માલેગાંવ બ્લાસ્ટ કેસ પછી ચર્ચામાં આવેલો 'ભગવો આતંકવાદ' શબ્દ ક્યાંથી આવ્યો?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, મયૂરેશ કોણ્ણુર
- પદ, બીબીસી સંવાદદાતા
માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યાના એક કલાકમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા ઍક્સ પર એક વન-લાઇનર લખ્યું, "આતંકવાદ ક્યારેય ભગવો નહોતો, ના છે, અને ના હશે."
આના એક દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું, "ભગવા આતંકવાદ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? હું વિશ્વ સામે ગૌરવભેર કહું છું – હિંદુ ક્યારેય આતંકવાદી ન હોઈ શકે."
તેમનાં નિવેદનો હજુ સમાચારો બનાવી જ રહ્યાં હતાં, તેના બીજા દિવસે જ માલેગાંવ બ્લાસ્ટનો ચુકાદો આવી ગયો. આ ચુકાદા બાદથી 'ભગવો આતંકવાદ' કે 'હિંદુ આતંકવાદ' શબ્દપ્રયોજનો અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
આ ટર્મ સૌપ્રથમ માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન સામે આવી હતી. એ સમયે કેન્દ્રમાં યુપીએ અને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકાર હતી.
પાછલા દોઢ દાયકામાં આ ટર્મની ભારતીય રાજકારણ પર નોંધપાત્ર ઇમ્પેક્ટ રહી હતી.
હિંદુત્વ રાજકારણને કેન્દ્રીય વિચારધારા તરીકે રજૂ કરતા ભાજપ સતત આરોપ કરતો આવ્યો છે કે કૉંગ્રેસ અને તેનાં સાથી દળોએ 'તુષ્ટિકરણ'ના રાજકારણ માટે જાણીજોઈને આ શબ્દ પ્રયોજ્યો અને તેને પૉપ્યુલર બનાવ્યો.
દોઢ દાયકાથી આ આરોપ-પ્રત્યારોપ ચૂંટણીઅભિયાનનો ભાગ રહ્યા છે. પરંતુ એટલું તો ખરું જ કે 'ભગવા આતંકવાદ' શબ્દે નોંધપાત્ર રાજકીય ઊથલપાથલ સર્જી છે.
'ભગવા આતંકવાદ' શબ્દ સૌપ્રથમ ક્યારે અને કેવી રીતે પ્રયોજાયો?

ઇમેજ સ્રોત, Getty Images
1980માં રામજન્મભૂમિ ચળવળની શરૂઆતથી નવા રાજકીય પ્રવાહનું નિર્માણ થવા લાગ્યું – જેને સામાન્ય રીતે 'હિંદુત્વ કે કમંડલ રાજકારણ' તરીકે ઓળખવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમયગાળામાં ભાજપનો રાષ્ટ્રીય સ્તરે જનાધાર વધવા લાગ્યો.
જે બાદ ભારત 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ જેવી હિંસક ઘટનાઓ અને કોમવાદી તોફાનોનું સાક્ષી બન્યું.
ગુજરાતનાં 2002નાં રમખાણો બાદ રાષ્ટ્રીય સ્તરે આ તણાવ વધ્યો.
આ બધું થવા છતાં 2008ના માલેગાંવ બ્લાસ્ટની ઘટના સુધી ક્યારેય 'ભગવા આતંક' શબ્દ ક્યાંય નહોતો પ્રયોજાયો.
તત્કાલીન મહારાષ્ટ્ર એટીએસના વડા હેમંત કરકરેની આગેવાનીમાં એજન્સીએ જ્યારે કેસની તપાસ શરૂ કરી ત્યારે હિંદુત્વ સંસ્થાઓ પર શંકા ગઈ. આ કેસમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિતના લોકોની ધરપકડ થઈ. આ પહેલી વાર હતું જ્યારે હિંદુત્વ જૂથ સાથે સંકળાયેલા લોકો પર બૉમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપ લાગ્યા.

ઇમેજ સ્રોત, ANI
આ દરમિયાન તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમે જાહેરમાં 'ભગવા આતંક' શબ્દનો ઉપયોગ કર્યો.
