You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગંભીરા બ્રિજ દુર્ઘટના: બ્રિજ તૂટ્યો અને 'અમે ગાડીમાંથી કૂદી પડ્યા', બચી ગયેલા લોકોએ શું કહ્યું?
વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ બુધવારે વહેલી સવારે અચાનક ધરાશાયી થયો હતો.
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાં છે.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું કે આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં છે. ચાર લોકો હજુ પણ ગુમ છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય એવો ભાસ થયો હતો, જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં હતાં, જોકે કેટલાક લોકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકોની તત્પરતાને કારણે કેટલાકના જીવ બચી શક્યા હતા.
આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો કોઈને પણ હચમચાવી નાખે એવી છે.
"હું બચાવો બચાવોની બૂમ પાડતી રહી પણ કોઈ ન આવ્યું"
ગંભીર બ્રિજ તૂટી પડ્યા બાદ પોતાના દીકરાને બચાવવા માટેની બૂમો પાડતાં સોનલબહેનનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.
સોનલબહેન પઢિયાર આ દુર્ઘટનામાં બચી ગયાં હતાં. તેમણે એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમારી ગાડી એક ટ્રકની સાથે પડી હતી. હું ગાડીની પાછળની બાજુમાં બેઠી હતી. કિનારે લોકો ઊભા હતા. હું બચાવો-બચાવોની બૂમ પાડતી હતી. એક કલાક સુધી બૂમો પાડવા છતાં પણ કોઈ આવ્યું ન હતું. ત્યાર પછી બધા આવ્યા હતા.''
સોનલબહેનના પરિવારના ઘણા સભ્યો બ્રિજ તૂટી જવાના કારણે નદીમાં પડી ગયા હતા. સોનલબહેનના કહેવા પ્રમાણે તેઓ બગદાણા પૂનમ ભરવા જતાં હતાં. એમની સાથે છ લોકો હતા, જેમાં એમનો નાનકડો પુત્ર, પતિ, જમાઈ, બનેવી સહિતના લોકો હતા જેઓ ગોડીની અંદર જ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોહમ્મદપરાના નિવાસી ધર્મેશ પરમાર એએનઆઈ સાથેની વાતચીતમાં કહે છે, "મેં સવારે વીડિયો જોયો હતો. મારા પરિવારજનો સામેલ હોવાની જાણ થઈ હતી. મેં સ્થળ પર જઈને જોયું કે ગાડીમાં સવાર તમામ લોકો પાણીમાં ડૂબેલા હતા. મારા ફઇબા માત્ર બચી ગયાં હતાં. તેઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. ગામલોકોની મદદથી એમને બહાર કાઢ્યાં હતાં."
સોનલબહેન પઢિયારની જેમ નદીમાં પડેલ પિકઅપ વાનના ડ્રાઇવર તેમજ તેમની સાથે બાજુમાં બેઠેલા બે લોકોનો આબાદ બચાવ થયો છે. બોરસદથી જંબુસર જતા સમયે બ્રિજ પર અચાનક મોટેથી અવાજ આવતા ગાડીમાંથી જયેશભાઈ, અનવરભાઈ(ડ્રાઇવર) અને રઝાકભાઈ નામના ત્રણ શખ્સો કૂદી પડ્યા હતા.
અનવરભાઈ કહે છે, "અમે બોરસદથી જંબુસર જતા હતા ત્યારે પાછળથી પુલ તૂટી પડ્યો હતો. અને એકદમ ધડાકો થયો હતો. બ્રિજ તૂટતા જ બોલેરો વાન પાછળ જવા લાગી એટલે અમે બોલેરોમાંથી કૂદી પડ્યા હતા. અમે પાછળ જોયું તો અનેક વાહનો નીચે નદીમાં પડ્યાં હતાં."
બચાવ કામગીરીમાં સ્થાનિકોનો સહકાર નોંધપાત્ર રહ્યો હતો. રેસ્ક્યુ ટીમની સાથે સ્થાનિકો પણ બચાવમાં જોડાયા હતા અને વાહનોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
મુજપુરના સ્થાનિક જયરાજસિંહ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "મારા એક પરિચિતે મને કૉલ કરીને ઘટનાની જાણ કરી હતી. અમે ઘટનાની અડધો કલાકની અંદર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો દોરડાની મદદથી વાહનોને ખેંચી રહ્યાં હતાં અને બચાવ કામગીરી કરી રહ્યા હતા. ત્યાં સુધી કોઈ ટીમ આવી નહોતી. એક માજી બચાવો બચાવોની બૂમો પાડી રહ્યાં હતાં. રેસ્ક્યુ ટીમ કલાક-બે કલાક પછી આવી હતી."
