જાતે દવા કરતા આ ગોરીલા નવી દવાઓની શોધમાં આપણી શું મદદ કરી શકે?

વિજ્ઞાનીઓના સંશોધન પ્રમાણે, ગોરીલા પોતાની બીમારીની દવાઓ જાતે જ કરે છે. જેનો અભ્યાસ કરીને ભવિષ્યમાં નવી દવાઓની શોધના દરવાજા ખૂલી શકે છે.

ગેબનના સંશોધકોના અભ્યાસ પ્રમાણે, ગોરીલા ચોક્કસ પ્રકારનાં છોડ-પાન ખાય છે, જેનો ઉપયોગ સ્થાનિક ઉપચારકો દ્વારા દવા તરીકે કરવામાં આવે છે.

પ્રયોગશાળામાં આવા ચાર છોડનો અભ્યાસ કરવાથી તેમાં ઔષધીય ગુણો હોવાનું બહાર આવ્યું છે. તેમાં ઍન્ટિઑક્સિડન્ટ તથા ઍન્ટિમાઇક્રૉબલ્સ પ્રચૂર માત્રામાં હતાં. એટલું જ નહીં એક છોડમાં 'સુપરબગ' સામે લડવાની ક્ષમતા હોવાનું પણ જણાઈ આવ્યું છે.

ગોરીલા દ્વારા ઔષધીય ગુણો ધરાવતાં છોડ-પાનનો ઉપયોગ કરીને પોતાની દવા જાતે જ કરે છે, એ તથ્ય વ્યાપક રીતે ચર્ચાતું રહ્યું છે.

તાજેતરમાં એક ઓરેંગુટનની મીડિયામાં વ્યાપક ચર્ચા થઈ હતી, તેણે પોતાને થયેલી ઈજા પર છોડનો લેપ બનાવીને લગાડ્યો હતો.

સંશોધકોએ ગેબનના મૉકાલાબા-દોઉડુ નૅશનલ પાર્કમાં ગોરીલા દ્વારા ખાવામાં આવતાં છોડનો અભ્યાસ કર્યો હતો. જીવવિજ્ઞાનીઓએ સ્થાનિક ઉપચારકો સાથે વાત કરીને ચાર છોડ-ઝાડની યાદી તારવી હતી, જેમાં ઔષધીય ગુણો હોઈ શકે છે. જેમાં સેમર, મોટાં પીળાં સેતૂર, આફ્રિકન સાગ તથા અંજીરનો સમાવેશ થાય છે.

પરંપરાગત ઔષધીઓમાં તેની છાલનો ઉપયોગ પેટના દુખાવાથી માંડીને વંધ્યત્વના નિવારણ માટે થાય છે. તેમાં ફિનૉલ તથા ફ્લૅવોનોઇડ જેવા ઔષધીય અસર ધરાવતા કેમિકલ હોવાનું માલૂમ પડ્યું છે.

ઈકોલાઈની એક તરેહ પર અનેક પ્રકારની દવાઓની કોઈ અસર નથી થતી, પરંતુ આ ચારેય છોડ તેની સામે અસરકારક સાબિત થયા હતા.

પ્લૉસ વનમાં પ્રકાશિત દાવા પ્રમાણે, અલગ-અલગ પ્રકારના બૅક્ટેરિયા પર પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં, તેમાંથી સેમરનો છોડ દરેક પર "નોંધપાત્ર રીતે અસરકારક" રહ્યો હતો.

ડૉ. જોઆન્ના સેચેલ યુકેની યુનિવર્સિટી ઑફ દુર્હમ ખાતે ઍન્થ્રૉપૉલૉજિસ્ટ છે અને ગેબનના વિજ્ઞાનીઓના અભ્યાસમાં તેમની સાથે રહ્યાં હતાં.

ડૉ. સેચેલના કહેવા પ્રમાણે, "ગોરીલાઓની સમયની સાથે ઉત્ક્રાંતિ થઈ અને તેઓ પોતાને લાભકર્તા હોય તેવા છોડ ખાય છે, તે દેખાડે છે કે મધ્ય આફ્રિકાનાં વરસાદી જંગલો વિશે આપણે મર્યાદિત માહિતી ધરાવીએ છીએ."

ઉલ્લેખનીય છે કે ગૅબનનાં વિશાળ જંગલોમાં હાથી ચિંપાન્ઝી સહિત અનેક પ્રકારના જીવો રહે છે, પરંતુ ત્યાંનાં છોડ-ઝાડ વિશે વ્યાપક અભ્યાસ નથી થયા.

બીમારીઓ તથા શિકારને કારણે ગેબનનાં જંગલોમાં ગોરીલાઓની સંખ્યા દિવસે-દિવસે ઘટી રહી છે. ગોરીલાને ઇન્ટરનેશનલ યુનિયન ફૉર કન્ઝર્વૅશન ઑફ નેચર્સ રેડલિસ્ટમાં 'ખતરનાક હદે જોખમમાં રહેલી પ્રજાતિ' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.