વર્ષ 2010માં દિલ્હી ખાતેની ડીજીપી અને આઇજીપી કૉન્ફરન્સમાં બોલતી વખતે, તેમણે કહ્યું :
"ભારતમાં યુવાનોને ઉદ્દામવાદીઓમાં પરિવર્તિત કરવાના પ્રયાસો રોકાયા નથી. તાજેતરમાં ભગવા આતંકની એક ઘટના પ્રકાશમાં આવી છે, જેનો અગાઉની બૉમ્બ બ્લાસ્ટની અનેક ઘટનાઓ સાથે સંબંધ છે. આપણે આપણી રાજ્ય અને કેન્દ્રીય એમ બંને સ્તરે ઍન્ટિ-ટેરર તાકતોને વધુ બળવાન બનાવવાનું ચાલુ રાખવું જોઈએ."
તેમના આ નિવેદને મીડિયાનું ધ્યાન ખેંચ્યું અને વિવાદ ફાટી નીકળ્યો. કૉંગ્રેસે બાદમાં આ નિવેદનને ચિદંબરમનો અંગત મત ગણાવીને અંતર જાળવ્યું, તેમ છતાં ટીકા ચાલુ રહી.
એ જ વર્ષે વિકીલિક્સ કેબલે દાવો કર્યો કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તત્કાલીન યુએસ રાજદૂત ટિમથી રોમરને કહ્યું હતું કે ભારત માટે ઇસ્લામિક આતંક કરતાં હિંદુ ઉગ્રવાદી જૂથો મોટું જોખમ છે.
એ સમયે વિકીલિક્સની વૈશ્વિક સ્તરે નોંધ લેવાતી, તેથી મીડિયાએ આ નિવેદનને ખૂબ ચલાવ્યું.
સુશીલકુમાર શિંદે અને દિગ્વિજયસિંહનાં નિવેદનો

ઇમેજ સ્રોત, Getty Images
ચિદંબરમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી બનેલા સુશીલકુમાર શિંદેના નિવેદનથી ફરી એક વાર મોટો વિવાદ થયો. તેમણે એક જાહેર ભાષણમાં 'ભગવા આતંક'નો ઉલ્લેખ કર્યો હતો.
જાન્યુઆરી 2013માં જયપુર ખાતે કૉંગ્રેસના મનોમંથન સત્ર દરમિયાન શિંદે પાર્ટીના કાર્યકરોને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આ પ્રકારના આતંકવાદની વાત કરી હતી.
પોતાની આત્મકથા 'ફાઇવ ડેકેડ્સ ઇન પૉલિટિક્સ'માં શિંદે આ ટર્મનો ઉપયોગ કરવા પાછળનું કારણ જણાવ્યું.
તેમણે લખ્યું કે મંત્રાલયના ગુપ્ત દસ્તાવેજો ચકાસતી વખતે તેમની સામે 'ભગવા આતંક' શબ્દ આવ્યો હતો, ભાજપ અને આરએસએસ સામેલ હતા તેથી આના કારણે ખૂબ મોટો વિવાદ થઈ શક્યો હોત, તેથી જાહેરમાં કોઈ આરોપ કરતા પહેલાં તેમણે આની ખરાઈ સુનિશ્ચિત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે તેઓ જાણીજોઈને 'હિંદુ આતંક'ને સ્થાને 'ભગવા આતંક' બોલ્યા હતા.
"જો કોઈ મારા એ સમયના મીડિયા ઇન્ટરવ્યૂ ફરી જુએ, તો તેમને દેખાશે કે કે મેં ચોકસાઈ સાથે 'ભગવા આતંક' શબ્દપ્રયોગ કર્યો. મને યાદ છે કે મીડિયામાંથી કોઈએ મને પૂછેલું કે શું હું હિંદુ આતંક કહેવા માગું છું. મેં જવાબ આપ્યો : મેં ભગવા આતંકની વાત કરી છે."
તેમ છતાં ત્યારે અને આજે પણ ભાજપ આ ટર્મનો કૉંગ્રેસની વિરોધમાં ઉપયોગ કરે છે.
આ સમયગાળામાં જ કૉંગ્રેસનેતા દિગ્વિજયસિંહ પર પણ આ શબ્દ વારંવાર પ્રયોજવાનો આરોપ લાગ્યો હતો.
તેમણે દાવો કર્યો હતો કે 26/11ની બરાબર પહેલાં તેમણે હેમંત કરકરે સાથે વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે તેમને માલેગાંવ તપાસને કારણે હિંદુત્વ જૂથો પાસેથી ધમકીઓ મળી હતી.
તેમનું આ નિવેદન વિવાદિત ગણાવાયું. વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે માલેગાંવ બ્લાસ્ટ કેસનાં મુખ્ય આરોપી સાધ્વી પ્રજ્ઞાને ભોપાલ બેઠક પરથી દિગ્વિજયસિંહ સામે ઉમેદવાર બનાવીને ઉતારી દીધાં હતાં.
ચૂંટણીપ્રચાર દરમિયાન આ શબ્દ ફરી વાર સામે આવ્યો, જ્યારે પ્રજ્ઞાએ દિગ્વિજય પર સૌપ્રથમ 'હિંદુ આતંક' શબ્દ પ્રયોજ્યો હોવાનો આરોપ કર્યો.

ઇમેજ સ્રોત, AFP
દિગ્વિજયે જવાબ આપ્યો :
"મેં ક્યારેય આવું નથી કહ્યું. મને એ ક્લિપ બતાવો જ્યારે મેં હિંદુઓને આતંકવાદી કહ્યા હોય. હું ખુદ હિંદુ છું. હું મારી જાતને જ આતંકવાદી શા માટે કહીશ?"
વર્ષ 2022માં દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે એનસીપીના નેતા શરદ પવારે સૌપ્રથમ 'હિંદુ આતંક' શબ્દ પ્રયોજ્યો છે અને ચિદંબરમ અને શિંદેએ તેમને અનુસર્યા છે.
અલીબાગ ખાતે પાર્ટી રેલીમાં પવારે આ પ્રકારના ઉગ્રવાદ સામે ચિંતા વ્યક્ત કરી હતી. ફડણવીસના નિવેદને વધુ એક રાજકીય વિવાદ છંછેડ્યો હતો.
બીજા કેસો અને આતંકવાદ પર વ્યાપક ચર્ચા

ઇમેજ સ્રોત, PTI
માલેગાંવની તપાસ ચાલી રહી હતી ત્યારે અન્ય બ્લાસ્ટ કેસોમાં પણ હિંદુત્વ સંસ્થાઓનાં નામ સામે આવ્યાં હતાં.
માલેગાંવ કેસનાં આરોપી – સાધ્વી પ્રજ્ઞા અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતનાં નામોનો અન્ય હિંસક ઘટનાઓમાં પણ ઉલ્લેખ હતો.
એનઆઈએએ જુદાં જુદાં રાજ્યોમાં તપાસનું બાદમાં એકીકરણ કર્યું. જોકે, બાદમાં કેટલાક આરોપીઓ નિર્દોષ છૂટી ગયા.
વર્ષ 2007માં ભારત-પાકિસ્તાન સમજૌતા ઍક્સપ્રેસ પર થયેલા બ્લાસ્ટમાં 68 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ કેસમાં સ્વામી અસીમાનંદ અને અન્યોની ધરપકડ થઈ હતી, પરંતુ વર્ષ 2019માં કોર્ટે ચાર આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા. આ ચુકાદા સામે અપીલ ન કરવાના નિર્ણયની પણ ટીકા થઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2007માં અજમેર દરગાહમાં થયેલા બ્લાસ્ટમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો, તેમાં પણ અસીમાનંદ પર આરોપ લાગ્યા હતા. જોકે, બાદમાં તેઓ નિર્દોષ ઠર્યા હતા. સુનીલ જોશી, ભાવેશ પટેલ અને દેવેન્દ્ર ગુપ્તાને ગુનેગાર જાહેર કરાયા હતા. (તપાસ દરમિયાન જોશીની હત્યા થઈ ગઈ હતી.)
વર્ષ 2007માં હૈદરાબાદની મક્કા મસ્જિદ ખાતે બ્લાસ્ટમાં 18 લોકોનાં મૃત્યુ થયાં હતાં, તેમાં પણ અસીમાનંદ સાથે અન્ય 11 લોકો પર આરોપ લાગ્યા હતા. સીબીઆઈએ આ કેસની પ્રારંભિક તપાસ કર્યા બાદ એનઆઈએએ તપાસની ધુરા હાથમાં લીધી હતી. વર્ષ 2018માં કોર્ટે તમામને પુરાવાના અભાવમાં નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા, કોર્ટે સીબીઆઈની કસ્ટડીમાં કરેલી કબૂલાતને ફગાવી દેવાઈ હતી.
આવી રીતે ઘણી ઘટનાઓમાં હિંદુત્વ સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો આરોપી હતા. જોકે, પ્રથમ વખત આ કનેક્શનની તપાસ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા માલેગાંવ તપાસ વખતે થઈ હતી. આ ઘટના બાદમાં 'ભગવા આતંક' ટર્મના જન્મ તરફ દોરી ગઈ, જેણે રાષ્ટ્રવ્પાપી વિવાદ સર્જ્યો.
નામની પરવા કર્યા વગર આતંકનો ઉકેલ લાવવો જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
માલેગાંવ ચુકાદા બાદ 'ભગવા આતંક'નો મુદ્દો ફરી વાર સામે આવ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથેની વાતચીતમાં માગ કરી હતી કે કૉંગ્રેસે આ પ્રકારના કથાનકને પ્રેરણા પૂરી પાડવા માટે માફી માગવી જોઈએ.
મહારાષ્ટ્રના કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકલે જવાબ આપ્યો :
"આતંકવાદનો કોઈ ધર્મ, જાતિ કે રંગ નથી. પણ કેટલાક પક્ષો તેને એક રંગ આપવાનો પ્રયાસ કરે છે."
કોર્ટે ચુકાદો આપતી વખતે એવું પણ નિરીક્ષણ કર્યું કે હિંસક કૃત્યોને કોઈ ધર્મ સાથે સાંકળી ન શકાય.
શબ્દપ્રયોગની વાત બાજુએ મૂકીએ તો પણ સવાલ એ છે કે : નિર્દોષ લોકોનાં મૃત્યુ નીપજાવનાર આવી ઘટનાઓને અંજામ આપનાર કોણ હતું?

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાજુ પારુલેકર પૂછે છે કે, "ભીડ દ્વારા મારઝૂડની ઘટનાઓનું શું- શું એ પણ બની નહોતી? શું માલેગાંવ બ્લાસ્ટની ઘટનામાં લોકોનાં મૃત્યુ નહોતાં થયાં? કોણ જવાબદાર હતું? આ સવાલોના જવાબ કોણ આપશે? "
તેમણે ઉમેર્યું : "દેશમાં બહુમતીવાદી આતંકનો એ પ્રકાર સામે આવી રહ્યો છે, જેની નીચે લઘુમતી અને આદિવાસી જૂથો કચડાઈ રહ્યાં છે."
વરિષ્ઠ પત્રકાર અને લેખક પ્રશાંત દીક્ષિત માને છે કે આ પ્રકારનાં શબ્દપ્રયોગો અને રાજકારણ દેશને જોવાના બે વિઝન વચ્ચે લાંબા સમયથી ચાલી આવી રહેલી લડાઈથી પેદા થયાં છે.
"આઝાદી પહેલાં પણ, તમે આ પ્રકારનું વિભાજન જોઈ શકતા હતા. કૉંગ્રેસે ભારતની કલ્પના યુરોપિયન ઉદાર લેન્સ મારફતે કરી હતી. જ્યારે આરએસએસ અને હિંદુત્વવાદી જૂથો તેની કલ્પના ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા સાંસ્કૃતિક, ઐતિહાસિક લેન્સ મારફતે કરી હતી."
"માલેગાંવની તપાસની શરૂઆતથી જ કૉંગ્રેસને એક રાજકીય તકનો આભાસ થયો. તેઓ ગુજરાતનાં રમખાણોની અને મોદીના ઉદયની પહેલાંથી જ ટીકા કરી રહ્યા હતા. પૂરા દિલથી ન કરાયેલી તપાસ આવી રાજકીય રમતોને સ્પેસ આપે છે. અંતે તો "ભગવા આતંક"નો શબ્દ આ વિચારધારાકીય લડાઈમાંથી જ પેદા થયો. બાદમાં એ. કે. એન્ટનીએ માન્યું કે આ પ્રકારના શબ્દપ્રયોગથી કૉંગ્રેસને રાજકીય નુકસાન થયું."
"આ રાજકીય લડાઈઓમાં, યોગ્ય તપાસ અને ન્યાય ખોવાઈ જાય છે. પાયાનો પ્રશ્ન – માલેગાંવ બ્લાસ્ટ પાછળ કોણ હતું? – એ નિરુત્તર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