સ્થાનિક રવિભાઈ કહે છે, "ઘટનાની જાણ થતાં અડધી કલાકમાં અમે પહોંચી ગયા હતા. મદદમાં સ્થાનિક લોકો આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ભોગ બનેલી દરિયાપુરા ગામની જ ગાડી છે જેમાં નવ લોકો હતા. ભારવાહી વાહનો ચાલે ત્યારે આ બ્રિજ ધ્રૂજે છે. આ પહેલાં અમે ઘણી રજૂઆતો કરી હતી."
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામગીરી કરી રહી છે. મશીનની મદદથી લોખંડના દોરડાથી વાહનોને બહાર કાઢવાની કવાયત ચાલી રહી છે. એનડીઆરએફના અધિકારી રામેશ્વર યાદવે બીબીસીને રેસ્કયુ કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
પુલ તૂટવાની ખબર પડતા નદીને કાંઠે ગામના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી.
સ્થાનિક રાજુભાઈના જણાવ્યા પ્રમાણે સવારે સાતને ચાલીસે આ ઘટના બની હતી અને તેઓ સવા આઠ વાગ્યે પહોંચી ગયા હતા. એમણે જોયું કે 'વાહનો પાણીમાં ડૂબેલાં હતાં.'
ઉલ્લેખનીય છે કે આ પુલની સ્થિતિ અંગે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. એકલબારા ગામના સરપંચ ધનજીભાઈ પઢિયારે જણાવ્યું કે, "બ્રિજ તૂટવાનો મૅસેજ મળતા જ હું અડધા કલાકમાં અહીં આવી ગયો. અહીં આવીને જોયું કે લગભગ ચાર ગાડી નીચે પડી ગઈ હતી. બીજી બાઇક પણ છે."
તેમણે દાવો કર્યો કે "આ પુલ જર્જરિત હતો, તેની આવરદા પૂરી થઈ ગઈ હતી."
ઘટનાસ્થળની નજીકના મુજપુર ગામના સરપંચ અભેસિંહ પરમારે જણાવ્યું કે, આ પુલ જર્જરિત હાલતમાં હતો અને બધે ખાડા પડી ગયા હતા. સળિયા પણ દેખાતા હતા. આ વિશે ઘણી રજૂઆત કરી છતાં કાળજી લેવામાં આવી ન હતી.
રાહત બચાવકાર્યમાં જોતરાયેલી એક વ્યક્તિ જગમારસિંહ પઢિયારે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, "મને સાડા સાત વાગ્યે આ બનાવ બન્યાની ખબર પડી, તે બાદ હું દોડીને અહીં આવ્યો. નદીમાં એક રિક્ષા, એક ટ્રક, એક ઇકો કાર, એક લોડિંગ મૅક્સ ગાડી અંદર પડી હતી."
"લોકો અહીં અન્યોને ફોન કરીને બોલાવી રહ્યા હતા. અહીં પોલીસતંત્ર પણ આવ્યું. એ બધાએ મળીને કેટલાક મૃતદેહ કાઢ્યા છે. થોડા હજુ કાઢવાના છે. નદીમાં હાલ ચાર-પાંચ વાહન છે, પરંતુ તેમાં બાઇક નથી દેખાઈ. "
તેઓ આગળ કહે છે કે, "આ ઘટનામાં મારા ગામના પાંચ લોકો હતા, જેમાંથી એક મહિલા બચ્યાં છે. તેમને દવાખાને મોકલ્યાં છે."
રાહત બચાવમાં લાગેલી વધુ એક વ્યક્તિ રાજદીપ પઢિયારે કહ્યું કે, "અમે અહીં આઠ વાગ્યાથી છીએ. અમે અહીં ગાડીને દોરડાથી બાંધીને ખેંચીને બહાર કાઢી છે. બે લોકો જીવિત હતા, તેમને દવાખાને મોકલી આપ્યા છે."
"અહીં પહેલાં ગામના લોકો જ હતા, પાછળથી બીજા લોકો પણ આવ્યા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન