રિક્ષાચાલક બની ગયો યુટ્યૂબર અને 60 લાખ લોકો કરે છે ફોલો, હવે રોજના કેટલા કમાય છે?

    • લેેખક, અશફાક
    • પદ, બીબીસી તામિલ

“હું ત્રણ વર્ષથી ઑટોરિક્ષા ચલાવું છું. ઑટોમાં સ્કૂલ બૅગ્ઝ એકઠી કરીને હું નીકળી જાઉં છું. હું ઓમ્ની પણ ચલાવું છું. મેં આ કામ સાથે સાથે સેંચિત કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. અમારે ભાડું ચૂકવવા સંઘર્ષ કરવો પડતો હતો. અમે કરિયાણાની ખરીદી પણ ઉધાર પર કરતા હતા. થોડા સમય સુધી હું દેવું પણ ચૂકવી શક્યો નહોતો. મેં વિચાર્યું કે એક જ કામ સતત કરતા રહીએ તો પ્રગતિ જરૂર કરી શકાય. ઈશ્વરની કૃપાથી હું આ તબક્કે પહોંચ્યો છું.”

આ શબ્દો લોકપ્રિય યુટ્યૂબર ઇરફાનના છે.

વાંકડિયા વાળ, હકીકતની વાત, ઉમદા અવાજ. આ ઇરફાન છે. ઇરફાન્સ વ્યૂ નામની યુટ્યૂબ ચેનલ માત્ર તામિલનાડુના ભોજનપ્રેમીઓ માટે જ નહીં, પરંતુ ઘણા લોકો માટે એક પારાશીશી છે.

મૂળ ચેન્નાઈનો ઇરફાન સ્કૂલ અને કૉલેજમાં એવરેજ સ્ટુડન્ટ હતો. મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલા ઇરફાનને અભિનયમાં રસ હતો. તેને નાની વયથી જ ખ્યાતનામ થવાની ઝંખના હતી. યુટ્યૂબ બહુ આકર્ષક નહોતું ત્યારે નવેમ્બર 2016માં ઇરફાને તેની વ્લોગ સફર શરૂ કરી હતી.

ઇરફાને ફૂલ-ટાઇમ યુટ્યૂબર બનવા માટે સારી નોકરીઓ છોડી અને વિરોધને નકારીને સખત મહેનત દ્વારા એકલા હાથે યુટ્યૂબ પર લગભગ 40 લાખ ફોલોઅર્સ મેળવ્યા છે. ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર ઇરફાનના કુલ 60 લાખ ફોલોઅર્સ છે. સિંગાપુરની કુલ વસ્તી આટલી છે.

તેમણે ફિલ્મોની સમીક્ષા, વિવિધ પ્રદેશોની વાનગીઓ, વિદેશ પ્રવાસો, હસ્તીઓના ઇન્ટરવ્યૂ અને પ્રસંગોપાત ફ્રેન્ક શોથી શરૂઆત કરી હતી. ઇરફાનના અનોખા અભિગમે માત્ર યુવાનોને જ નહીં, પરંતુ પુખ્ત વયના લોકોને પણ આકર્ષ્યા છે.

અમે એક વ્યસ્ત સવારે ઇરફાનને તેમની ચેન્નાઈ ઓફિસમાં મળ્યા હતા. તેમણે અમારી સાથે પ્રારંભિક સફર, કામના બોજ, યુટ્યૂબર્સની વૃદ્ધિ, સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા નેશનલ ક્રિએટર્સ ઍવૉર્ડ-2024 વિશે વાત કરી હતી.

હવે ઇરફાનની વાત સાંભળીએ.

સંકટ વચ્ચે પણ સપનાંનો પીછો કર્યો

મારી યુટ્યૂબ સફર શરૂ કરતા પહેલાં હું એક બીપીઓ કંપનીમાં કામ કરતો હતો. મને પ્રખ્યાત થવાની ઝંખના હતી, પરંતુ દરેક જણ જાણે છે કે તે આસાન નથી. મેં એક યુટ્યૂબ ચેનલ શરૂ કરી. અઠવાડિયે એક વીડિયો બનાવીને પોસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. એક દિવસ મેં વિચાર્યું કે હું એક જ કામ કરતો હોઉં તો તે સતત કરવું જોઈએ. શરૂઆતમાં જે એકધારું શરૂ થયું હતું તે આજ સુધી ચાલી રહ્યું છે.

2016માં હું એક રેસ્ટોરામાં મૅનેજર તરીકે કામ કરતો હતો. વેકેશન હોય ત્યારે મેં અઠવાડિયે એક વીડિયો પોસ્ટ કરવાની આદત પાડી હતી. એક તબક્કે મેં નોકરી છોડીને ફૂલ-ટાઇમ યુટ્યૂબર બનવાનું નક્કી કર્યું. ઘરના લોકોએ જ વિરોધ કર્યો. યુટ્યૂબના આધારે નોકરી છોડવાના મારા નિર્ણયથી ઘણાને દુખ થયું હતું.

હું ભાડું ચૂકવવા માટે સંઘર્ષ કરતો હતો. કરિયાણું ખરીદવાના પૈસા નહોતા. હું દૃઢપણે માનતો હતો કે કામ કરવાથી બધું જ ઠીક થઈ શકે છે. મેં યુટ્યૂબર તરીકે સખત મહેનત કરી. નોકરી છોડ્યા પછી મને સમજાયું કે અઠવાડિયે માત્ર એક વીડિયો પોસ્ટ કરવો યોગ્ય નથી. તેથી મેં દરરોજ એક વીડિયો પોસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે હું એ તબક્કે પહોંચી ગયો છું.

સવારે ઑટોરિક્ષા ચલાવવાની અને સાંજે કૉલેજમાં અભ્યાસ

મારા પપ્પા વાન ડ્રાઇવર છે. તેમની પાસે ઓમ્ની અને બીજાં વાહનો છે. તેઓ બાળકોને સ્કૂલે લઈ જવાનું કામ કરતા હતા. મેં પણ તેમની જેમ ત્રણ વર્ષ સુધી ઑટોરિક્ષા ચલાવી હતી.

હું દરરોજ સવારે અને બપોરે બાળકોને ઑટોરિક્ષામાં સ્કૂલે લઈ જતો હતો. આ કામ તો રોજનું હોય છે. મેં ઓમ્ની વાન પણ ચલાવી છે. એ પછી હું કૉલેજે જતો હતો.

‘મને ખબર ન હતી કે આટલી કમાણી કરીશ’

પહેલાં તો મને વિશ્વાસ જ નહોતો કે હું મોટો યુટ્યૂબર બનીશ. યુટ્યૂબર્સને પોતાનું પ્લૅટફૉર્મ મળે છે. મને ઍવૉર્ડ મળશે તેની કલ્પના પણ ક્યારેય કરી ન હતી.

યુટ્યૂબમાંથી આટલા બધા પૈસા કમાઈ શકાય તેની મને ત્યારે ખબર નહોતી. મને લાગે છે કે હું ઍક્ટર હોત તો પણ આટલી પ્રસિદ્ધિ મળી ન હોત.

યુટ્યૂબર તરીકે હું જ્યાં જાઉં છું ત્યાં લોકો મારું સ્વાગત કરે છે. મને સ્કૂલ-કૉલેજમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે છે. તેઓ મને યુટ્યૂબ વિશેના પાઠ ભણાવવા કહે છે. મને લાગે છે કે આ કામે મને ઓળખ આપી છે.

‘ઓવરલોડને કારણે તણાવ’

હું કંપની માટે કામ કરતો હતો ત્યારે પણ મને બે દિવસની રજા મળતી હતી. તમે પાંચ દિવસ સુધી રોજ નવ કલાક કામ કરો તો વીકએન્ડમાં આરામ મળે, પરંતુ આ બિઝનેસમાં કોઈ વેકેશન જ નથી.

ઉદ્યોગસાહસિકો કહેશે કે આ સારી વાત છે. પૈસા કમાઈ શકીએ છીએ, પરંતુ સમયની બહુ તંગી રહે છે. પોતાની જાત અને પરિવાર માટે સમય કાઢવાનું પણ મુશ્કેલ બને છે. ઉદ્યોગસાહસિકો 24 કલાક બિઝનેસના જ વિચાર કરતા હોય છે. બહુ તણાવભર્યો સમય હોય છે. ક્યારેક જોરદાર ગુસ્સો આવે, ક્યારેક રડી પડવાનું દબાણ આવે.

વધારે પડતું ભોજન કરવાથી ઘણીવાર ફૂડ પોઇઝનિંગ થાય. હું રોજ બે હૉસ્પિટલની મુલાકાત લઉં છું. હું હૉસ્પિટલમાં પ્રવેશું કે તરત ડૉક્ટર્સને ખબર પડી જાય છે કે મને શું પ્રૉબ્લેમ છે. હૉસ્પિટલમાં બે દિવસની સારવાર દરમિયાન આરામ મળે છે તેનો આનંદ હું માણું છું, કારણ કે એ વખતે કશું કામ કરવાનું હોતું નથી. કોઈ ચિંતા હોતી નથી.

યુટ્યૂબ પર હજારો ક્રિએટર્સ છે. તેઓ કહે છે કે આમાંથી લાંબો સમય સુધી કમાણી કરવી શક્ય નથી, પરંતુ તામિલનાડુમાં કેટલાક ગુણવત્તાસભર ક્રિએટર્સ છે. તમે લોકોને સારી ક્વોલિટીના વીડિયો આપો તો તેઓ તેનો આનંદ માણવા તૈયાર હોય છે.

‘અમારા પર ફિલ્મ ઉદ્યોગની પણ નજર હોય છે’

અનુભવ બહુ સારો રહ્યો છે. ફિલ્મના કલાકારો અમારી પાસે આવે છે અને ઇન્ટરવ્યૂ આપે છે તે બહુ મોટી વાત છે. યુટ્યૂબમાં શરૂઆતમાં મૂવી ટ્રેલર્સ અને રિવ્યૂ વીડિયોઝ જ આવતા હતા.

યુટ્યૂબ પર ફિલ્મોના કલાકારોને નિહાળતા લોકોએ અમારી નોંધ લેવાનું શરૂ કર્યું. હવે અમે મોટા થઈ ગયા છીએ. તેમની ફિલ્મોના ઇન્ટરવ્યૂ કરવા એ સારી વાત છે એવું હું માનું છું. ફિલ્મ ઉદ્યોગ પણ અમારી નોંધ લઈ રહ્યો હોય એવું લાગે છે.

રાજકીય નેતાઓ સાથેની મુલાકાત કેવી રીતે શક્ય બને છે?

મેં મારો પ્રથમ પોલિટિકલ ઇન્ટરવ્યૂ ડીએમકેનાં સંસદસભ્ય કનીમોરીનો કર્યો હતો. તુતિકોરિનમાં ફૂડ ફેસ્ટિવલ હતો ત્યારે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાં મને તેમની મુલાકાત લેવાની તક મળી હતી.

કોઈ રાજકીય નેતા સાથે વિચિત્ર ફૂડ ચેલેન્જનો કાર્યક્રમ યોજાયો હોય એવી તે પહેલી ઘટના હતી. તેમણે પણ અમને સહકાર આપ્યો હતો.

તેમણે રમતિયાળ રીતે ભોજન લીધું હતું અને ચાખ્યું હતું. જોકે, અમે ગભરાટમાં તેમનો વીડિયો શૂટ કર્યો હતો. આખરે તો તેઓ એક રાજકીય નેતા છે. વીડિયો પણ ખૂબ જ સારો બન્યો હતો.

રાજકીય નેતાઓનો સંપર્ક કરવો ક્યારેક ડરામણું હોય છે, કારણ કે પોતે કેવા વાતાવરણમાં હશે એ તેઓ જાણતા હોતા નથી. ડીએમકેના યુવા સચિવ ઉદયનિધિનો ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો, પરંતુ એ તેમની એક ફિલ્મ માટે કર્યો હતો.

