એ બેબી હિપ્પો જેને જોવા લોકોનાં ટોળે-ટોળાં વળે છે

    • લેેખક, નિક માર્શ
    • પદ, બીબીસી ન્યૂઝ

થાઇલૅન્ડમાં એક હિપ્પોએ પ્રશંસકોનું જબરદસ્ત ધ્યાન ખેંચ્યું છે.

આ બે મહિનાની માદા હિપ્પોનું નામ મૂ ડેંગ છે. આ માદા હિપ્પોના વીડિયો વાઇરલ છે અને તેની એક ઝલક મેળવવા માટે પટાયા નજીક આવેલા પ્રાણી સંગ્રહાલયમાં લોકોની ભીડ ઊમટી રહી છે.

ખ્યાવ ખેવ ઓપન પ્રાણી સંગ્રહાલયે આપેલી માહિતી પ્રમાણે, જુલાઈમાં આ માદાના જન્મ પછી પ્રાણીસંગ્રાહલયની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

જોકે, પ્રાણી સંગ્રહાલયના નિદેશકે મૂ ડેંગની ઝલક મેળવવા માટે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા પ્રવાસીઓને યોગ્ય વર્તન કરવાનો આગ્રહ કર્યો હતો. કારણ કે કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં મુલાકાતીઓ પ્રાણી સાથે દુર્વ્યવ્હાર કરતાં નજરે ચડ્યા.

નિદેશક નારોંગવિટે ઑનલાઇન જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું, "આ વ્યવ્હાર માત્ર ક્રૂર જ નહીં, પરંતુ જોખમી પણ છે."

"આપણે આ પ્રાણીઓની સુરક્ષા કરવી જોઈએ અને એ વાત સુનિશ્ચિત કરવી જોઈએ કે તેમને સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ મળે."

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયોમાં મુલાકાતીઓ મૂ ડેંગને નિંદરમાંથી ઉઠાડવા માટે તેમના પર શેલફિશ અને પાણી ફેકતા નજરે ચડે છે.

નારોંગવિટે કહ્યું કે, "પ્રાણી સંગ્રહાલયમાં સીસીટીવી કૅમેરા લગાવ્યા છે. તેમણે બેબી હિપ્પો સાથે ખરાબ વર્તન કરનાર લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે."

તેમણે કહ્યું કે મૂ ડેંગને મળવાનો સૌથી શ્રેષ્ઠ સમય એ છે જ્યારે તે જાગતી હોય.

લુપ્ત થતી પ્રજાતિના પિગ્મી હિપ્પો કેમ ખાસ છે

પિગ્મી હિપ્પો મૂળ પશ્ચિમ આફ્રિકાના રહેવાસી છે. આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘે પિગ્મી હિપ્પોને એક લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરી છે. વિશેષજ્ઞો માને છે કે જંગલમાં પિગ્મી હિપ્પોની સંખ્યા ત્રણ હજારથી પણ ઓછી છે.

આ પિગ્મી હિપ્પોના ચપટા કદ અને મોટા આકારને કારણે ઘણા લોકો તેમને ઑનલાઇન ફૉલો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર એક યૂઝરે કહ્યું, "હું મૂ ડેંગનો પ્રશંસક છું અને આખો દિવસ તેના વિશે વિચારતો રહું છું."

બીજા એક યૂઝરે કહ્યું, "હું મૂ ડેંગ સિવાય વિશ્વમાં ચાલી રહેલી બીજી એક પણ વસ્તુ વિશે જાણતો નથી."

ખ્યાવ ખેવ ઓપન પ્રાણી સંગ્રાહલાય બૅંગકૉકથી લગભગ 100 કિલોમીટર દૂર છે. સંગ્રાહલય આ સેલિબ્રિટી હિપ્પો પ્રચારનો લાભ ઉઠાવી રહ્યું છે.

મૂ ડેંગના જન્મ પછી સંગ્રહાલયની 150 સોશિયલ મીડિયા પોસ્ટ પૈકી 128 પોસ્ટ મૂ ડેંગ વિશે છે. પ્રાણી સંગ્રહાલય પર અને ઑનલાઇન ઘણા મર્ચન્ડાઇઝ પણ ઉપલબ્ધ છે, જેમાં હિપ્પોથી પ્રેરિત ટી-શર્ટ અને પેન્ટની જોડી પણ સામેલ છે.

બીજી કેટલીક બ્રાન્ડ પણ તેનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. બ્યુટી રીટેલર સેફોરાએ મૂ ડેંગથી પ્રેરિત બ્લશને એક જાહેરાત સાથે બજારમાં મૂક્યું.

આ સૉફ્ટ પૉપ પાઉડર બ્લશની કિંમત લગભગ 45 અમેરિકન ડૉલર છે.

મૂ ડેંગે સોશિયલ મીડિયાની સાથે જ પરંપરાગત મીડિયામાં પણ હલચલ મચાવી દીધી છે.

મૂ ડેંગે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ટેલીવિઝન પર એન્ટ્રી કરી જ્યારે જાપાનનાં એક ટીવી સ્ટેશન ઑલ-નિપ્પૉન ન્યૂઝ નેટવર્કે સુપરસ્ટાર હિપ્પો પર એક ફિલ્મ બનાવવા માટે પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી.

રૉયલ થાઈ દૂતાવાસે પણ પોતાના સોશિયલ મીડિયા ચેનલ પર “હૉટ ટૉપિક” મૂ ડેંગનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

દૂતાવાસે ગુરુવારે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "તે ઊર્જાથી ભરપૂર છે અને તેનું સુંદર સ્વરૂપ ખૂબ જ સુખદાયક છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.