You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂપેન્દ્ર પટેલની કૅબિનેટને ફાળવાયાં ખાતાં, કોને સોંપાયું કયું ખાતું?
ભૂપેન્દ્ર પટેલ બીજી વાર ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા છે, તેમણે રાજ્યના 18મા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને મુખ્ય મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી બન્યા છે.
ભૂપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ લીધા છે. મંત્રીમંડળમાં કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂતે શપથ લીધા છે.
તેમજ કુંવરજી બાવળિયા, મૂળુ બેરા, ડૉ. કુબેર ડીંડોર, ભાનુબહેન બાબરિયાએ મંત્રી તરીકે શપથ લીધા છે.
રાજ્યકક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા છે.
તેમજ પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ ઝીણાભાઈ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહજી પરમાર, કુંવરજી હળપતિએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે.
કોને કયું ખાતું સોંપાયું?
ભૂપેન્દ્ર પટેલ : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગરયોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કનુ દેસાઈ : નાણા, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ
ઋષિકેશ પટેલ : આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
રાઘવજી પટેલ : કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ
બળવંતસિંહ રાજપુત : ઉદ્યોગ, લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
કુંવરજીભાઈ બાવળીયા : જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
મૂળુ બેરા : પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન
કુબેર ડીંડોર : આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ભાનુ બાબરીયા : સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ
રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
હર્ષ સંઘવી : રમતગમત અને યુવકસેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
જગદીશ વિશ્વકર્મા : સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
પરષોત્તમ સોલંકી : મત્સ્યોદ્યોગ અને પશુપાલન
બચુભાઇ ખાબડ : પંચાયત, કૃષિ
મુકેશ પટેલ : વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા
પ્રફુલ્લભાઇ પાનસેરીયા : સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
ભીખુસિંહ પરમાર : અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
કુંવરજી હળપતિ : આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને સ્થાન મળ્યું?
2022ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે બીજી વાર ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.
ભૂપેન્દ્ર પટેલની સાથે અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા છે.
કુલ 182 વિધાનસભાની સીટમાંથી ભાજપને સૌથી વધુ 156 બેઠક મળી છે, જ્યારે કૉંગ્રેસને માત્ર 17 બેઠક મળી છે.
કનુ દેસાઈ
કનુ દેસાઈ પારડી બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ જીત્યા હતા.
તેમજ તેઓ 2012 પારડી બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
પારડી વિધાનસભા વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં તેઓ પ્રભુત્વ ધરાવે છે.
મૂળુભાઈ બેરા
આહીર મતદારોમાં પ્રભુત્વ ધરાવતા મૂળુભાઈ બેરા સૌરાષ્ટ્રની ખંભાળિયા બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે.
તેમણે કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમને હરાવ્યા છે. આ બેઠક પરથી ઈસુદાન ગઢવી પણ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા છે.
મૂળ બેરા 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાણવડ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. સીમાંકન બાદ ભાણવડ બેઠક રદ થઈ હતી.
કુંવરજી બાવળિયા
કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રના કોળી સમાજના દિગ્ગજ નેતા છે. તેઓ અગાઉ કૉંગ્રેસમાં હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા અને વિજય રૂપાણી સરકારમાં પાણી-પુરવઠા વિભાગના મંત્રી બન્યા હતા.
જોકે બાદમાં મંત્રીમંડળ વિખેરી નાખવામાં આવ્યું હતું. હાલની ચૂંટણીમાં તેઓ જસદણ બેઠકથી ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા છે.
બાવળિયાનું સૌરાષ્ટ્રમાં કોળી મતદારોમાં પ્રભુત્વ છે અને તેઓ સતત ત્યાંથી ચૂંટાતા આવ્યા છે.
બળવંતસિંહ રાજપૂત
બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે. તેમણે કૉંગ્રેસના ચંદનજી ઠાકોરને હરાવ્યા હતા. બળવંતસિંહ રાજપૂત ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા છે અને તેઓ અગાઉ કૉંગ્રેસમાં હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા.
હર્ષ સંઘવી
મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહરાજ્યમંત્રી બનાવાયા હતા.
2021માં રૂપાણી પ્રધાનમંડળને વિખેરી નાખવામાં આવ્યું ત્યારે યુવા પણ આશાસ્પદ નેતા તરીકે સંઘવીને સ્થાન મળ્યું હતું.