નેશનલ ક્રિએટર્સ એવોર્ડ વિશે તમે શું માનો છો?

મેં એ કાર્યક્રમ ક્યારેય જોયો નથી. તામિલનાડુમાં કોઈને તે મળશે નહીં એ હું જાણતો હતો. દેશમાં હિન્દીભાષી લોકો વધારે છે, પરંતુ તામિલભાષી વક્તાઓ બહુ ઓછા છે.

તેથી હિન્દી ભાષામાં વીડિયો બનાવતા ક્રિએટર્સ જ તેમાં ભાગ લઈ શકે તેમ હતા. ઍવૉર્ડ પણ જીતી શકે છે. આગામી સમયમાં આ કેવી રીતે આગળ વધે છે તે જોઈએ.

યુટ્યૂબર્સ પર અતિશયોક્તિનો આક્ષેપ સતત કેમ થતો રહે છે?

હું ઈમાનદારીથી કામ કરવામાં માનું છું. નિંદા કરવી આસાન છે. વિવાદ સર્જવો પણ આસાન છે. લોકોને તે ગમે પણ છે, પરંતુ એ હેતુસર, વર્ષોથી ચાલતી ફૂડ કંપનીઓ વિશે ખોટું બોલવું યોગ્ય નથી.

એક ખોટા મૅસેજથી ઘણી બ્રાન્ડ્ઝ ખતમ થઈ ગઈ છે. જે ન હોય તે કહેવું અતિશયોક્તિ છે. તેમનો ધંધો અદૃશ્ય થઈ જશે. રેસ્ટોરામાં જઈને માત્ર પોઝિટિવ રિવ્યૂ જ કહેવામાં આવે છે.

તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કોઈ પણ વીડિયો વિશે લોકો કૉમેન્ટ્સ કરે છે. શું સારું છે, શું ખરાબ છે તે લોકો જાણે છે. લોકો ઉત્સુકતાથી પણ વાકેફ છે.

‘ધોળા દહાડે ધમકી આવે છે’

મેં 2,000થી વધારે વીડિયોઝ પબ્લિશ કર્યા છે. ક્યારેક ટીકા થાય ત્યારે દુઃખ થાય છે. પ્રસાર માધ્યમો ન્યૂઝ ચેક કર્યા વિના કશુંક અધકચરું પ્રકાશિત કરે છે ત્યારે હું ઉદાસ થઈ જાઉં છું. હું જેણે સમાચાર પ્રકાશિત કર્યા હોય તેની સાથે વાત કરું છું.

કેટલાક લોકોને ભૂલ સમજાય છે. તેઓ તેમણે સોશિયલ મીડિયા પર મારા વિશે પોસ્ટ કરેલા વીડિયોઝ ડિલીટ કરી નાખે છે. કાયદેસરના પગલાં લેવા માટે કોણ દોડે? ધમકીભર્યા ફોનકૉલ્સ તો દિવસ દરમિયાન પણ આવે છે.

‘જવાબદારી જરૂરી છે’

યુ ટ્યૂબ પર બાળકો વધુને વધુ વીડિયો નિહાળી રહ્યા છે ત્યારે બહુ જ જવાબદારીપૂર્વક કામ કરવું મહત્ત્વપૂર્ણ છે.

અમારી પાસે આવતા લોકોને અમારે સાચી વાત જ કરવી જોઈએ. તેમને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં. હું માત્ર મનોરંજક વીડિયોઝ પોસ્ટ કરું છું.

ક્યારેક કેટલાક લોકો કહે કે તેમાં વધારે જવાબદારી જરૂરી છે ત્યારે મને લાગે છે કે સમાચાર અને ઇતિહાસ જેવી હકીકત આધારિત ઘટનાઓના વીડિયોના નિર્માણ તથા પ્રકાશન વખતે વધારે જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ.