલાબહેન અવિનાશ વ્યાસના ગરબા પર કોરિયોગ્રાફી કરતાં

હમ દિલ દે ચૂકે સનમ, બ્લૅક, બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી ફિલ્મો બનાવનારા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીનાં માતા લીલાબહેન મુંબઈના ચોપાટી ખાતે આવેલા ભારતીય વિદ્યાભવનમાં ગરબા કોરિયોગ્રાફ (ગરબાના સ્ટેપ્સ) કરતાં હતાં.

અવિનાશભાઈ એ વખતે ત્યાં સ્ટેજ માટેના ગરબા કમ્પૉઝ કરતા હતા. તેથી લીલાબહેન અને અવિનાશભાઈ વચ્ચે પરિચય હતો. અવિનાશ વ્યાસના ગરબા જેવા કે રંગલો જામ્યો કાળન્દ્રીને ઘાટ, તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે... વગેરે ગરબા લીલાબહેને કોરિયોગ્રાફ કર્યાં હતાં.

ગૌરાંગભાઈ એક પ્રસંગ યાદ કરતાં કહે છે કે, "થોડાં વર્ષ અગાઉ ઘાટકોપર–મુંબઈમાં એક કાર્યક્રમ હતો. મારે ત્યાં જવાનું હતું અને ત્યાં લીલાબહેન પણ આવ્યાં હતાં."

"એ વખતે અવિનાશભાઈ તો હયાત નહોતા. હું તેમને મળ્યો તો તેમણે પહેલાં તો એમ જ કહ્યું કે આ અવિનાશભાઈ ક્યાંથી આવ્યા? પછી તરત કહ્યું, ગૌરાંગ? મેં કહ્યું હા. પછી મને કહે કે, તને કેટલો નાનો હતો ત્યારે જોયો હતો."

"મારો ચહેરો અને નાકનકશો થોડા તેમને મળતા આવે છે એટલે મને જોઈને તેમને અવિનાશભાઈ તરત યાદ આવ્યા હતા."

‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ ગરબાથી અવિનાશ વ્યાસનું નામ જાણીતું થયું

અવિનાશ વ્યાસના કેટલાય ગરબા ગુજરાતી ફિલ્મોમાંથી સીધા ગરબાના ચોકમાં આવ્યા છે. લોકોને એ ગીત કે ગરબા હૈયે અને હોઠે છે, ફિલ્મનું નામ ભલે ખબર ન હોય. ચાલીસના દાયકાની શરૂઆતમાં અવિનાશ વ્યાસ અમદાવાદથી મુંબઈ કામ માટે જતા રહ્યા હતા. તેઓ અમદાવાદ અવિરત આવતા રહેતા હતા.

ગૌરાંગ વ્યાસ કહે છે કે, "1943માં અવિનાશ વ્યાસે તૈયાર કરેલું ગીત, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોળે સોહે સોહામણી ઝૂલ…રજૂ થયું. સુગમ સંગીતની એ રચના ગરબામાં પણ લોકપ્રિય છે. એ રચના લોકોને ખૂબ ગમી હતી. એને લીધે અવિનાશ વ્યાસ જાણીતા થયા."

રસપ્રદ વાત એ છે કે તે રચના અવિનાશભાઈએ પત્ની વસુમતીબહેન વ્યાસ પાસે ગવડાવી હતી.

ગૌરાંગ વ્યાસ કહે છે કે, " મારા પિતાજીની લોકપ્રિયતામાં સૌથી પહેલી ભૂમિકા મારાં માતા વસુમતીબહેનની છે એમ હું માનું છું."

લતા, આશા ને ઉષા મંગેશકર બહેનો પાસે ગરબા ગવડાવ્યા

અવિનાશ વ્યાસના કેટલાક ગરબા જે લોકપ્રિય થયા છે તે તેમણે સંગીતબદ્ધ કરેલી ગુજરાતી ફિલ્મોમાંથી આવ્યા છે. તેમણે લતા, આશા અને ઉષા મંગેશકર સહિત હિન્દી ફિલ્મોનાં જાણીતા ગાયકો પાસે ગુજરાતી ફિલ્મો માટે ગીતો ગવરાવ્યાં છે.

જેમ કે, મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે... (લતા મંગેશકર, ફિલ્મ: મેંદી રંગ લાગ્યો), ‘તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે... (ગીતા રૉય, ફિલ્મ: મંગલફેરા), છેલાજી રે પાટણથી પટોળા (આશા ભોસલે, ફિલ્મઃ સોન કંસારી), નવી તે વહુના હાથમાં રૂમાલ (આશા ભોસલે, ફિલ્મ – મનનો માણીગર), છાનું રે છપનું કંઈ થાય નહીં થાય નહીં...(આશા ભોસલે, ફિલ્મઃ સોનબાઈની ચુંદડી), હે રંગલો જામ્યો... (આશા ભોસલે, આશિત દેસાઈ ફિલ્મ - સોનબાઈની ચૂંદડી), વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા (ઉષા મંગેશકર, ફિલ્મ – ચૂંદડીનો રંગ), પાણી ગ્યાતા રે બેની તમે તળાવના રે... (સુમન કલ્યાણપુર, ફિલ્મ – ભાદર તારાં વહેતાં પાણી) વગેરે.

સુરતના રહેવાસી એવા ફિલ્મ સંગીતના સંશોધક હરીશ રઘુવંશીને ટાંકીએ તો, અવિનાશ વ્યાસે 162 ગુજરાતી ફિલ્મો ઉપરાંત 62 હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું.

વડોદરામાં રહેતા ફિલ્મ સંગીત મર્મજ્ઞ બિરેન કોઠારી તેમના બ્લૉગમાં નોંધે છે કે, "અવિનાશ વ્યાસે સંગીતબદ્ધ કરેલાં હિંદી ગીતોની સંખ્યા છે 436. ફક્ત ને ફક્ત આંકડાકીય સરખામણી ખાતર એ નોંધવું રહ્યું કે નૌશાદની કુલ ફિલ્મોની સંખ્યા 65 હતી, હેમંતકુમારે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોની સંખ્યા હતી 54, જ્યારે રોશનની કુલ ફિલ્મોની સંખ્યા હતી 57."

"આથી એ ખ્યાલ આવશે કે અવિનાશભાઈને ફક્ત ગુજરાતી ફિલ્મોના સંગીતકાર ન ગણી શકાય."