You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'આત્મહત્યા કરવાથી જલદી પુનર્જન્મ મળશે' આ સંદેશ આપનાર ધર્મપ્રચારક સહિત સાત લોકોના આપઘાતની કહાણી
- લેેખક, રંજન અરુણ પ્રસાદ
- પદ, બીબીસી સંવાદદાતા
શ્રીલંકામાં એક બૌદ્ધ પ્રચારક અને તેના પરિવારજનો સહિત કુલ સાત લોકોએ માનવ જન્મમાંથી મુક્ત થઈ આગળના જન્મમાં જલદી પહોંચવા માટે કથિત આત્મહત્યા કરી લીધી છે.
આ ઘટના વિશે પોલીસે તપાસ શરૂ કરી છે.
47 વર્ષીય રુવન પ્રસન્ના ગુણરત્ને બૌદ્ધ ધર્મમાં પુનર્જન્મ વિશે રહેલી વાતો બાબતે કથિત ગેરસમજ ધરાવતા હતા. તેઓ દેશના વિભિન્ન ભાગોમાં ઉપદેશ આપતા કાર્યક્રમો યોજતા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે તેમણે કેટલીક સભાઓમાં તેમના ઉપદેશોમાં એમ કહ્યું હતું કે આત્મહત્યા કરીને આગળના જન્મમાં જલદી પહોંચી શકાય છે.
એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ શરૂઆતના દિવસોમાં એક રાસાયણિક પ્રયોગશાળામાં કામ કરતા હતા.
તેઓ ત્યાર બાદ રાસાયણિક પ્રયોગશાળાનું કામ છોડીને શ્રીલંકાના વિવિધ ભાગોમાં ઉપદેશ આપવા સભાઓ યોજતા હતા.
આ ધાર્મિક પ્રચારકે ગયા મહિને 28 તારીખે આત્મહત્યા કરી લીધી હતી.
હોમાગામા વિસ્તારમાં રહેતા રુવને ઝેર પીને આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસનું કહેવું છે આ પ્રચારકનાં પત્નીએ તેમનાં ત્રણ બાળકીઓને ભોજનમાં ઝેર આપ્યાં પછી આત્મહત્યા કરી લીધી હતી.
માલાબે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસને શરૂઆતમાં આશંકા હતી કે રુવનનાં પત્ની પોતાના પતિના મૃત્યુના આઘાતને સહન નહીં કરી શક્યાં હોય અને તેમણે બાળકોને ભોજનમાં ઝેર આપી પોતે પણ આત્મહત્યા કરી લીધી હશે.
જોકે આ ઘટના બાબતે શંકા જતા પોલીસે વિવિધ ઍન્ગલથી તપાસ શરૂ કરી હતી.
પોલીસે આ પરિવારના અંતિમસંસ્કારમાં સામેલ થનાર એક વ્યક્તિની પૂછપરછ કરી છે.
પોલીસે અંબાલાંગોડા વિસ્તારના રહેવાસી 34 વર્ષીય પિરથીકુમારેની તપાસ કરી છે.
પિરથીકુમારે પોલીસને જણાવ્યું કે તેઓ થોડાં વર્ષો અગાઉ આત્મહત્યા કરવાનો ઉપદેશ આપનારા આ પ્રચારકની સભામાં ગયા હતા.
તેમણે કહ્યું કે આ જ કારણે તેમણે પ્રચારક, તેમનાં પત્ની અને બાળકીઓના અંતિમસંસ્કારમાં ભાગ લીધો હતો.
તેમણે પોલીસને એમ પણ જણાવ્યું કે ઉપદેશકે આત્મહત્યાને પ્રોત્સાહિત કરવાનું પ્રશિક્ષણ પણ આપ્યું હતું.
એવું કહેવાય છે કે આ વ્યક્તિએ પોલીસને કહ્યું હતું કે આ પ્રચારકે પણ જલદી જ આગલા જન્મમાં પહોંચી જવા માટે આત્મહત્યા કરી છે.
જોકે આ પછી પોલીસને આવું નિવેદન આપનારા 34 વર્ષીય પિરથીકુમારેએ પણ આત્મહત્યા કરી લીધી.
પોલીસે તેમનો મૃતદેહ મહરાગામા વિસ્તારની એક હોટલના રૂમમાંથી જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ વ્યક્તિએ બીજી જાન્યુઆરીએ એક પ્રકારનો નશીલો પદાર્થ ખાઈને આત્મહત્યા કરી હતી.
પોલીસે હોટલના રૂમમાંથી એ ઝેરી પદાર્થ જપ્ત કર્યું છે જેનો ઉપયોગ પિરથીકુમારેએ કથિત આત્મહત્યા કરવા માટે કર્યો હતો.
આ ઉપરાંત એક યુવતી જે પ્રચારક અને તેના પરિવારજોની અંતિમવિધિમાં સામેલ થઈ હતી તેણે પણ આવો જ ઝેરી પદાર્થ ખાધો હતો. તે યુવતીનું પણ મોત થયું હતું.
આ યુવતીએ યક્કલા વિસ્તારમાં પોતાના ઘરે કથિત આત્મહત્યા કરી છે.
પોલીસ અનુસાર તપાસમાં એવું જાણવા મળ્યું છે કે યુવતી આ પ્રચારકની સભાઓમાં જતી હતી. આ પ્રચારક વિશે એવું કહેવાય છે કે તે બૌદ્ધ ધર્મ વિશે ગેરમાન્યતા ફેલાવતો હતો.
પોલીસે એ વાતની તપાસ શરૂ કરી છે કે કથિત આત્મહત્યાઓના આ બધા જ મામલાઓમાં ઉપયોગમાં લેવાયેલો પદાર્થ એક જ પ્રકારનો છે કે નહીં.
દરમ્યાન પોલીસે હવે એ તમામ વ્યક્તિઓની પણ તપાસ હાથ ધરી છે જેઓ આ પ્રચારકની સભાઓમાં હાજર રહેતા હતા.
પોલીસે એ પણ તપાસ હાથ ધરી છે કે પ્રચારકની સભાઓમાં ભાગ લેનારા આ લોકોમાંથી કોઈ વ્યક્તિ પર તેના વિચારોની અસર તો નથી થઈ ને?
પોલીસ અધિકારી નિહાલ તલડુવાએ મીડિયાને જણાવ્યું હતું કે જે પદાર્થ લેવાથી આ લોકોનાં મૃત્યુ થયાં છે તે સાઇનાઇડ પ્રકારનું છે.
પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું, "તમામ ચાર ઘટનાઓમાં એક જ પ્રકારની ગતિવિધિ જોવા મળી છે, જેમાં ઝેરી પદાર્થની એક બૅગ છે. જે એક નાની બૉટલમાં રાખેલી હતી."
"અમને તે સાઇનાઇડ હોવાની આશંકા છે. જોકે આ ઝેરી પદાર્થ વિશેનો તપાસ અહેવાલ આવે ત્યારે તેની માહિતી આપવામાં આવશે કે આ ઝેરી પદાર્થ શું હતો. જોકે એ તો સ્પષ્ટ જ છે કે તે ઘાતક હતો."
"તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે આ પ્રચારકે કથિત રીતે ઝેર પી આત્મહત્યા કેવી રીતે કરવી તે સભામાં હાજર રહેલા લોકોને શીખવ્યું હતું."
પોલીસ અધિકારીએ આ વિશે વિનંતી કરતા કહ્યું હતું, "જો વ્યક્તિ હાલની સ્થિતિમાંથી આવું કરીને તાત્કાલિક મુક્તિ મેળવે તો તેને બીજી વાર ખૂબ જ સારી જગ્યાએ જન્મ મળે છે. કેટલાક કિસ્સામાં લોકોએ આ વાત પર ભરોસો કરી લીધો હોઈ શકે છે. આથી આવી સભાઓમાં ભાગ લેનારા લોકોના સંબંધીઓ પર ધ્યાન આપવામાં આવે."