હર્ષ સંઘવી ભાજપના સૌથી નાની વયે ગૃહખાતાના રાજ્યકક્ષાના મંત્રી બનેલા અને નવ-નવ ખાતાં મેળવ્યા પછી મહેસૂલ જેવા તોતિંગ ખાતાનો વધારાનો હવાલો મળ્યો હતો.
રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું લઈ લેવાયું ત્યારે તેનો હવાલો અન્ય કોઈ સિનિયર નેતા નહીં, પરંતુ હર્ષ સંઘવીને જ સોંપવામાં આવ્યો હતો.
સુરતના જ હોવાથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની નિકટ મનાય છે.
ઋષિકેશ પટેલ
મહેસાણાના વીસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે આ ચૂંટણીમાં પણ જીત મેળવી છે, તેમણે કૉંગ્રેસના કિરીટ પટેલને હરાવ્યા છે.
ઋષિકેશ પટેલ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહ્યા છે. તેઓ આરોગ્ય ખાતું સંભાળતા હતા.
2007, 2012 અને 2017ની ચૂંટણીમાં પણ તેઓ વીસનગરથી ધારાસભ્ય બન્યા હતા.
ભાનુબહેન બાબરિયા
ભાનુબહેન બાબરિયા રાજકોટની ગ્રામ્ય (એસસી અનામત) બેઠકથી 2022ની ચૂંટણીમાં જીતીને આવ્યાં છે.
ગત 2017ની ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં નહોતી આવી પણ આ ચૂંટણીમાં ટિકિટ મળી અને ધારાસભ્ય બન્યાં છે.
તેમણે કૉંગ્રેસના સુરેશ બથવારને હરાવ્યા છે. આ સીટમાં આમ આદમી પાર્ટીએ પણ હારજીતમાં ભૂમિકા ભજવી છે.
પરસોત્તમ સોલંકી
રાજ્યમાં કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ફરી ધારાસભ્ય બન્યા છે.
પરષોત્તમ સોલંકી ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતો પર સારી પકડ ધરાવતા નેતા છે.
નોંધનીય છે કે પરષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ઘણાં વરસોથી જીતતા આવ્યા છે.
પરસોત્તમ સોલંકીને મોટા ભાગની સરકારોમાં મંત્રીપદ મળતું રહ્યું છે.
ગાંધીનગરમાં શપથવિધિ માટે ભવ્ય સમારોહની તૈયારીઓ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં યોજનારા આ શપથ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજર છે.
2022ની ચૂંટણી પહેલાં ભાજપે મુખ્ય મંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલી નાખ્યું હતું.
અનેક અટકળો વચ્ચે અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ પર પસંદગી ઉતારી હતી.
ભૂપેન્દ્ર પટેલ આ ચૂંટણીમાં પણ કૉંગ્રેસનાં ઉમેદવાર અમી યાજ્ઞિકને હરાવીને ધારાસભ્ય બન્યા છે.
જીત મેળવ્યા બાદ ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી અને ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા.
ચૂંટણી પહેલાં પણ ભાજપે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ બનશે એવી વાત કરી હતી.
સમારોહને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સમારોહમાં સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, બી.એસ યેદીયુરપ્પા, અર્જુન મુંડા જેવા વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ શપથગ્રહણમાં સામેલ છે.
ભાજપની ઐતિહાસિક જીત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન બે તબક્કામાં (પહેલી અને પાંચ ડિસેમ્બર) થયું હતું અને આઠ ડિસેમ્બરે પરિણામ આવ્યું હતું.
આ પરિણામ ભાજપ માટે અત્યાર સુધીની તમામ ચૂંટણીમાં ઐતિહાસિક રહ્યું છે. ભાજપે આ ચૂંટણીમાં સૌથી વધુ 156 બેઠકો મેળવી છે.
જ્યારે વિપક્ષ કૉંગ્રેસને માત્ર 17 બેઠક અને નવી આવેલી આમ આદમી પાર્ટીને પાંચ બેઠક મળી છે.
કૉંગ્રેસના જાણીતા ચહેરાઓમાં પૂર્વ વિપક્ષ નેતા અર્જુન મોઢવાડિયા, વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, વાવનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર વગેરે ચૂંટાઈ આવ્યા છે.
ગુજરાત ચૂંટણીનો જંગ ત્રિપાંખિયો ખેલાયો હતો અને હારજીતમાં આમ આદમી પાર્ટીએ પણ મોટી ભૂમિકા ભજવી છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 અને કૉંગ્રેસને 77 બેઠક મળી હતી.