મોહમ્મદ સિરાજઃ કૅચ કરવામાં થયેલી ભૂલથી લઈને મૅચ જીતાડનારા હીરો, ઓવલ ટેસ્ટની પાંચ યાદગાર પળ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટૅસ્ટ શ્રેણીની છેલ્લી મૅચ ઓવલના મેદાન પર રમાઈ હતી જેને યાદગાર ગણવામાં આવશે. છેલ્લે સુધી કોઈ કહી શકે તેમ ન હતું કે કઈ ટીમ જીતશે.
મૅચ પછી ભારતીય બૅટ્સમૅન કેએલ રાહુલે જે કહ્યું તેના પરથી સાબિત થઈ ગયું કે આ ટૅસ્ટમૅચ શા માટે ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર રહેશે.
કેએલ રાહુલે જણાવ્યું કે ટૅસ્ટ ક્રિકેટના અસ્તિત્વ અંગે ઘણા સવાલો ઊઠી રહ્યા હતા. બંને ટીમો જે રીતે સિરીઝ રમી છે તેના પરથી આ સવાલનો જવાબ મળી ગયો છે.
મૅચના ચોથા દિવસે મોહમ્મદ સિરાજ પોતાની એક 'ભૂલ'ના કારણે ટ્રોલ થતા હતા, પરંતુ પાંચમા દિવસે તેઓ મૅચ વિનર સાબિત થયા.
આ ઉપરાંત આ ટૅસ્ટમૅચમાં એવી ઘણી પળો આવી જે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી. આવી પાંચ યાદગાર પળની વાત કરીએ.
1. જયસ્વાલ અને આકાશદીપની પાર્ટનરશિપ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રથમ ઇનિંગમાં 23 રનથી પાછળ રહી ગયા પછી ભારતીય ટીમ બીજી ઇનિંગ રમવા ઉતરી ત્યારે એક સમયે ભારતનો સ્કોર બે વિકેટે 70 રન હતો અને ટીમ સંઘર્ષ કરતી હતી.
ભારતને એક મોટી પાર્ટનરશિપની જરૂર હતી. એવામાં યશસ્વી જયસ્વાલ અને નાઇટ વૉચમૅન આકાશદીપ ભારતીય ટીમ માટે સંકટમોચક સાબિત થયા.
બંનેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં 107 રન બનાવ્યા અને ઇનિંગને સ્થિરતા આપી. આકાશદીપે 66 રન બનાવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને ભારતને એક સન્માનજનક સ્થિતિ સુધી પહોંચાડવામાં મદદ કરી. શુભમન ગિલ, કરુણ નાયર અને કેએલ રાહુલ જેવા બૅટ્સમૅનો બીજા દાવમાં સફળ ન રહ્યા, ત્યારે નીચલા ક્રમમાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદરે ફાંકડી અર્ધસદી ફટકારીને ભારતનો સ્કોર 396 રન સુધી પહોંચાડી દીધો. તેના કારણે ભારત ઇંગ્લૅન્ડને 374 રનનો લક્ષ્ય આપવામાં સફળ રહ્યું.
2. હેરી બ્રૂકનો એ કૅચ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૅચના ચોથા દિવસે મોહમ્મદ સિરાજે એક એવી ભૂલ કરી જેના કારણે તેઓ કેટલાક ભારતીય ક્રિકેટ પ્રેમીઓનો ટાર્ગેટ બની ગયા. ભારતીય ટીમે તે ભૂલનાં ગંભીર પરિણામ ભોગવવા પડે તેમ હતાં.
સ્કોર જ્યારે ત્રણ વિકેટે 137 રન પર પહોંચ્યો ત્યારે પ્રસિદ્ધ કૃષ્ણા ઇનિંગની 34મી ઓવર ફેંકવા આવ્યા.
પ્રસિદ્ધ કૃષ્ણાએ પ્રથમ શૉર્ટ બૉલ ફેંક્યો, જેના પર હેરી બ્રૂક પુલ શૉટ રમ્યા. દડો હવામાં ડીપ ફાઇન લેગ તરફ ગયો. ત્યાં મોહમ્મદ સિરાજ હતા. સિરીઝમાં સૌથી વધારે વિકેટો ઝડપનાર સિરાજે આસાનીથી કૅચ પકડી લીધો, બૉલર કૃષ્ણાએ તો વિકેટની ઉજવણી પણ શરૂ કરી દીધી હતી.
પરંતુ ત્યારે સિરાજે એ 'ભૂલ' કરી કે કૅચ લીધા પછી તેમનું ધ્યાન પાછળ બાઉન્ડ્રી રોપ પર ન ગયું. તેઓ બાઉન્ડ્રીથી કેટલા દૂર છે તેનો અંદાજ કાઢી ન શક્યા. તેના કારણે તેમનો પગ બાઉન્ડ્રી રોપને સ્પર્શી ગયો.
એટલે કે હેરી બ્રૂક નૉટઆઉટ હતા, એટલું જ નહીં તે સિક્સ હતી જેથી ઇંગ્લૅન્ડના ખાતામાં છ રન ઉમેરાઈ ગયા.
હેરી બ્રૂક 19 રનના વ્યક્તિગત સ્કોર પર હતા ત્યારે તેમને આ જીવનદાન મળ્યું હતું.
ત્યાર પછી લંચ અને ટી-બ્રેક વચ્ચે ઇંગ્લૅન્ડે 153 રન ઉમેર્યા. હેરી બ્રૂકે આક્રમક બેટિંગ કરી અને 91 બૉલમાં સદી પૂરી કરી. બ્રૂક અને જો રૂટ વચ્ચે ચોથી વિકેટ માટે 195 રનની ભાગીદારી થઈ.
હેરી બ્રૂકે 111 અને જો રૂટે 105 રન બનાવ્યા.
3. હેરી બ્રૂકની વિકેટ

ઇમેજ સ્રોત, Getty Images
હેરી બ્રૂક અને જો રૂટ ક્રિઝ પર ટકી ગયા હતા ત્યારે ઇંગ્લેન્ડની જીત લગભગ નક્કી લાગતી હતી.
ઇંગ્લૅન્ડ વિજયથી માત્ર 73 રન દૂર હતું ત્યારે હેરી બ્રૂક આકાશદીપના બૉલ પર સ્ટ્રોક લગાવવા આગળ વધ્યા. તેમનું બેટ હાથથી છૂટી ગયું જેથી સ્ટ્રોકમાં તાકાત ન હતી અને બૉલ સીધો મોહમ્મદ સિરાજ તરફ ગયો.
થોડા કલાકો અગાઉ ભૂલ કરનાર સિરાજે તેની ભરપાઈ કરી દીધી અને આસાન કૅચ પકડી લીધો. આ સાથે બ્રૂકની ઇનિંગનો અંત આવ્યો.
બ્રૂક આઉટ થતા જ ઇંગ્લૅન્ડની એક પછી એક વિકેટો પડવા લાગી.
4. મૅચ વિજેતા સિરાજ

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા દિવસે રમત શરૂ થઈ ત્યારે ઇંગ્લૅન્ડનો સ્કોર 6 વિકેટના ભોગે 339 રન હતો.
ચોથા દિવસના અંતિમ સત્રમાં ભારતીય બૉલર્સે કમબૅક કર્યું છતાં ઇંગ્લૅન્ડનું પલડું ભારે લાગતું હતું. પરંતુ મોહમ્મદ સિરાજના ઇરાદા અલગ જ હતા. પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરેલા સિરાજની બૉલિંગ માટે ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનો પાસે કોઈ જવાબ ન હતો.
તેમણે જેમી સ્મિથ, ઑવર્ટન અને ગસ ઍટકિંસનની વિકેટ લઈને ભારતની જીત પર મહોર લગાવી દીધી.
5. ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ જ્યારે મેદાનમાં ઉતર્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડ માટે આ મૅચ કેટલી મહત્ત્વની હતી તે એ વાત પરથી સાબિત થાય છે કે ટીમનો સ્કોર જ્યારે નવ વિકેટના ભોગે 357 રન હતો અને ઇંગ્લૅન્ડ જીતથી માત્ર 17 રન દૂર હતું ત્યારે ઇજાગ્રસ્ત હોવા છતાં ક્રિસ વોક્સ મેદાનમાં ઉતર્યા હતા.
તેમનો એક હાથ સંપૂર્ણપણે ઈજાગ્રસ્ત હતો જેને તેમણે સ્વેટર નીચે છુપાવ્યો હતો.
તેઓ બેટિંગ કરવાની સ્થિતિમાં ન હતા. છતાં તેમણે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો. તેમના આ જુસ્સાને મેદાનમાં હાજર દર્શકોએ ઊભા થઈને બિરદાવ્યો.
ક્રિઝ પર ગસ ઍટકિન્સને વોક્સને સ્ટ્રાઇકથી દૂર રાખ્યા.
પરંતુ અંતે સિરાજના એક સુંદર બૉલ પર ઍટકિન્સનનાં સ્ટમ્પ ઊખડી ગયાં અને વોક્સના જુસ્સા છતાં ઇંગ્લૅન્ડ આ મૅચ હારી ગયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












